Get The App

વિશ્વની સૌથી મોટી લોકશાહીના મહાપર્વની પૂર્ણાહૂતિ

- આ વખતની લોકસભાની ચૂંટણીઓ ઘણી રીતે અગાઉની ચૂંટણીઓ કરતા અલગ રહી

Updated: May 20th, 2019

GS TEAM

Google News
Google News
વિશ્વની સૌથી મોટી લોકશાહીના મહાપર્વની પૂર્ણાહૂતિ 1 - image



ચૂંટણી પૂરી થતાં હવે દેશના લોકોની નજર 23 મેના પરિણામો પર ટકેલી છે, એમાંયે જો કોઇ મોરચાને બહુમતિ મળી તો ઠીક નહીંતર શરૂ થશે રાજકીય સોદાબાજી અને જીતેલા ઉમેદવારોની ખેંચતાણનો દોર

છેવટે ૧૭મી લોકસભા માટે યોજાયેલી દોઢેક મહિના જેટલી લાંબી અને સાત તબક્કામાં વહેંચાયેલી મતદાનની પ્રક્રિયાનો અંત આવ્યો છે. હવે રાજકીય પક્ષોની સાથે સાથે દેશની જનતા પણ ૨૩ મેના પરિણામના દિવસની આતુરતાથી રાહ જોઇ રહી છે.

લોકસભાની ચૂંટણીમાં મુખ્ય પ્રતિદ્વંદ્વી ભાજપ અને કોંગ્રેસ પોતપોતાની જીતની આશા વ્યક્ત કરી છે એ જોતાં લાગી રહ્યું છે કે લડાઇ જોરદાર હશે અને પાસુ ગમે તે તરફ પડી શકે છે. જોકે આ ચૂંટણીમાં આંખે ઊડીને વળગે એવી બાબત એ સામે આવી છે કે દેશની જનતાના મુદ્દા કોરાણે મૂકાઇ ગયા છે અને રાજકીય પક્ષો એવા વાદવિવાદમાં ઉલઝાયેલા રહ્યાં છે જેમને પ્રજાના કલ્યાણ સાથે કોઇ લેવાદેવા નથી.

લાંબી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો વચ્ચેની હુંસાતુંસી, રેલીઓ, રોડ શો, ચૂંટણી ખર્ચ, હિંસા, ઇવીએમ, વીવીપેટ અને ચૂંટણી પંચની કામગીરી અંગે ભરપૂર ચર્ચા થઇ પરંતુ પ્રજાને અડતા ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી, ખેડૂતોની અને યુવાનોની સમસ્યાઓ જેવા મુદ્દાઓ ગાયબ રહ્યાં. 

વિપક્ષો સતત સત્તાધારી પાર્ટી પાસેથી પ્રજાની સમસ્યાઓને લગતા સવાલોના જવાબ માંગતા રહ્યાં પરંતુ સત્તાધારી પક્ષે તો જાણે પ્રજાને વાસ્તવિક મુદ્દાઓ પ્રત્યે ગફલતમાં રાખવાનું જ નક્કી કર્યું હોય એમ રાષ્ટ્રવાદના વાદળ હેઠળ અન્ય તમામ મુદ્દાઓને ઢાંકી દેવાનું વલણ જ અપનાવ્યે રાખ્યું. એમાં બેમત નથી કે રાષ્ટ્રવાદ દેશના પ્રત્યેક નાગરિક માટે જરૂરી છે અને રાષ્ટ્રવાદ ખાસ કરીને સેનાના શૌર્યનું દેશના નાગરિકો માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. 

ખાસ કરીને પાકિસ્તાનની વાત આવે ત્યારે તો પ્રત્યેક દેશવાસીનો રાષ્ટ્રવાદના મુદ્દે ઝનૂની બની જાય છે. જોકે એ હકીકત છે કે ગમે તેવા બણગાં ફૂકવા છતાં પાકિસ્તાન કાયમ ભારતના હાથે કારમો પરાજય જ પામતું આવ્યું છે. જે દેશની રચના જ ભારત પ્રત્યે ઘૃણાના કારણે થઇ હોય એ દેશ ભારતની સમૃદ્ધિ જોઇને નુકસાન કરવાના પેંતરા રચે એ સ્વાભાવિક છે.

પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે વર્તમાન સરકાર હોય કે ભૂતકાળની સરકારો હોય, પાકિસ્તાન પ્રત્યેની આપણી વિદેશનીતિ હંમેશા આકરી જ રહી છે. પાકિસ્તાનની ચૂંટણીઓમાં ત્યાંના રાજકીય પક્ષો દ્વારા કાયમ ભારતવિરોધી ઝેર ઓકવામાં આવતું હોય છે કારણ કે ત્યાંની રાજકીય પાર્ટીઓ પાસે વિકાસ માટે વાત કરવાને ખાસ હોતું નથી અને  ત્યાંની પ્રજાને ભારતવિરોધી વિષનું જ પાન કરાવવામાં આવે છે. 

