ગોવાના રાજકારણમાં અનોખી છાપ ઊભી કરનાર મનોહર પર્રિકર બાદ કોણ?
મુખ્યમંત્રી મનોહર પર્રિકરના કેન્સરની બીમારીના કારણે અવસાન થયું એ પહેલાં જ કોંગ્રેસ રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કરી ચૂકી છે
રાજ્યમાં સૌથી વધારે બેઠકો ધરાવતી હોવા છતાં કોંગ્રેસને સત્તાથી દૂર રાખવાના પ્રયાસમાં ભાજપ અત્યાર સુધી સફળ રહ્યો છે પરંતુ હવે મુખ્યમંત્રી પર્રિકરના નિધન બાદ કોંગ્રેસની સત્તાપલટાની હિલચાલ સામે ટકી રહેવું ભાજપ માટે પડકારભર્યું બની રહેશે
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર પેન્ક્રિઆટિક કેન્સરથી લાંબો સમય પીડાયા બાદ નિધન પામ્યાં છે. બીજી બાજુ રાજ્યના વિરોધ પક્ષ કોંગ્રેસે હજુ બે દિવસ પહેલાં જ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.
કોંગ્રેસનો દાવો હતો કે ભાજપ ધારાસભ્ય ફ્રાન્સિસ ડિસોઝાના અવસાન બાદ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના નેતૃત્ત્વવાળી સરકાર લઘુમતિમાં આવી ગઇ છે. ગોવા વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાન્ત કાવલેકરે ગોવાના રાજ્યપાલ મૃદુલા સિંહાને પત્ર લખીને આ દાવો કર્યો છે અને ગોવાની ભાજપના નેતૃત્ત્વવાળી સરકારને બરખાસ્ત કરવાની માંગ કરી છે.
ગોવામાં વિધાનસભા ભંગ કરવાની અટકળો વચ્ચે કોંગ્રેસે કહ્યું છે કે બંધારણ અનુસાર સૌથી મોટી પાર્ટીને સરકાર રચવાનું આમંત્રણ ન આપવામાં આવ્યું અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાના પ્રયાસ થયાં તો તે બિનલોકશાહી અને ગેરકાયદેસર પગલું લેખાશે અને એ નિર્ણયને કોંગ્રેસ પડકારશે.
ગોવા વિધાનસભાના કુલ સભ્યોની સંખ્યા ૪૦ છે જેમાંથી ફ્રાન્સિસ ડિસોઝાના ગયા મહિને નિધન અને કોંગ્રેસના બે ધારાસભ્યોના રાજીનામા આપીને ભાજપમાં સામેલ થઇ ગયા બાદ ગૃહમાં ધારાસભ્યોની સંખ્યા ૩૭ થઇ ગઇ હતી. હવે મુખ્યમંત્રી પર્રિકરના અવસાન બાદ ગૃહમાં ધારાસભ્યોની સંખ્યા ૩૬ રહી જવા પામી છે. હાલ ગોવામાં ૧૪ ધારાસભ્યો સાથે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે.
વર્ષ ૨૦૧૭માં થયેલી ગોવા વિધાનસભા ચૂંટણીમાં ૪૦ બેઠકોમાંથી કોંગ્રેસ ૧૭ બેઠકો જીતીને સૌથી મોટો પક્ષ બન્યો હતો. તો ભાજપને માત્ર ૧૩ બેઠકો મળી હતી. જોકે મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી અને ગોવા ફોરવર્ડ પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારોના સમર્થનથી ભાજપ ગોવામાં ફરી વખત સરકાર રચવામાં સફળ નીવડી હતી.
હકીકતમાં છેલ્લા ઘણાં સમયથી ગોવાનું રાજકારણ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના સ્વાસ્થ્યની આસપાસ કેન્દ્રીત થઇ ગયું હતું. ગયા વર્ષે પણ લગભગ એક મહિનો દિલ્હીની એઇમ્સમા દાખલ રહ્યાં બાદ પર્રિકરને ગોવા લાવવામાં આવ્યાં હતાં.
