ચાઇનીઝ ડ્રેગનની ચાલને ભારત સરકારે વેળાસર ઊંધી પાડી
- ચીને ચૂપકીદીપૂર્વક એચડીએફસી બેંકના 1.75 કરોડ શેર ખરીદી લીધા બાદ ભારત સરકાર સફાળી જાગી અને એફડીઆઇના નિયમોમાં મહત્ત્વના ફેરફાર કર્યાં
- કોરોના સંકટના કારણે દેશની અર્થવ્યવસ્થા ડામાડોળ છે અને ભારતીય કંપનીઓનું વેલ્યુએશન પણ ઘટી ગયું છે એ સંજોગોમાં ચીને ભારતીય કંપનીઓમાં મોટા પાયે રોકાણ કરવાની જે ચાલાકી કરી છે એનાથી એવી શંકા દૃઢ બની છે કે કોરોના વાઇરસ વૈશ્વિક અર્થવ્યવસ્થા પર કબજો જમાવવાનું ચીનનું કાવતરું તો નથીને?
કોરોના મહામારીના સંકટના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ દરમિયાન ચીની રોકાણ અને ભારતીય કંપનીઓને ટેકઓવરને રોકવા માટે ભારત સરકારે તાત્કાલિક અસરથી એફડીઆઇના નિયમોમાં ફેરફાર કર્યાં છે. આ ફેરફાર બાદ કોઇ પણ વિદેશી કંપની કોઇ ભારતીય કંપનીનું અધિગ્રહણ કે વિલય નહીં કરી શકે.
સરકારે નિયમો આકરા કરતા સ્પષ્ટતા કરી કે ભારતીય સરહદ સાથે જોડાયેલા દેશો સરકારની મંજૂરી બાદ જ ભારતીય કંપનીઓમાં રોકાણ કરી શકશે. ભારતના પગલાંથી નારાજ ચીને આને આંતરરાષ્ટ્રીય વેપારના નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
હકીકતમાં કોરોના સંકટના કારણે દેશની અર્થવ્યવસ્થા ડામાડોળ છે અને ભારતીય કંપનીઓનું વેલ્યુએશન ઘટી ગયું છે. ચીનની કંપનીઓ આ તકનો ફાયદો ઉઠાવીને ભારતીય કંપનીઓને ટેકઓવર કરી શકે છે. આમ પણ ચીનની કંપનીઓની આ પ્રકારની ચાલને અટકાવવા માટે ઇટાલી, સ્પેન અને જર્મની જેવા દેશો પણ તેમના એફડીઆઇના નિયમોમાં ફેરફાર કરી ચૂક્યાં છે. તાજેતરમાં જ ચીનની પીપલ્સ બેંક ઓફ ચાઇનાએ હાઉસિંગ લોન આપતી દિગ્ગજ કંપની એચડીએફસી લિમિટેડના ૧.૭૫ કરોડ શેર ખરીદી લીધાં છે. ચીનના આ પગલા બાદ જ સરકાર સતર્ક બની ગઇ છે.
એક તરફ કોરોના વાઇરસના પ્રકોપના કારણે દુનિયાભરમાં ખોફનો માહોલ છે અને અનેક દેશોમાં લૉકડાઉનના કારણે ઉદ્યોગધંધા ઠપ્પ થઇ ગયા છે એવા સંજોગોમાં ચીનની આ મની ગેમ શંકા પેદા કરે એવી છે. એટલા માટે જ મોદી સરકારે ચીનના તમામ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે સરકારી મંજૂરી લેવી ફરજિયાત કરી દીધી છે.
દેશમાં હાલ લૉકડાઉનના કારણે અર્થવસ્થા જોખમમાં છે અને શેરબજાર પણ ગગડી ગયું છે. આ સમય દરમિયાન એચડીએફસી લિમિટેડના શેરોમાં ૩૨.૨૯ ટકાનો કડાકો બોલ્યો છે. ચીને આ મોકાનો ફાયદો ઉઠાવીને કંપનીના મોટા પાયે શેરો ખરીદી લીધાં છે.
કોરોના વાઇરસ સૌથી પહેલા ચીનના વુહાન શહેરમાં ફેલાયો અને ત્યાંથી આ વાઇરસ દુનિયાભરમાં પ્રસરી ગયો છે. શરૂઆતથી જ આ વાઇરસ ફેલાવા પાછળ ચીનનો હાથ હોવાના આક્ષેપ થતા રહ્યાં છે. એવી વાતો થઇ રહી છે કે કોરોના વાઇરસ ચીનની લેબોરેટરીમાં જ બનાવવામાં આવ્યો હતો અને ત્યાંથી જ એ લીક થયો.