બીજી બાજુ ભારતે આઝાદી બાદ આખી દુનિયા ચકિત થઇ જાય એ હદે પ્રગતિ કરી છે. આજે ભારત દુનિયાની ટોચની અર્થવ્યવસ્થાઓમાં અને લશ્કરી તાકાતોમાં સ્થાન ધરાવે છે. ભારતની આ પ્રગતિ કંઇ રાતોરાત નથી થઇ એ દેખીતી બાબત છે. બીજું એ કે ભારત કંઇ પાકિસ્તાન નથી કે અહીંયા પ્રજા કલ્યાણને લગતા વાસ્તવિક મુદ્દાઓ જ ન હોય.

પાકિસ્તાનમાં ભલે લોકશાહી કહેવાતી હોય પરંતુ ત્યાંની સત્તાની બાગડોર કાયમ સેના અને જાસૂસી સંસ્થા આઇએસઆઇના હાથમાં જ રહી છે. બીજી બાજુ ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી હોવાનું ગૌરવ ધરાવે છે. ચૂંટણી પંચે શરૂઆતમાં જ તાકીદ કરી હતી કે સેનાના શૌર્યને વટાવવાનો પ્રયાસ કોઇ રાજકીય પક્ષ ન કરે પરંતુ આચાર સંહિતાને ચાલાકીપૂર્વક ચાતરીને ભાજપના ટોચના નેતાઓએ વારંવાર બાલાકોટ હુમલાનો શ્રેય લેવાનો પ્રયાસ કર્યો.

પોતાના ઉત્કૃષ્ટ ઇતિહાસના દાવા કરતો ભાજપ વર્તમાન ભૂલી જાય છે પરંતુ જનતા બધું જાણે છે. મોદી સરકારે છેલ્લા પાંચ વર્ષમાં શું કર્યું છે એ પ્રજાની નજર સામે છે. એ જ કારણ છે કે પાંચ વર્ષ સુધી એકહથ્થુ શાસન કરવા છતાં ભાજપ ફરીથી સત્તામાં આવવાને લઇને શંકામાં છે. સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન પાંચ વર્ષ દરમિયાન શું કર્યું કે ફરીથી સત્તામાં આવશે તો શું કરશે એ વિશે ચર્ચા કરવાના સ્થાને વિપક્ષના હયાત કે મૃત્યુ પામેલા નેતાઓ પર કાદવઉછાળ સિવાય ભાજપના નેતાઓએ કર્યું નથી.

લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાના માત્ર ત્રણ દિવસ પહેલા ભાજપે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં રાષ્ટ્ીય સુરક્ષા, ખેડૂત કલ્યાણ અને ઉદ્યોગોના વિકાસ જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ ચૂંટણી પ્રચારમાં ચૂંટણી ઢંઢેરાના મુદ્દાઓ ખાસ ચર્ચવામાં જ ન આવ્યાં. ગત લોકસભાની ચૂંટણીમાં ભ્રષ્ટાચારના મુદ્દાને જોરશોરથી ચગાવ્યો હતો પરંતુ આ ચૂંટણીમાં ભ્રષ્ટાચારનો મહામુદ્દો તો જાણે ક્યાંય ખોવાઇ જ ગયો.

નોટબંધી અને જીએસટી જેવા આર્થિક સુધારણાના પગલાં ભર્યાના દાવા કર્યાં બાદ એ મુદ્દાઓને પણ સિફતપૂર્વક અવગણી જવામાં આવ્યાં. ભાજપના સંકલ્પપત્રમાં યુવાનોને સૌથી અસર કરતી રોજગારીની સમસ્યા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું નહોતું તો ચૂંટણી પ્રચારમાં પણ રોજગારીના મુદ્દાને ભૂલી જવામાં આવ્યો.

એ પણ ખરું કે વિપક્ષો પણ પ્રજા કલ્યાણના મુદ્દાઓ અસરકારક રીતે ઉઠાવવામાં નિષ્ફળ રહ્યાં. જોકે કોંગ્રેસે યુવાનોને રોજગારી આપવાના મુદ્દાને સારો એવો ચગાવ્યો અને કેન્દ્ર સરકારની ખાલી રહેલી ૨૪ લાખ નોકરીઓનો મુદ્દો બનાવવામાં સફળતા મેળવી પણ ખરી. પરંતુ એ પણ હકીકત છે કે યુવાનોનો મોટો વર્ગ ભાજપ દ્વારા રજૂ કરવામાં આવેલા રાષ્ટ્રવાદના એજન્ડાના પ્રભાવમાં આવી ગયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારે કૂનેહપૂર્વક પોતાની સરકારની નબળાઇઓને ઢાંકીને પોતે ઊભા કરેલા મુદ્દાઓમાં સમગ્ર વિપક્ષને ઉલઝાવી રાખવામાં સફળ રહ્યાં.

બેરોજગારી ઉપરાંત કૃષિ, શિક્ષણ અને ગ્રામીણ ભારતના મુદ્દાઓની પણ ઉપેક્ષા કરવામાં આવી. જોકે કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં અલગથી ખેડૂત બજેટ લાવવાની તેમજ શિક્ષણ પર જીડીપીના છ ટકા ખર્ચ કરવાનો વાયદો કર્યો પરંતુ ચૂંટણી પ્રચારમાં આ મુદ્દાઓને કેન્દ્રમાં લાવવામાં નિષ્ફળ રહી. સત્તાધારી પાર્ટીએ તો શિક્ષણના મામલે મોઢું સીવી રાખવામાં જ ભલાઇ સમજી. તો કૃષિ ક્ષેત્રમાં ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપીને સમસ્યાઓ નિવારવાના દાવા કર્યાં. 

