છેવટે રનવે પરથી ઉતરી ગઇ જેટ એરવેઝ
વચગાળાની 400 કરોડ રૂપિયાની સહાય ન મળતા જેટ એરવેઝએ બુધવાર રાતથી તમામ ઉડ્ડયન સેવાઓ સ્થગિત કરી દીધી
એક તરફ દેશમાં હવાઇ મુસાફરી કરનારા લોકોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે તો બીજી તરફ સરકારી તંત્ર અને ખાનગી કંપનીઓના દૂરંદેશીવિહીન સંચાલનના પ્રતાપે એરલાઇન કંપનીઓ ડૂબી રહી છે
ભારે દેવામાં ડૂબેલી જેટ એરવેઝને બેંકોને વચગાળાની રાહત તરીકે ૪૦૦ કરોડ રૂપિયાની ઇમરજન્સી મદદ આપવાનો ઇન્કાર કરી દીધો છે જેના પરિણામે કંપનીને બચાવવાની રહીસહી આશા ઉપર પણ પાણી ફરી વળ્યું છે. એ સાથે જ બુધવાર રાતથી કંપનીએ પોતાની તમામ ઉડ્ડયન સેવાઓ સ્થગિત કરી દીધી છે. અત્યાર સુધી જેટ એરવેઝના પાંચ વિમાનો સેવામાં હતાં.
ભારે નાણાકીય સંકટ સામે ઝઝૂમી રહેલી જેટ એરવેઝએ મંગળવારે ૪૦૦ કરોડ રૂપિયાની તાત્કાલિક સહાયની માંગ કરી હતી કે જેથી એરલાઇનના તમામ સંચાલનને બંધ થવાથી અટકાવી શકાય. વર્તમાન નિયમો અનુસાર કોઇ પણ એરલાઇને પોતાની ઓપરેટિંગ પરમિટને ચાલુ રાખવા માટે ઓછામાં ઓછા પાંચ વિમાનો સેવામાં રાખવા પડે.
જેટ એરવેઝની કંગાળ બની ચૂકી હોવાની વાત ગયા મહિને ત્યારે સપાટી પર આવી હતી જ્યારે તેના પાયલોટો અને એન્જિનિયરોએ પગાર ન મળવાના વિરોધમાં હડતાળની ધમકી આપી હતી. જેટ એરવેઝના પાયલોટોને છેલ્લા ત્રણ મહિનાથી પગાર નથી મળ્યો. કંપનીના પાયલોટ હવે બીજી એરલાઇન કંપનીઓમાં નોકરી શોધી રહ્યાં છે. હાલત એ છે કે બીજી કંપનીઓ તેમને અડધા પગારે નોકરીમાં લેવાની દરખાસ્ત આપી રહી છે. જેટ એરવેઝ પર આશરે સાડા આઠ હજાર કરોડનું દેવું છે.
કંપની છેલ્લા ઘણાં સમયથી નાણાના ભારે સંકટ સામે ઝઝૂમી રહી છે. જે કંપનીઓ પાસેથી વિમાનો ભાડે લીધાં છે એમને પણ પૈસા ચૂકવાયા નથી એટલા માટે મોટા ભાગના વિમાનો ઊડી શકતા નથી. તાજેતરમાં જ જેટ એરવેઝના એક વિમાનને એમ્સ્ટર્ડેમમાં રોકી લેવામાં આવ્યું હતું કારણ કે તેનું ભાડું ચૂકવવામાં આવ્યું નહોતું. આ પરિસ્થિતિમાં કંપનીને કોઇ પણ પ્રકારનું રાહત પેકેજ આપવું એ મોટા જોખમસમાન જ છે.
ઘણાં જાણકારોનું માનવું છે કે જેટ એરવેઝના ખરાબ સમયની શરૂઆત તો ૨૦૦૬માં જ થઇ ગઇ હતી જ્યારે કંપનીએ ખસ્તાહાલ એર સહારાને ૫૦ કરોડ ડોલરની કિંમતે ખરીદી હતી. એ સમયે જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલે પોતાના સહયોગીઓની ચેતવણી અવગણી હતી જેમનું માનવું હતું કે કંપની આ સોદા માટે ઘણી વધારે કિંમત ચૂકવી રહી છે.
