કલકત્તા-શાંઘાઈ જેવા શહેરો હવા પ્રદૂષણ સામે કઈ રીતે લડે છે?
- ઉત્તર ભારતમાં દિલ્હી, ગુજરાતમાં અમદાવાદ જેવા શહેરોનું હવા પ્રદૂષણ અસહ્ય થતું જાય છે, તેની સામે લડત આપી શકાય જો દાનત હોય તો
- ગુજરાતના અન્ય શહેરોએ શીખ લેવી હોય તો ચીન-યુરોપ સુધી ધક્કો ખાવાની જરૂર નથી, સુરત શહેરે થોડા વખત પહેલા જ હવા પ્રદૂષણ સામે અસરકરાક પગલાંની શરૂઆત કરી છે
દિલ્હીની આજે ઓળખ સૌથી વધુ પ્રદૂષિત હવા ધરાવતા શહેર તરીકે સ્થાપિત થઈ રહી છે. ભારતના ઘણા શહેરો પ્રદૂષિત હવા ધરાવે છે. દેશમાં દિલ્હીએ નામ કાઢ્યુ છે તો ગુજરાતમાં અમદાવાદ પ્રદૂષિત શહેર તરીકેની ઓળખ બનાવી રહ્યું છે. બન્ને શહેરના શાસકોની કાર્યદક્ષતાના અભાવે નાગરિકોને અશુદ્ધ હવા શ્વાસમાં લેવી પડે છે. તેની સામે દેશ-દુનિયાના અનેક શહેરો-પ્રદેશો એવા છે, જેમણે હવા પ્રદૂષિત કર્યા વગર, રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડાડયા વગર અને નગરજનોના ફેફસાં પર જુલમ ગુજાર્યા વગર પ્રગતી કરી દેખાડી છે. જેમ કે..
બિજિંગ: ચીનનું આ શહેર થોડા વર્ષો પહેલા દિલ્હીની જેમ જ પ્રદૂષિત હવા માટે બદનામ હતું. શાંઘાઈના આકાશમાં વાદળોને બદલે ધૂળના કણો જામ્યા હોય એવી તસવીરો જગતભરમાં છપાતી હતી. બિજિંગ અગ્રણી શહેર હતું એટલે વધારે ચર્ચાયુ પણ ચીનમાં આવા ઘણા શહેરો હતા. ચીની સરકારે હવા પ્રદૂષણને ગંભીર મુદ્દો ગણીને અર્જન્ટ કાર્યવાહી શરૂ કરી. આપણે ત્યાં દિલ્હીમાં હવા પ્રદૂષણ મુદ્દે બેઠક રખાઈ હતી જેમાં ૨૯ સાંસદો-લોક પ્રતિનિધિઓને આમંત્રણ અપાયું હતુ. મિટિંગ શરૂ થઈ ત્યારે ગણીને ચાર જણા હતા. તેના આધારે ખબર પડે છે કે આપણા શાસકો હવા પ્રદૂષણ મુદ્દે જરાય ગંભીર નથી. ચીનની વાત અલગ છે.
૨૦૧૩માં બિજિંગમાં અમુક સ્થળોએ હવા પ્રદૂષણની માત્રા સવા ત્રણસો પીએમ ૨.૫ હતી. પીએમ ૨.૫ એ હવા પ્રદૂષણ માપવાનું એકમ છે. હવામાં દર દસ લાખ કણોએ ૨.૫ માઈક્રોમીટર કે તેનાથી વધુ કદના પ્રદૂષણ ફેલાવતા કણો હોય તેનું માપ પીએમ ૨.૫ તરીકે રજૂ કરવામાં આવે છે. ધારો કે કોઈ શહેરની હવામાં ૧૦૦ પીએમ ૨.૫ નોંધાયા તો ત્યાં દસ લાખ કણોએ સો કણ એવા છે, જે શ્વાસમાં લેવા જેવા નથી. દિલ્હીમાં આ આંક તો ૮૦૦ ઉપર પહોંચ્યો હતો. ૨૦૧૮માં માપ કર્યું તો ખબર પડી કે બિજિંગમાં હવા પ્રદૂષણની માત્રા ઘટીને દોઢસો-બસ્સો સુધીની હતી એ ૧૦૦થી નીચે આવી ગઈ છે. ઔદ્યોગિક શહેર હોવાને નાતે બિજિંગના કેટલાક વિસ્તારમાં તો હવા પ્રદૂષિત રહે જ છે, પરંતુ એક સમયે સ્વચ્છ આકાશ જોવાના ફાંફા પડતા હતા એ હવે નથી પડતા.
