Get The App

મુશર્રફને ફાંસીઃ ઘોડા નાસી છૂટયા પછી તબેલાને તાળુ દેવા જેવો ઘાટ

- પાકિસ્તાનમાં કટોકટી લાદવા અને બંધારણ નિલંબિત કરવા બદલ દેશદ્રોહના ગુનામાં મુશર્રફને ફાંસીની સજા કરવામાં આવી

Updated: Dec 18th, 2019

GS TEAM

Google News
Google News

- મુશર્રફ પાસે સુપ્રીમ કોર્ટમાં જવાનો અને ત્યાં પણ સજા યથાવત્ રહ્યાં બાદ રાષ્ટ્રપતિ સમક્ષ દયાઅરજી કરવાના વિકલ્પ છે અને એ વિકલ્પો કામ ન લાગે તો પણ તેમનો વાળ વાંકો થવાનો નથી કારણ કે તેઓ પાકિસ્તાનની બહાર દુબઇમાં છે

મુશર્રફને ફાંસીઃ ઘોડા નાસી છૂટયા પછી તબેલાને તાળુ દેવા જેવો ઘાટ 1 - image

પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને લશ્કરી સરમુખત્યાર પરવેઝ મુશર્રફને ઇસ્લામાબાદની એક સ્પેશિયલ કોર્ટે ફાંસીની સજા ફરમાવી છે. મુશર્રફ પર દેશદ્રોહનો કેસ ચાલી રહ્યો હતો જેમાં તેમને ત્રણ જજોની બનેલી બેન્ચે ૨-૧ની બહુમતિના આધારે આ ચુકાદો આપ્યો છે. 

કટોકટીની જાહેરાત કરવા માટે અને દેશના બંધારણને નિલંબિત કરવા બદલ મુશર્રફ વિરુદ્ધ ડિસેમ્બર ૨૦૧૩માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એ પછી ૩૧ માર્ચ ૨૦૧૪ના દિવસે તેમને દોષિત જાહેર કરવામાં આવ્યાં. એ જ વર્ષે સપ્ટેમ્બરમાં ફરિયાદી પક્ષે કોર્ટ સમક્ષ તમામ પુરાવા રજૂ કર્યાં. જોકે એ પછી મામલો ટળતો રહ્યો અને છેક આ વર્ષે ૧૯ નવેમ્બરે કોર્ટે મામલાની સુનાવણી બાદ ચુકાદો સલામત રાખી દીધો હતો. પાકિસ્તાનમાં શાસકોને ફાંસી આપવાનો ઇતિહાસ રહ્યો છે. આ પહેલા ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને પણ ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા હતાં. જોકે આ પહેલી વખત છે કે કોઇ સેના પ્રમુખને દેશદ્રોહ માટે દોષિત ઠરાવવામાં આવ્યા હોય. પાકિસ્તાનના કાયદામાં હાઇ ટ્રીઝન પનીશમેન્ટ એક્ટ ૧૯૭૩ છે જે અંતર્ગત ગુનેગારને મૃત્યુદંડ અથવા જનમટીપની સજાની જોગવાઇ છે.

કારગિલ યુદ્ધના મુખ્ય ખલનાયક એવા મુશર્રફના મૂળિયા ભારતમાં છે. તેઓ ૧૧ ઓગસ્ટ ૧૦૪૩ના દિવસે દિલ્હીમાં જન્મ્યા હતાં. મધ્યમવર્ગીય અને ભણેલાગણેલા પરિવારના મુશર્રફના પિતા વિદેશ ખાતામાં નોકરી કરતા હતાં. તેમની માતા પણ શિક્ષિત હતી અને એ જમાનામાં લખનઉ યુનિવર્સિટીમાંથી એમ.એ. પાસ કર્યું હતું. મુશર્રફે પણ એક વખત કહ્યું હતું કે ભાગલા સમયે હિન્દુસ્તાનના મુસ્લિમોને લઇને જે છેલ્લી ટ્રેન પાકિસ્તાન પહોંચી એમાં તેમનો પરિવાર હતો. 

