Editorial

કોરોનાઃ સલામત રહેવા માટે સાવચેતી રાખવામાં જ ભલાઇ

By GS Team
19 Mar 20206 mins read
This article was originally published on 19 Mar 2020
કોરોનાઃ સલામત રહેવા માટે સાવચેતી રાખવામાં જ ભલાઇ

દિવસે ને દિવસે કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે

ભારતમાં કોરોના વાઇરસની તપાસની રણનીતિ સામે પણ સવાલ થઇ રહ્યાં છે અને ચેપના લક્ષણો જોવા મળતા હોય અને સાથે સાથે હાલની વિદેશ યાત્રાનો ઇતિહાસ હોય એવા જ લોકોની તપાસ થઇ રહી છે જે ઘણાં જાણકારોને પૂરતી નથી લાગતી

દુનિયાભરમાં કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય એવા લોકોની સંખ્યા બે લાખે પહોંચવા આવી છે. કોવિડ-૧૯ નામ પામેલી આ જીવલેણ બીમારીના કારણે અત્યાર સુધી સાડા સાત હજારથી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. આ વાઇરસ દુનિયાના ૧૫૯થી વધારે દેશોને પોતાની ચપેટમાં લઇ ચૂક્યો છે. ખાસ કરીને છ દેશો એવા છે જ્યાં કોરોના વાઇરસના ચેપના સૌથી વધારે મામલા સામે આવ્યાં છે જેમાં ચીન, ઇટાલી, ઇરાન, સ્પેન, દક્ષિણ કોરિયા અને ફ્રાન્સનો સમાવેશ થાય છે. ભારતમાં કોરોના વાઇરસથી અત્યાર સુધીમાં ત્રણ જણાના મૃત્યુ નીપજ્યાં છે જેમાંનું પહેલું મૃત્યુ કર્ણાટકમાં, બીજું દિલ્હીમાં અને ત્રીજું મહારાષ્ટ્રમાં થયું. કોરોના વાઇરસના ચેપ લાગવાના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. 

ભારતમાં કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય એવા લોકોની સંખ્યા દોઢસોને આંબવા આવી છે. ઘણાં ખરા કેસોમાં જોવા મળ્યું છે કે કોરોના સંક્રમિત વ્યક્તિ તાજેતરમાં જ વિદેશના પ્રવાસે ગઇ હોય. તપાસ પણ એવા લોકોની થઇ રહી છે જેમાં ચેપના લક્ષણ જોવા મળ્યા હોય અને સાથે સાથે એમનો તાજેતરનો વિદેશયાત્રાનો ઇતિહાસ હોય. એ સાથે જ યુરોપિયન દેશો સહિત અનેક દેશોના લોકોના ભારત આવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ઇરાન હજુ પણ કોરોના વાઇરસના ચેપનું મોટું કેન્દ્ર બનેલું છે અને ત્યાં ઘણાં ભારતીયો ફસાયેલા છે. ભારત સરકારે તેમની તપાસ માટે ડોકટરોની એક ટીમ પણ ઇરાન મોકલી હતી. 

ભારતમાં હાલ કોરોના વાઇરસના ચેપનો બીજો તબક્કો ચાલી રહ્યો હોવાનું કહેવાય છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ આઇસીએમઆરના જણાવ્યા અનુસાર આનો અર્થ એ કે ભારતમાં અત્યારે કોરોના વાઇરસનો સામુદાયિક સ્તરે પ્રસાર નથી થઇ રહ્યો એટલે કે કમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થઇ રહ્યું. ચેપના ત્રીજા તબક્કામાં કમ્યુનિટી ટ્રાન્સમિશન થાય છે અને ભારતના ચિકિત્સકો તેમજ સંશોધકો પ્રાર્થી રહ્યાં છે કે દેશમાં કોરોના વાઇરસનો ત્રીજો તબક્કો આવે જ નહીં. ઇટાલી અને સ્પેનમાં અત્યારે કોરોના વાઇરસના સંક્રમણનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે.

ઇટાલી અને સ્પેનમાં જે તેજીથી લોકો મરી રહ્યાં છે એ ખરેખર ચિંતાજનક છે. ફ્રાન્સ અને જર્મનીમાં પણ કોરોના સંક્રમિત લોકોનો આંકડો વધી રહ્યો છે. હકીકતમાં ચીન બાદ કોરોના વાઇરસનો સૌથી મોટો કહેર યુરોપ પર વરસ્યો છે. કોવિડ-૧૯ના કારણે ઇટાલી, ફ્રાન્સ અને સ્પેનમાં તાળાબંધી લાગુ કરી દેવામાં આવી છે.