ચીનની મથરાવટીને જોતાં એવા આક્ષેપ પણ થયા છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થા નબળી કરવા અને પોતાની અર્થવ્યવસ્થા મજબૂત કરવા માટે ચીને કોરોના વાઇરસના રૂપમાં જૈવિક હથિયારનો ઉપયોગ કર્યો છે. એવામાં ચીનના તાજેતરના પગલાંને જોતાં એ શંકા દૃઢ બને છે કે કોઇ દેશની અર્થવ્યવસ્થા નબળી કરવા અને પછી તકનો લાભ લઇને એના પર કબજો જમાવવાનું શરૂ કરી દેવાનું ચીનનું કાવતરું તો નથી ને?
દેશમાં ઉદારીકરણની નીતિના ભાગરૂપે વિદેશી કંપનીઓને અમુક શરતો સાથે ભારતમાં રોકાણ કરવાની છૂટ આપવામાં આવી. નેવુંના દાયકામાં ઉદારીકરણ અપવાવ્યા બાદ દેશમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ વધતંય રહ્યું છે. વર્ષ ૨૦૧૫માં તો ભારતે વિદેશી રોકાણના મામલે ચીન અને અમેરિકાને પણ પાછળ છોડી દીધાં હતાં.
એક સમયે વિપક્ષમાં રહીને એફડીઆઇનો વિરોધ કરનાર ભાજપે સત્તામાં આવ્યા બાદ પ્રત્યક્ષ વિદેશી રોકાણને વધારે સરળ બનાવ્યું. સામાન્ય રીતે દેશમાં એફડીઆઇ માટે ઓટોમેટિક રૂટનો ઉપયોગ થાય છે. વિદેશી કંપનીઓ કોઇ પણ ભારતીય કંપની અથવા સેકટરમાં નાણા રોકી શકે છે.
જોકે સરકારે અમુક ક્ષેત્રો એવા રાખ્યા છે જેમાં રોકાણ માટે સરકારની મંજૂરી લેવી પડે છે. મોદી સરકારે અમુક ક્ષેત્રોમાં સો ટકા રોકાણની છૂટ આપી છે તો અમુક ક્ષેત્રોમાં રોકાણની મર્યાદા નક્કી કરવામાં આવી છે. પરંતુ હવે આ નિયમોમાં મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યાં છે જેથી કરીને ચીન કે બીજા કોઇ પાડોશી દેશો ચાલાકી કરીને દેશની કંપનીઓ પર કબજો ન જમાવી શકે.
સરકારે લીધેલા નિયમો પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રકારના રોકાણો પર લાગુ થશે. કોરોના મહામારીના કારણે મોટા ભાગની ભારતીય કંપનીઓની શેરપ્રાઇસમાં ઘટાડો થયો છે. એ સ્થિતિમાં ભારતીય કંપનીઓના અધિગ્રહણ થવાના અને વિદેશી નિયંત્રણમાં જતાં રહેવાનું જોખમ ઊભું થઇ ગયું છે.
ચીન ઘણું ખંધું છે અને તેની સામ્રાજ્યવાદી નીતિઓ દુનિયાની સમક્ષ ઉઘાડી પડવા લાગી છે. આધુનિક સમયમાં લશ્કરી રીતે નહીં પરંતુ અન્ય દેશોને આર્થિક રીતે મજબૂર કરીને પોતાનું સામ્રાજ્ય ફેલાવવું ચીનની ચાલ છે. એશિયામાં પોતાનું પ્રભુત્ત્વ જાળવી રાખવા માટે ચીન નાના નાના દેશોને સતત લોન આપીને પોતાની જાળમાં ફસાવી રહ્યું છે. ચીન પહેલા દેશોને લોન આપીને પોતાની જાળમાં ફસાવે છે અને પછી એમની સંપત્તિ હડપ કરી લે છે.
જિબૂતી, માલદીવ, ફિલીપાઇન્સ, મોંગોલિયા, તાજિકિસ્તાન, કિર્ગીસ્તાન, મ્યાંમાર જેવા અનેક દેશો ભવિષ્યમાં ચીનની લોન ચૂકવવાને અસમર્થ હોવાના કારણે ચીનના દેવાની જાળમાં ફસાઇ ગયા છે. પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશ જેવા ભારતના પાડોશી દેશો પણ ચીનની આર્થિક જાળમાં ફસાઇ ગયા છે.
એક રિપોર્ટ અનુસાર ચીનની બેંકો દેશની અંદર કોર્પોરેટ લોનો આપવા કરતા બીજા દેશોને વધારે લોન આપે છે. આમ કરીને ચીન પોતાની કંપનીઓને આવી લોનના બદલામાં જે-તે દેશોમાં એકતરફી નફો કમાવવાનો માર્ગ ઊભો કરી આપે છે. પોતાની આ લોનની રણનીતિનો ચીન ભારે ઝડપથી વ્યાપ વધારી રહ્યું છે.
