Get The App

ટ્રમ્પની ભારતયાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર સંધિની સંભાવના નહિવત્

- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી વખત ભારત સાથેના વેપાર અંગે અસંતોષ વ્યક્ત કર્યો

Updated: Feb 19th, 2020

GS TEAM

Google News
Google News
ટ્રમ્પની ભારતયાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર સંધિની સંભાવના નહિવત્ 1 - image


ભારત વિરુદ્ધ ટ્રમ્પની ફરિયાદોનું લિસ્ટ લાંબુ છે અને વખતોવખત તે ભારતની વેપારી નીતિઓને લઇને નારાજગી જાહેર કરતા રહે છે ત્યારે પહેલી ભારત મુલાકાત અગાઉ તેમણે ફરી વખત ભારત સાથેના વેપાર સંબંધોને લઇને સવાલ ઊભા કર્યા છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતયાત્રાને આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે તેમણે એવા સંકેત આપ્યા છે કે તેમની આ મુલાકાત વખતે બંને દેશો વચ્ચે વેપારને લગતી કોઇ સમજૂતિ નહીં થાય. ટ્રમ્પે બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો અંગે નારાજગી દર્શાવતા કહ્યું છે કે ભારતે અમેરિકા સાથે સારો વ્યવહાર નથી કર્યો. જોકે તેમણે એવી આશા વ્યક્ત કરી છે કે તેઓ બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાશે એ પછી તેઓ ભારત સાથે મોટી વેપાર સંધિ કરી શકે છે.

છેલ્લા થોડા સમયથી ભારત અને અમેરિકા વચ્ચે દ્વીપક્ષીય વેપાર વધ્યો છે. વર્ષ ૨૦૧૯ના પહેલા ત્રણ ક્વાર્ટર્સમાં અમેરિકાએ ભારતને ૪૫.૩ અબજ ડોલરનો માલસામાન અને સેવાઓ નિકાસ કર્યાં. તો એ જ સમયગાળા દરમિયાન ભારતે અમેરિકાને ૬૫.૬ અબજ ડોલરનો માલ અને સેવાઓ નિકાસ કર્યાં. બંને દેશો વચ્ચેનો વેપાર ૨૦૨૫ સુધીમાં ૨૩૮ અબજ ડોલરે પહોંચવાનું અનુમાન છે. 

શીત યુદ્ધના સમયમાં અમેરિકા અને ભારત વચ્ચે વ્યાપેલી કડવાશને પાછળ છોડીને છેલ્લા બે દાયકામાં બંને દેશો એકબીજાની ઘણાં નિકટ આવ્યાં છે. ખાસ કરીને એશિયામાં અને દુનિયામાં ચીનના વર્ચસ્વ પર લગામ કસવા માટે અમેરિકાને ભારત જેવા લોકશાહી દેશની જરૂર છે. એટલું જ નહીં, ભારતની સવા અબજ વસતીના રૂપમાં અમેરિકાને એક વિશાળ બજાર પણ દેખાય છે. તો ભારતને અમેરિકાના ટેકનિકલ જ્ઞાાન અને વ્યૂહાત્મક સંશોધન ક્ષમતા અને મોટા બજારનો ફાયદો મળ્યો છે. જોકે છેલ્લા થોડા સમયથી બંને દેશોના વ્યાવસાયિક સંબંધોમાં તણાવ વધ્યો છે. 

ગયા વર્ષે જ અમેરિકાએ ભારત પાસેથી જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સીસ (જીએસપી)નો દરજ્જો પાછો લઇ લીધો હતો. જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સીસ (જીએસપી) અમેરિકાનો વ્યાવસાયિક પ્રોગ્રામ છે જે વિકાસશીલ દેશોની આર્થિક વૃદ્ધિને ફાયદો પહોંચાડવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો. આ ટ્રેડ એક્ટ ૧૯૭૪ના કાયદા બાદ અમલમાં આવ્યો હતો. અમેરિકાએ ૧૨૯ દેશોને જીએસપી દરજ્જો આપ્યો છે. આ વ્યવસ્થા અંતર્ગત આ દેશોની લગભગ ૪૮૦૦ પ્રોડક્ટ્સની અમેરિકામાં ડયૂટી ફ્રી એન્ટ્રી થઇ શકે છે. 

