મધ્યપ્રદેશમાં રાજકીય સંકટ વચ્ચે સ્પીકરની ભૂમિકા સામે ફરી સવાલ
- રાજ્યપાલના આદેશ અનુસાર ફ્લોરટેસ્ટ કરાવવાના બદલે વિધાનસભા સ્પીકરે ગૃહની કાર્યવાહી ૨૬ માર્ચ સુધી સ્થગિત કરી દીધી
રાજ્યપાલે કમલનાથ સરકારને ફરી વખત બહુમતિ સાબિત કરવાની તાકીદ કરી છે તો ભાજપે પણ ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની સ્પીકરના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે જે જોતાં સુપ્રીમ કોર્ટમાં ફરી વખત સ્પીકરના અધિકારો અંગે ચર્ચા થશે
મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા બાદ શરૂ થયેલું રાજકીય નાટક નવા નવા ટ્વીસ્ટ સાથે ચાલુ છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને મુખ્યમંત્રી કમલનાથને સોમવારે ગૃહમાં ફ્લોર ટેસ્ટ કરાવવાની સૂચના આપી હતી. પરંતુ સોમવારે મધ્યપ્રદેશ વિધાનસભાની કાર્યવાહી શરૂ થઇ અને રાજ્યપાલના અભિભાષણ બાદ સ્પીકરે કોરોના વાઇરસનું કારણ આગળ ધરીને ગૃહની કાર્યવાહી ૨૬ માર્ચ સુધી સ્થગિત કરી દીધી.
સ્પીકર એન.પી. પ્રજાપતિના આ નિર્ણય બાદ કમલનાથ સરકારને બહુમતિ સાબિત કરવા માટે સમય મળી ગયો. જોકે ભાજપને સ્પીકરની આ કાર્યવાહી પસંદ ન આવી અને તેણે સ્પીકરના ગૃહ સ્થગિત કરવાના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. સુપ્રીમ કોર્ટમાં આજે આ મામલાની સુનાવણી થવાની છે. બીજી બાજુ રાજ્યપાલે મુખ્યમંત્રીને ફરી વખત તાત્કાલિક ફ્લોર ટેસ્ટ કરાવવાની તાકીદ કરી છે. રાજ્યપાલે પત્ર લખીને કમલનાથને આગ્રહ કર્યો છે કે બંધારણીય અને લોકશાહી માન્યતાઓનો આદર કરતા તેઓ મંગળવારે જ વિધાનસભામાં ફ્લોરટેસ્ટ કરાવે નહીંતર તેમની સરકાર લઘુમતિમાં ગણાશે.
બીજી બાજુ કમલનાથનું કહેવું છે કે રાજ્યપાલ દ્વારા વિધાનસભાના સ્પીકરને પત્ર લખીને વિશ્વાસ મત મેળવવાનું કહેવું ગેરબંધારણીય છે. કમલનાથે કહ્યું કે રાજ્યપાલ સ્પીકરના અધિકારોમાં હસ્તક્ષેપ ન કરી શકે. હકીકતમાં વિધાનસભાની કાર્યવાહીને લઇને સ્પીકર અને રાજ્યપાલ વચ્ચે અધિકારોની લડાઇ ઘણી જૂની છે. આ મામલે સુપ્રીમ કોર્ટ અગાઉ કહી ચૂકી છે વિધાનસભાની કાર્યવાહી સાથે જોડાયેલા નિર્ણયોમાં સ્પીકરનો નિર્ણય સર્વોપરિ છે તેમ છતાં મામલો ફરી વખત સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે.
મધ્યપ્રદેશ વિધાનસભામાં ૨૩૦ બેઠકો છે અને બહુમતિ સાબિત કરવા માટે ૧૧૬ બેઠકો જરૂરી છે. વર્ષ ૨૦૧૮માં રાજ્યમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ૧૧૪ બેઠકો જીતી હતી અને ભાજપે ૧૦૯ બેઠકો જીતી હતી. એવામાં બંનેમાંથી કોઇ પક્ષ પાસે સરકાર રચવા માટે બહુમતિ નહોતી. પરંતુ સમાજવાદી પાર્ટીના એક ધારાસભ્ય, બહુજન સમાજ પાર્ટીના એક ધારાસભ્ય તેમજ ચાર અપક્ષ ધારાસભ્યોએ કોંગ્રેસને ટેકો આપતા કમલનાથના નેતૃત્ત્વમાં કોંગ્રેસ સરકાર બનાવી શકી.
વર્તમાન ઘટનાક્રમમાં જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત કોંગ્રેસના બાવીસ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા બાદ કમલનાથ સરકાર લઘુમતિમાં આવી ગઇ છે. બાવીસમાંથી છ ધારાસભ્યોના રાજીનામા મંજૂર થયા છે જે જોતાં વિધાનસભામાં હાલ સભ્યસંખ્યા ૨૨૨ થાય છે અને બહુમતિ સાબિત કરવા માટે ૧૧૨ ધારાસભ્યોની જરૂર છે. કોંગ્રેસ પોતાની પાસે ૧૦૮ ધારાસભ્યો હોવાનો દાવો કરી રહી છે જ્યારે ભાજપ તેની પાસે ૧૦૭ ધારાસભ્યો હોવાનો દાવો કરે છે. હવે જો તમામ બાવીસ ધારાસભ્યોના રાજીનામા સ્વીકારી લેવામાં આવે તો ચિત્ર બદલાઇ જાય એમ છે.