એર સહારાને જેટલાઇટ નામ આપવામાં આવ્યું પરંતુ ૨૦૧૫માં કંપની સાવ ડૂબી ગઇ અને એ સાથે જ જેટ એરવેઝનું પૂરેપૂરું રોકાણ પણ ડૂબી ગયું. એવિએશન ઇન્ડસ્ટ્રીના ઘણાં નિષ્ણાંતોનું કહેવું છે કે એ સોદો હજુ પણ જેટ એરવેઝને કનડી રહ્યો છે.
ભારતમાં ઉડ્ડયન ઉદ્યોગમાં ભારે પ્રતિસ્પર્ધા છે. એમાંયે ઇન્ડિગો, સ્પાઇસ જેટ અને ગો એર જેવી સસ્તી એરલાઇન્સ મેદાનમાં આવતા જેટ એરવેઝ માટે મુશ્કેલી ઊભી થઇ. જાણકારોના મતે જેટ એરવેઝને ચલાવતા લોકોએ આ ત્રણ કંપનીઓની પ્રતિસ્પર્ધાને ગંભીરતાથી ન લીધી.
આ ત્રણેય એરલાઇન્સ ૨૦૦૫-૨૦૦૬ દરમિયાન શરૂ થઇ અને ખાસ વાત એ કે આ એરલાઇન્સે ટિકિટોના ભાવ સાવ ઓછા રાખ્યાં અને એવા રૂટો પર સેવા આપવાની શરૂ કરી જ્યાં પહેલા હવાઇ મુસાફરીની સુવિધા નહોતી. જેટ એરવેઝનું મેનેજમેન્ટ આ ત્રણ એરલાઇન્સને અવગણતું રહ્યું. એક તરફ જેટ એરવેઝ કોર્પોરેટ ગ્રાહકોને સેવા આપવામાં જ રચ્યુંપચ્યું રહ્યું જ્યારે આ સસ્તી એરલાઇન્સે એવા ગ્રાહકોને ટારગેટ કર્યાં જે ટિકિટના ભાવ જોતાં હોય.
ઘણાં જાણકારો જેટ એરવેઝના ડૂબવા પાછળ તેના સંસ્થાપક નરેશ ગોયલના સંચાલનને જવાબદાર ઠરાવી રહ્યાં છે. વિશેષજ્ઞાોનું કહેવું છે કે તેમના નિર્ણયો એક એવી ટીમ લેતી હતી જેનું નેતૃત્ત્વ તેઓ પોતે કરતા હતાં. જેટ એરવેઝના તમામ કામકાજનો નિર્ણય આ ટીમના હાથમાં હતો જે મોટી ભૂલ સાબિત થયો.
ખરું જોતાં તેમણે સસ્તી સેવા અને મુખ્ય સેવા માટે અલગ અલગ સંચાલન રાખવાની જરૂર હતી. એક તો ગોયલ ખોટી જગ્યાએ રોકાણ કરી રહ્યાં હતાં જેના પરિણામે કંપનીની બગડી રહેલી હાલતને સંભાળવા માટે વધારેમાં વધારે કર્જની જરૂર પડી રહી હતી. જાણકારોના મતે કંપનીની આવક કરતા ખર્ચ વધારે હતો અને તેઓ નવા દેવા કરી રહ્યાં હતાં.
ભારત જ નહીં, દુનિયાની તમામ એરલાઇન્સ પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં થતી ઉથલપાથલ પ્રત્યે સંવેદનશીલ હોય છે. એમાંયે ભારતની એરલાઇન્સને પેટ્રોલિયમની કિંમતો ખાસ અસર કરે છે કારણ કે મોટા ભાગના પેટ્રોલિયમની આયાત થાય છે. જ્યારે રૂપિયો નબળો હોય ત્યારે બળતણનો ખર્ચ વધી જાય છે. એરલાઇન કંપનીઓ માટે બળતણનો ખર્ચ સૌથી વધારે છે.