ડોકટરોની સલાહ મુજબ ગોવામાં જ પર્રિકરની સારવાર ચાલી રહી હતી તો બીજી બાજુ છેલ્લા ઘણાં સમયથી બીમાર રહેલા પર્રિકરના રાજીનામાને લઇને પણ લાંબા સમયથી અટકળો થઇ રહી હતી. જાણકારોના મતે પોતાની બીમારીના કારણે પર્રિકર લાંબા સમયથી મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવા ઇચ્છતા હતાં પરંતુ ભાજપ હાઇ કમાન્ડ એવું કરતા ખચકાતો હતો. હકીકતમાં ભાજપના મોટા નેતાઓનું માનવું હતું કે જો પર્રિકર ગોવાના મુખ્યમંત્રીપદેથી દૂર થઇ જાય તો રાજ્યમાં સરકાર ચલાવવી ભાજપ માટે આસાન નહીં હોય.
વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનોહર પર્રિકરને ગોવાના મુખ્યમંત્રીપદેથી રાજીનામુ અપાવીને પોતાના મંત્રીમંડળમાં સામેલ કર્યાં હતાં. હકીકતમાં તો વડાપ્રધાન મોદી પોતાની પ્રારંભિક ટીમમાં જ મનોહર પર્રિકરને સામેલ કરીને તેમને કેન્દ્રીય રાજકારણમાં લાવવા ઇચ્છતાં હતાં પરંતુ એ વખતે પર્રિકર ગોવા છોડવા તૈયાર થયા નહોતા. બાદમાં વડાપ્રધાન મોદીએ પોતાના મંત્રીમંડળમાં પહેલી વખત ફેરબદલ કર્યો ત્યારે પર્રિકર કેન્દ્ર સરકારમાં આવી ગયા અને તેમના સ્થાને ગોવાના મુખ્યમંત્રી લક્ષ્મીકાંત પારસેકરને બનાવવામાં આવ્યાં હતાં.
આમ તો ગોવામાં કોંગ્રેસ કરતા ઓછી બેઠકો હોવા છતાં ભાજપની સરકાર મનોહર પર્રિકરના નામ ઉપર જ બની હતી. જે પણ અપક્ષ ધારાસભ્યો અને નાની પાર્ટીઓના ધારાસભ્યો ભાજપ સાથે આવ્યાં હતાં એમાંના ઘણાં ખરાની શરત હતી કે પર્રિકરને જ મુખ્યમંત્રી બનાવવામાં આવે.
ગોવામાં ભાજપ સરકાર રચવામાં સૌથી સક્રિય ભૂમિકા ભજવનાર નિતિન ગડકરીએ પણ ભૂતકાળમાં સ્વીકાર કર્યો હતો કે પર્રિકરને મુખ્યમંત્રી બનાવવાની શરત સૌથી પહેલાં ગોવા ફોરવર્ડ પાર્ટીના વિજય સરદેસાઇએ મૂકી હતી અને એ પછી બીજા ધારાસભ્યોએ પણ એવી માંગ કરી હતી. આ ધારાસભ્યોના દબાણના કારણે જ કેન્દ્રમાં રક્ષામંત્રી રહેલા પર્રિકરને રાજ્યમાં પાછા બોલાવવામાં આવ્યાં હતાં.
પર્રિકરને મુખ્યમંત્રી બનાવ્યા બાદ તેમને ધારાસભ્ય બનાવવા પણ જરૂરી હતાં. એ માટે તેમણે પોતાની પરંપરાગત પણજી બેઠક ઉપરથી પેટાચૂંટણી લડી જે બેઠક તેમના માટે ભાજપના ધારાસભ્ય સિદ્ધાર્થ કુનકોલીએંકરે ખાલી કરી. જોકે પર્રિકરની જીત બાદ પણ રાજ્યમાં ભાજપની બેઠકોનો આંકડો તો ૧૩ જ રહ્યો.
