Get The App

મહિલા સશક્તિકરણ પર મહોર લગાવતો સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

- સેનામાં મહિલા અધિકારીઓને સ્થાયી કમીશન અને કમાન્ડ પોસ્ટ આપવાનો હાઇકોર્ટનો ચુકાદો સુપ્રીમ કોર્ટે યથાવત્ રાખ્યો

Updated: Feb 18th, 2020

GS TEAM

Google News
Google News

- મહિલા અધિકારીઓની આગેવાની સ્વીકારવા પુરુષ સૈનિકો તૈયાર નહીં થાય એવી મોદી સરકારની દલીલ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી અને આવી માનસિકતા દર્શાવવા બદલ સરકારની ઝાટકણી કાઢી

મહિલા સશક્તિકરણ પર મહોર લગાવતો સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો 1 - image

મહિલાઓના અધિકારોને લઇને સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો સંભળાવતા સેનામાં મહિલા અધિકારીઓને કમાન્ડ પોસ્ટિંગ અને સ્થાયી કમિશન આપવાનું કહ્યું છે. કોર્ટે કહ્યું કે જે મહિલા અધિકારીઓએ સેનામાં ૧૪ વર્ષથી વધારે સમય સેવા આપી છે તેમને સ્થાયી કમિશન ન આપવાનું કોઇ કારણ નથી. આનો અર્થ એ કે પુરુષ અધિકારીઓની જેમ જ મહિલા અધિકારીઓને પણ હવે સેનામાં કર્નલ અથવા તેનાથી ઉપરના પદ મળી શકશે. 

કેટલીક મહિલા અધિકારીઓએ સ્થાયી કમિશન બાદ કમાન્ડ પોસ્ટિંગ આપવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સેનામાં મહિલા અધિકારીઓની નિમણૂક એક પ્રગતિશીલ પ્રક્રિયા છે. કોર્ટે કહ્યું કે સેનામાં ખરી સમાનતા લાવવી પડશે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે મહિલાઓ પુરષો સાથે ખભે ખભા મિલાવીને કામ કરે છે ત્યારે કેન્દ્ર સરકારની મહિલા અધિકારીઓની નિમણૂક ન કરવાની નીતિ પરેશાન કરનારી છે. હકીકતમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી કે સેનામાં મહિલાઓને હાલ કમાન્ડર જેવા ઊંચા પદ આપવા યોગ્ય નથી.

સરકારની દલીલ હતી કે સેનામાં ગ્રામ્ય પૃષ્ઠભૂમિમાંથી આવનારા પુરુષોની મોટી સંખ્યા છે અને તેઓ કોઇ મહિલાની આગેવાની હેઠળ ચાલવા માટે માનસિક રીતે તૈયાર નહીં હોય. આનો અર્થ એ નીકળે કે સેનાના જવાનો માત્ર પુરુષ હોવાના કારણે જ નહીં, પરંતુ ગ્રામ્ય પૃષ્ઠભૂમિમાંથી આવતા હોવાના કારણે તેમનો દૃષ્ટિકોણ લૈંગિક ભેદભાવવાળો હોય છે અને એટલા માટે સેનામાં કોઇ મહિલાને ઉચ્ચ પદે તેઓ જોઇ શકતા નથી. કોર્ટે સરકારની આ દલીલની ભારે ઝાટકણી કાઢી. મહિલા અધિકારો સાથે જોડાયેલા સંગઠનો અને રક્ષા બાબતોના જાણકારોએ પણ સરકારની આ દલીલ પર અફસોસ અને આક્રોશ વ્યક્ત કર્યો. હકીકતમાં સરકારની આ દલીલ મહિલાવિરોધી જ નહીં, ગ્રામીણ લોકોને પણ સંકુચિત દૃષ્ટિના દર્શાવતી હતી.

અગાઉ સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સેનામાં લૈગિંક અસમાનતા દૂર કરવા માટે બે બાબતોની જરૂર છે, પહેલી તો સરકારની ઇચ્છાશક્તિ અને બીજો દૃષ્ટિકોણમાં બદલાવ. કેન્દ્ર સરકાર તરફથી દલીલ કરી રહેલા સોલિસિટર જનરલે બાદમાં સ્પષ્ટતા આપતા કહ્યું કે તેમણે લૈગિંક ભેદભાવની વાત જ નહોતી કરી. તેમણે કહ્યું કે મહિલાઓને પુરુષો સાથે બરાબરી કરવાની કોઇ જરૂર જ નથી કારણ કે મહિલાઓ પુરુષો કરતાં ક્યાંય આગળ છે. જોકે સરકારે મહિલાઓને કમાન્ડિંગ પોસ્ટ ન આપવા માટેના અન્ય કારણોમાં માતૃત્ત્વ અને બાળકોની દેખભાળ તેમજ મહિલાઓ મનોવૈજ્ઞાાનિક રીતે પુરુષો કરતા નબળી હોવાની દલીલ પણ કરી હતી. 

