Get The App

ઘરેલુ મોરચે ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કરીને ડ્રેગનને હરાવો

- ચીનની દગાબાજી બાદ દેશભરમાં ચીની માલસામાનનો બહિષ્કાર કરવાની માંગ

- ભારત ચીની ઉત્પાદનો વગર ચલાવી શકે એમ નથી અને ભારતીય ઉત્પાદનો ચીની ઉત્પાદનો સામે ટક્કર ઝીલી શકે એવા નથી એવી ડંફાસો હાંકીને ચીને ભારતના આત્મસન્માનને લલકાર્યું છે અને ભારતે આત્મનિર્ભર બનીને ચીનને સબક શીખવાડવાનો સમય આવી ગયો છે

Updated: Jun 19th, 2020

GS TEAM

Google News
Google News
ઘરેલુ મોરચે ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કરીને ડ્રેગનને હરાવો 1 - image


લદ્દાખમાં ચીની સૈનિકોના કાયરતાપૂર્ણ હુમલાનો ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યા બાદ હવે ચીનને આર્થિક મોરચે પણ પછડાટ આપવાની જરૂર છે. ચીનની દગાબાજી બાદ દેશભરમાં ચીની માલસામાનનો બહિષ્કાર કરવાની માંગ ઊઠી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને આત્મનિર્ભર બનવાની હાકલ કરી છે એ જોતાં ચીની માલસામાનનો બહિષ્કાર કરીને સ્વદેશી ઉત્પાદનો અપનાવવાનો આ ખરો સમય છે.

જોકે ભારતના ઘરોમાં જુદાં જુદાં હોમ એપ્લાયન્સિસના રૂપમાં, લોકોના ખિસ્સામાં સ્માર્ટફોનના રૂપમાં અને ડિજિટલ વોલેટના રૂપમાં ચીની ઉત્પાદનો મોજૂદ છે. ચીની સરકારી મીડિયા તો જાણે ભારતની ઠેકડી ઉડાવતું હોય એમ ડંફાસો હાંકે છે કે ભારતમાં ચીની માલસામાનના બહિષ્કાર કરવાની વાતો ભલે થાય પરંતુ ભારત ચીની ઉત્પાદનો વગર ચલાવી શકે એમ જ નથી. આટલેથી ન અટકતાં ચીની મીડિયા ત્યાં સુધી કહે છે કે ભારતીય ઉત્પાદનો ચીની ઉત્પાદનો સામે ટક્કર ઝીલી શકે એમ જ નથી. ચીન આવું કહેવાની હિંમત કરી શકે છે કારણ કે તે જાણે છે કે તેના ઉત્પાદનોએ ભારતના ઘર ઘરમાં કેવો કબજો જમાવ્યો છે. 

કહેવા માટે તો ભારત અને ચીન વચ્ચે દ્વીપક્ષીય વેપાર સમજૂતિ છે પરંતુ હકીકત એ છે કે ચીન અને ભારતની પરસ્પર નિકાસમાં છ ગણું અંતર છે. મતલબ કે ભારત ચીનમાં જેટલી નિકાસ કરે છે એનાથી છ ગણો વધારે ચીની માલસામાન ભારતના બજારોમાં ઠલવાય છે. એટલે સુધી કે દીવાળીથી લઇને ઉત્તરાયણ સુધીના દરેક તહેવારોમાં પણ ચીની આઇટમોની બોલબાલા છે. ચીન જાણે છે કે ભારતના લોકોે કોઇ એક ચીજનો બહિષ્કાર કરશે તો મજબૂરીના માર્યા બીજી કોઇ ચીની આઇટમ તો ખરીદવી જ પડશે. 

ભારતના કોઇ પણ બજારમાં જાવ, ચાઇનીઝ આઇટમોના ખડકલાં જોવા મળશે. ભારતના મોટા ભાગના લોકો ચાઇનીઝ ન્યૂ યર કે પછી બીજા કોઇ ચાઇનીઝ તહેવારો ક્યારે આવે છે એ જાણતા નહીં હોય ત્યારે ચીને ભારતના દરેક તહેવારો, સંસ્કૃતિ અને રીતિરિવાજો વિશે જાણકારી મેળવીને એને જ પોતાની કારોબારી રણનીતિ બનાવી છે. નાના બાળકોના રમકડાંથી લઇને મોટાઓ વાપરે તેવા આધુનિક ગેઝેટ્સ સુધી બધું મેડ ઇન ચાઇના જ આવે છે. 

નેવુંના દાયકામાં સ્વદેશીકરણનું અભિયાન શરૂ થયું હતું પરંતુ ગ્લોબલ ઇકોનોમી સાથે જોડાયા બાદ અને મુક્ત બજાર વ્યવસ્થા અપનાવ્યા બાદ સ્વદેશીકરણ ભૂલાઇ ગયું. લઘુઉદ્યોગો અને કુટિર ઉદ્યોગો સંકોચાતા રહ્યાં અને લોકોની જરૂરિયાતોના બજારો ચાઇનીઝ પ્રોડક્ટના મોહતાજ બની ગયાં.

