Get The App

પ્રશાંત કિશોર બિહારમાં નવો મોરચો માંડવાની તૈયારી કરી રહ્યાં છે?

- જેડીયૂમાંથી હકાલપટ્ટી પામ્યા બાદ પ્રશાંત કિશોરે પહેલી વખત નીતીશકુમાર પ્રત્યે રોષ વ્યક્ત કર્યો

Updated: Feb 19th, 2020

GS TEAM

Google News
Google News

- બિહાર વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતે આવી રહી છે અને આટલા ટૂંકા સમયગાળામાં પ્રશાંત કિશોર નવો પક્ષ ઊભો કરીને કોઇ ચમત્કાર કરી શકે એમ નથી પરંતુ યુવાનોને જોડવાની રણનીતિનો લાભ આગામી ચૂંટણીમાં જરૂર મળી શકે છે

પ્રશાંત કિશોર બિહારમાં નવો મોરચો માંડવાની તૈયારી કરી રહ્યાં છે? 1 - image

જેડીયૂમાંથી હકાલપટ્ટી કરાયા બાદ પ્રશાંત કિશોર ફરી વખત બિહાર તરફ વળ્યા છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર પર શાબ્દિક હુમલા કર્યાં. જોકે પ્રશાંત કિશોરે હાલ તો કોઇ રાજકીય પક્ષ ઊભો કરવાની યોજના ન હોવાનું જણાવ્યું છે પરંતુ તેમણે બિહારના યુવાનોને પોતાની સાથે જોડવા માટે મિશન શરૂ કરવાની જાહેરાત કરી છે. પ્રશાંત કિશોરની આ હિલચાલ બાદ લાગી રહ્યું છે કે તેઓ બિહારમાં નવો મોરચો શરૂ કરવાની તૈયારીમાં છે

રાજકીય વ્યૂહરચનાકાર ગણાતા પ્રશાંત કિશોર વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી બાદ ચર્ચામાં આવ્યા હતાં. ભાજપના ચૂંટણી પ્રચારને પ્રચંડ મોદી લહેરમાં પરિવર્તિત કરવાનો શ્રેય પ્રશાંત કિશોરને જાય છે. જોકે એ પછી ભાજપમાં અમિત શાહનું કદ વધતા પ્રશાંત કિશોર સાઇડલાઇન થવા લાગ્યાં. અમિત શાહ અને પ્રશાંત કિશોર વચ્ચે મતભેદોની ચર્ચા પણ થતી રહી. એ પછી પ્રશાંત કિશોરે ભાજપની કામગીરી છોડીને નીતીશ કુમારની પાર્ટી જેડીયૂની કમાન સંભાળી. વર્ષ ૨૦૧૫માં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોરે જેડીયૂ, આરજેડી અને કોંગ્રેસના બનેલા મહાગઠબંધનની પ્રચાર કામગીરી સંભાળી અને નીતીશ કુમારને પ્રચંડ વિજય અપાવ્યો. 

નીતીશકુમારના ફરી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા બાદ પ્રશાંત કિશોરને કેબિનેટ મંત્રીનો દરજ્જો મળ્યો. એ પછી તો નીતીશકુમાર અને પ્રશાંત કિશોરની નિકટતા વધતી ચાલી. જેમ જેમ જેડીયૂમાં પ્રશાંત કિશોરનું કદ વધવા લાગ્યું તેમ તેમ પાર્ટીની બીજા અનેક દિગ્ગજ નેતાઓ સાઇડલાઇન થતા ગયાં. આવા નેતાઓમાં આરપીસી સિંહ અને લલ્લન સિંહ જેવા કદાવર નેતાઓ પણ સામેલ હતાં. જોકે આરજેડી અને કોંગ્રેસ સાથે જોડાણમાં ભંગાણ પડતા જેડીયૂએ ભાજપ સાથે મળીને સરકાર બનાવી. ભાજપ અને જેડીયૂ વચ્ચે નિકટતા વધ્યા છતાં પ્રશાંત કિશોર અને નીતીશ કુમારના સંબંધોમાં ઓટ ન આવી. 

વર્ષ ૨૦૧૮માં પ્રશાંત કિશોરની જેડીયૂમાં અધિકૃત રીતે એન્ટ્રી થઇ. નીતીશકુમારે તેમને સીધા પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવી દીધાં. એ સાથે જ જેડીયૂમાં પ્રશાંત કિશોર નંબર ટૂ ગણાવા લાગ્યાં. એ વખતે નીતીશકુમારે પ્રશાંત કિશોરને પાર્ટીનું ભવિષ્ય ગણાવ્યાં હતાં. પ્રશાંત કિશોરના જેડીયૂમાં વધી રહેલા કદના કારણે પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓના ભવાં તણાઇ ગયાં હતાં. નીતીશકુમારના સીએમ હાઉસ સિવાયના બીજા નિવાસસ્થાન ખાતે પ્રશાંત કિશોર નિયમિતપણે પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠકો યોજવા લાગ્યાં અને પાર્ટીનો જનાધાર વધારવાની દિશામાં કામ કરવા લાગ્યાં. પરિણામ એ આવ્યું કે નીતીશકુમાર બાદ પ્રશાંત કિશોરના ઘરે પણ જેડીયૂ નેતાઓનો જમાવડો એકઠો થવા લાગ્યો.

