વ્લાદિમીર પુતિનની રાજકીય મહત્ત્વાકાંક્ષાથી અમેરિકા-યુરોપ ચિંતિત
- રશિયાના રાષ્ટ્રપતિએ વર્ષ 2036 સુધી પોતાનું પદ જાળવી રાખવા નવા કાયદા પર હસ્તાક્ષર કર્યાં
પુતિનનો રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ ૨૦૨૪માં પૂરો થવાનો છે અને એ પછી રશિયાની હાલની બંધારણીય જોગવાઇ અનુસાર તેઓ ફરી વખત રાષ્ટ્રપતિ બની શકે એમ નથી અને એ મર્યાદાનો તોડ કાઢવા માટે તેમણે બંધારણને જ બદલવાની હિલચાલ આદરી છે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વર્ષ ૨૦૩૬ સુધી પોતાનું પદ જાળવી રાખવા માટે બંધારણીય સુધારા અમલમાં મૂકવા હિલચાલ કરી છે. પુતિને જે કાયદા પર હસ્તાક્ષર કર્યા એ અંતર્ગત તેઓ આગામી બે કાર્યકાળ સુધી રાષ્ટ્રપતિપદે રહી શકશે. હવે આ કાયદાને રશિયાની બંધારણીય અદાલતમાં મોકલવામાં આવશે જ્યાં તેને મંજૂરી આપવા અંગે નિર્ણય થશે. ત્યારબાદ રશિયાના લોકો આ કાયદા પર વોટિંગ કરશે. હાલની વ્યવસ્થા મુજબ પુતિન ૨૦૨૪ સુધી રશિયાના રાષ્ટ્રપતિપદે રહી શકે એમ છે અને એ પછી તેમણે રાજીનામુ આપવું પડે એમ છે.
હકીકતમાં પુતિન છેલ્લાં ઘણાં સમયથી આજીવન રશિયાની સત્તા સંભાળવાની જોગવાઇ કરવામાં લાગ્યા છે. બે મહિના પહેલાં પુતિને રશિયાના બંધારણમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો જે પછી તત્કાલિન વડાપ્રધાન દિમિત્રી મેદ્વેદેવ અને તેમની કેબિનેટે રાજીનામા આપી દીધાં. પુતિને રશિયાના ટેક્સ ખાતાના વડા મિખાઇલ મિશુસ્તિનનું નામ વડાપ્રધાનપદ માટે આગળ કર્યું અને રશિયાની સત્તાધારી યુનાઇટેડ રશિયા પાર્ટીની ડયૂમા તરીકે ઓળખાતી સંસદના નીચલા ગૃહમાં બહુમતિ હોવાના કારણે મિશુસ્તિનનું વડાપ્રધાન બની પણ ગયાં.
અગાઉ પોતાના સ્ટેટ ઓફ ધ નેશન ભાષણમાં એક પછી એક અનેક નવી જાહેરાતો કરતા અટકળો થઇ રહી હતી કે ૨૦૨૪માં રાષ્ટ્રપતિપદ છોડયા પછી પુતિન રશિયાની સત્તા કેવી રીતે જાળવી રાખશે? જાણકારોનું માનવું છે કે છેક ૧૯૯૯થી રશિયાની કમાન સંભાળનારા પુતિન કાં તો ફરી વડાપ્રધાન બને અથવા તો પોતાના માટે એક નવા પદનું સર્જન કરે અથવા તો પડદાની પાછળ રહીને જ શક્તિશાળી ભૂમિકા ભજવતા રહે. છેલ્લા બે દાયકાથી પુતિન સતત રશિયાના વડાપ્રધાન અથવા તો રાષ્ટ્રપતિ તરીકે સત્તામાં છે. જોસેફ સ્ટાલિન બાદ પુતિન રશિયા અથવા તો સોવિયેતના બીજા કોઇ પણ નેતા કરતા સૌથી વધારે વખત સત્તામાં રહેનારા નેતા છે. સ્ટાલિને લગભગ ૨૬ વર્ષ સુધી સોવિયેત સંઘનું નેતૃત્ત્વ કર્યું હતું.
પુતિને વડાપ્રધાનપદેથી જેમને દૂર કર્યાં એ મેદ્વેદેવ પુતિનના વિશ્વાસુ મનાય છે. બંધારણીય મર્યાદાઓના કારણે પુતિન જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ રહી શકે એમ નહોતા ત્યારે ૨૦૦૮થી ૨૦૧૨ સુધી મેદ્વેદેવે રાષ્ટ્રપતિની કામગીરી સંભાળી હતી. પુતિને તેમને રશિયાની સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષપદે નિયુક્ત કરવાનું નક્કી કર્યું છે. જાણકારોની દૃષ્ટિએ મેદ્વેદેવને પુતિને તેમની અંગત કામગીરીમાં રાખ્યા છે. આમ પણ રક્ષા પરિષદ પુતિનની વ્યક્તિગત મિની ગવર્મેન્ટ કહેવાય છે. બીજુ એ કે મેદ્વેદેવ રશિયાના વડાપ્રધાન તરીકે ખાસ લોકપ્રિય નહોતા. એટલા માટે પુતિને તેમને લોકોની નજરોથી દૂર કરીને પોતાના વ્યક્તિગત કામકાજમાં લીધાં છે.