પશ્ચિમના દેશો ભારતના વિશાળ બજારને જોઇને મોટા મોટા સોદાઓમાં રચ્યાંપચ્યાં રહ્યાં પરંતુ ખંધું ચીન ભારતીય સંસ્કૃતિ અને રહેણીકરણી સમજીને સામાન્ય ભારતીયોની જરૂરિયાતો પૂરી પાડે એવા ઉત્પાદનો બનાવવામાં મચી પડયું. આજે પરિસ્થિતિ એ છે કે બજારોમાં ચીની માલસામાન એટલો આકર્ષક અને સસ્તા ભાવે મળે છે કે કોઇ ભારતીય ઉત્પાદનો સામે જોતું જ નથી. સ્વદેશીના ગમે તેટલા નારા લાગે પરંતુ દરેકના ઘરના કોઇક ખૂણામાં તો ચીની આઇટમ પડેલી જોવા મળશે જ. ભારતીયોની આ નબળાઇ ચીન સુપેરે જાણે છે એટલા માટે જ અબજો ડોલરના વેપારનું જોખમ હોવા છતાં તે ભારતને કનડવાની હિંમત કરે છે.

ચીનની ડંફાસ બાદ ભારતના નાના વેપારીઓ ભારે રોષમાં છે. ભારત ચીની માલસામાનનો બહિષ્કાર કરી શકે એમ નથી એવું કહીને ચીને આપણા દેશના ઉત્પાદકોને એક રીતે ચેલેન્જ ફેંકી છે. નાના વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ કેટએ તો ભારતીય સામાનના અભિયાનને જોરશોરથી ચલાવવાનો સંકલ્પ લીધો છે. સંગઠને ડિસેમ્બર ૨૦૨૧ સુધી ચીનથી એક લાખ કરોડ રૂપિયાની આયાત ઓછી કરવાનો નિર્ણય લીધો છે.

ગયા વર્ષે બંને દેશો વચ્ચેનો દ્વીપક્ષીય વેપાર આશરે ૯૦ અબજ ડોલરનો હતો પરંતુ એમાં બે તૃતીયાંશ હિસ્સો તો ભારતમાં ચીની નિકાસનો હતો. મતલબ કે ચીન સાથેનો વેપાર ભારત માટે હંમેશા ખોટનો સોદો જ રહ્યો છે. ભારત ચીનને સરેરાશ ૧૦થી ૧૫ અબજ ડોલરની ચીજવસ્તુઓ નિકાસ કરે છે જેમાં કાચો માલ મુખ્ય છે. સામા પક્ષે ભારત ચીનમાંથી ૬૦થી ૭૦ અબજ ડોલરનો માલ આયાત કરે છે જેમાં ઇલેક્ટ્રીક સાધનો મુખ્ય છે. ચીનની વેપાર ઉદ્યોગની બેવડી નીતિઓના કારણે ભારતના વેપારીઓને ચીન સાથે વેપાર કરવામાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 

ફાર્મસી ઉદ્યોગ તો ચીનથી થતા કાચા માલની આયાત પર નિર્ભર છે. દવાઓ બનાવવા માટે જરૂરી કાચો માલ જેને એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ કહે છે એ ચીનથી આયાત કરવામાં આવે છે. સરકારે સંસદમાં રજૂ કરેલા આંકડા અનુસાર ભારતની દવા બનાવતી કંપનીઓ આશરે ૭૦ ટકા એપીઆઇ ચીનમાંથી આયાત કરે છે. વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન દેશની ફાર્માસ્યૂટિકલ કંપનીઓએ ૨.૪ અબજ ડોલરની દવાઓ અને એપીઆઇની આયાત કરી. દવાઓની નિકાસના મામલે ભારત ટોચના દેશોમાં સ્થાન પામે છે અને જેનરિક દવાઓ બનાવવા માટેના કાચા માલ માટે કંપનીઓ ચીન પર નિર્ભર છે એ જોતાં ચીનથી પીછો છોડાવવો આસાન નથી.

કોરોના મહામારીના કારણે મંદ પડેલી અર્થવ્યવસ્થાનો ફાયદો ઉઠાવીને બે મહિના પહેલા ચીનની પીપલ્સ બેંક ઓફ ચાઇનાએ હાઉસિંગ લોન આપતી દિગ્ગજ કંપની એચડીએફસી લિમિટેડના ૧.૭૫ કરોડ શેર ખરીદી લીધાં હતાં. ચીનના આ પગલા બાદ જ સરકાર સતર્ક બનીને તાત્કાલિક વિદેશી રોકાણના નિયમોમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી. ચીનની નજર ભારતની ફાર્મા કંપની ઉપર પણ છે. કોરોના મહામારીના કારણે દુનિયાભરના શેરમાર્કેટોમાં અફરાતફરીનો માહોલ છે અને ચીન આ જ મોકાનો ફાયદો ઉઠાવીને ધડાધડ રોકાણ કરી રહ્યું છે.