જીએસપી અંતર્ગત અમેરિકાએ ભારતથી આવતી ૩૭૦૦ પ્રોડક્ટ્સને કરમુક્ત જાહેર કરી હતી. ટ્મ્પની અગાઉના રાષ્ટ્રપતિઓએ ભારત સાથે વ્યૂહાત્મક ક્ષેત્રે વધી રહેલી ભાગીદારીને જોતાં વ્યાવસાયિક વિવાદોને અવગણ્યાં. પરંતુ ટ્રમ્પ તો અમેરિકા ફર્સ્ટ અને બાય અમેરિકન, હાયર અમેરિકન મતલબ કે અમેરિકાનો જ સામાન ખરીદો અને અમેરિકનોને જ નોકરીએ રાખો જેવા વાયદા કરીને ચૂંટણી જીત્યાં છે. 

હકીકતમાં તો ટ્રમ્પની આર્થિક નીતિઓના કારણે ભારત અને અમેરિકાના વ્યાવસાયિક સંબંધોમાં તણાવ વ્યાપી રહ્યો છે. 

ભારત વિરુદ્ધ ટ્રમ્પની ફરિયાદોનું લિસ્ટ લાંબુ છે. ક્યારેક તેઓ હાર્લે ડેવિડસન મોટરસાઇકલની આયાત પર ભારતમાં લાગતા જંગી ટેક્સના મામલે સવાલ ઉઠાવે છે તો ક્યારેક ભારતને ટેરિફ કિંગની ઉપમા આપે છે. થોડા સમય પહેલાં ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાની કંપનીઓ ઉપર ભારત ૧૦૦ ટકા ટેક્સ લગાવે છે અને ભારતીય કંપનીઓ અમેરિકામાં કોઇ પણ ટેક્સ વગર માલસામાન પહોંચાડે છે. હવે અમેરિકા પણ ભારતના ઉત્પાદનો ઉપર ટેક્સ લાગુ કરશે અને જો ભારતે આ ટેક્સથી બચવું હોય તો અમેરિકા સાથે વેપારી સમજૂતિ કરવી પડશે. જોકે ભારત પણ ટ્રમ્પની ધમકીઓ સામે કડક વલણ ધારણ કરીને ઉલટું અમેરિકી ઉત્પાદનો પર ટેરિફ વધારી ચૂક્યું છે. 

ભારતને જીએસપીમાંથી બાકાત કરવાનો ટ્રમ્પનો નિર્ણયને જાણકારોએ તેમની અમેરિકા ફર્સ્ટ નીતિને લાગુ કરવાની દિશામાંનું પગલું ગણાવ્યો હતો. આર્થિક વિશ્લેષકોના મતે ટ્રમ્પના આ નિર્ણયના કારણે બંને બંને દેશોના સંબંધો માટે  સમસ્યારૂપ ગણાવ્યો હતો. અમેરિકાને જ એવો ડર પણ હતો કે વ્યાવસાયિક સંબંધોની આ ખેંચતાણ બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક અને કૂટનૈતિક સંબંધોને પણ અસર ન કરે. ભારત અમેરિકાને ૪૮ અબજ ડોલરથી વધારે કિંમતના માલસામાનની નિકાસ કરે છે જ્યારે અમેરિકાની નિકાસ લગભગ ૨૫ અબજ ડોલરની છે. જે જોતાં અમેરિકાને લગભગ ૨૩ અબજ ડોલરનું વ્યાવસાયિક નુકસાન થાય છે. જે ચીન સાથેના વેપારમાં અમેરિકાને થતાં ૩૦૦ અબજ ડોલરના નુકસાન સામે નગણ્ય છે.

ગયા વર્ષે અમેરિકાને કુલ વેપાર નુકસાન ૯૦૦ અબજ ડોલરનું થયું હતું જેની સરખામણીમાં ભારત સાથેના વેપારમાં અમેરિકાને થતું નુકસાન તો કશી વિસાતમાં જ નથી. એ જ કારણ છે કે ટ્રમ્પના ભારતને જીએસપીમાંથી બાકાત કરવાના નિર્ણય પર ઘણાં જાણકારોએ સવાલ ઉઠાવ્યા હતાં.  ઇતિહાસ સાક્ષી છે કે અમેરિકા ભરોસાપાત્ર સાથીદાર નથી. અમેરિકા માટે મિત્રો બનાવવાનો અર્થ જ પોતાનો સ્વાર્થ સાધવો રહ્યો છે.