હવા પ્રદૂષણ સામે લડવા માટે ૧૯૯૮માં જ બિજિંગે શરૂઆત કરી દીધી હતી. કોલસો અને હવામાં પ્રદૂષણ ફેલાવતા અન્ય તમામ તત્વો પર કાબુ મેળવ્યો. સામે પક્ષે સૌર ઊર્જા-પવન ઊર્જા વગેરે પર વધારે ભાર આપ્યો. પ્રદૂષણના નિયમો કડક બનાવી તેનો અમલ કર્યો. એટલે ૨૦ વર્ષ પછી ૨૦૧૮માં સંયુક્ત રાષ્ટ્રસંઘે બિજિંગના હવા પ્રદૂષણ અંગે અહેવાલ તૈયાર કરી તેના વખાણ કર્યા. ૨૦૧૪માં જગતના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં દિલ્હી સાથે બિજિંગ હતુ. હવે બિજિંગ જગતના ૧૦૦ સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાંથી બહાર નીકળી ચૂક્યુ છે.
કલકતા: કલકત્તા તો ભારતનું મોટું શહેર છે અને દેશના ચાર મહાનગરોમાં સ્થાન ધરાવે છે. પરંતુ હવા પ્રદૂષણની સમસ્યા ત્યાં કાબુ બહાર ગઈ નથી. કેમ? ત્યાં પણ પ્રદૂષિત હવાના કિસ્સા નોંધાય છે, પરંતુ શહેરની સરેરાશ હવા જોઈએ તો હજુ ઘણી સાબુત છે. કેમ કે શહેરના ટ્રાન્સપોર્ટેશન માટે આ વર્ષે જ ૮૦ ઈલેક્ટ્રિકલ બસો ત્યાં દોડતી કરી દેવાઈ છે. ૨૦૨૦ સુધીમાં કુલ બસોની સંખ્યા ૧૮૦ કરવાની છે, જે હવામાં ભળતો ૧૪ હજાર ટન જેટલો કાર્બન ઘટાડશે. બંગાળ સરકાર કલકતાના વખાણ કરે તો એ કદાચ માનવા જેવા ન લાગે. પણ ઓક્ટોબરમાં જ રજૂ થયેલો સિટી-૧૦૦ નામનો વૈશ્વિક રિપોર્ટ કહે છે કે ભારતના અન્ય શહેરોએ કલકતાનું અનુસરણ કરી હવા પ્રદૂષણ ઘટાડવું જોઈએ.
પેરિસ: ફ્રાન્સના પાટનગર પેરિસમાં દર મહિને એક દિવસ કા ફ્રી ડે ઉજવાય છે. એ દિવસે કા લઈને બહાર નીકળવાનું નહીં. એટલે પહેલા તો જેમને અનિવાર્ય ન હોય એવા લોકો ઘરની બહાર જ નીકળતા નથી. નીકળે એ સરકારી પરિવહનનો ઉપયોગ કરે છે. ઉપરાંત અમુક વિસ્તારો તો નક્કી રાખેલા જ છે, જ્યાં સવારના ૧૧થી સાંજના ૬ સુધી કાર કે અન્ય મોટું વાહન લઈને પ્રવેશી શકાતુ નથી. ઉપરાંત વાહન કેટલુ પ્રદૂષણ ફેલાવે છે, તેનું સ્ટીકર પણ વાહન પર લાગેલું હોવુ જોઈએ. જેથી વાહનને શહેરમાં પ્રવેશવા દેવું કે કેમ તેનો નિર્ણય તુરંત લઈ શકાય.
ટોકિયો: ટોકિયોનો શિન્ઝુકુ વિસ્તાર ક્રીમ એરિયા તરીકે જાણીતો છે. દુનિયાભરમાંથી લોકો ત્યાં શોપિંગ માટે આવે છે. આ વિસ્તારમાં અમુક સ્થળે સવારથી સાંજ સુધી કોઈ પ્રકારના વાહનોને પ્રવેશ જ નથી. લોકોએ ફરજિયાત ચાલીને નીકળવું પડે. સાંજ પડયે ત્યાંથી વાહનો પસાર થઈ શકે. પરંતુ આખો દિવસ એ વિસ્તાર સફાઈ અને હવા પ્રદૂષણ બન્નેની દૃષ્ટિએ શુદ્ધ રહે છે.
હેમ્બર્ગ-રોમ: જર્મનીએ આ શહેરમાં જૂના ડીઝલ સંચાલિત વાહનો પર જ પ્રતિબંધ મુકી દીધો છે. અન્ય શહેરોમાં એ પ્રતિબંધની તૈયારી ચાલે છે. ઈટાલિના પાટનગર રોમે ૨૦૨૪ની ડેડલાઈન નિર્ધારિત કરી છે. ત્યાં સુધીમાં રોમના તમામ ડીઝલ વાહનોને ભંગારવાડે નાખી દેવાના છે. ઈટાલિના બીજા શહેર મિલાને ૨૦૩૦ સુધીમાં બધા જ વાહનો ઈલેક્ટ્કિલ હોય એ માટેની તૈયારી શરૂ કરી દીધી છે.
