Get The App

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સઃ માનવી માટે સહાયક પુરવાર થશે કે વિનાશક?

ઇન્ડોનેશિયાના વડાપ્રધાને અમુક સરકારી અધિકારીઓના સ્થાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને અમલમાં મૂકવાનો નિર્દેશ આપ્યો

Updated: Dec 2nd, 2019

GS TEAM

Google News
Google News
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સઃ માનવી માટે સહાયક પુરવાર થશે કે વિનાશક? 1 - image


કોઇ બુદ્ધિ વગર કામ કરતા મશીનોએ આમ પણ લાખો મજૂરોના વ્યવસાય છીનવ્યાં છે ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડોકટર, એન્જિનિયર જેવા માનસિક ક્ષમતાવાળા વ્યવસાયો પણ છીનવી લેશે એવો ડર અનેકને સતાવી રહ્યો છે

છેલ્લા થોડા વર્ષોથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અર્થાત્ કૃત્રિમ બુદ્ધમતાનું ચલણ વધી રહ્યું છે ત્યારે ઇન્ડોનેશિયાના વડાપ્રધાન જોકો વિડોડોએ અનોખો પ્રસ્તાવ રજૂ કરતા પોતાના દેશની સરકારી એજન્સીઓને આગામી બે વર્ષમાં સરકારી અધિકારીઓની બે રેન્ક સમાપ્ત કરીને તેમના સ્થાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને મૂકવાનો આદેશ આપ્યો છે. 

આમ કરવા પાછળ વિડોડોનો ઉદ્દેશ અધિકારીઓનો કામનો બોજ ઓછો કરવાનો કે સરકારી ખર્ચ ઘટાડવાનો નથી પરંતુ સરકારી અધિકારીઓની તુમારશાહી ખતમ કરવાનો છે. વિડોડોને લાગે છે કે સરકારી અમલદારશાહી તેમના દેશના આર્થિક વિકાસમાં અવરોધરૂપ બની રહી છે. 

આમ તો બુદ્ધિશાળી રોબોટ્સનું ચલણ છેલ્લા થોડા વર્ષોથી વધી રહ્યું છે પરંતુ હવે આવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અર્થાત આરોપેલી બુદ્ધિમત્તા ધરાવતા રોબોટ્સ મુખ્ય પ્રવાહમાં આવી રહ્યાં છે અને મનુષ્યને સમકક્ષ દરજ્જો મેળવી રહ્યાં છે એ બહુ મોટી બાબત છે. 

થોડા વર્ષો પહેલા જ સાઉદી અરેબિયાએ સોફિયા નામની રોબોટને પોતાના દેશની નાગરિકતા આપી હતી. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ રોબોટ સોફિયા દુનિયાભરમાં અનેક સંમેલનોમાં ભાગ લઇને પોતાના વિચારો પણ વ્યક્ત કરી ચૂકી છે. 

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ રીતે વિકસાવવામાં આવેલી બૌદ્ધિક ક્ષમતાનો ખ્યાલ તો વર્ષોજૂનો છે પરંતુ એ અંગેની ભરોસાપાત્ર ટેકનિક છેલ્લા થોડા વર્ષો થયે જ શોધાઇ છે.

 માનવમગજ જેમ અનુભવ અને ભૂતકાળમાં કરેલી ભૂલોના આધારે નવું શીખે છે એ જ પદ્ધતિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં કામે લગાડવામાં આવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે રોબોટિક્સનું વિજ્ઞાાન જ સાવ બદલાઇ ગયું છે. હવે રોબોટમાં નવું નવું શીખવાની ક્ષમતા આવી ગઇ છે અને ઘણાં નિર્ણયો તે જાતે જ લઇ શકે છે. 

ઉદ્યોગોમાં તો રોબોટ્સનો ઉપયોગ છેલ્લાં ઘણાં વર્ષોથી થઇ રહ્યો છે. પરંતુ આવા રોબોટ્સ કે મશીનો એકનું એક કામ કર્યા કરતા હોય છે. આવા મશીનો કે રોબોટને સ્માર્ટ એટલે કે બુદ્ધિશાળી ન ગણી શકાય.

 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ખ્યાલ ઘણો ક્રાંતિકારી છે. એમાં એવા મશીનો કે રોબોટ્સ તૈયાર કરવાના છે જે માનવી જેમ જ જાતે વિચારી શકે, માણસોએ આપેલી સૂચનાઓ સમજી શકે, લોકોના ચહેરા ઓળખી શકે, જાતે વાહનો હંકારી શકે. ટૂંકમાં જે બધાં કામ મનુષ્યો કરી શકે છે એમાંના ઘણાં ખરા કામ આવા રોબોટ્સ કરી શકે. 

આવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતા રોબોટ્સ માનવીને ભારે ઉપયોગી થઇ શકે છે. કોમ્પ્યુટર કંપની એપલે વિકસાવેલું સીરી કે માઇક્રોસોફ્ટે બનાવેલું કોર્ટાના આવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉદાહરણ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આજકાલ ઘણાં પ્રયોગો થઇ રહ્યાં છે. નવી દવાઓ તૈયાર કરવામાં અને  નવા રસાયણો શોધવામાં આવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સહારો લેવાય છે. 

