Get The App

મોદી સરકારની કાશ્મીર નીતિ પર સફળ આગેકૂચ

રાજ્યસભામાં પણ જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લંબાવવા અંગેનું બિલ પસાર થતા ભાજપને હાશકારો

Updated: Jul 2nd, 2019

GS TEAM

Google News
Google News
મોદી સરકારની કાશ્મીર નીતિ પર સફળ આગેકૂચ 1 - image


લોકસભામાં સરકાર પાસે બહુમતિ હતી એટલે બિલ પસાર થવામાં વાંધો ન આવ્યો પરંતુ રાજ્યસભામાં બહુમતિ ન હોવા છતાં બિલ પાસ થઇ જતાં મોદી સરકારને બીજા કાર્યકાળની શરૂઆતમાં જ વિપક્ષ પર મોટી સરસાઇ મળી ગઇ છે

લોકસભા બાદ રાજ્યસભામાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લંબાવવા માટે રજૂ કરેલા બિલને મંજૂરી મળી ગઇ છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં પ્રાથમિકતાની યાદીમાં જમ્મુ-કાશ્મીર સૌથી ઉપર હોવાનું પ્રતીત થાય છે. ગૃહમંત્રી બન્યા પછી અમિત શાહ સૌ પ્રથમ જે રાજ્યની મુલાકાતે એ જમ્મુ-કાશ્મીર હતું. તો લોકસભામાં તેમણે જે પહેલું બિલ રજૂ કર્યું એ પણ જમ્મુ-કાશ્મીરને લગતું હતું. જોકે અમિત શાહે સંકેત આપી દીધાં છે કે જમ્મુ-કાશ્મીર મામલે તેઓ કોઇ નરમાશ નહીં દાખવે.

હકીકતમાં કાશ્મીર મામલે મોદી સરકારનું વલણ પાછલી તમામ સરકારો કરતા અલગ છે. વાજપેયી સરકાર સહિતની અગાઉની સરકારો કાશ્મીર મામલે ક્યારેક નરમ તો ક્યારેક ગરમ વલણ અપનાવતી રહી છે. પરંતુ તેમનું ખરું જોર ઉગ્ર અને હિંસક વિચારધારાને સામાન્ય લોકોથી અલગ કરવા પર જ રહેતું હતું. પરિણામે હિઝબુલ મુઝાહિદ્દીનથી લઇને લશ્કર-એ-તોઇબા સુધીના સંગઠનો પોતાની હિંસક રણનીતિની જુદી જુદી વ્યાખ્યાઓના આધારે ત્યાં પોતાની રાજકીય હાજરી જાળવી રાખતા હતાં. હુર્રિયતની અલગતાવાદી નીતિ પણ એવી જ હતી.

પરંતુ મોદી સરકારના સત્તામાં આવતા જ સ્પષ્ટ કરી દેવામાં આળ્યું કે કાશ્મીરને દેશથી અલગ કરવાની કોઇ પણ હિલચાલ મંજૂર નહીં હોય, પછી તે હિંસક રીતે હોય કે પછી અલગતાવાદીઓની શાંતિપૂર્ણ રીતે. એ સાથે જ એ પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું કે હિંસા કોઇ પણ પ્રકારે સહન નહીં કરવામાં આવે. એ જ રીતે અલગતાવાદીઓને પણ કોરાણે મૂકવાની નીતિ અપનાવવામાં આવી. તાજેતરમાં જ હુર્રિયતનું નિવેદન આવ્યું હતું કે તે સરકાર સાથે વાતચીત કરવા તૈયાર છે.

એ પછી અમિત શાહ કાશ્મીરની મુલાકાતે ગયા ત્યારે એવા કયાસ કાઢવામાં આવી રહ્યાં હતાં કે તેઓ આ અંગે કોઇ જાહેરાત કરી શકે છે પરંતુ તેમણે હુર્રિયત સાથે વાતચીત કરવાના કોઇ સંકેત આપ્યાં નહીં. મોદી સરકારની આ કડક નીતિનો સંદેશ જમ્મુ-કાશ્મીરના લોકો વચ્ચે પહોંચ્યો કે નહીં એ નક્કી નથી પરંતુ બાકીના દેશવાસીઓ સુધી જરૂર પહોંચ્યો છે અને લોકોને સરકારનું આ કડક વલણ પસંદ પણ આવ્યું છે.

હકીકતમાં પહેલા લોકસભા અને પછી રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લંબાવવા તેમજ આંતરરાષ્ટ્રીય સરહદ પાસે રહેતા નાગરિકોને તેમજ અંકુશ રેખા પાસે રહેતા નાગરિકોને એકસમાન અનામત આપવાના બિલ ઉપર જે ચર્ચા થઇ એનાથી એ ફલિત થયું કે ભારતના આ સૌથી પેચીદા મનાતા રાજ્યમાં સમસ્યાઓ ઊભી કરવામાં અગાઉની લગભગ તમામ સરકારોનું કોઇક ને કોઇક યોગદાન રહ્યું છે.