જોકે પ્રશાંત કિશોરને બિહારમાં જેડીયૂનું ભાજપ સાથેનું જોડાણ પસંદ આવ્યું નહોતું અને તેમનો એ અસંતોષ છેવટે બહાર આવ્યો. પ્રશાંત કિશોરે કહ્યું કે આરજેડી અને કોંગ્રેસ સાથે જોડાણ તોડયા બાદ નીતીશકુમારે ભાજપ સાથે મળીને સરકાર બનાવવા કરતા નૈતિક રીતે ફરીથી ચૂંટણી યોજવાની જરૂર હતી. જાણકારોના મતે પ્રશાંત કિશોરના આ નિવેદનથી નીતીશકુમાર નારાજ થઇ ગયાં. આ નારાજગી એ હદે વધી કે એક સમયે નીતીશકુમારના માનીતા ગણાતા પ્રશાંત કિશોર ખુદ નીતીશકુમારની આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યાં. 

એ પછી નાગરિકતા કાયદાના મુદ્દે પણ પ્રશાંત કિશોરને નીતીશકુમાર સાથે મતભેદો સર્જાયા. નાગરિકતા કાયદામાં થયેલા સંશોધન પર જેડીયૂએ મોદી સરકારનો સાથ આપ્યો પરંતુ પ્રશાંત કિશોર એનો વિરોધ કર્યો. તેમણે નાગરિકતા કાયદા અને એનઆરસીના વિરોધ મામલે કોંગ્રેસના વખાણ પણ કર્યાં. એ પછી તો પ્રશાંત કિશોરે નાગરિકતા કાયદા અને એનઆરસીને લઇને ભાજપ પર આકરા પ્રહાર શરૂ કરી દીધાં. નીતીશકુમાર એનઆરસીના વિરોધમાં હતાં પરંતુ નાગરિકતા કાયદામાં થયેલા સંશોધન મુદ્દે તેઓ ભાજપ સાથે હતાં જેના કારણે તેમના પ્રશાંત કિશોર સાથેના સંબંધો ઓર વણસવા લાગ્યાં. દરમિયાન દિલ્હીમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી માટે પ્રશાંત કિશોરે આમ આદમી પાર્ટીની પ્રચાર કમાન સંભાળી અને ભાજપ વિરુદ્ધ મોરચો ખોલી દીધો. એ સાથે જ તેઓ નીતીશકુમાર ઉપર પણ શાબ્દિક હુમલા કરવા લાગ્યાં. વિવાદ વધતો ચાલ્યો અને આરોપ-પ્રત્યારોપ મૂકાવા લાગ્યા અને છેવટે નીતીશકુમારે પ્રશાંત કિશોરને બહારનો રસ્તો દેખાડી દીધો.

પ્રશાંત કિશોરને પાર્ટીમાંથી રુખસદ આપીને નીતીશકુમારે સાબિત કરી દીધું કે જેડીયૂ પર તેમનું જ વર્ચસ્વ છે અને પાર્ટીમાં તેમની મરજી જ ચાલશે. પ્રશાંત કિશોરને પણ ખબર તો હતી જ કે જે રીતે તે એક પછી એક રાજ્યોમાં ભાજપ વિરુદ્ધ મોરચો ખોલી રહ્યાં છે એ એનડીએના સહયોગી હોવાના નાતે નીતીશકુમાર સહન નહીં કરે અને જે દિવસે ભાજપ નક્કી કરશે એ દિવસે નીતીશકુમાર પાસે તેમને પાર્ટીમાંથી દૂર કર્યા સિવાય કોઇ બીજો વિકલ્પ નહીં હોય. ખાસ કરીને પ્રશાંત કિશોર અમિત શાહ વિરુદ્ધ જે રીતે નિવેદનબાજી કરી રહ્યાં હતાં એનાથી નીતીશકુમાર અસ્વસ્થ બની રહ્યાં હતાં. 

નીતીશકુમાર બિહારના રાજકારણના અઠંગ ખેલાડી મનાય છે અને તેમના દરેક નિર્ણય રાજકીય નફાનુકસાનના આધારે જ લેતા હોય છે. કેન્દ્રીય રાજકારણમાં ભલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે અમિત શાહ તેમને ઝાઝું મહત્ત્વ ન આપે પરંતુ બિહારમાં તેમનું એકચક્રી શાસન છે અને ભાજપ પણ બિહારમાં તેમને છંછેડતું નથી. નાગરિકતા કાયદાનો વિરોધ કરવા માટે પ્રશાંત કિશોર નીતીશકુમાર પર દબાણ કરી રહ્યાં હતાં પરંતુ નીતીશકુમારે એ મુદ્દે ધાર્મિક ધ્રૂવીકરણનું જોખમ ન લીધું. આમ પણ નાગરિકતા કાયદાના કારણે બિહારના મુસ્લિમ મતદારો આરજેડી અને કોંગ્રેસ તરફ વળી ગયા છે ત્યારે તેઓ આ મુદ્દે વિરોધી સ્ટેન્ડ લઇને પોતાના મત ભાજપ તરફ વળે એવું જોખમ લેવા નહોતા માંગતા. 

આમ તો નીતીશકુમાર બિહારના વિકાસ પુરુષ ગણાતા રહ્યાં છે પરંતુ પ્રશાંત કિશોરે હવે તેમની આ ઇમેજ ઉપર જ સવાલ ઉઠાવ્યાં છે. તેમણે નીતીશ કુમારના વિકાસ મોડેલ પર સવાલ કરતા કહ્યું કે બિહારનો વિકાસ તો થયો છે પરંતુ હજુ પણ રાજ્યની સ્થિતિ ૨૦૦૫ જેવી જ છે. એ સાથે જ તેમણે નીતીશકુમાર પર કટાક્ષ કરતા કહ્યું કે તેમણે પોતાના વિકાસની સરખામણી લાલુપ્રસાદ યાદવના બિહાર સાથે ન કરવી જોઇએ. પ્રશાંત કિશોરે નીતીશકુમારની સાથે સાથે ભાજપ ઉપર પણ આડકતરા પ્રહાર કર્યાં.

Tags :