Get The App

નબળી પડી રહેલી અર્થવ્યવસ્થા પર અસહ્ય મોંઘવારીનો માર

- નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસે જાહેર કરેલા આંકડા અનુસાર રિટેલ મોંઘવારી વધીને છેલ્લા છ વર્ષની ટોચે

Updated: Jan 16th, 2020

GS TEAM

Google News
Google News
નબળી પડી રહેલી અર્થવ્યવસ્થા પર અસહ્ય મોંઘવારીનો માર 1 - image


એક તરફ અર્થવ્યવસ્થામાં મંદી ચાલી રહી છે અને રોજગાર ઘટી રહ્યાં છે તેમજ રોકાણ ઘટી રહ્યું છે જેના કારણે માંગમાં ઘટાડો થઇ રહ્યો છે જેથી ચીજવસ્તુઓના ભાવ ઘટવા જોઇએ પરંતુ ઉલટું શાકભાજી અને દૂધ,અનાજના ભાવો વધી રહ્યાં છે

સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે રિટેલ મોંઘવારી ડિસેમ્બરમાં તેજીથી વધીને ૭.૩૫ ટકાના સ્તરે પહોંચી ગઇ છે. ખાદ્ય પદાર્થોના અસહ્ય ભાવવધારાએ પહેલેથી મંદીનો માર ઝીલી રહેલી અર્થવ્યવસ્થા માટે ઓર કપરી સ્થિતિ ઊભી કરી છે. રિઝર્વ બેંક મોનેટરી પોલિસીમાં મોંઘવારીને ચાર ટકાથી બે ટકા ઉપર અથવા નીચે રાખવાનું લક્ષ્ય રાખે છે. જે જોતાં રિટેલ મોંઘવારી રિઝર્વ બેંકના અનુમાન કરતા પણ ઘણી વધી ગઇ છે. મોંઘવારીના આ દરની અસર આગામી બજેટમાં પણ જણાઇ શકે છે. 

રિટેલ મોંઘવારી જે ઝડપથી વધી રહી છે એના કારણે સામાન્ય લોકોનું જનજીવન દોહ્યલું બની રહ્યું છે. થોડા સમય પહેલા જ રાંધણગેસ અને દૂધના ભાવ વધ્યા હતાં. ડુંગળીના ભાવ તો છેલ્લા ઘણાં મહિનાથી વધેલા છે. એવામાં સામાન્ય માનવી કેવી રીતે જીવન ગુજારી રહ્યો છે એ સૌ કોઇ જાણે છે.

હવે સ્ટેટેસ્ટિક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલા રિટેલ મોંઘવારીના આંકડા એટલા માટે પણ ચોંકાવનારા છે કે છેલ્લા છ વર્ષમાં રિટેલ મોંઘવારી સૌથી ઊંચા સ્તરે પહોંચી ગઇ છે. એનએસઓ તરફથી જાહેર થયેલા આંકડા દ્વારા સામે આવ્યું છે કે એક દાયકા પહેલાં જે કારણોને લઇને મોંઘવારી વધતી હતી એ જ કારણો આજે પણ મોંઘવારી વધારી રહ્યાં છે. 

નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસના આંકડા અનુસાર રિટેલ મોંઘવારીનો દર ૭.૩૫ ટકાએ પહોંચવા માટે મુખ્યત્ત્વે શાકભાજીના ભાવ જવાબદાર છે જેમાં મોંઘવારીનો દર ૬૦.૫૦ ટકા રહ્યો છે. નવેમ્બરમાં રિટેલ મોંઘવારીનો દર ૫.૫૪ ટકા હતો જ્યારે ગયા વર્ષે એટલે કે ડિસેમ્બર ૨૦૧૮માં માત્ર ૨.૧૧ ટકા હતો. અર્થશાસ્ત્રીઓના મતે સરકારે આ સમસ્યાનું બજેટમાં ધ્યાન રાખવું પડશે જેથી કરીને મોંઘવારી કાબુમાં આવી શકે. રિટેલ બાદ હોલસેલ મોંઘવારી પણ વધી છે.

હકીકત એ છે કે લોકોના ખિસ્સા ખાલી થઇ રહ્યાં છે અને સરકાર આરામથી બેઠી છે. આંકડા દર્શાવી રહ્યાં છે કે એક મહિનામાં અનાજથી લઇને શાકભાજીના ભાવ આભને આંબી ગયાં. મોંઘવારીનો ગ્રાફ આટલી ઝડપથી વધી જશે એની કોઇને કલ્પના પણ નહોતી. અનાજ અને શાકભાજીના ભાવ તો વધ્યા જ છે સાથે સાથે માંસ-મચ્છી, ઇંડા તેમજ અન્ય ખાદ્ય પદાર્થોના ભાવ પણ વધ્યાં છે.