સંસદમાં ભાજપની મૂળ વિચારધારા રાષ્ટ્રવાદને અનુલક્ષીને ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીર સમસ્યા અંગે જે વિચારો પ્રગટ કર્યાં એનાથી માનવતાવાદીઓ દ્વારા અવારનવાર ઉઠાવવામાં આવતા સવાલોનું નિરાકરણ કરવામાં સરકારને સફળતા મળી છે.

આર્ટિકલ ૩૭૦ના સંદર્ભમાં પણ ગૃહમંત્રીએ સ્પષ્ટ કરી દીધું કે તેનો ભારતીય બંધારણમાં સમાવેશ કરતી વખતે બંધારણના નિર્માતાઓએ અસ્થાયી શબ્દનો પ્રયોગ કર્યો હતો એ સમજીવિચારીને જ કર્યો હતો. દેશના બંધારણની કલમ ૩૭૦ અંતર્ગત જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. સવાલ એ થાય કે સમગ્ર દેશમાં જ્યારે એક બંધારણ લાગુ છે તો જમ્મુ-કાશ્મીરમાં અલગ વ્યવસ્થા કેમ છે? આ સવાલનો જવાબ આપવા ભૂતકાળમાં અને એ પણ દેશને આઝાદી મળી એ સમયમાં જવાની જરૂર છે.

૧૯૪૭માં ભારતના ભાગલા વખતે દેશના ૫૬૨ રજવાડાઓમાંથી ૩ રજવાડાને છોડીને તમામે ભારત સાથે ભળી જવાનું નક્કી કર્યું હતું. આ ત્રણ રજવાડા હતાં કાશ્મીર, જૂનાગઢ અને હૈદરાબાદ. કાશ્મીરના રાજા હરિ સિંહ સ્વતંત્ર રહેવા માંગતાં હતાં પરંતુ જ્યારે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે તેમણે તાત્કાલક ભારતમાં વિલય થવાનો નિર્ણય લીધો અને ઇન્સ્ટ્રૂમેન્ટ ઓફ એક્સેશન પર હસ્તાક્ષર કર્યાં. 

એ સમયે કટોકટીની પળોને જોતાં તમામ બંધારણીય પ્રક્રિયાઓ પૂરી કરવાનો વખત નહોતો. જેના કારણે સંઘીય બંધારણ સભામાં ગોપાલસ્વામી આયંગરે કલમ ૩૦૬એ રજૂ કરી જે બાદમાં કલમ ૩૭૦ બની. આ કલમ અંતર્ગત જમ્મુ-કાશ્મીરને બીજા રાજ્યો કરતા વિશેષ અધિકાર આપવામાં આવ્યો.

મહત્ત્વની બાબત એ કે કલમ ૩૭૦ને ભારતીય બંધારણમાં અસ્થાયી જોગવાઇ તરીકે સામેલ કરવામાં આવી હતી અને રાજ્યનું બંધારણ લાગુ થયા બાદ તેને ખતમ કરવાની હતી. પરંતુ ૧૯૫૬માં જમ્મુ-કાશ્મીરનું બંધારણ લાગુ થયા પછી પણ કલમ ૩૭૦ ખતમ ન કરવામાં આવી.  કલમ ૩૭૦ની જોગવાઇઓ એવી વિશિષ્ટ છે કે જમ્મુ-કાશ્મીર ભારતનું રાજ્ય હોવા છતાં જાણે રાજ્ય નહીં પરંતુ અલગ જ પ્રદેશ હોય એવી પ્રતીતિ થાય છે.

ઉદાહરણ તરીકે કલમ ૩૭૦ અંતર્ગત દેશની સંસદને જમ્મુ-કાશ્મીરના રક્ષા, વિદેશ અને સંચાર સાથે જોડાયેલા કાયદા ઘડવાનો અધિકાર છે પરંતુ એ સિવાયના વિષયોમાં કાયદા બનાવવા માટે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરની સરકારની સહમતિ લેવી પડે છે. જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૫૬ લાગુ નથી થઇ શકતી મતલબ કે રાષ્ટ્રપતિ પાસે રાજ્યનું બંધારણ બરખાસ્ત કરવાનો અધિકાર નથી. એ જ રીતે કલમ ૩૫૦ અંતર્ગત દેશમાં આર્થિક કટોકટી લાગુ કરવાની જોગવાઇ જમ્મુ-કાશ્મીરને લાગુ પડતી નથી.

ખરેખર તો કાશ્મીર સમસ્યાની શરૂઆત જ આઝાદી વખતથી થઇ ગઇ હતી જ્યારે ત્યાંના મહારાજા હરિસિંહે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ સુધી ભારતમાં જોડાવા માટે રાજી નહોતા થયાં. એ પછી દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની ઉદારવાદી રાજનીતિના કારણે આ સમસ્યા વધારે જટિલ બનતી ગઇ.

