વૈશ્વિક મંદી નહીં પરંતુ રાષ્ટ્રપતિની ચૂંટણીના કારણે ટ્રમ્પે ટ્રેડ વૉરમાં પીછેહઠ કરી
અમેરિકા અને ચીન વચ્ચે વેપાર સમજૂતિ થતાં દુનિયાભરમાં હાશકારો
ચીન સાથે આરંભેલા ટ્રેડ વૉરમાં અમેરિકાના અર્થતંત્રને પણ મોટું નુકસાન થયું છે જેના કારણે ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે અને હવે જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે લોકોની નારાજગી દૂર કરવા ટ્રમ્પે નાછૂટકે ચીન સામે ઉગામેલી ટેરિફની તલવાર મ્યાનમાં મૂકવી પડી છે
અમેરિકા અને ચીને છેલ્લા ૧૮ મહિનાથી ચાલી રહેલા ટ્રેડ વૉરને ખતમ કરવાની દિશામાં પગલા લેતા મહત્ત્વની વેપાર સંધિ પર હસ્તાક્ષર કર્યાં છે. આ સંધિ થતાની સાથે દુનિયાએ રાહતનો શ્વાસ લીધો છે. વોશિંગ્ટનમાં સંધિ પર હસ્તાક્ષર થતાની સાથે જ દુનિયાભરના સ્ટોક માર્કેટના સૂચકાંકોમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો. હાલ આ વેપાર સંધિના પહેલા તબક્કા પર સહી થઇ છે જે અંતર્ગત ચીન ટેરિફમાં કેટલીક છૂટના બદલામાં ચીને અમેરિકા પાસેથી આવતા બે વર્ષમાં ૨૦૦ અબજ ડોલરનો સામાન ખરીદવાનો રહેશે.
ચીને જે માલસામાન આયાત કરવાનું સ્વીકાર્યું છે એમાં ૫૦ અબજ ડોલરના કૃષિ ઉત્પાદનો પણ સામેલ છે જે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આગામી ચૂંટણીમાં લાભ કરાવી શકે છે. ઉપરાંત અમેરિકાની બૌદ્ધિક સંપત્તિના અધિકારનું સન્માન કરવાનું અને પોતાના ચલણ વિનિમય દરોમાં કૃત્રિમ રીતે ફેરફાર ન કરવાનું ચીને લખીને આપ્યું છે. થોડા સમય પહેલાં અમેરિકાએ ચીન ઉપર તેના ચલણના વિનિમય દર સાથે છેડછાડ કરવાનો આરોપ મૂક્યો હતો. પરંતુ આ વેપાર સંધિ પહેલાં જ અમેરિકાએ ચીન ઉપરથી આ આરોપ પાછો લઇ લીધો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે વેપાર સંધિને અમેરિકાની અર્થવ્યવસ્થા અને તેમના પ્રશાસનની વેપાર નીતિઓ માટે જીત ગણાવી છે. એ સાથે જ સંધિ વખતે તેમણે ચૂંટણીને ધ્યાનમાં રાખીને નિવેદન પણ આપ્યું છે કે તેઓ સાથે મળીને ભૂતકાળની ભૂલો સુધારી રહ્યાં છે અને એવા ભવિષ્યનું નિર્માણ કરી રહ્યાં છે જેમાં આર્થિક ન્યાય હશે અને અમેરિકાના કર્મચારીઓ, ખેડૂતો અને પરિવારો માટે સુરક્ષા હશે. સંધિના સમર્થનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ પત્ર લખીને આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચેના મતભેદો વાતચીત દ્વારા ઉકેલાઇ જશે.
નવા કરાર મુજબ ચીનથી આયાત થતા ૧૨૦ અબજ ડોલરના માલસામાન પર અમેરિકા વર્તમાન ૧૫ ટકા ટેરિફને અડધું કરી દેશે. એ સાથે જ પ્રસ્તાવિત નવી ડયૂટીને લાગુ કરવાની પણ ટાળી દેવામાં આવી છે. અમેરિકાની આ નવી શરત અનુસાર આશરે ૨૫૦ અબજ ડોલરના ચીની માલસામાન જેમાં મુખ્યત્ત્વે મોબાઇલ અને લેપટોપ હતાં એના પર ૨૫ ટકાના હિસાબે ટેક્સ લગાડવાની જોગવાઇ હતી પરંતુ હાલ પૂરતું આ ડયૂટી ટળી ગઇ છે. તેમ છતાં એગ્રીમેન્ટમાં ચીન માટે પ્રમાણમાં અઘરી કહી શકાય એવી શરતો છે.