 મતલબ કે દવાની દુકાનો અને ખાવાપીવાના સામાનની દુકાનો સિવાય બધું જ બંધ છે. જર્મનીમાં પણ જોખમના સ્તરને મધ્યમથી વધારીને ગંભીર કરી દેવામાં આવ્યું છે. 

દુનિયાના સૌથી શક્તિશાળી અને સંપન્ન દેશ અમેરિકાની હાલત પણ ખરાબ છે. અમેરિકામાં એક્સોથી વધારે લોકો કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામ્યા છે અને છ હજારથી વધારે લોકો આ જીવલેણ વાઇરસના ચેપનો ભોગ બન્યાં છે. 

છેલ્લા એક અઠવાડિયામાં આફ્રિકાના અનેક દેશોમાં પણ કોરોના વાઇરસના દર્દીઓના મામલા નોંધાયા છે. ટાન્ઝાનિયા, સોમાલિયા, લાઇબેરિયા જેવા આફ્રિકી દેશોમાં કોરોના સંક્રમિત દર્દીઓની પુષ્ટિ થઇ છે. આ આફ્રિકી દેશોએ પોતાની સરહદો બંધ કરી દીધી છે જેથી કરીને સમગ્ર ખંડમાં આ મહામારી ફેલાતી અટકાવી શકાય. 

આગામી એક મહિનો ભારે કટોકટીભર્યો રહેવાનો છે. હજુ ભારતમાં ઇરાન અને ઇટાલી જેવી પરિસ્થિતિ એટલા માટે ઉદ્ભવી નથી કે સંદિગ્ધોની તપાસ અને તેમને અલગ રાખવાનું સૌથી મહત્ત્વનું પગલું વેળાસર લેવામાં આવ્યું છે. કોરોના સામે લડવાના ઉપાયો શોધી રહેલા વૈજ્ઞાાનિકો, ચિકિત્સકો અને બચાવ દળોની ચિંતા એ જ વાતે છે કે જે લોકોમાં સંક્રમણની શંકા છે તેમનો પતો લાગી શકે અને સારવાર થઇ શકે. જોકે ભારતમાં કોરોના વાઇરસની તપાસની રણનીતિ સામે પણ સવાલ થઇ રહ્યાં છે. ચેપના લક્ષણો જોવા મળતા હોય અને સાથે સાથે હાલની વિદેશ યાત્રાનો ઇતિહાસ હોય એવા જ લોકોની તપાસ થઇ રહી છે જે ઘણાં જાણકારોને પૂરતી નથી લાગતી. તેમનું માનવું છે કે આવી રણનીતિથી સંક્રમણની ખરી સંખ્યા સામે નહીં આવે. પરંતુ આઇસીએમઆરનું કહેવું છે કે હજુ તપાસની સંખ્યા વધારવાનો સમય આવ્યો નથી. 

સમસ્યા ગંભીર એટલા માટે બની રહી છે કે ન તો આ બીમારીની સારવાર શોધાઇ છે કે ન તો તેની કોઇ દવા શોધાઇ. કોરોના વાઇરસથી બચવા માટેના ઉપાયો પ્રયોજવા ઉપર જ હાલ બધું નિર્ભર છે. દેશમાં રોજ કોરોનાનો ચેપ લાગેલા નવા કેસ સામે આવી રહ્યાં છે. ભલે સંક્રમિત અને મૃતકોની સંખ્યા વધારે ન હોય પરંતુ સૌથી મોટો પડકાર કોરોના વાઇરસને ફેલાતો અટકાવવાનો છે. સરકાર હાલ તો બીજા દેશોમાંથી આવનારા લોકોને રોકવા અને સંદિગ્ધ દર્દીઓની અવરજવર રોકવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. 

કેન્દ્ર અને રાજ્ય સરકારોના સ્તરે આ સંકટ સામે લડવા અનેક ઉપાયો પ્રયોજવામાં આવી રહ્યાં છે જેમાં કોરોના વાઇરસને ફેલાતો અટકાવવામાં અમુક હદે મદદ મળી શકે છે. જેમ કે દેશભરમાં શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરી દેવામાં આવી છે. 

એ જ રીતે મોટા ભાગના શહેરોમાં સિનેમાગૃહો, મૉલ, જિમ વગેરે પણ બંધ કરવામાં આવ્યાં છે જેથી કરીને કોઇ એક સ્થળે મોટી ભીડ જમા ન થાય. 