જોકે કેટલાંક જાણકારો એવી શક્યતા પણ વ્યક્ત કરે છે કે મેદ્વેદેવને નવા રાષ્ટ્રપતિ તરીકે તૈયાર કરવાનું આયોજન પણ હોઇ શકે છે. પુતિન અગાઉ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ આજીવન રાષ્ટ્રપતિપદે રહેવાની જોગવાઇ કરી ચૂક્યાં છે. ચીનમાં પણ રાષ્ટ્રપતિ માટે મહત્તમ બે ટર્મ એટલે કે ૧૦ વર્ષની મર્યાદા હતી. પરંતુ ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાએ બંધારણમાં સુધારો કરીને જિનપિંગને જીવનભર ચીનની કમાન સોંપવાની જોગવાઇ કરી આપી છે. ચીન અને રશિયામાં સામ્યવાદ શાસન છે એટલા માટે ત્યાં સત્તાધારી પાર્ટીનું જ વર્ચસ્વ હોય છે. વિરોધ પક્ષો હોય છે ખરાં પરંતુ તેમનું ખાસ ઉપજતું નથી. રશિયામાં પણ એલેક્સી નાવાલ્ની નામના વિરોધ પક્ષના કદાવર નેતા છે પરંતુ તેમનું સામ્યવાદી સરકાર સામે કશું ઉપજતું નથી. નાવાલ્નીએ બંધારણમાં ફેરફાર કરવાના પ્રસ્તાવને દગાબાજી ગણાવ્યો છે પરંતુ સ્પષ્ટ છે કે તેમની વાત કોઇ સાંભળવાનું નથી.
પુતિને જે મહત્ત્વના ફેરફારોની રજૂઆત કરી હતી એમાં રાષ્ટ્રપતિના હાથમાંથી ઘણા અધિકાર લઇને સંસદને આપવાનો પ્રસ્તાવ પણ સામેલ હતો. પુતિનની માંગ અનુસાર સંસદ પાસે વડાપ્રધાન અને મંત્રીમંડળ પસંદ કરવાનો અધિકાર હોવો જોઇએ. હાલ રશિયામાં સમગ્ર સરકારની નિમણૂકની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. પુતિનનું કહેવું છે કે નવો સુધારો અમલમાં મૂકવાથી સંસદ, વડાપ્રધાન અને મંત્રીમંડળના સભ્યોની શક્તિ અને સ્વતંત્રતા વધી જશે. જોકે એ સાથે પુતિને એવી દલીલ પણ કરી કે સંસદીય પ્રણાલીથી જ કામગીરી કરવામાં આવી તો રશિયા સ્થિર નહીં રહી શકે એટલા માટે રાષ્ટ્રપતિ પાસે વડાપ્રધાન અને મંત્રીઓને બરખાસ્ત કરવાની સત્તા હોવી જોઇએ.
વર્ષ ૧૯૯૩માં રશિયાનું બંધારણ લાગુ થયા પછી તેમાં પહેલી વખત ફેરફાર થવા જઇ રહ્યો છે. પુતિન આને રશિયાની જનતાની પરિવર્તનની માંગ તરીકે ઓળખાવી રહ્યાં છે. બંધારણમાં ફેરફાર માટે પુતિને રાષ્ટ્રવ્યાપી મતદાનની દરખાસ્ત પણ મૂકી છે. જોકે રશિયાની જનતા છેલ્લા પાંચ વર્ષથી આવકમાં વધારો ન થવાના કારણે અથવા તો આવક ઘટતી જવાના કારણે પરેશાન છે. બીજી બાજુ પેન્શન મળવાની વયને વધાર્યા બાદ લોકોમાં નારાજગી છે અને પુતિનની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. તેમ છતાં પુતિનને બંધારણમાં તેમના મનગમતા સુધારા કરાવવાથી ન તો જનતા રોકી શકશે કે ન તો વિપક્ષ રોકી શકશે.