ખરું જોતાં રાજકીય પક્ષો પોતાના જ ચૂંટણી ઢંઢેરાઓનો ઉલ્લેખ કરતા ખચકાતા હતાં એનાથી જ ખ્યાલ આવે કે તેમને મન રાષ્ટ્રીય વિકાસનું મહત્ત્વ કેટલું છે? દેશનો આશરે ૬૫ ટકા મતદાર વર્ગ યુવાવર્ગનો બનેલો છે અને એ જ યુવાનો સમક્ષ વિકાસ અને એકતાના સ્થાને વિધ્વંશ અને નફરતના બીજ રોપવામાં આવે છે. દેશનું ભાવિ જેના પાયા પર રહેલું છે એ શિક્ષણ વ્યવસ્થાને સુધારવાની વાત તો કોઇ રાજકીય પાર્ટી કરતી જ નથી. ચૂંટણી દરમિયાન જે રીતે કાળા નાણાંનો મોટા પાયે ઉપયોગ થાય છે એને નાબૂદ કરવાની વાત જ થતી નથી. 

૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોમાં જીવ ગુમાવેલા નિર્દોષ નાગરિકોનો મુદ્દો ૨૦૧૯માં ઉઠાવાય પરંતુ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગૌરક્ષાના નામે જીવ લેવાયેલા નિર્દોષ નાગરિકોને ભૂલી જવામાં આવે. અખંડ ભારતના દાવા થાય પરંતુ ચૂંટણી આવતા જાતિ, ધર્મ અને પ્રદેશોના આધારે મત માંગવામાં આવે. યાદ રહે કે ચૂંટણી કોઇ જાતિ, ધર્મ કે પ્રદેશની નહીં પરંતુ અખંડ ભારતવર્ષની છે.

મતદાનમાં પણ ભારતનો દરેક પુખ્ત વયનો નાગરિક ભાગ લઇ શકે છે, ભલે તેનો ધર્મ કે જાતિ ગમે તે હોય. દેશની સુરક્ષામાં જાનની બાજી લગાવી દેતા આપણા જવાનોની પસંદગી પણ તેમના ધર્મના આધારે નહીં પરંતુ તેમની યોગ્યતાના આધારે થાય છે. એ જ કારણ છે કે સેના દ્વારા કરવામાં આવેલી કોઇ સાહસિક કાર્યવાહીમાં ભાગ લેનારા જવાનની ઓળખ માત્ર ભારતીય તરીકે થાય છે. 

બેશક ભૂતકાળમાં દફન થઇ ચૂકેલા મુદ્દાઓને ફરીથી ખોદી કાઢવામાં આવ્યાં અને પ્રજાનું ધ્યાન ભટકાવવાના પ્રયાસ કરવામાં આવ્યાં પરંતુ અંતિમ તબક્કો આવતા આવતા તો પશ્ચિમ બંગાળમાં હિંસા અને ભાજપ અને મમતા બેનરજી વચ્ચે જે કડવાશભર્યો વિવાદ થયો એના કારણે દેશનું રાજકારણ જાણે અધોગતિ પામ્યું હોય એવો અહેસાસ થયો.

એમાંયે સાધ્વી પ્રજ્ઞાાએ જે રીતે પહેલાં શહીદ હેમંત કરકરેને દેશદ્રોહી અને એ પછી બાપુના હત્યારા ગોડસેને રાષ્ટ્રભક્ત બતાવ્યો એનાથી તો કહેવાતો રાષ્ટ્રવાદ ઉઘાડો પડી ગયો. હકીકતમાં રાજકીય પક્ષોની વોટ મેળવવાની લાલસા એે હદે પહોંચી ગઇ છે કે રાષ્ટ્રીય હિતોને જ અભરાઇએ ચડાવી દેવામાં આવ્યાં છે. 

હવે ચૂંટણી પૂરી થતાં એક્ઝિટ પોલોનો દોર શરૂ થશે અને શરૂ થશે એ સાથે જ ચેનલો પર કોને કેટલી બેઠકો મળશે એની બૂમાબૂમ. પરિણામો આવે એમાં કોઇ મોરચાને બહુમતિ મળે તો ઠીક નહીં તો રાજકીય પક્ષો વચ્ચેની ખેંચતાણ અને હોર્સ ટ્રેડિંગ શરૂ થઇ જશે.

 પ્રજા મૂગા મોંઢે બધું જોયા કરશે. બધું સમુસૂતરું પાર પડશે અને રચાશે નવી સરકાર જે આવતા પાંચ વર્ષ સુધી મતદારોને ભૂલીને પોતાની ખીચડી રાંધવામાં લાગી જશે. મતદારો યાદ આવશે કોઇ ચૂંટણી આવે ત્યારે.

Tags :