થોડા સમય પહેલાં જ સુપ્રીમ કોર્ટે રાજ્યોના ધારાસભ્યોની અયોગ્યતા નક્કી કરવા માટે એક સ્વતંત્ર વ્યવસ્થા ઊભી કરવાનું સૂચન કર્યું હતું. સુપ્રીમ કોર્ટનું કહેવું હતું કે સ્પીકર લાંબા સમય સુધી આવી યાચિકાઓ પોતાની પાસે ન રાખી શકે. દેશના જુદાં જુદાં રાજ્યોની વિધાનસભાઓમાં અવારનવાર સ્પીકરની ભૂમિકા વિશે સવાલો ઉઠતા રહે છે. વિધાનસભાના સભ્યોના વ્યવહારને લઇને ગૃહના અધ્યક્ષ તરીકે સ્પીકરે જે નિર્ણયો લીધાં હોય એ કેટલા ન્યાયસંગત છે એ વિશે ચર્ચા થતી હોય છે. ખાસ કરીને વિપક્ષ તરફથી સ્પીકરની ભૂમિકા વિશે સવાલો થતા હોય છે કારણ કે વિધાનસભાના સ્પીકર પણ છેવટે તો કોઇ પક્ષના જ સભ્ય હોય છે અને એ સંજોગોમાં તેમના નિર્ણયો નિષ્પક્ષ હોવા વિશે સવાલો થવા સ્વાભાવિક છે.
કોઇ ધારાસભ્યને કોઇ કારણોસર અયોગ્ય ઠરાવવામાં આવે ત્યારે ઘણી વખત મામલો કોર્ટમાં પહોંચે છે. એવું બને ત્યારે વિધાનસભાના સ્પીકરને મળેલી સત્તાઓ વિશે ચર્ચા થાય છે. સામાન્ય ધારણા એવી છે કે વિધાનસભાના સ્પીકરપદે આરૂઢ થયા બાદ ગૃહના નેતા તરીકે તેમણે કોઇ ખાસ પક્ષ પ્રત્યે પક્ષપાત ન રાખવો જોઇએ અને તે કોઇ પણ વ્યવસ્થા લાગુ કરે તો તે પણ નિષ્પક્ષ હોય એ જરૂરી છે. એ સંજોગોમાં સુપ્રીમ કોર્ટે ધારાસભ્યોને અયોગ્ય ઠરાવવાની માંગ કરતી યાચિકાઓની સુનાવણી કરતા સંસદને નિવૃત ન્યાયાધીશની અધ્યક્ષતા હેઠળ એક સ્વતંત્ર પ્રણાલિ રચવાનું સૂચન કર્યું હતું.
મંત્રીપદ કે પછી અન્ય લાભ મેળવવા માટે પક્ષપલટો કરવો એ દેશના રાજકારણમાં નવાઇની વાત નથી. આની પાછળ પક્ષ બદલનાર વિધાનસભ્ય એવો ખુલાસો કરતા હોય છે કે તેમને પોતાનો અભિપ્રાય બદલવાનો અધિકાર છે. પરંતુ લોકતાંત્રિક હકની ધારણા દ્વારા મળતી સુવિધા અનેક વખત સમસ્યા ઊભી કરે છે. અનેક વખત જોવા મળ્યું છે કે કોઇ રાજ્યના અમુક ધારાસભ્યો પોતાની નિષ્ઠા બદલી લે છે તો સરકારો પણ પડી જાય છે. વિધાનસભાના અધ્યક્ષ પણ સત્તાધારી પાર્ટીના જ હોય એ સંજોગોમાં તેઓ પોતાના પક્ષ પ્રત્યે નિષ્ઠા જાળવવા પ્રયાસ કરે એ સ્વાભાવિક છે. પરંતુ એમ કરવા જતાં લોકશાહીની મૂળ ભાવના જ મરી જાય છે. મતદારોએ ઉમેદવારને જે-તે પક્ષના પ્રતિનિધિ તરીકે મત આપતા હોય છે અને ચૂંટણી બાદ તે તક જોઇને બીજી પાર્ટીમાં જતા રહે તો જનમતનું મહત્ત્વ જ રહેતું નથી.
થોડા સમય પહેલાં કર્ણાટકમાં સત્તાની જે રાજરમત ખેલાઇ એ અભૂતપૂર્વ હતી. સૌથી વધારે બેઠકો મેળવવા છતાં સત્તાથી દૂર રહેલા ભાજપે સરકાર રચનાર કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને ખેરવવાનો પેંતરો રચ્યો જે પછી કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોએ રાજીનામા આપીને કુમારસ્વામીની સરકારને લઘુમતિમાં મૂકી દીધી.
