ચીને ફરી અરુણાચલ પ્રદેશ મામલે અવળચંડાઇ કરી
- ગૃહમંત્રી અમિત શાહની અરુણાચલ પ્રદેશની મુલાકાતનો ચીને વિરોધ કર્યો
- ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો ભાગ ગણાવે છે અને અરુણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન હિસ્સો માનવાનો કાયમ ઇન્કાર કરતું આવ્યું છે એટલું જ નહીં, ચીની સૈનિકો પણ અવારનવાર અરુણાચલ પ્રદેશની સરહદમાં ઘૂસી આવતા હોય છે
અરુણાચલ પ્રદેશને લઇને ચીને ફરી વખત અવળચંડાઇ કરી છે. ગૃહમંત્રી અમિત શાહની અરુણાચલ પ્રદેશની મુલાકાતનો ચીને વિરોધ કર્યો છે અને તેને પોતાના સાર્વભૌમત્ત્વનું ઉલ્લંઘન ગણાવી છે. અરુણાચલ પ્રદેશના ૩૪મા સ્થાપના દિનની ઉજવણી માટે ગૃહમંત્રી અમિત શાહ રાજ્યમાં પહોંચ્યાં હતાં.
આ કંઇ પહેલી વખત નથી કે આપણા કોઇ નેતાની અરુણાચલની મુલાકાતનો ચીને વિરોધ કર્યો હોય. પરંતુ પ્રજાસત્તાક ભારતના ગૃહમંત્રી દેશના અંગસમા એક રાજ્યની મુલાકાત લે એમાં ચીને માથું મારવાની કોઇ જરૂર જણાતી જ નથી. આટલું ઓછું હોય એમ ચીનની રેડ આર્મીના સૈનિકો વખતોવખત અરુણાચલ પ્રદેશની સીમામાં ઘૂસણખોરી પણ કરતાં હોય છે. ચીન લાંબા સમયથી અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો ભાગ ગણાવે છે અને અરુણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન હિસ્સો માનવાનો કાયમ ઇન્કાર કરે છે.
બે વર્ષ પહેલા પણ ચીની સૈનિકો અરુણાચલ પ્રદેશમાં ભારતની સરહદની અંદર ૨૦૦ મીટર જેટલા ઘૂસી આવ્યા હતાં. એ વખતે ભારતે ચીની સેનાના આ દુઃસાહસનો વિરોધ કર્યો ત્યારે ચીને ઉલટો એવો દાવો કર્યો હતો કે તેણે ક્યારેય અરુણાચલ પ્રદેશનો ભારતના હિસ્સા તરીકે સ્વીકાર કર્યો નથી અને એ વિસ્તાર તો દક્ષિણ તિબેટનો ભાગ છે. હકીકતમાં ભારત અને ચીન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખાના ૩,૪૮૮ કિલોમીટર વિસ્તાર ઉપર સીમા વિવાદ છે. એ પહેલા પણ ચીને અરુણાચલ પ્રદેશમાં નિર્માણ સાધનો લઇને ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. એ વખતે પણ ચીની સૈનિકો પોતાની સાથે કેટલાક મશીનો સાથે આવ્યા હતાં જે ભારતીય સેનાની દખલગીરી બાદ ત્યાં જ છોડીને પોતાની સીમામાં પરત ફરી ગયા હતાં.
ભારત અને ચીન વચ્ચે સરહદનો વિવાદ વર્ષો પુરાણો છે. ૧૯૬૨ના યુદ્ધ બાદ એવું લાગતું હતું કે આંતરરાષ્ટ્રીય સરહદે કોઇ કાયમી ઉકેલ આવશે પરંતુ એ આશા ઠગારી નીવડી છે. એ પછી તો ચીની સેનાએ અનેક વખત ભારતમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી અને ભારતે દર વખતે તેની એ કોશિશ નિષ્ફળ બનાવી. અઢી વર્ષ પહેલાં આશરે બે મહિના સુધી દોેકલામ વિસ્તારમાં ભારત અને ચીની સેનાઓ આમનેસામને રહી હતી. ભારે ગરમાગરમી વ્યાપ્યા બાદ આ વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલાયો હતો. જોકે એ વખતે પણ શંકા તો હતી જ કે ભવિષ્યમાં પણ ચીન દોકલામ ક્ષેત્રમાં ફરી હિલચાલ કરી શકે છે. અને બન્યું પણ એવું જ, ચીનના સૈનિકોએ દોકલામ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવાનું ચાલું જ રાખ્યું છે.