ડિસેમ્બર ૨૦૧૯થી એપ્રિલ ૨૦૨૦ એટલે કે છેલ્લા ચાર મહિનામાં જ ચીને ભારતમાં ૨.૩૪ અબજ ડોલર એટલે કે લગભગ ૧૪,૮૪૬ કરોડ રૂપિયા એફડીઆઇના રૂપમાં રોક્યા છે.એવા પણ અહેવાલ છે કે ભારતની ટેક સ્ટાર્ટઅપ્સમાં છેલ્લા પાંચ વર્ષમાં ચાર અબજ ડોલર લગાવ્યા છે. દેશની ૯૦ કરતા વધારે ટેક કંપનીઓમાં ચીનનું રોકાણ છે. ભારતમાં યૂનિકોર્ન એટલે કે એક અબજ ડોલર કરતા વધારે વેલ્યુએશન ધરાવતી ૩૦ કંપનીઓમાંથી ૧૮ કંપનીઓમાં ચીનની કંપનીઓએ રોકાણ કર્યું છે.

આજના ડિજિટલ યુગમાં ડેટાનું અત્યંત મહત્ત્વ છે એ સંજોગોમાં ચીની કંપનીઓ ગ્રાહકોની પ્રાઇવસી તેમજ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમરૂપ બની શકે છે. જોકે ચીન જેટલું દેખીતી રીતે કરે છે એથી વધારે તો એ છૂપી રીતે કરે છે. એવી પણ શક્યતા છે કે ચીને અન્ય દેશોની કંપનીઓને આર્થિક રીતે પોષીને એમના દ્વારા ભારતમાં રોકાણ કર્યું હોય.એક રિપોર્ટ અનુસાર દેશમાં એવી ૭૫ કંપનીઓ છે જેમાં ચીને રોકાણ કર્યું છે. ટેકનોલોજીના ક્ષેત્રમાં રોકાણ કરવાની ચીનની પ્રકૃત્તિ છે જેના કારણે એ બજાર પર તો ચીનનો જ કબજો છે.

દૂરસંચારના ઉપકરણો, હોમ એપ્લાયન્સિસ, ટેલિવિઝન બજાર, મોબાઇલ બજાર અને ફાર્મા સેકટરમાં ચીન છવાયેલું છે. ચીની ઉત્પાદનોથી તાત્કાલિક છૂટકારો પામવો તો શક્ય નથી પરંતુ દરેક દેશવાસી સંકલ્પ લે અને દેશને આત્મનિર્ભર બનાવવાનું નક્કી કરે તો એ શક્ય છે. ચાઇનીઝ સોફ્ટવેર એટલે કે જુદી જુદી એપ્સ કે પ્રોગ્રામોથી તો તાત્કાલિક છૂટકારો મેળવી શકાય એમ છે. તો સ્માર્ટ ફોન કે અન્ય ચીની ઉપકરણો ભલે તાત્કાલિક ન ત્યાગી શકાય પરંતુ અમુક સમય નિશ્ચિત કરીને ચીની ઉત્પાદનોથી પીછો છોડાવી શકાય. 

બેશક, ભારતથી ઘણી અગાઉ એટલે કે ૧૯૭૮માં અર્થવ્યવસ્થાના દરવાજા ખોલ્યા બાદ ચીને હરણફાળ ભરી છે. મેન્યુફેક્ચરિંગના મામલે તો ચીન એટલું આગળ નીકળી ગયું છે કે તેને દુનિયાની ફેકટરી ગણવામાં આવે છે. દુનિયાનો કદાચ કોઇ દેશ એવો નહીં હોય જે ચીની માલસામાનનો મોહતાજ નહીં હોય. પરંતુ ચીનની મેલી મુરાદ હવે દુનિયાભરના દેશો સમજવા લાગ્યા છે અને ચીનથી મોઢું ફેરવવા લાગ્યાં છે. એ જોતાં ભારતે આત્મનિર્ભર બનવાની સાથે સાથે દુનિયાભરના દેશોની જરૂરિયાતો પૂરી પાડવાનો મોટો અવસર છે.  તાજેતરના વર્ષોમાં ભારતે અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે મળીને ચતુષ્કોણીય ધરી બનાવવાનો આરંભ કર્યો છે.

ભારત અને અમેરિકા નિકટ આવી રહ્યાં છે એ ચીનથી સહન થતું નથી. ચીનની હિંસક કાર્યવાહીને જોતાં ભારતે હવે ચીનનો દૃઢતાથી મુકાબલો કરવાનો સમય આવી ગયો છે. ચીનની હરકતો જોતાં લાગે છે કે તે ભારતની પ્રતિષ્ઠાને ઓછી કરવા માંગે છે અને આપણે દરેક પરિસ્થિતિમાં આપણા માન સન્માનનું રક્ષણ કરવાનું છે. સરહદે આપણા જવાનો ચીની ડ્રેગનનો સામનો કરવા કટિબદ્ધ છે તો દેશના તમામ નાગરિકોએ ચીની માલસામાનનો બહિષ્કાર કરીને આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં આગળ વધવા કમર કસવી જ રહી.

Tags :