પાકિસ્તાન ગયા પછી પણ મુશર્રફના મનમાં ભારત માટે ભારોભાર દ્વે, રહ્યો અને એના કારણે જ તેઓ ૧૯૬૧માં પાકિસ્તાની સેનામાં ભરતી થયા. ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં તેમની રેન્ક સેકન્ડ લેફ્ટન્ટની હતી. ૧૯૭૧ના યુદ્ધમાં તેઓ કમાન્ડો બટાલિયનના કંપની કમાન્ડર હતાં. એ પછી ઝિયા ઉલ હક્કના શાસનમાં મુશર્રફ સ્પેશિયલ સર્વિસીઝ ગુ્રપમાં જોડાયા. ૧૯૮૮માં ગિલગિટ પ્રાંતમાં બળવો થયો ત્યારે તેને ડામવાની જવાબદારી મુશર્રફને મળી. ગિલગિટમાં એ વખતે શિયા બહુમતિ હતી. મુશર્રફ અને તેમના સાથીદારોએ શિયાઓની બહુમતિ ખતમ કરવા ત્યાંની ડેમોગ્રાફી સાથે રમત આદરી જે અંતર્ગત પંજાબીઓ અને પખ્તુનીઓને ગિલગિટ બાલ્ટિસ્તાનમાં વસાવવાના શરૂ કર્યાં. આ જ રણનીતિ પાકિસ્તાને બલુચિસ્તાનમાં પણ અપનાવી હતી. 

નવાઝ શરીફ ૧૯૯૭માં વડાપ્રધાન બન્યા બાદ તેમણે ભારે ગડમથલ બાદ મુશર્રફને પાકિસ્તાની સેનાના પ્રમુખ બનાવ્યાં. પરંતુ મુશર્રફે નવાઝ શરીફને શ્રીનગરમાં પાકિસ્તાની ઝંડો ફરકાવવાનું સપનું દેખાડીને કારગિલની લડાઇમાં જોતરી દીધાં. કારગિલમાં પાકિસ્તાની સેનાને ભૂંડી હાર મળ્યા બાદ નવાઝ શરીફ મુસીબતમાં મૂકાઇ ગયાં. શરીફ મુશર્રફથી ભય અનુભવવા લાગ્યા હતાં અને લાગ જોઇને મુશર્રફને સેના પ્રમુખપદેથી દૂર કરવાની ફિરાકમાં હતાં. પરંતુ ઉલટું મુશર્રફે જે નવાઝ શરીફને બરતરફ કરીને સત્તા પોતાના હાથમાં લઇ લીધી.  બન્યું એવું કે મુશર્રફ શ્રીલંકાની મુલાકાતે હતાં ત્યારે નવાઝ શરીફને તેમના બદઇરાદાની શંકા જતાં સેનાપ્રમુખપદેથી હટાવી દીધાં અને તેઓ શ્રીલંકાથી પરત ફરે ત્યારે એરપોર્ટ પર જ તેમની ધરપકડ કરવાના આદેશ આપી દીધાં. શરીફે મુશર્રફના સ્થાને સેનાની કમાન જનરલ અઝીઝને સોંપી અને એ જ તેમની ભૂલ સાબિત થઇ.

જનરલ અઝીઝ મુશર્રફના વફાદાર હતાં અને મુશર્રફે પાકિસ્તાનની ધરતી પર પગ મૂકતા જ સેનાના ઉચ્ચ અધિકારીઓને પોતાની તરફેણમાં લઇને નવાઝ શરીફને પદભ્રષ્ટ કરી દીધાં.  એટલું જ નહીં, નવાઝ શરીફ અને તેમના મંત્રીઓની ધરપકડ કરીને જેલમાં પૂરી દીધાં. પાકિસ્તાનની તમામ ખાનગી ચેનલોનું પ્રસારણ અટકાવી દીધું અને મધરાતે પાકિસ્તાનની સરકારી ચેનલ પર પ્રગટ થઇને સત્તાપલટાની જાહેરાત કરી.

આ રક્તવિહીન બળવા બાદ મુશર્રફે નવાઝ શરીફ પર તેમના વિમાનના અપહરણ તેમજ આતંકવાદ ફેલાવવાના આરોપ લગાવ્યાં. શરીફ ઉપર ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના કેસ પણ દાખલ કરવામાં આવ્યાં. નવાઝ શરીફનો તો એ વખતે જ અંત આવી ગયો હોત પરંતુ અમેરિકા અને સાઉદી અરેબિયા સાથે સારા સંબંધો હોવાના કારણે એ દેશોએ દરમિયાનગીરી કરી અને છેવટે શરીફને તેમના પરિવારના સભ્યો સાથે સાઉદી અરેબિયા ધકેલી દેવામાં આવ્યાં.

બાદમાં મુશર્રફે પોતાને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કરી દીધાં. જોકે મુશર્રફના સત્તા સંભાળ્યા બાદ પાકિસ્તાનમાં અસંતોષ વ્યાપી રહ્યો હતો. પરંતુ સપ્ટેમ્બર ૨૦૦૧માં અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલા બાદ મુશર્રફની સત્તાને જીવતદાન મળ્યું. ૯/૧૧ હુમલા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાન પર આક્રમણ કરી દીધું. અફઘાનિસ્તાનમાં જીતવા માટે અમેરિકાને પાકિસ્તાનની મદદની જરૂર હતી અને એ મુશર્રફ માટે ફાયદાનો સોદો સાબિત થયો. અમેરિકાની સહાય મળતા પાકિસ્તાનની આર્થિક પરિસ્થિતિ સુધરી અને લોકો પણ મુશર્રફને સ્વીકારવા લાગ્યાં. 

