Get The App

અયોધ્યા વિવાદઃ સુનાવણી પૂર્ણ, ગણતરીના દિવસોમાં ફેંસલો

- રામજન્મભૂમિ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટમાં ચાલેલી 40 દિવસની મેરાથોન સુનાવણી પૂરી થઇ

Updated: Oct 17th, 2019

GS TEAM

Google News
Google News

- સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની નિવૃત્તિ પહેલાં આ મામલે ચુકાદો આવી જશે અને એ સાથે જ સવાસો વર્ષ કરતાયે વધારે જૂના અને રાજકીય અને ધાર્મિક રીતે અત્યંત સંવેદનશીલ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદની કાનૂની લડાઇનો અંત આવી જશે

અયોધ્યા વિવાદઃ સુનાવણી પૂર્ણ, ગણતરીના દિવસોમાં ફેંસલો 1 - image

અયોધ્યા ખાતે રામમંદિર વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી પૂરી થઇ ગઇ છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની અધ્યક્ષતામાં નીમાયેલી પાંચ જજોની બંધારણીય બેન્ચે આ મામલે ૪૦ દિવસની સુનાવણી દરમિયાન તમામ પક્ષોની દલીલો સાંભળી અને પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો છે. બુધવારે સુનાવણી શરૃ થતા જ કોર્ટે સ્પષ્ટતા કરી દીધી હતી કે આજના દિવસ પછી કોઇ પણ પક્ષકારને રજૂઆત કરવા માટે સમય નહીં આપવામાં આવે. એ સાથે જ અયોધ્યા જમીન વિવાદમાં સંબંધિત પક્ષોને મોલ્ડિંગ ઓફ રિલિફ એટલે કે તેમની માંગ પૂરી ન થવાના સંજોગોમાં અન્ય વિકલ્પ રજૂ કરવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો છે.

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની સુનાવણી છઠ્ઠી ઓગસ્ટથી શરૃ થઇ હતી. ત્યારથી આ કેસની અઠવાડિયામાં પાંચ દિવસ સુનાવણી થતી હતી. એમાંયે છેલ્લા થોડા દિવસથી તો આ મામલે વધારાનો એક કલાક સુનાવણી ચાલી રહી હતી. કારણ એ કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ અગાઉ કહી દીધું હતું કે અયોધ્યા મામલાની સુનાવણી ૧૭ ઓક્ટોબર સુધીમાં પૂરી કરી દેવામાં આવશે. જોકે બાદમાં તેમણે આ સમયમર્યાદા પણ એક દિવસ ટૂંકાવીને ૧૬ ઓક્ટોબર અંતિમ દિન નક્કી કર્યો હતો.

સુનાવણી બાદ ચુકાદો લખવામાં લગભગ એક મહિનાનો સમય લાગવાની શક્યતા છે. એવું મનાઇ રહ્યું છે કે નવેમ્બરના બીજા કે ત્રીજા અઠવાડિયામાં અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી શકે છે. આ મામલાની સુનાવણી ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની અધ્યક્ષતા હેઠળની બંધારણીય બેન્ચ કરી રહી છે. બંધારણીય પીઠમાં ચીફ જસ્ટીસ ઉપરાંત જસ્ટીસ એસ.એ. બોબડે, જસ્ટીસ ડી.વાય. ચંદ્રચૂડ. જસ્ટીસ અશોક ભૂષણ અને જસ્ટીસ એસ.એ. નઝીર સામેલ છે. જો બધું પૂર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ ચાલ્યું તો એક મહિનામાં સવાસો વર્ષ કરતાયે વધારે જૂના અને રાજકીય અને ધાર્મિક રીતે અત્યંત સંવેદનશીલ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદની કાનૂની લડાઇનો અંત આવી જશે. 

ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ ૧૭ નવેમ્બર ૨૦૧૯ના દિવસે નિવૃત્ત થઇ રહ્યાં છે. એવામાં જો ૧૭ નવેમ્બર સુધીમાં આ બંધારણીય બેન્ચ ચુકાદો ન આપે તો આ મામલાની સુનાવણી નવેસરથી નવી બેન્ચ સમક્ષ કરવાની થાય એમ છે. હાલ તો કોઇ નથી જાણતું કે આ પ્રકરણમાં છઠ્ઠી ઓગસ્ટથી ચાલી રહેલી મેરાથોન સુનાવણીનું પરિણામ શું આવશે? ખરેખર તો રામજન્મ ભૂમિ- બાબરી મસ્જિદ વિવાદ જમીનની માલિકીના હક સાથે જોડાયેલો મામલો એટલે કે ટાઇટલ સૂટ હોવાથી કોર્ટના ચુકાદામાં કોઇ એક પક્ષ વિજયી બનશે અને બીજો પક્ષ પરાજિત થશે. 