છેલ્લા ઘણા સમયથી અમેરિકાના એકહથ્થુ અધિકારને ચીન લલકારી રહ્યું છે જેના કારણે બંને દેશો વચ્ચે આર્થિક ક્ષેત્રે સંઘર્ષની સ્થિતિ ઊભી થઇ છે. ચીનની વધી રહેલી આર્થિક તાકાતથી પોતાના બજારને બચાવવા માટે અમેરિકાએ સંરક્ષણવાદી નીતિઓ અપનાવી છે.
બે આખલાની લડાઇમાં ઝાડનો ખો નીકળે એમ અમેરિકા અને ચીન વચ્ચેના આ ટ્રેડ વૉરના કારણે આખી દુનિયાના વેપારઉદ્યોગોને માઠી અસર થઇ છે. વર્તમાન સમયમાં વેપાર ઉદ્યોગ માટે દુનિયાભરના દેશો એકબીજા સાથે જોડાયેલા હોવાના કારણે અમેરિકાના આ સંરક્ષણવાદની અસરો બીજા દેશો ઉપર પણ થવી સ્વાભાવિક છે. વૈશ્વિક તાણાવાણાનો મહત્ત્વનો હિસ્સો બની ચૂકેલા ભારત ઉપર પણ તેની અસર પડી છે.
દુનિયાની ટોચની બે અર્થવ્યવસ્થાઓ વચ્ચે તણાવની શરૂઆત જાન્યુઆરી ૨૦૧૮માં થઇ જ્યારે ટ્રમ્પે ચીનમાં બનેલી સૌર પેનલો અને વોશિંગ મશીનો પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી. શરૂઆતમાં ટ્રમ્પે આને ટ્રેડ વૉર ગણાવવાનો ઇન્કાર કર્યો પરંતુ વર્ષ જેમ જેમ આગળ વધતું ગયું તેમ તેમ ટ્રમ્પ પ્રશાસને અમેરિકા આયાત થતી અનેક ચીજવસ્તુઓ ઉપર ટેરિફ વધારી દીધું અને માત્ર ચીન જ નહીં પરંતુ અનેક દેશો સાથે અમેરિકાએ વેપારી સમજૂતિઓ બદલવાની કવાયત આદરી. આ ટ્રે વૉરમાં અમેરિકાએ ચીનથી આયાત થતા ૫૫૦ અબજ ડોલરના ઉત્પાદનો પર ટેરિફ વધારી દીધું. તો જવાબમાં ચીને પણ અમેરિકાથી આવતી ૧૬૫ અબજ ડોલરની ચીજવસ્તુઓ પર ટેરિફ લગાવી દીધું.
અમેરિકાએ અનેક દેશોના ઉત્પાદનોની આયાત ઉપર ટેરિફ વધારવાનું શરૂ કર્યું ત્યારે અમેરિકાના આ પગલાંનો દુનિયાભરમાં વિરોધ થયો. અમેરિકાએ છેડેલા આ ટ્રેડ વૉરમાં પાડોશી દેશ કેનેડાથી લઇને ચીન પણ સામેલ થયા. આ ટ્રેડ વૉરમાં અમેરિકાના દાયકા જૂના સહયોગી યુરોપિયન યુનિયન અને ભારત પણ નાછૂટકે સામેલ થવું પડયું. વ્યાપાર યુદ્ધની રણનીતિ અંતર્ગત અમેરિકાએ ત્યાં નિકાસ કરતા દેશો ઉપર ઇમ્પોર્ટ ડયૂટી વધારવાના પગલાં લીધાં. અમેરિકાના આ પગલાના જવાબમાં ભારત સહિતના દેશો પણ અમેરિકાથી આયાત થતી ચીજવસ્તુઓ ઉપર ટેક્સ વધારી દીધો.