લોન ચૂકવવા સમર્થ ન હોય એવા દેશોને પણ ચીન ધડાધડ લોન આપે છે. હકીકતમાં ચીનની નજર આ દેશોની પ્રાકૃતિક સંપત્તિ ઉપર અને વ્યૂહાત્મક ઉપયોગ ઉપર છે. જેનો ઉપયોગ કરીને ચીન એશિયા અને આફ્રિકામાં પોતાનો દબદબો વધારવા માટે કરવા ધારે છે.
ચીને ચૂપકીદીપૂર્વક એચડીએફસીના કરોડો શેર પોતાના નામે કરી લીધાં. એચડીએફસીમાં ચીનની ભાગીદારી એક ટકાથી વધારે થઇ ગઇ છે. એચડીએફસી દેશની મોટા ગજાની પ્રાઇવેટ બેંક છે. કોરોના વાઇરસના કારણે દુનિયાભરના માર્કેટ ક્રેશ થયા ત્યારે એચડીએફસીમાં પણ કડાકો બોલ્યો.
ચીનની નજર ભારતની ફાર્મા કંપની ઉપર પણ છે. કોરોના મહામારીના કારણે દુનિયાભરના શેરમાર્કેટોમાં અફરાતફરીનો માહોલ છે અને ચીન આ જ મોકાનો ફાયદો ઉઠાવીને ધડાધડ રોકાણ કરી રહ્યું છે. ડિસેમ્બર ૨૦૧૯થી એપ્રિલ ૨૦૨૦ એટલે કે છેલ્લા ચાર મહિનામાં જ ચીને ભારતમાં ૨.૩૪ અબજ ડોલર એટલે કે લગભગ ૧૪,૮૪૬ કરોડ રૂપિયા એફડીઆઇના રૂપમાં રોક્યા છે.
એવા પણ અહેવાલ છે કે ભારતની ટેક સ્ટાર્ટઅપ્સમાં છેલ્લા પાંચ વર્ષમાં ચાર અબજ ડોલર લગાવ્યા છે. દેશની ૯૦ કરતા વધારે ટેક કંપનીઓમાં ચીનનું રોકાણ છે. ભારતમાં યૂનિકોર્ન એટલે કે એક અબજ ડોલર કરતા વધારે વેલ્યુએશન ધરાવતી ૩૦ કંપનીઓમાંથી ૧૮ કંપનીઓમાં ચીનની કંપનીઓએ રોકાણ કર્યું છે.
આજના ડિજિટલ યુગમાં ડેટાનું અત્યંત મહત્ત્વ છે એ સંજોગોમાં ચીની કંપનીઓ ગ્રાહકોની પ્રાઇવસી તેમજ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમરૂપ બની શકે છે.
જોકે ચીન જેટલું દેખીતી રીતે કરે છે એથી વધારે તો એ છૂપી રીતે કરે છે. એવી પણ શક્યતા છે કે ચીને અન્ય દેશોની કંપનીઓને આર્થિક રીતે પોષીને એમના દ્વારા ભારતમાં રોકાણ કર્યું હોય. ચીનની ચાલબાજીને સમજતા બીજા અનેક દેશોએ પણ વિદેશી રોકાણના નિયમોમાં ફેરફાર કર્યા છે.
યુરોપિયન યુનિયને ૨૦૧૯માં સુરક્ષાનો હવાલો આપીને વિદેશી રોકાણની તપાસ માટેના નિયમો સખત બનાવ્યાં છે. અમેરિકાએ પણ ચીનથી થા રોકાણની તપાસ કડક કરી દીધી છે. ચીન અમેરિકામાં મોટા પાયે સંપત્તિનું અધિગ્રહણ કરી રહ્યું હતું.
ઓસ્ટ્રેલિયાએ પણ કોરોના મહામારીના સંકટને લઇને રાજકીય સંપત્તિઓના સસ્તા ભાવે વેચાવાના જોખમને ધ્યાનમાં લઇને વિદેશી રોકાણકારો દ્વારા અધિગ્રહણના નિયમો સખત બનાવી દીધાં છે. કોઇ પણ દેશનો વિકાસ દેશની કંપનીઓના સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે કારણ કે આ કંપનીઓ દેશની અર્થવ્યવસ્થા મજબૂત કરવાની સાથે સાથે રોજગાર પણ આપે છે. કંપનીઓના વેપાર વધવા માટે રોકાણની આવશ્યક્તા હોય છે.
એનાથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત બને છે પરંતુ નુકસાન એ છે કે વિદેશી કંપનીઓનું દેશના બજાર પર નિયંત્રણ વધી શકે છે. વિદેશી કંપનીઓ ભારતના કર્મચારીઓના હિતો કરતા પોતાના નફાને જ ધ્યાનમાં રાખે એ દેખીતું છે. એટલા માટે જરૂરી છે કે વિદેશી રોકાણ પર ચાંપતી નજર રાખવી જોઇએ અને એ માટે કડક કાયદા અમલમાં મૂકવા જોઇએ.