જે કામ કરવામાં માનવ મગજને વધારે સમય લાગે એવા કામ આવા મશીનો દ્વારા તુરંત કરી શકાય છે. ભારે જટિલ હોય એવી સિસ્ટમ ચલાવવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સહારો લેવાય છે. ઉદાહરણ તરીકે આખી દુનિયામાં ઊડી રહેલા વિમાનોની અવરજવરની સિસ્ટમ કોમ્પ્યુટર સંભાળે છે. કયું વિમાન ક્યારે, કયા રસ્તે પસાર થશે એ તમામ નિર્દેશો આવા મશીન પૂરા પાડે છે.  મતલબ કે એર ટ્રાફિક કંટ્રોલ આવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ચાલી રહ્યું છે. 

જમીનમાં ઊંડે ઉતરવાના ખાણ ઉદ્યોગથી લઇને આભને આંબવાના સ્પેસ પ્રોગ્રામોમાં માણસોની મદદ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થઇ રહ્યો છે. શેરબજારથી લઇને વીમા કંપનીઓ સુધ્ધાં આવા બુદ્ધિશાળી યંત્રોની મદદ લઇ રહી છે.  પેચીદી ગણાતી સર્જરીઓ આવા રોબોટ્સની મદદથી થઇ રહી છે.

આજે તો માણસોની બીમારી અંગે અગાઉથી જાણકારી લેવાથી માંડીને કેટલાક માણસો ગુનેગાર કેમ બની જતા હોય છે એવા જટિલ વિષયો પર આવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતા મશીનો શોધખોળ કરી રહ્યાં છે. એવી કારો પણ વિક્સાવવામાં આવી રહી છે જે ડ્રાઇવરની મદદ વિના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જાતે જ હંકારશે. 

જેમ જેમ આવા રોબોટ્સ કે ડ્રૉનનો ઉપયોગ વધી રહ્યો છે તેમ તેમ માણસો માટે નોકરીઓ ઘટી રહી છે. દુનિયાભરમાં રોબોટ્સ અને ડ્રૉન જેવા યંત્રો એવા અનેક કામ કરી રહ્યાં છે જે કરવા માટે અગાઉ માણસોનો ખપ પડતો હતો. એક રિપોર્ટ અનુસાર અમેરિકામાં આવતા દસ વર્ષમાં ૧૭ ટકા નોકરીઓ આવા મશીનો ખાઇ જવાના છે. એક અંદાજ મુજબ આવનારા થોડા વર્ષોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતા રોબોટ્સના કારણે અમેરિકામાં ૪૭ ટકા નોકરીઓ માણસોના હાથમાંથી જતી રહેશે.

તો આવા રોબોટ્સના કારણે યુરોપના દેશોમાં લગભગ ૫૭ ટકા, ચીનમાં ૭૭ ટકા અને દક્ષિણ અમેરિકી દેશોમાં ૬૦થી ૬૫ ટકા નોકરીઓ આવા રોબોટ્સ હડપ કરી જશે.  રિટેલ સેકટર, ઓનલાઇન શોપિંગ અને લોજિસ્ટિક્સ એટલે કે માલસામાનની હેરફેરમાં દુનિયાભરની અનેક કંપનીઓ હવે રોબોટ્સ અને ડ્રૉનનો ઉપયોગ કરી રહી છે. આવા યંત્રો સામાનનું પેકીંગ કરે છે, જાળવણી કરે છે અને પાક્કો હિસાબ પણ રાખે છે.

માલસામાનના વિશાળકાય ગોદામોમાં આવા રોબોટ્સ માણસો કરતા વધારે ચપળતાથી અને ઝડપથી તમામ કામો કરે છે. આવા યંત્રોનો ઉપયોગ વધી રહ્યાનું મુખ્ય કારણ ચોકસાઇ તો છે જ, સાથે સાથે આવા યંત્રો ઘણાં સસ્તા પુરવાર થાય છે. માણસોને નોકરીએ રાખ્યા હોય તો તેમને પગાર આપવો પડે, બીજા ભથ્થાં આપવા પડે, રજાઓ કે અન્ય સગવડો સાચવવી પડે. 

આવા રોબોટ્સને એક વાર કામે લગાડયા બાદ આવી ઝંઝટ રહેતી નથી. ઉલટું ઘણી કંપનીઓએ આવા રોબોટ્સને કામે લગાડયા બાદ માલસામાન ગુમ થવાની કે આડોઅવળો મૂકાઇ જવાની ફરિયાદો બંધ થઇ ગઇ છે જેના કારણે કંપનીઓને થતું લાખો ડોલરનું નુકસાન અટક્યું છે. 