બીજી બાજુ વાલપોઇ બેઠક ઉપરથી કોંગ્રેસના વિશ્વજીત રાણેએ રાજીનામુ આપીને ભાજપ સાથે જવાનું પસંદ કર્યું હતું. પેટાચૂંટણીમાં રાણેનો વિજય થયો અને હાલ તેઓ ભાજપના ધારાસભ્ય છે અને ગોવા સરકારમાં મંત્રી બન્યા. એ રીતે ગોવામાં ભાજપનું સંખ્યાબળ ૧૪ ધારાસભ્યોનું થયું હતું.
જોકે ગોવાના રાજકારણની પ્રવાહી સ્થિતિને જોતાં ગયા વર્ષે પણ કોંગ્રેસે રાજ્યમાં સત્તાપલટાના પ્રયાસો આદર્યાં હતાં. એ વખતે કોંગ્રેસે ૧૬ વિધાનસભ્યો સાથે સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરીને રાજ્યમાં સરકાર બનાવવા માટેની હિલચાલ તેજ કરી દીધી હતી. પરંતુ ભાજપ અધ્યક્ષ અમિત શાહના ગેમ પ્લાન આગળ કોંગ્રેસને નિષ્ફળતા સાંપડી હતી. રાજ્યમાં સરકાર રચવાના સપના સેવી રહેલી કોંગ્રેસના બે ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં જોડાતા કોંગ્રેસની ગોવામાં સરકાર રચવાની અપેક્ષા ઉપર પાણી ફરી વળ્યું હતું.
પર્રિકરની બીમારીમાં પોતાના માટે તક જોઇ રહેલી કોંગ્રેસની તૈયારી હતી કે ગોવા ભાજપ અને સરકારમાં નેતૃત્ત્વ ન હોવાને મુદ્દો બનાવીને સરકારના સમર્થનમાં રહેલાં કેટલાંક ધારાસભ્યોને તોડીને કોંગ્રેસમાં સામેલ કરાવી લેશે જેના કારણે ગોવામાં સરકાર લઘુમતિમાં આવી જશે અને કોંગ્રેસને સરકાર બનાવવાનો મોકો મળી જશે. પરંતુ ભાજપ અધ્યક્ષ અમિત શાહે એવી ગેમ પ્લાન રચ્યો કે સરકારના સમર્થનમાં રહેલા ધારાસભ્યોને તોડવાની વાત તો દૂર, ખુદ કોંગ્રેસના જ બે ધારાસભ્યોને તોડીને ભાજપે પોતાની સાથે લઇ લીધાં.
લાંબા સમયથી કોંગ્રેસ દાવો કરી રહી હતી કે રાજ્યના મુખ્યમંત્રીનું સ્વાસ્થ્ય ગંભીર હોય અને તેઓ પોતાના કાર્યાલયમાં કે વિધાનસભામાં હાજર ન રહી શકતા હોય તો સરકારનું કામકાજ રાબેતામુજબ કેવી રીતે ચાલી શકે? આ દલીલને આગળ ધરીને જ કોંગ્રેસ ગોવામાં પોતાની સરકાર રચવાનો દાવો કરતી આવી છે.
બીજી બાજુ ગોવા ભાજપ અને સરકારના સમર્થનમાં રહેલા ધારાસભ્યોનું માનવું હતું કે વર્તમાન સમયમાં ગોવામાં મનોહર પર્રિકરનો કોઇ યોગ્ય વિકલ્પ નથી જે દરેક પક્ષને સ્વીકાર્ય હોય. થોડા વખત પહેલાં કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઇકને રાજ્યના મુખ્યમંત્રી બનાવવા અંગે ભાજપે વિચાર કર્યો હતો પરંતુ સમર્થનમાં રહેલા પક્ષો એ માટે રાજી થયા નહોતાં.