ટ્રમ્પને એવું લાગતું હતું કે દુનિયાભરના દેશોએ સારી એવી પ્રગતિ કરી લીધી છે અને હવે આ દેશો અમેરિકાના હિતોને અસર કરી રહ્યાં છે. ચીન સાથેનું અમેરિકાનું વેપારી યુદ્ધ આનું ઉદાહરણ છે. ચીન સાથે અમેરિકાની વેપારી સંધિ એ સમયથી હતી જ્યારે ચીન આટલી મોટી આર્થિક મહાસત્તા બન્યું નહોતું. હવે ચીન મોટી આર્થિક તાકાત બની ગયું છે અને એટલા માટે અમેરિકા ઇચ્છે છે કે જે રીતે અમેરિકાએ ચીન માટે પોતાના દરવાજા ખોલ્યાં છે એ જ રીતે ચીન પણ અમેરિકી કંપનીઓ માટે દરવાજા ખોલી નાખે.
પરંતુ ચીન એ માટે તૈયાર ન થયું અને પરિણામે ચીનનું નાક દબાવવા માટે જ અમેરિકાએ ચીની ઉત્પાદનો ઉપર જંગી ટેક્સ લાદ્યાં. પરંતુ ચીને અમેરિકાની શરણમાં આવવાના બદલે ઉલટું અમેરિકી ઉત્પાદનો ઉપર પણ એવા જ ટેક્સ લગાવી દીધાં. છેવટે ટ્રમ્પે આરંભેલું ટ્રેડ વૉર અમેરિકાને જ ભારે પડી રહ્યું. ઇન્ટરનેશનલ મોનિટર ફંડના અનુમાન પ્રમાણે આયાત ટેક્સને હથિયાર બનાવીને લડવામાં આવેલા આ ટ્રેડ વૉરમાં અમેરિકાના વિકાસમાં ૦.૬ ટકા અને ચીનના ગ્રોથમાં બે ટકાનો ઘટાડો થયો.
ટ્રેડ વૉરના કારણે ચીને અમેરિકા પાસેથી કૃષિ ઉત્પાદનો ખરીદવાનું બંધ કરી દીધું. અમેરિકાના વાણિજ્ય ખાતાના આંકડા અનુસાર છેલ્લા એક વર્ષમાં અમેરિકાના કૃષિ ઉત્પાદનોની નિકાસ ૨૫ અબજ ડોલરથી ઘટીને ૭ અબજ ડોલર થઇ ગઇ. એટલું જ નહીં, ચીની માલસામાનની આયાત પર અમેરિકાની કંપનીઓ પોતાની સરકારને મહિને પાંચ અબજ ડોલરનું ટેરિફ ચૂકવવાનો વારો આવ્યો. હવે આયાત કરમાં પચાસ ટકાનો ઘટાડો થતા અમેરિકન કંપનીઓને દર મહિને અઢી અબજ ડોલરની બચત થશે.
વ્હાઇટ હાઉસના મુખ્ય આર્થિક સલાહકારના જણાવ્યા અનુસાર આ વેપાર સંધિથી અમેરિકાના જીડીપી ગ્રોથમાં એક વર્ષમાં ૦.૫ ટકાની વૃદ્ધિ થશે. એ સાથે જ વિમાન ઉદ્યોગને અપેક્ષા છે કે બોઇંગ કંપનીને ચીન તરફથી વિમાનોનો મોટો ઓર્ડર મળશે. સંધિના પહેલા તબક્કામાં અમેરિકાએ ચીની મોબાઇલ ફોન, રમકડા અને લેપટોપ પર ટેરિફ લગાવવાની યોજનાને મુલતવી રાખી છે. આ ઉપરાંત લગભગ ૧૨૦ અબજ ડોલરની કિંમતના ચીની ઉત્પાદનો ઉપરનું ટેરિફ અડધું ઘટાડીને ૭.૫ ટકા કરી દીધું છે. જોકે ચીનના આશરે ૨૫૦ અબજ ડોલરના માલસામાન પર હજુ પણ ૨૫ ટકાનું ટેરિફ રહેવાનું છે.
ખરેખર તો અમેરિકા અને યુરોપી દેશો ટેકનોલોજીના ક્ષેત્રમાં ચીનના ઝડપી પગપેસારાથી ઘણાં પરેશાન છે. અમેરિકાએ ટ્રેડ વૉરની આડમાં ચીનની આ પ્રગતિને અવરોધવાનો પ્રયાસ કર્યો પરંતુ તેના પાસા અવળા પડયાં. છેલ્લા ઘણાં સમયથી અર્થશાસ્ત્રીઓ વૈશ્વિક મંદીની કાગારોળ મચાવી રહ્યાં છે અને એના માટે ચીન અને અમેરિકા વચ્ચેના ટ્રેડ વૉરને જવાબદાર ઠરાવી રહ્યાં છે.