118 અબજ ડૉલર : ગ્લોબલ વૉર્મિંગની ભારતે ચૂકવવાની કિંમત
- 'એસેસમેન્ટ ઓફ ક્લાઇમેટ ચેન્જ ઓવર ધ ઇન્ડિયન રિજન' : 120 વર્ષના પર્યાવરણનું ચિત્ર રજૂ કરતો ભારત સરકારનો પ્રથમ રિપોર્ટ
- ક્લાયમેટ ચેન્જના કારણે તાપમાનમાં વધારો થઇ રહ્યો છે અને ચોમાસાની પેટર્ન બદલાઇ રહી છે અને આ બંને પરિબળો એવા છે જે દેશની અર્થવ્યવસ્થાને મોટો ઝાટકો આપી શકે છે એ સંજોગોમાં ક્લાઇમેટ ચેન્જને લઇને તાકીદના પગલાં લેવાનો સમય આવી ગયો છે
દુષ્કાળ, પૂર અને વાવાઝોડા જેવા કુદરતના પ્રહાર ઝીલી રહેલા ભારત માટે એક વધારાના માઠા સમાચાર છે. ભારત સરકારના એક રિપોર્ટ અનુસાર આ સદીના અંત સુધી ગ્લોબલ વૉર્મિંગ દેશ માટે મોટી મુસીબત ખડી કરી શકે છે. ભારત સરકાર દ્વારા આ પ્રકારનો પહેલો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સદીના અંત સુધી ભારતના સરેરાશ તાપમાનમાં ૪.૪ ડિગ્રીનો વધારો થઇ જશે. જેની સીધી અસરથી હીટ વેવ અને વાવાઝોડાની સંખ્યા વધશે. એટલું જ નહીં, સમુદ્રના જળસ્તરમાં પણ વધારો થઇ શકે છે.
એસેસમેન્ટ ઓફ ક્લાઇમેટ ચેન્જ ઓવર ધ ઇન્ડિયન રિજન નામના આ રિપોર્ટ અનુસાર જો ક્લાયમેટ ચેન્જને રોકવાના પ્રયાસ ન કરવામાં આવ્યા તો હીટ વેવમાં ત્રણથી ચાર ગણો વધારો થશે અને સમુદ્રનું જળસ્તર ૩૦ સેન્ટીમીટર જેટલું વધી જશે. રિપોર્ટ અનુસાર છેલ્લા ૩૦ વર્ષોમાં સૌથી ગરમ દિવસના તાપમાનમાં ૦.૬૩ ડિગ્રી અને સૌથી ઠંડી રાતના તાપમાનમાં ૦.૪ ડિગ્રીનો વધારો થયો છે. આ સદીના અંત સુધીમાં આ તાપમાનમાં ક્રમશઃ ૪.૭ ડિગ્રી અને ૫.૫ ડિગ્રી જેટલો વધારો થશે. રિપોર્ટ અનુસાર ગરમ દિવસો અને ગરમ રાતોની ફ્રિકવન્સીમાં ૫૫થી ૭૦ ટકાનો વધારો થશે.
થોડા સમય પહેલા વર્લ્ડ બેંકના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ભારત સહિત સમગ્ર દક્ષિણ એશિયામાં એવા સ્થાનો આકાર લઇ રહ્યાં છે જ્યાં ક્લાઇમેટ ચેન્જનો દુષ્પ્રભાવ સૌથી વધારે જોવા મળશે. એટલા માટે આ પ્રદેશોમાં રહેતા લોકો પર્યાવરણમાં થઇ રહેલા ફેરફારની સૌથી વધારે અસર પામશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે પર્યાવરણમાં થઇ રહેલા આ ફેરફારના પરિણામે ભારતમાં બે પ્રકારના બદલાવ જોવા મળી રહ્યાં છે. એક છે તાપમાનમાં વધારો અને બીજો છે મોનસુનની પેટર્નમાં ફેરફાર. આ બંને પ્રકારના ફેરફાર દેશની અર્થવ્યવસ્થા માટે ઘાતક પુરવાર થઇ શકે છે. આ બંને પ્રકારના ફેરફારની દેશના અર્થતંત્રએ ભારે કીંમત ચૂકાવવી પડી શકે છે જે દેશની કુલ જીડીપીની ૨.૮ ટકા જેટલી હોઇ શકે છે. આટલા મોટા નુકસાનના કારણે ૨૦૫૦ સુધીમાં દેશની લગભગ અર્ધી વસતીની રહેણીકરણી પ્રભાવિત થઇ શકે છે.