જો ભાવ વધવાનું આવું વલણ રહ્યું તો સરકારનું મોંઘવારીને કાબુમાં રાખવાનું મેનેજમેન્ટ કેવી રીતે કામ કરશે? સવાલ એ પણ છે કે રિઝર્વ બેંક પણ શા માટે રિટેલ મોંઘવારી વધવાનું અનુમાન ન કરી શકી? આમ તો મોંઘવારી વધવાના મોટા કારણમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે આંગળી ચીંધવામાં આવે છે અને એવું થાય છે પણ ખરું. પરંતુ આ વખતે તો પેટ્રોલ-ડીઝલના ભાવ પણ એટલા નથી વધ્યાં અને ખાનપાનની ચીજો મોંઘી થઇ ગઇ. ખરું જોતાં મોંઘવારી વધવી અને એ કાબુ ન કરી શકવી એ સરકારની નિષ્ફળતા કહી શકાય.

હાલ કેન્દ્ર સરકાર સામે બે મુખ્ય પડકારો છે, પહેલો તો વધી રહેલા ભાવોને કાબુમાં લેવા અને બીજો આર્થિક વિકાસ દરમાં વધારો કરવો. આર્થિક જાણકારોના મતે સરકાર માટે આ બંને મોરચે અઘરી કામગીરી રહેલી છે જેને પહોંચી વળવું સરળ નહીં હોય. એ પણ હકીકત છે કે સરકારે મોંઘવારી અને આર્થિક સુસ્તીને ગંભીરતાથી લીધાં જ નહીં. જેના પરિણામે મોંઘવારી આજે એટલી વધી ગઇ છે કે જે ગામડાઓમાં અનાજ અને શાકભાજી ઉગે છે એ જ ગામડાઓના ખેડૂતોને ખાદ્ય ચીજવસ્તુઓ રિટેલ ભાવે ખરીદવાનો વારો આવ્યો છે. 

શહેરોમાં વસતા લોકોને જ ૭૦ રૂપિયે કિલો શાકભાજી ખરીદવા કઠિન છે તો ગામડાઓમાં વસતા લોકો તો આ કિંમત ક્યાંથી સહી શકે? બીજી બાજુ ઇરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવના કારણે ક્રૂડ ઓઇલના ભાવ વધી શકે છે જે મોંઘવારીને ઓર વકરાવશે.

એવામાં આર્થિક વિકાસને આગળ વધારવા માટે કેન્દ્રીય બજેટમાં યોગ્ય પગલાં લેવા માટે નીતિનિર્ધારકો માટે દબાણ સર્જાયું છે. આમ તો મોંઘવારી અને બજેટ વચ્ચે સીધો સંબંધ નથી કારણ કે બજેટમાં વાર્ષિક હિસાબકિતાબ થતો હોય છે. એવામાં રિઝર્વ બેંક પર મોંઘવારીને કાબુમાં લાવવાના ઉપાયો પ્રયોજવાનો દારોમદાર છે. એ સાથે જ નાણામંત્રીની જવાબદારી એ રહેશે કે તેઓ બજેટમાં વિકાસ અને આવક વધવાની સંભાવના વધારે હોય એવા ક્ષેત્રો એટલે કે નિર્માણ, મેન્યુફેક્ચરિંગ અને રિયલ એસ્ટેટ વગેરેમાં ફંડિંગ વધારે. 

મંદીનો માર ઝીલી રહેલી અર્થવ્યવસ્થા માટે રિટેલ મોંઘવારીમાં અસહ્ય વધારો બીજી અનેક સમસ્યાઓ પેદા કરી શકે છે. કૂદકે ને ભૂસકે વધી રહેલી મોંઘવારીના કારણે રિઝર્વ બેંકના હાથ બંધાયેલા રહી શકે છે. ખાસ કરીને મોંઘવારી આસમાને હોય ત્યારે વ્યાજદરોમાં કપાત કરીને વાસ્તવિક વ્યાજદરોને નેગેટિવ કરવાનું જોખમ કોઇ કેન્દ્રીય બેંક ઉઠાવી ન શકે. હાલની પરિસ્થિતિને લઇને અર્થશાસ્ત્રના જાણકારો પણ બે ભાગમાં વહેંચાઇ ગયા છે. એક વર્ગનું માનવું છે કે આ અસ્થાયી સ્થિતિ છે અને જાન્યુઆરીમાં ફુગાવો તેજીથી ઘટી શકે છે. 

પરંતુ બીજા અનેક અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ભારતની અર્થવ્યવસ્થા અત્યારે સ્ટેગ્ફ્લેશનના તબક્કામાં જઇ રહી છે. સ્ટેગ્ફ્લેશન સ્ટેગ્નેશન અને ઇન્ફ્લેશન શબ્દોમાંથી બન્યો છે. જ્યારે વિકાસ દર ધીમો પડવા લાગે છે, માંગમાં ઘટાડો થાય છે, બેરોજગારી વધે છે તો એને સમાંતર મોંઘવારી ઘટવાના બદલે વધવા લાગે છે. આ સ્થિતિને સ્ટેગ્ફ્લેશન કહે છે.