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં કામ કરતા બ્રિટનના ચેસ પ્લેયર ડો. ડેવિડ લેવી લાંબા સમયથી માણસો જેવા દેખાતા બુદ્ધિશાળી રોબોટ્સ જેને હ્યુમનોઇડ કહે છે તેનો યુગ આવવાની વાત કરી રહ્યાં છે. ડો. લેવીના મતે આવનારા સમયમાં આવા હ્યુમનોઇડ અને માણસો વચ્ચે શારીરિક સંબંધોથી લઇને ભાવનાત્મક સંબંધો પણ સ્થપાશે.

તેમનો દાવો છે કે આવતા દસ વર્ષમાં એવા સોફ્ટવેર બની જશે જેનાથી એવા રોબોટ તૈયાર થઇ શકશે જેનામાં માનવીમાં હોય એવા પ્રેમ, વિશ્વાસ, માનસન્માન અને સહનશીલતા જેવા ગુણો મોજૂદ હશે. તેઓ તો ત્યાં સુધી કહે છે કે લોકો પોતાની પસંદગી મુજબનો આવો પાર્ટનર રોબોટ બનાવી શકશે. જોકે જો આવા રોબોટ્સ અસ્તિત્ત્વમાં આવશે તો નૈતિકતાને લગતા સવાલો પણ ખડા થશે. 

થોડા વખત પહેલા એવા સમાચાર હતાં કે ફેસબુકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સંશોધન અંગેનો એક પ્રોગ્રામ અચાનક અટકાવી દેવાની ફરજ પડી. વાત એમ બની હતી કે આ પ્રોગ્રામ અંતર્ગત ડિઝાઇન કરવામાં આવેલા ચેટબોટ્સ અંગ્રેજીના બદલે પોતાની અલગ જ ભાષા વિકસાવી લીધી હતી જેને માણસો સમજી શકતા નહોતા.

વિશ્વ વિખ્યાત વિજ્ઞાાની સ્ટીફન હોકિંગ, માઇક્રોસોફ્ટના માલિક બિલ ગેટ્સ અને ઉદ્યોગપતિ એલન મસ્ક જેવા માંધાતાઓ આગાહી કરી ચૂક્યાં છે કે આવનારા સમયમાં સુપર સ્માર્ટ મશીનો માનવી માટે પડકાર બની રહેશે. એલન મસ્ક તો ઓપન એઆઇ જેવા પ્રોજેક્ટમાં રોકાણ કર્યું છે જેમાં માનવતા માટે ઉપયોગી બુદ્ધિશાળી મશીનો તૈયાર કરવામાં આવશે. 

જેમ જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વ્યાપ વધી રહ્યો છે તેમ તેમ એ ચર્ચા પણ વ્યાપક બની રહી છે કે તે મનુષ્ય માટે ઉપયોગી છે કે ઘાતક? ઘણાં લોકોનું માનવું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમામ નોકરીઓ ખાઇ જશે. કોઇ બુદ્ધિ વગર કામ કરતા મશીનોએ આમ પણ લાખો મજૂરોના વ્યવસાય છીનવ્યાં છે ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડોકટર, એન્જિનિયર જેવા માનસિક ક્ષમતાવાળા વ્યવસાયો પણ છીનવી લેશે એવો ડર અનેકને સતાવી રહ્યો છે. જોકે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના એક રિપોર્ટ અનુસાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેટલો રોજગાર ખતમ કરશે એનાથી ક્યાંય વધારે નવા રોજગાર પેદા કરશે. 

રિપોર્ટ અનુસાર ૨૦૨૫ સુધીમાં લગભગ ૫૨ ટકા એટલે કે માનવીના અડધા કરતાયે વધારે કામ મશીનો કરવા લાગશે. અત્યાર સુધી આપણા કુલ કામકાજનો ૨૯ ટકા જેટલો હિસ્સો મશીનો કરી રહ્યાં છે. મશીનો વધારે કામ કરવા લાગશે ત્યારે દુનિયાભરમાં સાડા સાત કરોડ લોકો પોતાનો રોજગાર ગુમાવશે પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે ૧૩.૩ કરોડ નવી નોકરીઓ પણ આવશે. એમાંયે ડેવલોપર્સ, ઇ-કૉમર્સ અને સોશિયલ મીડિયા સ્પેશિયાલિસ્ટના ક્ષેત્રમાં રોજગારી વધશે. સ્પષ્ટ છે કે ખાસ ટેકનિકલ ક્ષેત્રમાં કાબેલિયત ધરાવતા લોકો માટે નોકરીઓનો રાફડો ફાટશે. 

આપણું જીવન વધારે ને વધારે મશીનો પર આધારિત બની રહ્યું છે ત્યારે આવા સ્માર્ટ રોબોટ્સ આપણા પર કબજો જમાવી લે તેના કરતા વધારે મોટો ખતરો એ છે કે ભવિષ્યમાં આપણે આવા મશીનો પર ભરોસો મૂકીને નવરા બનવાના બદલે ક્યાંક નકામા ન બની જઇએ.

Tags :