અમેરિકાની નીતિ રહી છે કે તેના સાથી દેશોનો તે પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરે છે. ભૂતકાળ સાક્ષી છે કે અમેરિકા તેના સાથીદાર રાષ્ટ્રો ઉપર દબાણ સર્જતું રહ્યું છે. હકીકતમાં ભારત અને અમરિકા વચ્ચેના સંબંધોની આ ગુંચવણ નવી નથી. છેક ૧૯૫૦ના દશકથી અમેરિકા ભારતને પોતાના કેમ્પમાં લેવાના પ્રયાસો કરતું આવ્યું છે. શીત યુદ્ધ દરમિયાન અમેરિકા ભારતને પોતાનું સૈન્ય સહયોગી બનાવવા માંગતું હતું પરંતુ ભારતે પોતાની સૈન્ય જરૂરિયાતોને સંતોષવા સોવિયેત સંઘની નિકટ રહેવાનું પસંદ કર્યું.

  સોવિયેત સંઘના પતન બાદ ભારત અમેરિકાની નજીક આવ્યું છે ખરું પરંતુ હજુ પણ ભારતની રશિયા ઉપરની નિર્ભરતા ખતમ થઇ નથી. અમેરિકા એ વાત સમજી શકતું નથી કે ભારત જાપાન કે યુરોપની જેમ તેનું ભાગીદાર બની શકે એમ નથી. આ દેશોને અમેરિકા સુરક્ષા પૂરી પાડે છે. પરંતુ પરમાણુ હથિયારોથી સજ્જ અને લશ્કરી રીતે અત્યંત બળવાન એવા ભારતને અમેરિકાની સુરક્ષાછત્રીની જરૂર નથી. ભારતની પોતાની સુરક્ષા ચિંતાઓ છે અને વ્યૂહાત્મક જરૂરિયાતો છે જે અમેરિકા કરતા અલગ છે. થોડા વખત પહેલા ચીને કહ્યું હતું કે તે ભારત અને રશિયા સાથે મળીને અમેરિકાની વ્યાવસાયિક તાનાશાહી ખતમ કરવાની દિશામાં સંયુક્ત રણનીતિ વિકસાવી રહ્યાં છે.

વડાપ્રધાન મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે આ મુદ્દે બેઠકો પણ યોજાઇ ચૂકી છે. આ ખબરથી અમેરિકાના પેટમાં તેલ રેડાવું સ્વાભાવિક છે કારણ કે ચીન અને રશિયા તો શરૂઆતથી જ અમેરિકાની દરેક બાબતમાં દખલરૂપ થતા આવ્યાં છે. એવામાં અમેરિકા માટે એશિયામાં ચીન અને રશિયાના પ્રભાવને ખાળવા માટે ભારત જ મહત્ત્વનું સાથીદાર છે. જો ભારત પણ ચીન અને રશિયા સાથે મળી જાય તો અમેરિકાને વ્યાવસાયિક અને વ્યૂહાત્મક રીતે મોટો ફટકો પડે એમ છે. એટલા માટે ભારતને કોઇ પણ રીતે રાજી રાખવું અમેરિકાના એજન્ડામાં છે. 

એ હકીકત છે કે ચીન અને પાકિસ્તાન પ્રત્યે ટ્રમ્પ સરકારનું જેવું વલણ છે એવું ભારતને અનુકૂળ વલણ આ પહેલા અમેરિકાના એકેય રાષ્ટ્રપતિના શાસનકાળમાં જોવા નથી મળ્યું. પરંતુ એનો અર્થ એ પણ નથી કે ભારત અમેરિકાનું પીઠ્ઠું રાષ્ટ્ર બની રહે. અમેરિકાએ ટ્રેડ વૉરમાં ભારતના સામાન ઉપર પણ ડયૂટી વધારી છે.  તો એચવન બી વિઝા મામલે પણ તે ભારતને કોઇ રાહત નથી આપતું.  ટૂંકમાં દોસ્તીની આડમાં તે ભારતનો હાથ મરોડવાના પ્રયાસો તો ચાલુ જ રાખે છે. વર્ષો પછી જ્યારે અમેરિકા અને ભારતના સંબંધોની ગાડી પાટા પર ચડી છે ત્યારે ટ્રમ્પે ભારતયાત્રાની બરાબર પહેલા વેપાર સંધિને લઇને જે માહોલ ખડો કર્યો છે એ સંજોગોમાં તેમની ભારતની મુલાકાત કેટલી ફળદાયી નીવડે છે એ જોવું રહ્યું.

Tags :