Get The App

શું વધી રહેલું તાપમાન સમુદ્રી વાવાઝોડાંને વધારે તોફાની બનાવે છે?

વાવાઝોડાનું વિજ્ઞાાન: 'વાયુ'ના સર્જન વખતે (૧૧મી જૂને) દરિયાઈ સપાટીનું તાપમાન સામાન્ય કરતાં ડીગ્રી વધારે હતું

Updated: Jun 16th, 2019

GS TEAM

Google News
Google News
શું વધી રહેલું તાપમાન સમુદ્રી વાવાઝોડાંને વધારે તોફાની બનાવે છે? 1 - image


જળ સપાટીનું વધી રહેલું તાપમાન વાવાઝોડાંને વેગ આપે છે! વાવાઝોડાંને નબળું પડતું અટકાવનારું બીજું પરિબળ વાયુ પ્રદૂષણ છે. આ બન્ને સ્થિતિ મનુષ્ય નિર્મિત જ છે!

દરિયાઈ ચક્રવાત-વાવાઝોડું વાયુ અત્યારે તો ગુજરાતના કાંઠાથી દૂર છે અને વધારે દૂર જઈ રહ્યું છે. જો રસ્તો ન બદલે તો હવે એ ગુજરાતને ખાસ નુકસાન કરે એવું લાગતું નથી. કાંઠે પવન ફૂંકાયો, હજારો લોકોને સ્થળાંતરીત કરાયા, અનેક પ્રકારની સાવધાનીઓ વર્તી, વૃક્ષો હલબલી ઉઠયા, જનજીવન થોડી વાર પૂરતુ થંભી ગયું અને હવે ફરીથી સ્થિતિ થાળે પડી રહી છે. ગુજરાતના કાંઠે આવી રહેલા વાવાઝોડાંએ દૂરથી જ રામરામ કરીને પોતાનો રસ્તો બદલી નાખ્યો એટલે આપણે હવે નિશ્ચિંત બની ગયા છીએ.

પરંતુ સ્થિતિ આજની ઘાત આવતી કાલ માથે ગઈ જેવી છે. આજે વાવાઝોડું ન આવ્યું અને ભવિષ્યમાં પણ ક્યારેય ન આવે એવું સૌ કોઈ ઈચ્છે છે. પરંતુ આપણી ઈચ્છા મૂજબ જ પ્રકૃત્તિ ચાલે એવુ જરૂરી નથી. વળી સીધે રસ્તે ચાલી રહેલી પ્રકૃત્તિને આપણે જ એટલે કે સમગ્ર ધરતીવાસીઓએ આક્રમક સ્વરૂપ ધારણ કરવા મજબૂર કરી છે. તેનો લેટેસ્ટ પૂરાવો વાયુ વાવાઝોડામાં મળ્યો છે.

અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા નાસાના ઉપગ્રહો સતત પૃથ્વી પરની હલચલ પર નજર રાખે છે. એવી જ બીજી સંસ્થા અમેરિકાની 'નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફિઅરિક એડમિનિસ્ટ્રેશન (એનઓએએ-નોઆ)' છે. નોઆનું કામ દરિયાઈ સપાટી પર વૉચ રાખવાનું છે. વાયુ પછી તુરંત દરિયાઈ સપાટીના વાતાવરણનો તાગ મેળવીને નોઆએ રજૂ કર્યો. હવામાન વિજ્ઞાાનીઓએ એ તત્કાળ તૈયાર કરેલા ટૂંકા રિપોર્ટમાં કેટલાક તારણ રજૂ કર્યાં છે. એમાં એક તારણ એવું છે કે વધતું તાપમાન વાવાઝોડાંને વધારે શક્તિશાળી બનાવે છે.