ભારતીય સરહદમાં છાશવારે ઘૂસણખોરી કરીને ચીન ભારતની ધીરજ અને સહનશક્તિની પરીક્ષા લેતું રહે છે. આ રીતે ચોરીછૂપીથી અન્ય દેશના પ્રદેશો ઉપર કબજો જમાવવાની વ્યૂહરચનાને સલામી સ્લાઇસિંગ કહેવામાં આવે છે. આ વ્યૂહરચનાનો પ્રયોગ કરવામાં ચીનને મહારથ હાંસલ છે અને માત્ર ભારતીય સરહદ જ નહીં, ચીની સમુદ્રમાં પણ તે આ જ વ્યૂહરચના હેઠળ અનેક પ્રદેશોને પોતાના કબજામાં લઇ રહ્યું છે. ચીનની વ્યૂહરચના છે કે તે ગુપ્ત રીતે ક્ષેત્રીય ઘૂસણખોરી કરે છે અને જો બીજો દેશ એની આ હિલચાલ પ્રત્યે આંખ આડા કાન કરે તો તેનો પ્રદેશ પચાવી પાડે છે. આવા નાના નાના અતિક્રમણો દ્વારા ચીન યથાસ્થિતિ બદલવાની કોશિશ કરે છે. ઉપરાંત વાસ્તવિક પરિસ્થિતિ બદલીને નિર્માણ થયેલી નવી પરિસ્થિતિને હકીકત તરીકે સ્વીકારી લેવા દબાણ કરે છે.
સામ્યવાદી ચીનનો ઇતિહાસ પણ તેની સામ્રાજ્યવાદી નીતિઓને જ ઉજાગર કરે છે. ૧૯૪૯ની સામ્યવાદી ક્રાંતિ બાદ તેણે તિબેટ ઉપર કબજો જમાવ્યો. એ પછી તત્કાલિન સોવિયેત સંઘ સાથે મળીને કોરિયાઇ ક્ષેત્રમાં સંયુક્ત રાષ્ટ્રની સેનાઓ સાથે યુદ્ધ કર્યું. એ પછી ભારતીય ભૂમિ ઉપર કૃદૃષ્ટિ નાખીને ભારતને યુદ્ધમાં જોતર્યું. આજે પરિસ્થિતિ એ છે કે ચીનના એકાદ બે નહીં પરંતુ ૨૩ દેશો સાથે વિવાદ ચાલી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ આતંકવાદની વૈશ્વિક ફેકટરી બની ગયેલા પાકિસ્તાનને પણ તે આતંકવાદના મામલે છાવર્યા કરે છે.
ભારત સાથે સંબંધો વધારવાની સૂફિયાણી વાતો વચ્ચે પણ ચીનની ભારત પ્રત્યેની નીતિ સ્પષ્ટ છે કે જે ભૂમિ ઉપર ચીનનો કબજો છે તેની ચર્ચા માટે તે તૈયાર છે પરંતુ સાથે સાથે ભારત સાથે મંત્રણા કરવા માટેની તેની શરત એ છે કે ભારતે નિર્વાસિત તિબેટી લોકોને શરણ આપવાની બંધ કરવી અને અરુણાચલ પ્રદેશને પોતાનું રાજ્ય માનવાનો ઇન્કાર કરી દે. ભારત માટે ચીનની આ શરતો માનવી કોઇ કાળે શક્ય નથી. ભારત અને ચીન વચ્ચેનો સરહદ વિવાદ છ દાયકા કરતા પણ વધારે જૂનો છે અને અનેક મંત્રણા છતાં તેને ઉકેલવામાં સફળતા મળી નથી.
જમ્મુ-કાશ્મીર પ્રાંતના અક્સાઇ ચીનના ૩૮ હજાર ચોરસ કિલોમીટર જેટલા મોટા ક્ષેત્ર ઉપર ચીનનો કબજો છે. તો શક્સગામ ખીણના પાંચ હજાર ચોરસ કિલોમીટર જેટલા પ્રદેશમાં પણ ચીને પોતાનો કબજો જમાવી રાખ્યો છે. ગયા વર્ષે ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં જમ્મુ-કાશ્મીરને મળેલો વિશેષ દરજ્જો પાછો લેવાની સાથે સાથે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર અને અક્સાઇ ચીન ઉપર પણ ભારતનો અધિકાર હોવાનો હુંકાર કર્યો હતો જે વાત ચીનને સ્વાભાવિક રીતે પસંદ પડી નહોતી.
ચીનના વિદેશ ખાતાએ પણ એટલા માટે જ લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના ભારતના નિર્ણયનો વિરોધ કર્યો હતો. એ સાથે જ તેણે દાવો કર્યો હતો કે ભારતે જે એકતરફી રીતે કાયદો બદલીને ચીનના સાર્વભૌમત્વને અવગણ્યું છે એ ચીન માટે અસ્વીકાર્ય છે. જોકે ચીનના વિરોધ બાદ ભારતે ચીનને સાનમાં સમજાવતા કહ્યું હતું કે આ ભારતનો આંતરિક મામલો છે અને ભારત જે રીતે બીજા દેશોની આંતરિક બાબતોમાં માથું નથી મારતું એ જ રીતે એવી અપેક્ષા પણ રાખે છે કે બીજા દેશો પણ તેની આંતરિક બાબતોમાં માથું ન મારે.