વળી ગોવામાં ભાજપની મુખ્ય સમસ્યા એ પણ હતી કે જો મુખ્યમંત્રીપદેથી મનોહર પર્રિકરને દૂર કરવામાં આવ્યાં તો રાજ્યમાં રાજકીય અસ્થિરતાનો માહોલ ઊભો થાય એમ હતો. અને એ સંજોગોમાં સૌથી વધારે ધારાસભ્યો ધરાવતી કોંગ્રેસ ફરી વખત રાજ્યમાં પોતાની સરકાર રચવાના ચક્રો ગતિમાન કરે એમ હતી.
અને લોકસભા ચૂંટણી માથે છે ત્યારે ભાજપ કોઇ પણ ભોગે એક રાજ્યમાં પોતાની સરકાર ગુમાવવા તૈયાર ન હોય એ સ્વાભાવિક છે. બીજી બાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તો એવો દાવો પણ કરી ચૂક્યાં છે કે રાફેલ સોદા વખતે રક્ષા મંત્રી રહેલાં મનોહર પર્રિકર ઘણી ગુપ્ત માહિતી ધરાવે છે જેના કારણે ભાજપ તેમના નબળા સ્વાસ્થ્ય છતાં મુખ્યમંત્રીપદેથી દૂર ન કરવા મજબૂર છે.
એક રીતે જોતાં ગોવા જેવા નાનકડા રાજ્યમાં પણ ભાજપ પોતાની સરકાર ચલાવવા માટે જે જહેમત ઉઠાવી રહી છે એનાથી સ્પષ્ટ થાય છે કે નાનામાં નાના રાજ્યમાં પણ ભાજપ પોતાની સરકાર ચલાવવા માટે કેટલી ગંભીર છે. ભાજપે આ ફોર્મ્યૂલા ઉત્તરપૂર્વના પણ ઘણાં રાજ્યોમાં અપનાવી છે જ્યાં તેની પાસે ધારાસભ્યોની સંખ્યા ઓછી છે. મતલબ કે ભાજપ કોઇ પણ સંજોગોમાં રાજ્યોમાં અન્ય પક્ષોની સરકાર રચવા દેવા માંગતી નથી, ભલે તેની પાસે જરૂરી બહુમતિ ન હોય કે તે સૌથી મોટી પાર્ટી પણ ન હોય.
આ રીતે જોડતોડ કરીને સરકાર રચવાનો પ્રયાસ ભાજપ અગાઉ કર્ણાટકમાં પણ કરી ચૂક્યો છે પરંતુ એમાં સફળતા ન મળી. તો જમ્મુ-કાશ્મીરમાં પણ ધૂર વિરોધી પીડીપી સાથે હાથ મિલાવીને સરકાર ચલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ એમાં સફળતા ન મળી. જોકે આ બધાંથી ઉલટું, ગોવામાં ભાજપનું જોડતોડનું રાજકારણ સફળ નીવડયું છે અને રાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા વધારે હોવા છતાં તેને સત્તાથી દૂર રાખવામાં ભાજપ સફળ નીવડયો છે.
હાલ કોંગ્રેસના સરકાર રચવાની રજૂઆત સામે ભાજપે દાવો કર્યો છે કે ગોવામાં તેમની સરકાર સ્થિર છે અને અફવાઓ પર ધ્યાન આપવાની જરૂર નથી. જોકે પર્રિકરના કથળેલા સ્વાસ્થ્યને જોતાં ગોવામાં રાજકીય પરિવર્તન અંગે વિચાર થઇ રહ્યો હોવાનું ભાજપે કહ્યું હતું. હવે પર્રિકરના અવસાન બાદ ભાજપ માટે સૌથી મોટો સવાલ તો રાજ્યમાં સત્તા કેવી રીતે ટકાવી રાખવી એ રહેશે. એ સાથે જ દિવંગત મનોહર પર્રિકરના સ્થાને સર્વસંમત મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવી એ પણ ભાજપ માટે યક્ષ પ્રશ્ન બની રહેશે.