અર્થશાસ્ત્રીઓના મતે આ પરિસ્થિતિનું નિર્માણ છેલ્લા થોડા વર્ષોથી થઇ રહ્યું છે. લોકોના ખર્ચમાં ઘટાડો થયો છે કારણ કે અનેક સેકટરોમાં નોકરીમાં છટણી થઇ છે અને અનેક કંપનીઓએ પોતાનું રોકાણ ઘટાડી દીધું છે. માંગમાં ઘટાડો થવાના કારણે ચીજવસ્તુઓના ભાવ ઘટવા જોઇએ પરંતુ ઉલટું દૂધ, તેલ અને શાકભાજીના ભાવ વધી રહ્યાં છે.

રિઝર્વ બેંકે ગયા વર્ષે પાંચ વખત વ્યાજ દરોમાં કપાત કર્યા અને બજારમાં હજારો કરોડ રૂપિયાના ઠાલવ્યા તેમ છતાં સુધારો ન થયો કારણ કે બેંકો લોનો ડૂબવાના કારણે દબાણમાં છે. કોર્પોરેટ સેક્ટરને ટેક્સ કપાતનો લાભ મળ્યો છે પરંતુ તે રોકાણ માટે આગળ આવતું નથી. વેપારમાં તેજી લાવવા માટે વ્યાજ ઓર ઘટાડવામાં આવે તો બજારમાં નાણા વધવાના કારણે મોંઘવારી ઓર વધી શકે છે. એ રીતે અર્થતંત્ર એવા દુષ્ચક્રમાં ફસાઇ શકે છે કે જેમાંથી બહાર આવવું કઠિન બને. 

અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે રિટેલ મોંઘવારીના આંકડામાં તેજીથી થઇ રહેલા વધારાની સીધી અસર ૬ ફેબુ્રઆરીએ રિઝર્વ બેંકની મોનેટરી પોલિસીની અંતિમ સમીક્ષામાં જણાઇ શકે છે. અગાઉ ડિસેમ્બરમાં મોનેટરી પોલિસી સમીક્ષા સમિતિએ મોંઘવારી વધવાની આશંકાએ વ્યાજના દરોમાં કોઇ ફેરફાર કર્યો નહોતો. રિઝર્વ બેંક સમક્ષ વિકાસ દર અને વ્યાજ દરો વચ્ચે સંતુલન સાધવું અત્યંત કઠિન કામગીરી મનાય છે. અર્થવ્યવસ્થા નબળી પડે તો તેની અસર દરેક ક્ષેત્રમાં જણાવા લાગે છે.

કૃષિ અને ઉદ્યોગો પહેલેથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યાં છે.  વળી રોજગારના ક્ષેત્રે પણ ખરાબ સમાચાર આવી રહ્યાં છે. દેશમાં રોજગારીની તકો ઘટી રહી છે જેના કારણે વર્ષ ૨૦૧૭-૧૮માં બેરોજગારી દર છેલ્લા ૪૫ વર્ષની ટોચે પહોંચી ગયો હતો. તાજેતરમાં જ એસબીઆઇના રિસર્ચ રિપોર્ટ ઇકોરેપ અનુસાર ગત નાણાકીય વર્ષની સરખામણીમાં વર્તમાન નાણાકીય વર્ષમાં ૧૬ લાખ ઓછી નોકરીઓ ઊભી થવાનું અનુમાન છે. આ આંકડામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની નોકરીઓ અને ખાનગી નોકરીઓનો આંકડો સામેલ નથી. 

વધી રહેલી મોંઘવારી અને અર્થવ્યવસ્થાની મંદીના કારણે વિપક્ષને સરકાર પર હુમલા કરવાની નવી તક મળી ગઇ છે. આમ પણ વિપક્ષો પહેલેથી સરકાર પર અર્થવ્યવસ્થાને સંભાળી ન શકવાના આરોપ લગાવતા આવ્યાં છે. દેશની અર્થવ્યવસ્થાનો વિકાસ દર છેલ્લા છ વર્ષના તળિયે છે. 

આર્થિક મંદી અંગેના અહેવાલોને અગાઉ સરકારના મંત્રીઓ ખોટા પાડવામાં લાગ્યા હતાં પરંતુ હવે સરકારે સ્વીકાર્યું છે કે આર્થિક સુસ્તી છે. અર્થવ્યવસ્થામાં નાણા અટવાઇ પડયાં છે. ખપત વધી રહી નથી અને નવા રોકાણો આવતા નથી. અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં સરકારે હવે વિલંબ કર્યો તો એના પરિણામ સારા નહીં હોય.

Tags :