તાપમાન વધે એટલે વાવાઝોડાં આવે એવુ કહીએ તો એ વાત ઘડ-માથા વગરની લાગે. કેમ કે તાપમાન વધે એનાથી થોડું વાવાઝોડું પેદા થઈ શકે? બીજી વાત વાવાઝોડું એ પ્રાકૃતિક ઘટના છે, મનુષ્ય નિર્મિત નથી. એટલે ઘણા વર્ષોથી વિજ્ઞાાનીઓ વધી રહેલી કુદરતી આફત અને પૃથ્વીનું વધી રહેલું તાપમાન બન્ને વચ્ચે તાળો મેળવવા પ્રયાસ કરતાં હતા.

સીધી વાત છે કે કુદરતી પ્રક્રિયા આપણા કોઈના હાથમાં નથી, એટલે આપણે વાવાઝોડું પેદા ન કરી શકીએ, નદીમાં પૂર ન લાવી શકીએ, પવન ફૂંકી ન શકીએ, કે પછી ભૂકંપ પેદા ન કરી શકીએ. પરંતુ વિજ્ઞાાનીઓનું કહેવું છે કે આ બધી કુદરતી આપદા તો પહેલાય આવતી હતી.

હવે આપણી ન કરવા જેવી પ્રવૃત્તિઓને કારણે આ બધી આપદાઓને વધારે બળ મળે છે. વાયુની વાત કરીએ તો વાયુને વધારે શક્તિશાળી બનાવાનું કામ દરિયાઈ સપાટીના ઊંચા તાપમાને કર્યું હતુ. બાકી વાવાઝોડું ઉદ્ભવીને, દરિયાઈ સપાટી પર આમ-તેમ ફરીને ફરી જળમાં સમાઈ ગયું હોત. પરંતુ જેમ સપાટીનું તાપમાન વધારે હોય એમ વાવાઝોડા વધારે આક્રમક બની રહ્યા છે. એટલે કે જો તાપમાન કાબુમાં રહ્યું હોત તો વાયુ અત્યારે છે એવુ પ્રચંડ વાવાઝોડું બન્યું ન હોત. 

દરિયામાં રોજેરોજ નાના-મોટા અનેક વાવાઝોડાં પ્રગટ થતાં હોય છે અને તેનું આયુષ્ય પુરું થાય એટલે વિખેરાઈ જતાં હોય છે. પરંતુ આપણે ધરતી પર ચોમેર વૃક્ષો કાપી નાખ્યા છે, નદી સુકવી નાખી છે, હવા પ્રદૂષિત કરી નાખી છે. તેનાથી તાપમાન વધી રહ્યું છે. હજુ ગયા મંગળવાર સુધી તો ૪૫ ડીગ્રીમાં શેકાયા જ છીએ ને! તાપમાન વધ્યું એ દીવા જેવી સ્પષ્ટ વાત છે. એ તાપમાન વધારાની અસર વાવાઝોડાંને થાય ખરી? અત્યાર સુધી સંશોધકો અવઢવમાં હતા, પરંતુ વાયુની ઉટલ-તપાસ કરતાં જવાબ મળ્યો છે કે વધારે તાપમાન વાવાઝોડાને વધારે શક્તિશાળી બનાવે છે.

આ વાવાઝોડું બેશક ઘાતક હતું, હજુ પણ છે જ. એટલે આપણે જેને વાયુ તરીકે ઓળખીએ છીએ તેનું હવામાન વિભાગે આપેલું નામ તો 'ધ વેરી સિવિઅર સાયક્લોનિક સ્ટોર્મ (વીએવાયયુ)' છે. ઘાતકતાના વિવિધ કારણ પૈકી એક કારણ એ દિવસોની ગરમી હતી. આખો દેશ ૪૦-૪૫ ડીગ્રીમાં તપતો હતો ત્યારે જ આ વાવાઝોડું પેદા થયું હતું.