સરકારે કહ્યું કે મહિલાઓ પુરુષો કરતા શારીરિક રીતે કમજોર હોય છે. મહિલાઓની પારિવારિક સ્થિતિ, જરૂરિયાતો અને યુદ્ધકેદી તરીકે પકડાવાનું જોખમ જેવી બાબતોના લીધે સરકાર પાછી પડે છે. જોકે યાચિકાકર્તાઓનું કહેવું હતું કે મહિલા અધિકારી પુરુષ અધિકારી કરતા ઉતરતી કક્ષાની છે એવા કોઇ અધિકૃત આંકડા નથી. કેટલાંક લોકોએ તો સેનાના પુરુષોને લૈંગિકવાદી બતાવવાના બહાને સરકાર પોતાની વિચારધારાની પૃષ્ટિ કરી રહી હોવાનો આરોપ પણ મૂક્યો. ઉલ્લેખનીય છે કે વર્તમાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ બિપિન રાવતના એક નિવેદન ઉપર થોડા દિવસો પહેલાં વિવાદ સર્જાયો હતો. તેમણે કથિત રીતે કહ્યું હતું કે મહિલાઓ હજુ યુદ્ધની ભૂમિકાઓ માટે તૈયાર નથી કારણ કે તેમના પર બાળકો પેદા કરવાની અને તેમનું લાલનપાલન કરવાની જવાબદારી છે અને તેઓ ફ્રન્ટ પર અસહજતા અનુભવી શકે છે તેમજ જવાનો તેમના ક્વાર્ટરોમાં ડોકાં કરતા હોવાના આરોપ મૂકી શકે છે. 

તાજ્જુબની વાત છે કે જે દેશમાં મહિલાઓ દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિપદે રહી ચૂકી હોય ત્યાં સેનામાં મહિલાઓને ઊંચા પદ આપવામાં કે યુનિટના કમાન્ડ સોંપવામાં તેમજ યુદ્ધસ્થળો પર તેમની તૈનાતીને લઇને સવાલો થતા રહ્યાં છે. અમુક જણાનું માનવું એવું પણ છે કે યુદ્ધની હિંસા, રક્તપાત અને અન્ય ભયાનકતાઓથી મહિલાઓને દૂર રાખવી જોઇએ. એટલા માટે નહીં કે મહિલાઓ આવી સ્થિતિથી વિચલિત થઇ જશે પરંતુ એટલા માટે કે એ યુદ્ધસંહિતા, સ્ત્રીગરિમા અને તેમના માનવાધિકારનો મુદ્દો પણ છે. મહિલાઓને ન તો હુમલાખોર કે ન તો પીડિત કે શિકારના રૂપમાં યુદ્ધમાં ન ઝોંકવી જોઇએ. જોકે નૈતિક જવાબદારી અને આદર્શને ધ્યાનમાં રાખતા આવા દૃષ્ટિકોણનો અનેક સ્તરે વિરોધ થયો છે. મહિલા અધિકારવાદીઓની દૃષ્ટિએ પણ આ વાત અસ્વીકાર્ય છે અને પ્રગતિશીલ મુક્ત વિચારધારા ધરાવતા લોકોએ પણ આને મહિલાઓને અબળા બનાવી રાખવાના પ્રયાસ ગણાવીને વખોડી કાઢી છે.

જોકે બંને પક્ષોની દલીલોને જોતાં આ મુદ્દો જટિલ જરૂર છે પરંતુ કોર્ટમાં સરકારની જે દલીલો હતી એ મહિલાઓ પ્રત્યે સંવેદનશીલ નહોતી જણાતી. ઉલટું સરકારની રજૂઆત તો પુરુષ સૈનિકોની મનોદશા અને વિચારોમાં બદલાવની રાહ જોવાની હતી. હકીકતમાં સમાજમાં આવું જ થતું આવ્યું છે. સ્વાસ્થ્ય અને શિક્ષણની વાત કરવામાં આવે તો આજે પણ આ મૂળભૂત અધિકારો પર પુરુષોનો પહેલો અધિકાર છે. સ્ત્રીઓને પુરુષ કરતા નીચી કક્ષાની ગણવાની શરૂઆત બાળપણથી જ થઇ જાય છે. છોકરી કરતા છોકરાના શિક્ષણ અને સ્વાસ્થ્ય પાછળ વધારે ધ્યાન આપવામાં આવે છે. બીમારી અને ગર્ભાવસ્થા જેવી પરિસ્થિતિમાં પણ સ્ત્રીઓનો પૌષ્ટિક ખોરાક નથી મળતો. તેમની બીમારીમાં બેદરકારી દાખવવામાં આવે છે. પરંપરાગત વિચારસરણીના કારણે બેટી કરતા બેટાઓને વધારે સારું શિક્ષણ પ્રાપ્ત થાય છે. 