લાગ જોઇને મુશર્રફે ૨૦૦૦માં ચૂંટણીઓ યોજી પરંતુ એમાં વિપક્ષની જ ગેરહાજરી હતી. ચૂંટણી બાદ મુશર્રફ સત્તાવાર રીતે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બની બેઠાં. જોકે મુશર્રફના શાસનકાળમાં પણ પાકિસ્તાનની અધોગતિ ચાલુ જ રહી. ૨૦૦૭માં મુશર્રફે પાકિસ્તાનના ચીફ જસ્ટીસ ઇફ્તિખાર ચૌધરીને પદભ્રષ્ટ કર્યાં. ઇફ્તિખારની બરતરફીના વિરોધમાં વકીલોએ આંદોલન આદર્યું જે ઉગ્ર બનતા સેનાએ જોર અજમાવવાનું શરૂ કર્યું. 

વિપક્ષોએ પણ તક જોઇને આંદોલનને ટેકો આપ્યો. કરાંચીમાં થયેલી ભારે હિંસા બાદ સેનાએ લાલ મસ્જિદ પર હુમલો કર્યો. એનો બદલો લેવા આતંકવાદી અને કટ્ટરપંથી સંગઠનોએ હુમલા શરૂ કર્યાં.

મુશર્રફનું શાસન ડોલવા લાગ્યું. ભારે દબાણમાં આવીને તેમણે નેશનલ રિકોન્સિલિએશન ઓર્ડિનન્સ પર હસ્તાક્ષર કર્યાં જે અંતર્ગત બેનઝીર ભુટ્ટો અને નવાઝ શરીફને રાહત થઇ. મુશર્રફે આશ્વાસન આપ્યું કે આ નેતાઓ પાકિસ્તાન પરત ફરશે તો તેમને કોઇ નુકસાન નહીં પહોંચાડવામાં આવે. નવાઝ શરીફ અને બેનઝીર ભુટ્ટો પાકિસ્તાન પરત ફર્યાં અને મુશર્રફ સામે લડવા હાથ મિલાવ્યાં. ભારે રાજકીય દબાણના કારણે મુશર્રફે ૨૦૦૮માં ચૂંટણી યોજવાની જાહેરાત કરવી પડી. જોકે એ વખતે ચાલી રહેલી રાજકીય ઉથલપાથલના કારણે ચૂંટણી યોજાયા પહેલા જ વર્ષ ૨૦૦૭માં મુશર્રફે પાકિસ્તાનમાં ઇમરજન્સી લાગુ કરી દીધી અને બંધારણને નિલંબિત કરી દીધું. 

૨૦૦૭ના ડિસેમ્બરમાં બેનઝીર ભુટ્ટોની હત્યા થતા પરિસ્થિતિ ઓર વણસી. બેનઝીર ભુટ્ટોની હત્યાનો આરોપ પણ મુશર્રફ પર આવ્યો અને ભારે દબાણના અંતે તેમણે સેના પ્રમુખનો હોદ્દો છોડવો પડયો. તેમણે પોતાના વફાદાર અને ઇન્ટેલિજન્સના ચીફ જનરલ અશફાક પરવેઝ કયાનીને આર્મી ચીફ બનાવ્યાં. ૨૦૦૮માં યોજાયેલી ચૂંટણીમાં બેનઝીર ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને જીત મળી અને બેનઝીરના પતિ આસિફ અલી ઝરદારીના હાથમાં સત્તા આવી. સત્તા હાથમાંથી સરી ગયા બાદ ૨૦૦૯માં મુશર્રફે પાકિસ્તાન છોડી દીધું અને પહેલા લંડન અને પછી દુબઇમાં આશરો લીધો.

વર્ષ ૨૦૧૩ની ચૂંટણીમાં ઝંપલાવવા માટે મુશર્રફ પાકિસ્તાન પરત ફર્યાં પરંતુ તેમને નજરકેદ કરી લેવામાં આવ્યાં. 

નવાઝ શરીફ તેમની સાથેનો વ્યવહાર ભૂલ્યા નહોતા અને સત્તામાં આવતા જ તેમણે મુશર્રફ વિરુદ્ધ અનેક કેસો લગાવ્યાં. એ વખતે તેમના ઉપર પાકિસ્તાનમાં કટોકટી લાદવા અને બંધારણ નિલંબિત કરી દેવા બદલ દેશદ્રોહનો કેસ કરવામાં આવ્યો. હવે એ જ કેસમાં તેમને ફાંસીની સજા મળી છે.

Tags :