જાણકારોના મતે આ સુધારા દ્વારા પુતિન એક એવું પદ ઊભું કરવા માંગે છે જેના દ્વારા તેઓ રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ ખતમ થયા બાદ પણ રશિયાની સત્તા પોતાના હાથમાં રાખી શકે. આમ પણ રશિયાના રાજકારણના જાણકાર લોકો કયાસ લગાવી જ રહ્યાં હતાં કે પુતિન આગામી પગલું કેવું લે છે? વિપક્ષી નેતા નાવાલ્નીએ આરોપ મૂક્યો છે કે પુતિનનું એક માત્ર લક્ષ્ય સત્તાને પોતાના હાથમાં રાખવી, પૂરા દેશને પોતાની સંપત્તિ સમજવો અને ધનને પોતાના અને પોતાના મિત્રો માટે રાખવું છે.
પુતિનના વિરોધીઓના મતે રશિયા એવી રીતે જ ચાલતું રહેશે જેવી પુતિનની મરજી હશે. પરંતુ પુતિનની શક્તિનો વ્યાપ માત્ર રશિયા પૂરતો જ સીમીત નથી. છેલ્લા થોડા સમયથી પુતિનની તાકાતમાં અવિરતપણે વધારો થઇ રહ્યો છે. પુતિનની વધી રહેલી આ તાકાતના કારણે મધ્યપૂર્વ એશિયાથી લઇને યુરોપ સુધીના રાજકીય અને રણનીતિક સમીકરણો બદલાઇ રહ્યાં છે. પાંચ વર્ષ પહેલા રશિયાએ યુક્રેનના ક્રિમીયા ઉપર કબજો જમાવ્યો ત્યારથી સમગ્ર યુરોપ અને ખાસ કરીને બાલ્ટિક દેશો પોતાની સુરક્ષાને લઇને ચિંતિત છે. તો સીરિયાના ગૃહયુદ્ધમાં રાષ્ટ્રપતિ બશલ અલ અસદને સાથ આપીને રશિયાએ મિડલઇસ્ટમાં અમેરિકા તેમજ યુરોપના દેશોને લલકાર્યા હતાં. એ સાથે જ દક્ષિણ એશિયામાં પણ રશિયાની સક્રિયતા વધી રહી છે. અફઘાનિસ્તાનમાં રશિયા ફરી વખત પગપેસારો કરવાની ફિરાકમાં છે. ઉપરાંત ચીન સાથે મળીને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર અમેરિકાને સકંજામાં લેવાની કોઇ તક ગુમાવતું નથી.
પુતિનના વધી રહેલા આક્રમક વલણના કારણે ઘણાં જાણકારોનું માનવું છે કે શીતયુદ્ધના દિવસો પાછા આવી શકે છે. નાટો દેશો પ્રત્યે પુતિનનો અણગમો જગજાહેર છે. છેલ્લા થોડા સમયથી નાટો સૈન્ય સંગઠને યુરોપમાં રશિયાની પશ્ચિમી સરહદ સુધી પહોંચ વધારી દીધી છે. ૧૯૯૦માં વિભાજિત જર્મનીના એકીકરણ વખતે અમેરિકાએ વચન આપ્યું હતું કે તે પૂર્વ યુરોપ તરફ નાટોનો વ્યાપ નહીં વધારે પરંતુ એ પછી અમેરિકાએ એ ક્ષેત્રમાં નાટોનો વ્યાપ પણ વધાર્યો છે. પુતિનની વધી રહેલી દખલગીરી સામે યુરોપે નાછૂટકે સલામતિના પગલા લેવાની ફરજ પડી છે.
જોકે યુરોપ અને નાટો દેશો રશિયા સાથે કોઇ પ્રકારનો ટકરાવ ટાળીને વાતચીતનો રસ્તો અપનાવવા ઇચ્છે છે. પરંતુ શક્તિશાળી અને બેફામ બનેલા પુતિન તેમને ગાંઠે એવું લાગતું નથી. છેલ્લા થોડા વર્ષોમાં નાટો દેશોએ રશિયા ઉપર ઘણાં પ્રતિબંધો મૂક્યાં છે અને પૂર્વ યુરોપની લશ્કરી હિલચાલ પણ વધારી દીધી છે. જેના કારણે નાટો દેશો અને રશિયા વચ્ચે શાંતિથી કોઇ વાતચીત થાય તેવું હાલ તો શક્ય જણાતું નથી. એક બાજુ આંતરરાષ્ટ્રીય સ્તરે પુતિન પશ્ચિમી દેશો માટે મુસીબતરૂપ બની રહ્યાં છે અને બીજી બાજુ રશિયામાં આંતરિક મોરચે તેમની પક્કડ વધારે ને વધારે મજબૂત બની રહી છે. એવામાં હવે તેમણે રશિયાની સત્તા હાથમાં રાખવા માટે જે હિલચાલ આદરી છે એનાથી પશ્ચિમી દેશોનું ચિંતિત થવું સ્વાભાવિક છે.