અયોધ્યામાં વિવાદાસ્પદ જમીનને લઇને દાખલ થયેલી ૧૪ યાચિકાઓમાં ત્રણ મુખ્ય છે જે નિર્મોહી અખાડા, રામલલા વિરાજમાન અને સુન્ની વકફ બોર્ડ તરફથી દાખલ કરવામાં આવી છે. નિર્મોહી અખાડાનો દાવો સંપ્રદાયની સામૂહિક સ્મૃતિ પર આધારિત છે જેની સ્થાપના ૧૪મી સદીમાં સંત કવિ રામાનંદે કરી હતી. નિર્મોહી અખાડાનો દાવો છે કે તેઓ સાત સદીથી ભગવાન રામના ભક્ત છે એટલા માટે અયોધ્યામાં રામજન્મભૂમિ કહેવાતી જમીન ઉપર તેમનો અધિકાર છે. અયોધ્યા જમીન વિવાદમાં આઠ મુસ્લિમ પક્ષકાર છે જેમાંના ચાર ઇકબાલ અંસારી, હાજી મહેબૂબ, મોહમ્મદ ઉમર, મિઝબાહુદ્દીન અને મૌલાના મહફૂઝુર્રહેમાન વ્યક્તિગત છે જ્યારે સુન્ની વકફ બોર્ડ અને જમીયત-ઉલેમા-એ-હિન્દનો રિપ્રેઝન્ટેટિવ સૂટ છે. આમાંના મોટા ભાગના યાચિકાકર્તાઓ પહેલેથી જ વિવાદાસ્પદ જમીન છોડવાને લઇને રાજી છે.

૧૯૯૨માં બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ કેન્દ્રમાંની તત્કાલિન નરસિમ્હા રાવ સરકારે સમગ્ર વિવાદાસ્પદ હિસ્સાને કબજામાં લઇ લીધો હતો. ૧૯૯૩માં વિવાદાસ્પદ સ્થળ તેમજ આસપાસની લગભગ ૬૭ એકર જમીનનું કેન્દ્ર સરકારે અધિગ્રહણ કરી લીધું હતું. બાદમાં કોર્ટે સમગ્ર પરિસરમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો અને કોઇ ગતિવિધિ ન થવા દેવાના નિર્દેશ આપ્યાં હતાં. એ પછી અલાહાબાદ હાઇકોર્ટે ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૦ના દિવસે અયોધ્યાની વિવાદાસ્પદ જમીન ઉપર ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે ૨.૭૭ એકર જમીનને નિર્મોહી અખાડા, રામલલા વિરાજમાન અને સુન્ની વકફ બોર્ડ વચ્ચે સરખેસરખી વહેંચવાનો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટના આ ચુકાદા વિરુદ્ધ ૧૪ યાચિકા દાખલ કરવામાં આવી હતી. એ પછી સુપ્રીમ કોર્ટે મે ૨૦૧૧માં અલાહાબાદ હાઇકોર્ટના ચુકાદા ઉપર સ્ટે મૂકી દીધો હતો અને વિવાદાસ્પદ સ્થળ પર યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો. 

અલાહાબાદ હાઇકોર્ટને પણ એ દરકાર હતી કે જો કોઇ એક પક્ષની તરફેણમાં ચુકાદો ગયો તો બંને સમુદાયો વચ્ચે લાંબા સમયથી ચાલતું આવેલું વૈમનસ્ય વધી જશે જે દેશહિતમાં નહીં હોય એટલા માટે જ હાઇકોર્ટમાં તમામ પક્ષોને સાથે લઇને ચાલવાનો ચુકાદો આપવામાં આવ્યો હતો. અયોધ્યા વિવાદને મધ્યસ્થી દ્વારા ઉકેલવાના પ્રયાસ પણ થયા હતાં. અલાહાબાદ હાઇકોર્ટ પણ મધ્યસ્થી નીમવાના ત્રણ વખત પ્રયાસ કર્યા હતાં. તો સુપ્રીમ કોર્ટે પણ ગત માર્ચમાં આ મામલો શાંતિપૂર્વક ઉકેલવા ત્રણ મધ્યસ્થી નીમ્યા હતાં. સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટીસ ફકીર મોહમ્મદ ઇબ્રાહિમ ખલીફુલ્લાના નેતૃત્ત્વમાં બનેલી ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતિમાં આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકર અને સીનિયર એડવોકેટ શ્રીરામ પંચુનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સુનાવણીના અંતિમ દિવસે મધ્યસ્થતા સમિતિએ પોતાનો સેટેલમેન્ટ ડોક્યુમેન્ટ સુપ્રીમ કોર્ટને સોંપ્યો છે. એવી ચર્ચા છે કે આ મામલાના એક પક્ષકાર એવા સુન્ની વકફ બોર્ડે વિવાદાસ્પદ જમીન ઉપરનો હક જતો કરવા તૈયાર છે. બદલામાં તેણે મસ્જિદ માટે પર્યાપ્ત જમીન અને તેના નિર્માણ માટે સરકાર તરફથી આર્થિક સહાય મળે એવી માંગ કરી છે. હકીકતમાં આ મામલે મધ્યસ્થતા સમિતિ ઉકેલ લાવવામાં નિષ્ફળ નીવડયા બાદ સુન્ની વકફ બોર્ડે જ ગયા મહિને અનુરોધ કરીને મામલો વાતચીત દ્વારા ઉકેલવાની પહેલ કરી હતી જેના આધારે મધ્યસ્થતા સમિતિએ સેટલમેન્ટ ડોક્યુમેન્ટ સર્વોચ્ચ અદાલતને સોંપ્યો છે.