એ વાતે આજે પણ મતભેદ છે કે ૨૬ ઓક્ટોબર ૧૯૪૭ના દિવસે જમ્મુ-કાશ્મીર ભારતમાં ભળી ગયા બાદ રાજ્યની ભૌગોલિક અને રાજકીય પરિસ્થિતિ બદલાઇ ગઇ હત અને તત્કાલિન વડાપ્રધાન તરીકે નહેરુના હાથમાં તમામ બાગડોર આવી ગઇ હતી ત્યારે તેમણે કાશ્મીરમાં ઘૂસી આવેલી પાકિસ્તાની સેનાને ખદેડી મૂકવાની જરૂર હતી. પરંતુ નહેરુ સમગ્ર મામલો સંયુક્ત રાષ્ટ્રમાં લઇ ગયા અને કોકડું ગુંચવાઇ ગયું.

ઇતિહાસ જોતાં ખ્યાલ આવે છે કે સરદાર પટેલ એક એવા નેતા હતાં જેમનું કાશ્મીર મામલે સ્ટેન્ડ સ્પષ્ટ હતું. જો તેમના વલણનો સ્વીકાર કરી લેવામાં આવ્યો હોત તો આજે પરિસ્થિતિ અલગ હોત. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વાત જતાં તેમણે હસ્તક્ષેપ કરીને બંને પક્ષોમાં યુદ્ધવિરામ કરાવીને નિયંત્રણ રેખા ખેંચાવી દીધી જેના કારણે કાશ્મીર ખીણનો બે તૃતીયાંશ હિસ્સો પાકિસ્તાનના કબજામાં જતો રહ્યો જેને આજે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે.

ભાજપ શરૂઆતથી માનતો આવ્યો છે કે અન્ય રજવાડાઓની જેમ જમ્મુ-કાશ્મીરનો મામલો પણ વડાપ્રધાન નહેરુએ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલ પર છોડી દીધો હોત તો આજે કાશ્મીર સમસ્યા જેવો કોઇ મુદ્દો જ ન હોત. ઘણાં ઇતિહાસકારો પણ પંડિત નહેરુના રાષ્ટ્રસંધમાં જવાના નિર્ણયને ભયંકર ભૂલ માને છે પરંતુ છેલ્લા સિત્તેર વર્ષોમાં કાશ્મીર સમસ્યા જે રીતે દેશવાસીઓને કનડી રહી છે એમાં પાકિસ્તાનની ભૂમિકા સૌથી મોટી છે. રાજ્યમાં સક્રિય પ્રાદેશિક પક્ષોએ પણ કાશ્મીરની અસ્થિર પરિસ્થિતિનો લાભ પોતાના પક્ષમાં ઉઠાવવા માટે કર્યો જેના પરિણામે આ સમસ્યા ઓર વકરતી ગઇ.

ગૃહમંત્રીએ સંસદમાં કહ્યું કે જે રીતે મોદી સરકારે કાશ્મીરમાં દાયકાઓથી ચાલી આવતી આતંકવાદી સમસ્યાને ખતમ કરવા અને ત્યાંના લોકોને દેશની મુખ્ય ધારામાં જોડવા માટે જે પ્રયાસ કર્યાં એ કેટલાંક લોકોને કડક લાગી શકે છે પરંતુ એનો હેતુ ભારતવિરોધી તાકાતોને તેમનું સ્થાન દેખાડવા માટે છે. અગાઉની સરકારો અલગતાવાદી નેતાઓને સુરક્ષા પ્રદાન કરતી હતી તેમ છતાં તેઓ ભારતવિરોધી કાર્યવાહીમાં સંલિપ્ત રહેતા હતાં. સરકારના જણાવ્યા અનુસાર આવા ઓછામાં ઓછા બે હજાર લોકોને સુરક્ષા પ્રાપ્ત હતી જેમાંથી ૯૧૯ જણાની સુરક્ષા પાછી લઇ લેવામાં આવી છે.

ખરેખર તો મોદી સરકારનું આ પગલું વાજબી પણ છે કે ભારતને તોડવાનો પ્રયાસ કરતા લોકોને સુરક્ષા શા માટે આપવી જોઇએ? પહેલા લોકસભા અને હવે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લંબાવવાના તેમજ સરહદે વસતા લોકોની અનામતને લગતા બે બિલ ધ્વનિમતથી પસાર થવા એ મોદી સરકારને બીજા કાર્યકાળની શરૂઆતમાં જ મળેલી મોટી સફળતા છે. એ સાથે જ એ પણ સ્પષ્ટ થઇ ગયું છે કે મોદી સરકારની કાશ્મીર નીતિના સફળ પરિણામ મળવાની પણ શરૂઆત થઇ ગઇ છે.

Tags :