છેલ્લા ઘણાં સમયથી રૂપિયો સતત નબળો પડી રહ્યો છે તો ગયા એક વર્ષમાં પેટ્રોલિયમના આંતરરાષ્ટ્રીય ભાવ પણ વધ્યાં છે. ઇન્ડિગો અને સ્પાઇસ જેટને પણ આ કારણે ઘણું નુકસાન વેઠવું પડયું. જેટ એરવેઝને પણ પેટ્રોલિયમની કિંમતો નડી ગઇ અને કંપની વધારે દેવામાં ડૂબી ગઇ. જેટ એરવેઝને એક એવા ભાગીદારની પણ ખોટ વર્તાઇ જે એરલાઇનમાં પૈસા રોકે જેના કારણે કંપનીની ખોટ ઉત્તરોત્તર વધતી ચાલી.
ગયા વર્ષે ટાટા સાથે ચાલી રહેલી વાતચીત પણ નિષ્ફળ રહી. બીજી તરફ એતિહાદ એરવેઝએ પણ પોતાની ભાગીદારી વધારવાનો ઇન્કાર કરી દીધો કારણ કે કંપનીનું સમગ્ર સંચાલન નરેશ ગોયલના હાથમાં હતું.
જાણકારોના મતે નરેશ ગોયલ એવિએશન ઇન્ડસ્ટ્રીની બદલાઇ રહેલી વ્યાવસાયિક સંજોગો સાથે તાલ મેળવવામાં નિષ્ફળ રહ્યાં. છેવટે ગયા મહિને નરેશ ગોયલે કંપનીનું નિયંત્રણ છોડવું પડયું. એ પછી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્ત્વ હેઠળના કર્જદાતાઓના કન્સોર્ટિયમે કંપનીનું સંચાલન પોતાના હાથમાં લીધું પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઇ ચૂક્યું હતું.
કન્સોર્ટિયમ જેટ એરવેઝને મદદનું કોઇ પેકેજ આપે તો પણ એ અપેક્ષા નહીવત્ છે કે કંપની ફરીથી ઊભી થઇ શકશે. પરિસ્થિતિ એ હદે વણસી ચૂકી છે કે ગયા શનિવારે વડાપ્રધાન કાર્યાલયે ઇમરજન્સી બેઠક બોલાવવી પડી. કંપનીના મોટા ભાગના વિમાનો જમીન પર ઊભા છે અને ડોમેસ્ટીકની સાથે સાથે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો પણ રદ્ થઇ ગઇ છે. થોડા દિવસથી જેટ એરવેઝના માત્ર પાંચ વિમાન સંચાલનમાં હતાં અને હવે એ પણ થંભી ગયા છે.
સૌથી વધારે હાલાકી હવાઇ મુસાફરોને ભોગવવી પડી રહી છે. ઘણાં મુસાફરો એવા છે જેમણે કોઇ ખાસ પેેકેજ અંતર્ગત કેટલાંય મહિના પહેલા બુકિંગ કરાવી લીધું હતું. જાણકારોના કહેવા પ્રમાણે કંપની આવા મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી નથી કરી રહી કે નથી તેમના પૈસા રિફંડ કરી રહી. ટિકિટ રદ્ કરાવનારા મુસાફરોના લગભગ સાડા ત્રણ હજાર કરોડ રૂપિયા કંપનીએ પાછા આપવાના છે.
જેટ એરવેઝના મુસાફરોની મદદ કરવાના મામલે બીજી એરલાઇન કંપનીઓએ પણ હાથ ઊંચા કરી દીધાં છે. હકીકતમાં જેટ એરવેઝ જેવી કંપની ઉદારીકરણના દોરની શરૂઆતમાં આવેલી કંપનીનું સંકટ આપણી એવિએશન ઇન્ડસ્ટ્રીના દૂરંદેશિતાના અભાવ અને નિષ્ફળતાને ઉજાગર કરવા માટે પૂરતું છે. હાલ ભારતમાં એક પણ એરલાઇન કંપની એવી નથી જે નફો કરી રહી હોય. દેશનું સમગ્ર એવિએશન સેકટર જ છેલ્લાં ઘણાં સમયથી ખાડે જઇ રહ્યું છે.