વિધાનસભ્યોની સંખ્યા ઘટી જતાં ભાજપ પાસે બહુમતિ આવી ગઇ અને રાજ્યમાં યેદિયુરપ્પાની સરકાર રચાઇ. એ સમયે કર્ણાટક વિધાનસભાના તત્કાલિન સ્પીકરે બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય ઠરાવીને પેટાચૂંટણી લડવા ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. બાદમાં સુપ્રીમ કોર્ટે આ ધારાસભ્યોને ચૂંટણી લડવાની અનુમતિ આપી હતી. પેટાચૂંટણીમાં વિજયી બન્યા બાદ ભાજપે આ બળવાખોર ધારાસભ્યોને મંત્રીપદ આપીને રાજી કર્યાં હતાં.
આજે પરિસ્થિતિ એ છે કે રાજકીય નેતાઓને પોતપોતાના ક્ષેત્રોના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા બાદ ધારાસભ્ય બની રહેવું પસંદ નથી. હવે તો તેમની ઇચ્છા ત્યારે જ સંતોષાય છે જ્યારે તેમને મંત્રીપદ મળે છે. સાદા શબ્દોમાં કહીએ તો આજના રાજકારણમાં અવસરવાદ રાજકારણીઓ માટે સર્વસ્વ બની ગયો છે. જોકે આના માટે જવાબદારી રાજકીય પાર્ટીઓ પોતે જ છે જે પોતાના ઉમેદવારોની પસંદગી કરવામાં તમામ માપદંડો નેવે મૂકે છે અને યેનકેનપ્રકારેણ વિજય હાંસલ કરવાને જ લક્ષ્ય બનાવે છે.
ભૂતકાળ તરફ દૃષ્ટિ કરીએ તો પક્ષપલટા કાયદાને નબળો બનાવવા માટે ધારાસભ્યોના રાજીનામા અપાવીને સરકારને લઘુમતિમાં મૂકવાની રાજરમત કોંગ્રેસે જ શરૂ કરી હતી. આ પ્રકારના કાવાદાવાની શરૂઆત ૧૯૯૯માં ગોવામાં કોંગ્રેસ જ કરી હતી જ્યારે તેના નેતા સ્વ. પ્રિયરંજન દાસમુનશીએ પોતાની સરકાર બચાવવા માટે બે વિપક્ષી ધારાસભ્યોના રાજીનામા અપાવ્યા હતાં. એ પછી તો પક્ષપલટા કાયદાને વામણો બનાવવા માટે ધારાસભ્યો પાસે રાજીનામા અપાવવાનું હથિયાર એવું તો કારગર સાબિત થયું કે તેનો પ્રયોગ અન્ય રાજ્યોમાં પણ થવા લાગ્યો.
સમય જતાં જુદાં જુદાં રાજકીય પક્ષોએ આ હથિયાર વધારે ધારદાર બનાવ્યું અને આજકાલ તો રાજકારણમાં સત્તા મેળવવા માટે વિરોધી પાર્ટીના ધારાસભ્યોને રાજીનામા અપાવવાની પરંપરા સામાન્ય બની ગઇ છે. જોકે ભારે જહેમત બાદ ચૂંટાયેલા ધારાસભ્યો રાજીનામા આપવાનું જોખમ શા માટે ઉઠાવે એ સવાલ થવો સ્વાભાવિક છે. એનો સીધો જવાબ એ છે કે આજના સમયમાં રાજકારણ એ જનસેવા નહીં પરંતુ ધનસેવા બની ગયું છે અને મસમોટી રકમના બદલામાં ઘણાં નેતાઓ જનપ્રતિનિધિનું પદ ત્યાગવા પણ તૈયાર થઇ જાય છે. રાજીનામાના બદલામાં ધન ઉપરાંત મંત્રીપદની લાલચ આપવી પણ આજકાલ સામાન્ય બની ગઇ છે.
રાજકારણની રમત પક્ષપલટા અને નારાજ ઉમેદવારો પાસે રાજીનામા અપાવીને સરકાર પાડવા જેવી નિમ્ન કક્ષાએ પહોંચી ગઇ હોય ત્યારે વર્તમાન વ્યવસ્થામાં બદલાવ કરવો આવશ્યક જણાઇ રહ્યો છે. એ સાથે જ વિધાનસભાના સ્પીકરની સત્તા મર્યાદિત કરવા અને ધારાસભ્યોને અયોગ્ય ઠરાવવા માટે કોઇ નવી સિસ્ટમ ઊભી કરવાની દિશામાં વહેલી તકે પ્રગતિ થાય એ તંદુરસ્ત લોકશાહી માટે જરૂરી છે. પરંતુ એ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે વર્તમાન વ્યવસ્થાના સ્થાને કોઇ નવી વ્યવસ્થા અમલમાં આવે તો તેમાં નિષ્પક્ષ અને પ્રમાણિક નિર્ણયો લેવામાં આવે.