આમ તો ૨૦૫૦ સુધીમાં પૃથ્વીના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થવાનું અનુમાન છે. પરંતુ આ અનુમાન ત્યારે જ સાચુ પડશે જ્યારે ભારત ક્લાઇમેટ ચેન્જના જોખમને પહોંચી વળવા પેરિસ સંધિ અને અન્ય સમજૂતિઓમાં ભલામણ કરવામાં આવેલા માપદંડોને અનુસરે. પરંતુ જો આ માપદંડોને અનુસરવામાં ન આવ્યાં તો તાપમાનમાં ૧.૫થી લઇને ૩ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઇ શકે છે. ક્લાઇમેટ ચેન્જના કારણે દેશભરમાં એક હજારથી વધારે હોટસ્પોટ બની ગયા છે. જે ક્ષેત્રોમાં ક્લાઇમેટ ચેન્જની સૌથી વધારે અસર થવાની શક્યતા છે તેમને હોટસ્પોટ કહેવામાં આવ્યાં છે.
ક્લાઇમેટ ચેન્જ દ્વારા સર્જાનારા હોટસ્પોટમાં મુંબઇ, ચેન્નાઇ અને કોલકાતા જેવા મહાનગરો પણ જોખમમાં મૂકાઇ જશે.
આશરે ૧૫ કરોડ લોકો અત્યંત સંવેદનશીલ કહી શકય એવા વિસ્તારોમાં રહે છે તો ૪૪ કરોડની વસતી મધ્યમ કક્ષાના હોટસ્પોટમાં વસવાટ કરે છે. જો આ વિસ્તારોમાં પર્યાવરણની પરિસ્થિતિ હજુ વધારે બગડી તો દેશના સકલ ઘરેલુ ઉત્પાદન અર્થાત જીડીપીને ૧૧૭.૮ અબજ ડોલરનો ફટકો પડી શકે છે.
એક રિપોર્ટ અનુસાર છેલ્લા દોઢસો વર્ષમાં દિલ્હીના તાપમાનમાં એક ડિગ્રી સેલ્શિયસ અને કોલકાતાના તાપમાનમાં ૧.૨ ડિગ્રીનો વધારો થઇ ગયો છે. એ જ રીતે મુંબઇ અને ચેન્નાઇમાં પણ તાપમાન વધી ગયું છે. દરિયાકાંઠાના શહેરો માટે જોખમ વધારે એટલા માટે છે કે ગરમી વધવાના કારણે સમુદ્રનું જળસ્તર વધી રહ્યું છે અને આવા શહેરો સમુદ્રમાં સમાઇ જવાનું જોખમ વધ્યું છે. એવામાં જો દોઢથી બે ડિગ્રી તાપમાન પણ વધી ગયું તો એ કરોડો લોકો માટે જીવલેણ સાબિત થશે. આજે પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી છે કે તાપમાનની વધી રહેલી દરેક ડિગ્રી સાથે પૃથ્વી વિનાશ તરફ ધકેલાઇ રહી છે.
આકરી ગરમી પોતાની સાથે જળસંકટ પણ લાવે છે. નીતિ પંચના એક રિપોર્ટ અનુસાર જો તાત્કાલિક પગલાં ઉઠાવવામાં ન આવ્યાં તો ૨૦૩૦ સુધી દેશમાં સૌને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું શક્ય નહીં બને. આમાં દિલ્હી, બેંગાલુરુ, ચેન્નાઇ અને હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં વસતા લોકો મોટી સંખ્યામાં સામેલ હશે. વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશના ૪૦ ટકા લોકો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરતા હશે. આવા તો કેટલાંય રિપોર્ટ છે જે ઇશારો કરે છે કે દેશ જળસંકટ તરફ આગળ વધી રહ્યો છે. જાણકારોના મતે તો આવનારા સમયમાં પાણીને લઇને હિંસા પણ સર્જાઇ શકે છે.
બેશક તાપમાનમાં થયેલો અસહ્ય વધારો ક્લાયમેટ ચેન્જનું જ પરિણામ છે. પરંતુ એના મૂળ રાજકારણ અને કોર્પોરેટ જગતની સાંઠગાંઠ સાથે પણ જોડાયેલા છે. દેશના મોટા મોટા ઉદ્યોગગૃહો વેપાર વધારવાના ચક્કરમાં જંગલોનો આડેધડ સફાયો કરી રહ્યાં છે.
આના કારણે આદિવાસીઓ તો વિસ્થાપિત થયા જ છે સાથે સાથે પર્યાવરણને મોટું નુકસાન થયું છે અને ગરમી વધી છે. આડેધડ થતા ખાણકામે પણ જંગલોને સારું એવું નુકસાન પહોંચાડયું છે. દેશમાં વધી રહેલી વસતી પણ જળસંકટ માટે કારણભૂત છે. દેશના લોકો અસમાન જળવિતરણની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.
જો આ જ ઝડપે પૃથ્વીનું તાપમાન વધતું રહ્યું તો આવનારા સમયમાં મોસમમાં ખતરનાક ફેરફારો આવશે. વરસાદનું પ્રમાણ અને પેટર્ન એ હદે બદલાઇ જશે કે અનેક સ્થળોએ કારમો દુષ્કાળ પડશે.