દેશના તમામ ઐતિહાસિક સ્મારકોની મુલાકાત પણ અટકાવી દેવામાં આવી છે. આવા આકરા પગલાંના કારણે લોકોને પરેશાની જરૂર થઇ શકે છે પરંતુ બચાવ માટે એ જરૂરી છે. લોકોએ પણ પ્રતિબંધોનું પાલન કરવામાં સહયોગ કરવો જોઇએ. 

ભારતમાં કોરોના વાઇરસના ચેપ લાગેલા લોકોની સંખ્યા ઓછી જોતાં કેટલાક લોકોનું કહેવું છે કે દેશના લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારે છે એટલા માટે કોરોનાની અસર ઓછી રહેશે. કેટલાંક લોકો ઇતિહાસનો હવાલો આપતા કહે છે કે ફ્લૂ પેદા કરતા વાઇરસોની ભારતની લોકો પર ખાસ અસર થતી નથી.

 જોકે આ તમામ દાવાઓ ખોટાં છે. બેશક, ભારતે કેટલાંક આકરા પગલાં લીધાં છે. વિદેશના લોકોના વિઝા રદ કરી દેવામાં આવ્યાં છે. એક મહિનાની અંદર વિદેશીઓને આવતા રોકવાના આર્થિક પરિણામ જોવા મળશે. 

એ જ રીતે અનેક મહત્ત્વના આયોજનો રદ્ દરી દેવાના કારણે પણ અર્થવ્યવસ્થાને ફટકો પડશે.

પરંતુ આ મોટા પગલાં પાછળનું સીધું કારણ એ છે કે કોરોના વાઇરસ ભારે ઝડપથી અને ઘણી આસાનીથી ફેલાઇ રહ્યો છે. કોરોના વાઇરસ સામે લડવામાં સૌથી અસરકારક પગલું અત્યાર સુધી એ રહ્યું છે કે શરૂઆતમાં જ સંક્રમિત વ્યક્તિની ઓળખ કરીને તેને આઇસોલેટ એટલે કે બધાંથી અલગ કરી દેવી. ભારત પણ પહેલેથી આ પદ્ધતિ પર ભારે ધ્યાન આપી રહ્યું છે. બીજું અસરકારક પગલું છે સામાજિક સંપર્ક ઓછો કરવો મતલબ કે ભીડભાડવાળી જગ્યાઓએ જવાનું ટાળવું અને બને તો આવા સ્થળો જ બંધ કરી દેવા જેથી કરીને વાઇરસને સહેલાઇથી ફેલાતો અટકાવી શકાય. ઘણાં લોકોને આ બિનજરૂરી લાગતું હશે પરંતુ પરિસ્થિતિ કાબુ બહાર જતી રહે અને ફરજિયાત લોકસંપર્ક બંધ કરવો પડે એ પહેલાં તકેદારીના પગલાં લેવા હિતાવહ છે.

સામાજિક સંપર્ક ઓછો કરવો એટલા માટે પણ જરૂરી છે કે કદાચ કોરોનાનો ચેપ લાગ્યો હોય એવી વ્યક્તિ પર તેની અસર વધારે ન જણાતી હોય પરંતુ આસપાસ ઉંમરલાયક કે પછી હૃદયરોગ કે ડાયાબિટીસની બીમારી હોય એવા લોકોને કોરોનાનો ચેપ લાગી જાય તો તેમના માટે એ જીવલેણ નીવડી શકે છે. મતલબ કે એકની લાપરવાહી બીજા માટે જીવલેણ નીવડી શકે છે. અમુક લોકોનો દાવો છે કે કોરોના વાઇરસનો ચેપ સામાન્ય શરદી-ખાંસી જેવો જ હશે અને આનો મૃત્યુ દર પણ ત્રણ ટકા જેટલો ઓછો છે. પરંતુ ભારત જેવા દેશમા કે જ્યાંની વસતી સવાસો કરોડ કરતાં વધારે હોય ત્યાં આટલો મૃત્યુદર લાખો લોકોને મોતને હવાલે કરી શકે છે. 

હાલ તો ભારતમાં કોરોના વાઇરસના કારણે ગભરાઇ જવું પડે એવી પરિસ્થિતિ ઉદ્ભવી નથી પરંતુ એવા વ્યવહારિક પગલા જરૂર લેવા જોઇએ જેથી વાઇરસના પ્રસારને ધીમો કરી શકાય અથવા રોકી શકાય. 

ભલે વધારે પડતું લાગે પરંતુ શક્ય હોય એ ઉપાયો પ્રયોજવામાં જ સલામતિ છે. સમયનો તકાજો છે કે દરેકે પોતે જાગૃત બનીને બીજા લોકોને પણ કોરોનાના ચેપથી બચવાના ઉપાયો પ્રયોજવા માટે પ્રેરિત કરવા જોઇએ.