આજે પણ દેશમાં છોકરીઓના લગ્ન તેમની મરજી મુજબ થતાં નથી. કુટંબીજનો નક્કી કરે એ મુરતિયા સાથે લગ્ન કરી લેવા પડે છે. બીજું કારણ નાની ઉંમરે થતાં લગ્ન છે. દેશમાં આજે પણ અનેક કન્યાઓના લગ્ન પુખ્ત ઉંમરે પહોંચ્યાં પહેલાં જ થઇ જાય છે. દુનિયાના ત્રીજા ભાગના બાળલગ્નો ભારતમાં થાય છે. માતાપિતાના પરિવારમાં વ્યક્તિત્ત્વનો વિકાસ થયા પહેલાં જ આવી કન્યાઓ સાસરિયાંઓ અને પતિના અંકુશ હેઠળ આવી જાય છે. નાની ઉંમરે લગ્ન થઇ જવા ઉપરાંત નાની ઉંમરે માતૃત્ત્વ પણ ધારણ કરી લે છે. મતલબ કે છોકરીઓ સમયે માતૃત્ત્વના બોજથી દબાઇ જાય છે અને કેટલીયે વખત શારીરિક સમસ્યાઓનો શિકાર પણ બની જાય છે. અનેક સમસ્યાઓ છતાં મહિલાઓ તમામ બંધનો તોડીને આગળ વધી રહી છે. ભલે આવી મહિલાઓની સંખ્યા ઓછી છે તો સામે પક્ષે હિંસા, તિરસ્કાર અને ઉપેક્ષા અધિક છે પરંતુ તેમ છતાં મહિલાઓ હિંમત હારી નથી. 

આમ તો આર્મીએ મિલિટ્રી પોલિસમાં મહિલાઓની ભરતી શરૂ કરી દીધી છે. ૧૦૦ મહિલા સૈનિકોની પહેલી બેચ ૬૧ અઠવાડિયાની આકરી ટ્રેનિંગ બાદ માર્ચ ૨૦૨૧માં કમીશન લઇને સેના પોલિસનો ભાગ બનશે. મહિલા સેના પોલિસમાં કુલ ૧૭૦૦ નિમણૂક કરવામાં આવશે. તો વાયુસેનામાં મહિલાઓ ફાઇટર પ્લેનના પાયલોટ તરીકે પહેલેથી જ ડયૂટીમાં તૈનાત છે. પરંતુ નૌકાસેનામાં હજુ સુધી એ સ્થિતિ આવી નથી. નેવીમાં શિક્ષણ તેમજ નિર્માણ કાર્યોમાં મહિલા અધિકારીઓ તો છે પરંતુ મહિલાઓને યુદ્ધ જહાજો પર તૈનાત કરવામાં નથી આવતી. 

સમુદ્રમાં પેટ્રોલિંગ કરતા વિમાનો માટે પરોક્ષ કોમ્બેટ ભૂમિકામાં મહિલાઓ છે. એક સરકારી આંકડા અનુસાર આર્મી મેડિકલ કોર, આર્મી ડેન્ટલ કોર અને મિલિટરી નર્સિંગ સર્વિસ જેવી સેવાઓને બાદ કરતા આર્મીમાં ૩.૮૯ ટકા, એરફોર્સમાં ૬.૭ ટકા અને નેવીમાં ૧૩.૨૮ ટકા મહિલા અધિકારી તૈનાત છે. ભારતના પુરુષપ્રધાન સમાજના નારીને પૂજવાના તેમજ તેને અબળા ગણવાના દૃષ્ટિકોણ આગળ મહિલાઓની કાબેલિયત વામણી પુરવાર થાય છે. કાં તો મહિલાને દેવીસ્થાને બિરાજવામાં આવે છે કે કાં તો તેને અબળા અને નિર્બળ ગણી લેવામાં આવે છે. આવી વિચારધારા વચ્ચે પોતાની ઓળખ સાબિત કરવાની લડાઇ મહિલા પેઢી દર પેઢી લડતી આવી છે. 

આધુનિક સમયમાં મહિલાઓ વધારે મહત્ત્વાકાંક્ષી બની રહી છે. પરંતુ સમસ્યા એ છે કે પરિવાર અને સમાજનો સદીઓ પુરાણો ઢાંચો એ મહત્ત્વાકાંક્ષાઓમાં અડચણરૂપ બની રહ્યો છે. ભારતીય મહિલાઓની વર્કફોર્સમાં ભાગીદારી ઘટી રહી છે. પરિવારની આર્થિક પરિસ્થિતિ સક્ષમ બનતા મહિલાઓને ઘરની અંદર રાખવાના પ્રયાસો થાય છે. જેના કારણે શિક્ષિત અને પ્રગતિશીલ મહિલાઓ ગુંગણામણ અનુભવે છે. હવે સુપ્રીમ કોર્ટે સેનામાં મહિલા અધિકારીઓને કમાન્ડ પોસ્ટિંગ અને સ્થાયી કમિશન આપવાની તરફેણ કરીને મહિલા સશક્તિકરણની દિશામાં મહત્ત્વનું પગલું ભર્યું છે.

Tags :