વધતી જતી વસતીના પ્રમાણમાં અનાજની ઉપજમાં ભયજનક ઘટાડો થશે અને કરોડો લોકો ભૂખમરાનો ભોગ બનશે. અનિશ્ચિત મોસમના કારણે લોકોનું સ્થળાંતર વધશે જેના પરિણામે સામાજિક અસ્થિરતા ઊભી થશે અને લોહિયાળ સંઘર્ષો થશે. રોગચાળાઓનું પ્રમાણ વધશે. હવામાન સંસ્થાઓ અને સંશોધકોના અહેવાલો નજર સામે છે, દુનિયાના તમામ દેશોની સરકારોએ એ રિપોર્ટો પર તાત્કાલિક ધોરણે કામ કરવાની જરૂર છે નહીંતર પૃથ્વીનું હવામાન એવું બેલગામ બની જશે જેને દુનિયાની કોઇ તાકાત રોકી નહીં શકે.
પૃથ્વીના તાપમાનમાં થઇ રહેલો વધારો જે ગ્લોબલ વોર્મિંગ નામે પ્રચલિત બન્યો છે તેને રોકવા વૈજ્ઞાાનિકો વર્ષોથી ચેતવણી આપી રહ્યાં છે. ક્લાયમેટ ચેન્જ પર સંશોધકોએ અત્યાર સુધી જે જાણકારી હાંસલ કરી છે તેનો ફલિતાર્થ એટલો જ નીકળે છે કે ગ્લોબલ વોર્મિંગ અર્થાત પૃથ્વીનું તાપમાન ભયજનક રીતે વધી રહ્યું છે અને એના માટે મનુષ્યની ઔદ્યોગિક વિકાસ માટેની આંધળી દોટ જવાબદાર છે.
છેલ્લા થોડા વર્ષોથી વિજ્ઞાાનીઓ રીતસરની કાગારોળ મચાવી રહ્યાં છે કે કાર્બન ઉત્સર્જન કરતા બળતણોના વપરાશ પર અંકુશ મૂકો નહીંતર પરિણામો ગંભીર આવશે. પરંતુ પેટ્રોલિયમ અને કોલસાના જંગી ભંડારો ધરાવતા દેશો આવા રિપોર્ટોને નબળા બનાવી દે છે અને દુનિયાભરમાં પેટ્રોલિયમ અને કોલસાનો વપરાશ બેરોકટોક થતો રહે છે.
ધરતીના તાપમાનમાં થઇ રહેલા ભયજનક વધારાને રોકવા માટે વાતાવરણમાં કાર્બન ડાયોકસાઇડનું જે પ્રમાણ હોવું જોઇએ તેનો બે તૃતીયાંશ હિસ્સો આપણે અત્યાર સુધીમાં વાતાવરણમાં ભેળવી ચૂક્યાં છીએ. ૨૦૫૦ સુધીમાં દુનિયાભરમાં વીજળીના ઉત્પાદન માટે સૌર, પવન અને પરમાણુ ઉર્જા જેવા વૈકલ્પિક ઉર્જાસ્ત્રોતો પર નિર્ભર થવાનું લક્ષ્યાંક છે જે હાલના સંજોગો જોતા શક્ય નથી લાગતું.
આજે પરિસ્થિતિ એ છે કે હવાની ગુણવત્તા, જૈવ વિવિધતા અને ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનના મામલે અપેક્ષા મુજબનો સુધારો ન કરી શકવાના પરિણામે ભારત એન્વાયર્નમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં તળિયાના દેશોમાં સમાવેશ પામે છે.
દેશમાં હવાની ગુણવત્તા સાવ નીચલા સ્તરે છે. પાણીની વાત કરીએ તો જલ યોજના અંતર્ગત ૨૦૩૦ સુધીમાં ભારતના દરેક ઘરમાં પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની નેમ છે પરંતુ આજે ૧૮ રાજ્યોના આશરે ૮૦ ટકા ગ્રામીણ ઘરોમાં પીવાના પાણીની લાઇન પહોંચી નથી. ભૂગર્ભ જળ પ્રદૂષિત થઇ રહ્યું છે અને તેની ગુણવત્તામાં લગાતાર કમી આવતી રહી છે.
આજે તાતી જરૂરિયાત છે કે સરકાર ક્લાઇમેટ ચેન્જની અસરોને પહોંચી વળવા યુદ્ધના ધોરણે કામગીરી આરંભે. નહીંતર એટલું તો નક્કી છે કે જે રીતે આપણે સતત ક્લાઇમેટ ચેન્જ દ્વારા સર્જાતી આપત્તિઓને અવગણી રહ્યાં છે એટલું જ ભવિષ્યમાં આપણે તેનું નુકસાન ભોગવવું પડશે.