આર્મસ્ટડેમ: નેધરલેન્ડનું પાટનગર સાઈકલિંગ માટે જાણીતું છે. અહીં લોકોનું સૌથી પહેલું પ્રિય વાહન કોઈ હોય તો એ સાઈકલ જ છે. આપણે ત્યાં પહેલા ઘર દીઠ એકાદ સાયકલ રહેતી. હવે એ પ્રમાણ પણ ઘટતું જાય છે. તેના બદલે ઘર દીઠ એક બાઈક-કાર આવવા લાગી છે. આર્મસ્ટડેમમાં ઘર દીઠ એક નહીં બે-બે સાઈકલ જોવા મળે છે! પ્રદૂષણ ફેલાવતા વાહનો ઓછા છે, માટે સિટી પણ સાફ-સુથરું છે. શહેરના રસ્તા પર કોઈ વીઆઈપી કે મોટરકારને બદલે સાઈકલને પ્રાધાન્ય આપવામાં આવે છે.
અમેરિકા: કોઈ એક શહેર નહીં પણ આખા દેશની હવા ચાર દાયકામાં સુધરી છે. લેટેસ્ટ અહેવાલ પ્રમાણે અમેરિકામાં હવા પ્રદૂષણથી થતા મોતમાં ૩૦ ટકા સુધીનો ઘટાડો થયો છે. સરકારે વિવિધ પગલાં લીધા છે, બીજી તરફ નાગરિકો જાગૃત છે, ત્રીજી તરફ કાયદા કડક બનાવી દેવાયા છે. અત્યારે ઘણા દેશોમાં પર્યાવરણ સંરક્ષના કાયદા છે, પણ અમેરિકાએ ૧૯૬૩માં ક્લિન એર એક્ટ પસાર કર્યો હતો. સરકારી એન્વાર્યન્મેન્ટ પ્રોટેક્શન એજન્સી પ્રદૂષણ બદલ ગમે તેને દંડ કરી શકે છે અને એ ભરવો પણ પડે છે.
ઈંગ્લેન્ડ: ૧૩મી સદીમાં રાજા એડવર્ડે કોલસાના વપરાશ પર પ્રતિબંધ મુકી દીધો હતો. તેમણે પોતાના રાજ્યમાં કોલસાને બદલે બીજું બળતણ વાપરવાનો હુકમ પણ ફરમાવ્યો હતો. જોકે ત્યારે આજના જેટલા વિકલ્પ ન હતા, માટે કોલસાને બાળવાને બદલે લાકડા બાળવાનુ વધારે પસંદ કરવામાં આવતું હતું. એ ૯૦૦ વર્ષ પહેલાની વાત છે. રાજાના પગલાંથી કેટલુ પ્રદૂષણ ઘટયુ હશે, એ અત્યારે જાણી શકાય એમ નથી. પરંતુ રાજાએ પગલાં લીધા હતા એ મોટી વાત છે. ઈંગ્લેન્ડના પાટનગર લંડનમાં અત્યારે શહેરના અમુક વિસ્તારમાં પ્રવેશનારા ભારે વાહનોએ હવા પ્રદૂષણનો કર ચૂકવવો પડે છે.
સુરત: આ વર્ષે જેમને અર્થશાસ્ત્રનું નોબેલ પ્રાઈઝ મળ્યું એ અભિજિત બેનર્જી અને તેમના પત્ની એસ્થર રફલોએ એમિશન ટ્રેડિંગ સ્કીમ વિકસાવી છે. એટલે કે પ્રદૂષણનો વેપાર. તેની આ એમિશન ટ્રેડિંગ સ્કીમનો અમલ કરનારું ભારતમાં પહેલું શહેર સુરત છે. સુરતમાં હજુ હમણાં જ શરૂઆત થઈ એટલે પ્રદૂષણ ઓછુ થઈ ગયું એવુ નથી. પરંતુ આજે અમલ થયો તેના સારા ફળ સુરતને આગામી દિવસોમાં તો મળશે જ. યુરોપના ઘણા દેશોમાં આ એમિશન ટ્રેડિંગની સ્કીમ વર્ષોથી લાગુ છે, માટે ત્યાં હવા પ્રદૂષણ માપે રહે છે.
દિલ્હી તો ઠીક છે, સુરતમાંથી કોઈ પ્રેરણા લે કે ન લે.. પણ અમદાવાદ અને ગુજરાતના બીજા ધૂળ ચાટતા શહેરો તો પ્રેરણા લઈ શકે ને!