હકીકતમાં રામ જન્મ ભૂમિ- બાબરી મસ્જિદ વિવાદને લઇને લોકોને ઘણી તકલીફો સહન કરવી પડી છે. છાશવારે આ મામલો હવા પકડી લે છે અને પછી એને લઇને નિવેદનબાજીનો દોર ચાલુ થઇ જાય છે. જેના પરિણામે માહોલમાં એક પ્રકારની તંગદીલી ફેલાઇ જાય છે. આવી પરિસ્થિતિનો ફાયદો અસામાજિક તત્ત્વો ઉઠાવીને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરે છે. એટલા માટે જ સુપ્રીમ કોર્ટે પણ લડાઇને બાજુએ મૂકીને મધ્યસ્થી દ્વારા મામલો ઉકેલવાની પહેલ કરી હતી. જોકે મધ્યસ્થતા સમિતિ પણ વિવાદનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહેતા છેવટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીની ૪૦ દિવસની મેરાથોન યોજવામાં આવી હતી. 

અયોધ્યા મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે વારંવાર સ્પષ્ટતા કરી હતી કે આ મામલે દીવાની અપીલ સિવાય અન્ય કોઇ દૃષ્ટિકોણ ચગાવવાની પરવાનગી આપવામાં નહીં આવે અને સુનાવણીમાં એ જ પ્રક્રિયા અપનાવવામાં આવશે જે અલાહાબાદ હાઇકોર્ટે અપનાવી હતી. તેમ છતાં એવી આશંકા વ્યક્ત થઇ રહી હતી કે સુનાવણી દરમિયાન દેશમાં તણાવ વ્યાપી શકે છે પરંતુ એવું કશું ન થયું. હકીકતમાં ૨૦૧૮માં તત્કાલિન ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની આગેવાની હેઠળની બેન્ચે અયોધ્યા વિવાદને શુદ્ધરૃપે જમીન વિવાદ જણાવીને ધર્મનિરપેક્ષતા, સાંપ્રદાયિક સદ્ભાવ, ધર્મ અને રાજકારણને અલગ રાખવાની તાકીદ કરી હતી. 

સુનાવણીના અંતિમ તબક્કામાં અયોધ્યામાં ૧૦મી ડિસેમ્બર સુધી કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. 

એ સાથે જ સમગ્ર શહેરમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યાં છે. આ મામલે તંગદીલી ન વ્યાપે એ દિશામાં સુપ્રીમ કોર્ટ સફળ રહી અને સમગ્ર સુનાવણી દરમિયાન ક્યાંય કોઇ અપ્રિય ઘટના સામે ન આવી. એટલું જ નહીં, અમુક અપવાદોને બાદ કરતા બંધારણીય પીઠ સમક્ષ તમામ પક્ષના વકીલોએ સંયમિત ભાષાનો પ્રયોગ કર્યો. હવે દેશ ૧૭ નવેમ્બર પહેલાં અયોધ્યા વિવાદમાં બંધારણીય બેન્ચના ચુકાદાની રાહ જોઇ રહ્યો છે. એ જોવું રહ્યું કે ૨.૭૭ એકર વિવાદાસ્પદ જમીન મામલે સુપ્રીમ કોર્ટ અલાહાબાદ હાઇકોર્ટનો ચુકાદો યથાવત્ રાખે છે કે પછી કોઇ નવી વ્યવસ્થા સૂચવે છે. એમાં બેમત નથી કે સુપ્રીમ કોર્ટનો જે પણ ચુકાદો હશે એ દેશની તવારિખમાં ઐતિહાસિક નીવડવાનો છે.

Tags :