વિજય માલ્યાની કિંગ ફિશર એરલાઇન તો પહેલેથી જ ડૂબી ચૂકી છે અને હવે જેટ એરવેઝે પણ ડૂબકી મારી છે. તો ઇન્ડિગો, સ્પાઇસ જેટ કે ગો એર જેવી પ્રાઇવેટ કંપનીઓ અને એર ઇન્ડિયા જેવો સરકારી હાથી પણ આર્થિક મોરચે સતત સંઘર્ષ કરી રહ્યાં છે. ૪૨.૫ ટકાનો માર્કેટ હિસ્સો ધરાવતી ઇન્ડિગોના ગત ડિસેમ્બરમાં ખતમ થયેલા ત્રિમાસિક ગાળામાં શુદ્ધ નફામાં ૭૫ ટકાનો કડાકો બોલ્યો. તો એ જ ક્વાર્ટર દરમિયાન સ્પાઇસ જેટના નફામાં પણ ૭૭ ટકા નુકસાન આવ્યું.
આજે પરિસ્થિતિ એ છે કે પ્રાદેશિક એરપોર્ટો વિકસિત કરવાના દાવા સાથે બે વર્ષ પહેલાં ભારે જોરશોરથી લોન્ચ કરવામાં આવેલી ઉડાન સ્કીમ અંતર્ગત એપ્લિકેશન કરનારી છ એરલાઇન્સ પોતાનું સંચાલન બંધ કરી ચૂકી છે. એરલાઇનો બંધ થવાના પરિણામે મુસાફરોને ફ્લાઇટ કેન્સલ થવાથી લઇને ટિકિટોનું રિફંડ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.
એક તરફ સરકાર ઉડ્ડયન ઉદ્યોગને નવી ઊંચાઇ આપવાના દાવા કરે છે અને દેશના અનેક શહેરોને હવાઇ માર્ગે જોડવાની કવાયત ચાલી રહી હોવાના બણગાં ફૂંકે છે ને બીજી બાજુ એરલાઇન કંપનીઓ તળિયે જવા બેઠી છે. દેશની એવિએશન ઇન્ડસ્ટ્રી ખાડે જવા માટે કંપનીઓના આંતરિક સંચાલનને જવાબદાર ઠરાવવું કે સરકારી તંત્રના માથે ઠીકરું ફોડવું એ ચર્ચા તો ચાલુ રહેશે પરંતુ હકીકત એ છે કે આ તમામ પરિબળોએ ભેગા મળીને દેશના ઉડ્ડયન ઉદ્યોગની હાલત બગાડી છે.
એવિએશન સેકટરના ખસ્તાહાલ માટે સરકારના મિસમેનેજમેન્ટની સાથે સાથે કંપનીઓની સરકારી સબસીડીઓ પર નભતા રહેવાની નીતિ પણ જવાબદાર છે. એક તરફ દેશમાં હવાઇ મુસાફરી કરનારા લોકોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે તો બીજી તરફ એરલાઇન કંપનીઓ દેવાના ડુંગર તળે દબાઇ રહી છે.
વિશાળ ગ્રાહકવર્ગને લલચાવવા માટે ટિકિટો સસ્તી રાખવાની મજબૂરી, બળતણ અને પાર્કિંગ તેમજ લીઝના વધી રહેલા ખર્ચ વચ્ચે બેલેન્સ કરવું એરલાઇન કંપનીઓ માટે કઠિન બન્યું છે. લાગે છે કે વિજય માલ્યાની કિંગફિશર એરલાઇન્સ પ્રકરણ બાદ કંપનીઓએ કે સરકારે કોઇ બોધપાઠ લીધો નથી.