દસમી તારીખે હવામાન વિભાગે પહેલી વખત કેરળના કાંઠાથી દૂર રચાઈ રહેલા વાવાઝોડાની વાત જાહેર કરી અને પછી ધીમેે ધીમે આગળ વધતું ગયું. ઉત્તર તરફ આગેકૂચ કરી રહેલું વાવાઝોડું ૧૧મી તારીખે મહારાષ્ટ્રના કાંઠે હતું. એ વખતે એ સમગ્ર દરિયાઈ વિસ્તારનું તાપમાન ૧ ડીગ્રીથી ૩ ડીગ્રી વધારે હતું. 

નોઆના મતે વાયુને વેગ આપવાનું, પાનો ચડાવાનું કામ બે પરિબળોએ કર્યું. એક તો એ તારીખોમાં દરિયાઈ સપાટીનું તાપમાન વધારે હતું. ૧ ડીગ્રી તાપમાન આપણને કદાચ સામાન્ય લાગે, પરંતુ એટલું તાપમાન ઉથલપાથલ કરવા માટે પૂરતું છે. ગરમ વાતાવરણમાં ભેજ વધારે વાર સચવાઈ રહે. એ ભેજ વાવાઝોડાને વધારે મોટું બનાવે અને જ્યારે કાંઠો આવે ત્યારે ત્યાં પ્રચંડ વેગ સાથે ત્રાટકવા ઉપરાંત મોટે પાયે વરસાદ પણ ખાબકે. સૌરાષ્ટ્રને કાંઠે પડેલો વરસાદ એ વાતની સાક્ષી પૂરે છે. વધારે તાપમાનને કારણે વાવાઝોડાંના પવનની ઝડપમાં પણ ૨થી લઈને ૧૧ ટકા સુધીનો વધારો નોંધાયો છે. 

વાવાઝોડાને ટકી રહેવામાં મદદ કરનારા બીજા પરિબળનું નામ હવા પ્રદૂષણ છે. હવા કુદરતી રચના છે અને પ્રદૂષણ આપણે હવાને આપેલી ભેટ છે! હવા પ્રદૂષિત થાય એટલે વાવાઝોડાને રોકવાની તેની ક્ષમતા ઓછી થઈ જાય. જે રીતે શરીર પ્રદૂષિત થતું જાય અને રોગપ્રતિકારક શક્તિ ઘટતી જાય, એવી જ સ્થિતિ કુદરતમાં પણ સર્જાય છે.

કુદરતી રીતે પેદા થતાં વાવાઝોડાંનું સામાન્ય રીતે કુદરતી રીતે જ શમન થઈ શકે. એ શમન કરવાનું કામ શક્તિશાળી દરિયાઈ પવનો કરે. રચાઈ રહેલા વાવાઝોડાનો ભેટો પવનો સાથે થાય તો એ ઘણી વખત વિખરાઈ જાય. પણ શક્તિશાળી પવનોને નબળા પાડવાનું કામ હવામાં રહેલું પ્રદૂષણ કરે છે. 

વાવાઝોડાં તો વર્ષોથી આવે છે, ત્યારે ક્યાં તાપમાન વધારે હતું? એવો સવાલ થઈ શકે તો એનો જવાબ એ છે કે તાપમાન આજકાલનું નહીં છેલ્લા સો-દોઢસો વર્ષથી જરા જરા કરીને વધી રહ્યું છે. પણ હવે સહનશક્તિની બધી લિમિટ પૂરી થઈ ગઈ છે. આપણો દરિયાકાંઠો એવો છે કે અહીં નિયમિત રીતે સાઈકલોન ઉદ્ભવતા નથી, જે રીતે અમેરિકાના કાંઠે દર વર્ષે સપ્ટેમ્બરમાં હાહાકાર મચાવતા હોય છે. અમેરિકામાં તો દર વર્ષે વાવાઝોડાંની સિઝન જ આવે છે. એટલે તેની વિગત અને અભ્યાસ વધારે ઉંડાણપૂર્વક રાખી શકાય છે. ગુજરાતના કાંઠે છેલ્લે નોંધપાત્ર વાવાઝોડું ૧૯૯૮માં ત્રાટક્યું હતું. એટલે અરબ સાગરના વાવાઝોડાંનો સરખામણીસાથેનો અભ્યાસ કરવો મુશ્કેલ છે.