ભારતને પોતાના પાડોશી દેશોમાં પાકિસ્તાન અને ચીન સાથે કાયમ વિવાદપૂર્ણ સંબંધો રહ્યાં છે. જોકે પાકિસ્તાન કરતા ચીન સાથેના ભારતના સંબંધોમાં જે તણાવ વ્યાપેલો રહે છે એ અનોખો છે. પાકિસ્તાન તરફથી છાશવારે સીઝફાયર વાયોલેશન કરવામાં આવે છે અને એ સાથે આતંકવાદીઓ મોકલીને પ્રોક્સી વૉર ચાલુ રાખવામાં આવે છે. બીજી બાજુ ચીનને ભારત સાથે સરહદી સમસ્યાઓ છે પરંતુ એ સમસ્યાઓ ભારત અને ચીની સેનાઓના સામાન્ય સંઘર્ષ કરતા આગળ નથી વધી. ભારતના નેતાઓની અરુણાચલ પ્રદેશની મુલાકાતો વખતે ચીન વિરોધ નોંધાવતું રહે છે એથી વિશેષ કશું નહીં.
ખાસ વાત એ કે છેલ્લા ચાર દશક કરતા પણ વધારે સમયથી બંને દેશો તરફથી એકબીજા સામે એક ગોળીબાર પણ થયો નથી.
ખરી રીતે જોતા તો પંડિત જવાહરલાલ નહેરુના જમાનાના હિન્દી-ચીની ભાઇ ભાઇથી લઇને ૧૯૬૨ના યુદ્ધ અને ત્યારપછી દોકલામ વિવાદ સુધી ભારત અને ચીનના સંબંધો ભાગ્યે જ સત્યના પાયા ઉપર રહ્યાં છે. બંને પાડોશી દેશો વચ્ચે ક્યારેક સંબંધોમાં બહુ ઉત્સાહ જોવા મળે છે તો ક્યારેક એવા દાવા થાય છે કે બંને વચ્ચે સંબંધો સુધરવાની આશા ઠગારી છે. બીજું એ કે વૈશ્વિક ફલક ઉપર ભારતના વધી રહેલા કદનું ચીન સખત વિરોધી છે. યૂ.એન.માં ભારતના કાયમી સભ્યપદનું ચીન કાયમ વિરોધ કરતું આવ્યું છે. તો ન્યુક્લિયર સપ્લાયર્સ ગુ્રપમાં ભારતના પ્રવેશ આડે પણ ચીન કાયમ રોડાં નાખે છે. એટલું જ નહીં, આતંકવાદ જેવા સંવેદનશીલ મુદ્દે પણ ચીન ભારતને સાથ આપતું નથી. ચીનની મહત્ત્વાકાંક્ષી વન બેલ્ટ વન રોડ પરિયોજનામાં ભારત ભાગીદાર નથી બન્યું એ ચીનને ભારે કઠે છે.
સરહદે અતિક્રમણ કરવાની સાથે સાથે ચીન ભારત સાથે મિત્રતાભર્યા વ્યૂહાત્મક વાર્તાલાપ પણ જારી રાખે છે. એક તરફ તે ભારતને પુરાણા મિત્ર અને વ્યાવસાયિક ભાગીદાર તરીકે સંબોધે છે અને બીજી તરફ અજાણતા જ ભારતની સરહદમાં ઘૂસણખોરી કરે છે. આ જ ચીનની ખરી રણનીતિ છે. ભારત સાથેના સંબંધોમાં સ્થિરતા જાળવીને ભારતના બજાર સુધી પહોંચ બનાવવી અને સૈન્ય તાકાતના જોરે એશિયામાં પોતે બોસ છે એવું જતાવવા માંગે છે.
હકીકત એ છે કે ચીનની સરહદી ગતિવિધિઓ ભારતીય નેતૃત્ત્વને પડકાર ફેંકવા માટે છે. સાથે સાથે ભારતના નાગરિકો અને દુનિયાને એવું દર્શાવવા માટે પણ છે કે ચીન પોતાની મનમરજીથી સરહદ પર હિલચાલ કરવા સમર્થ છે.
ખરેખર તો ચીનના અરૂણાચલ પ્રદેશ પરના દાવાથી એવું પ્રતીત થાય છે કે ભારત સાથે સંબંધો સુધારવાની વાતો કરવાથી વિશેષ તેને કોઇ રસ નથી અને ભવિષ્યમાં પણ તે પોતાની સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષાઓ ત્યાગવા તૈયાર થાય એવું લાગતું નથી.