પણ અમેરિકાના કાંઠે ત્રાટકતા એટલાન્ટિક ટ્રોપિકલ સ્ટોર્મનો અભ્યાસ થયો છે. એ પ્રમાણે ૧૯૮૨થી ૨૦૦૯ વચ્ચે ઉદ્ભવેલા એટલાન્ટિક હેરિકેન (સાયકલોનનું અમેરિકી નામ) વધારે શક્તિશાળી હતા. અગાઉ ૨-૩ કેટેગરી (ઓછા નુકસાનકારક) વાવાઝોડાં વધારે આવતા હતા. આ ગાળામાં ૪-૫ કેટેગરી (વધારે નુકસાનકારક) વાવાઝોડાં વધારે આવ્યા હતા. ૧૯૬૦થી ૧૯૮૦ સુધીના વાવાઝોડાં કરતા ૧૯૮૦ પછીના વાવાઝોડાં વધારે નુકસનકર્તાં જોવા મળ્યા છે. 

એવી રીતે એટલાન્ટિકમાં ઉદ્ભવતા તોફાનમાંથી દરેક તોફાન કાંઠે ચક્રવાત સ્વરૂપે ત્રાટકે તેની સંખ્યા પણ વધી રહી છે. જેમ કે ૧૯૬૬થી ૨૦૦૯ વચ્ચે દર વર્ષે સરેરાશ ૧૧ દરિયાઈ તોફાન પેદા થતાં હતા અને તેમાંથી સરેરાશ ૬ કાંઠે ત્રાટકતા હતા. હવેના વર્ષોમાં વાર્ષિક સ્ટોર્મની સંખ્યા ૧૧થી વધીને ૧૬ થઈ છે, કાંઠા સુધી પહોંચીને દબંગાઈ કરનારા વાવાઝોડાંની સંખ્યા ૬માંથી ૮ થઈ છે! ૧૯૫૦ પહેલા તો દરિયાઈ  તોફાનની વાર્ષિક સરેરાશ સંખ્યા ૯ કરતાં પણ ઓછી હતી. અમેરિકાના ઈતિહાસનાં કેટલાક ઘાતક વાવાઝોડાં માઈકલ (૨૦૧૮), કેટરીના (૨૦૦૫), મારીયા (૨૦૧૭).. વગેરે છેલ્લા વર્ષોમાં જોવા મળ્યાં છે. સીધો હિસાબ છે કે વાવાઝોડાં વધતા તાપમાન સાથે પાવરફૂલ બની રહ્યાં છે. 

અરબ સાગરની સ્થિતિ એવી જ છે. ૧૯૭૯થી ૧૯૯૧ વચ્ચે જેટલા વાવાઝોડાં અરબ સાગરમાં જોવા મળ્યાં હતા તેના કરતા વધારે વાવાઝોડા ૧૯૯૨થી ૨૦૦૮ વચ્ચે નોંધાયા છે. એટલું જ નહી હવેના અરબ સાગરના વાવાઝોડા અગાઉ કરતાં ૪૬ ટકા વધારે આક્રમક નોંધાયા છે. બેશક અમેરિકામાં કે ભારતના કાંઠે કે દુનિયામાં બીજે ક્યાંય ટકરાતા વાવાઝોડાં માનવ નિર્મિત નથી. એ છેવટે તો કુદરતની કરામત છે. પરંતુ હવે કુદરત પણ પોતાની કરામતને પાછી ન વાળી શકે એટલી હદે પ્રકૃતિનું નુકસાન મૃત્યુલોકવાસીઓએ કરી નાખ્યું છે. એટલે પછી ઉત્તરાખંડમાં કે કેરળમાં પૂર આવે, આખુ ભારત આકરી ગરમીમાં શેકાય, દરિયામાંથી ડાલામથ્થા ચક્રવાત આવે.. એ બધાની તૈયારી રાખવી રહી. 

Tags :