Get The App

ટ્રેડ વૉર ખતમ થવાની આશાએ વૈશ્વિક બજારોમાં ઉત્સાહનો સંચાર

અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારી કરારના પહેલા તબક્કા માટે સમજૂતિ સધાઇ

Updated: Dec 16th, 2019

GS TEAM

Google News
Google News
ટ્રેડ વૉર ખતમ થવાની આશાએ વૈશ્વિક બજારોમાં ઉત્સાહનો સંચાર 1 - image


આરંભે શૂરા એવા ટ્રમ્પે જોશમાં આવીને ટ્રેડ વૉર છેડયું તો ખરું પરંતુ એની માઠી અસરો અમેરિકાના અર્થતંત્ર પર જોવા મળી રહી છે ત્યારે રહી રહીને ટ્રમ્પને હવે સદ્બુદ્ધિ સૂઝી છે પરિણામે વેપારના મોરચે અમેરિકાએ પાછી પાની કરવાનો વારો આવ્યો છે

અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા ૧૮ મહિનાથી ચાલી રહેલું ટ્રેડ વૉર ખતમ થવાના આરે છે. બંને દેશો વચ્ચે વેપાર કરારના પહેલા તબક્કાના ડ્રાફ્ટ પર સહમતિ સધાઇ ગઇ છે. અમેરિકા અને ચીન વચ્ચેની વેપાર સમજૂતિના સમાચારને લઇને દુનિયાએ રાહતનો શ્વાસ લીધો છે. સમજૂતિ અમલમાં આવે એ પહેલા જ વૈશ્વિક શેરબજારોએ આ સમાચારને વધાવી લીધા અને અમેરિકા તેમજ ભારત સહિત એશિયાના શેરબજારોમાં પણ તેજી જોવા મળી. 

નવા કરાર મુજબ ચીનથી આયાત થતા ૧૨૦ અબજ ડોલરના માલસામાન પર અમેરિકા વર્તમાન ૧૫ ટકા ટેરિફને અડધું કરી દેશે. એ સાથે જ પ્રસ્તાવિત નવી ડયૂટીને લાગુ કરવાની પણ ટાળી દેવામાં આવી છે. અમેરિકાની આ નવી શરત અનુસાર આશરે ૨૫૦ અબજ ડોલરના ચીની માલસામાન જેમાં મુખ્યત્ત્વે મોબાઇલ અને લેપટોપ હતાં એના પર ૨૫ ટકાના હિસાબે ટેક્સ લગાડવાની જોગવાઇ હતી પરંતુ હાલ પૂરતું આ ડયૂટી ટળી ગઇ છે. બીજી બાજુ એગ્રીમેન્ટમાં ચીન માટે પ્રમાણમાં અઘરી કહી શકાય એવી શરતો છે. ચીને આવતા બે વર્ષની અંદર આશરે ૨૦૦ અબજ ડોલરના અમેરિકન ઉત્પાદનો અને સેવાઓ ખરીદવાના રહેશે. ઉપરાંત ચીને દર વર્ષે લગભગ ૪૦થી ૫૦ અબજ ડોલરના કૃષિ ઉત્પાદનો પણ અમેરિકા પાસેથી ખરીદવા પડશે.

આજના આધુનિક સમયમાં દુનિયાના દેશો ભલે પોતાની લશ્કરી તાકાત વધાર્યા કરે પરંતુ હકીકત એ છે કે જો દુનિયા પર આધિપત્ય જમાવવું હશે તો વેપારનું મેદાન સર કર્યા વગર ચાલે એમ નથી. એટલા માટે સરહદે સામસામી સેનાઓ દ્વારા વિવિધ હથિયારો વડે લડાતા યુદ્ધ જૂનવાણી બની ગયા છે અને આધુનિક જગતનું યુદ્ધનું મેદાન વેપાર બની ગયો છે.

આ યુદ્ધમાં જીતનો અર્થ છે પોતાની ચીજવસ્તુઓ અને સેવાઓ માટે પોતાને ફાયદાકારક શરતો સાથે વૈશ્વિક સ્તરે બજાર ઊભું કરવું અને ઉપલબ્ધ તમામ વિકલ્પોના સહારે આ બજાર બનાવી રાખવું. વિકલ્પોમાં જરૂર પડયે સૈન્ય તાકાત કે પરંપરાગત યુદ્ધ પણ અજમાવી શકાય.

છેલ્લા ઘણા સમયથી અમેરિકાના એકહથ્થુ અધિકારને ચીન લલકારી રહ્યું છે જેના કારણે બંને દેશો વચ્ચે આર્થિક ક્ષેત્રે સંઘર્ષની સ્થિતિ ઊભી થઇ છે. ચીનની વધી રહેલી આર્થિક તાકાતથી પોતાના બજારને બચાવવા માટે અમેરિકાએ સંરક્ષણવાદી નીતિઓ અપનાવી છે. બે આખલાની લડાઇમાં ઝાડનો ખો નીકળે એમ અમેરિકા અને ચીન વચ્ચેના આ ટ્રેડ વૉરના કારણે આખી દુનિયાના વેપારઉદ્યોગોને માઠી અસર થઇ છે. વર્તમાન સમયમાં વેપાર ઉદ્યોગ માટે દુનિયાભરના દેશો એકબીજા સાથે જોડાયેલા હોવાના કારણે અમેરિકાના આ સંરક્ષણવાદની અસરો બીજા દેશો ઉપર પણ થવી સ્વાભાવિક છે. વૈશ્વિક તાણાવાણાનો મહત્ત્વનો હિસ્સો બની ચૂકેલા ભારત ઉપર પણ તેની અસર પડી છે. 

ગયા વર્ષે માર્ચ મહિનામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિદેશોમાંથી અમેરિકા આવતા માલસામાન ઉપર ટેક્સ વધારવાનો નિર્ણય લીધો ત્યારે અમેરિકા તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે આને ટ્રેડ વૉર ન ગણવું જોઇએ કારણ કે માત્ર સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉપર જ ટેક્સ વધારવામાં આવ્યો છે.

પરંતુ વર્ષ જેમ જેમ આગળ વધતું ગયું તેમ તેમ ટ્રમ્પ પ્રશાસને અમેરિકા આયાત થતી અનેક ચીજવસ્તુઓ ઉપર ટેરિફ વધારી દીધું અને માત્ર ચીન જ નહીં પરંતુ અનેક દેશો સાથે અમેરિકાએ વેપારી સમજૂતિઓ બદલવાની કવાયત આદરી. ભૂતકાળ જોઇએ તો ૧૯૩૦માં પણ વૈશ્વિક મંદી દરમિયાન અમેરિકાએ આવા જ ટ્રેડ વૉરની શરૂઆત કરી હતી. એ વખતે તત્કાલિન રાષ્ટ્રપતિ હર્બટ હુવરે પણ ૨૦ હજારથી વધારે ચીજવસ્તુઓ ઉપર ટેક્સ વધારી દીધો હતો. પરિણામ એ આવ્યું કે વૈશ્વિક મંદી વધારે ઘેરી બની. 

ખરેખર તો એકવીસમી સદીના પહેલા દાયકામાં જ વ્યાપેલી મંદીનો બોધપાઠ લઇને મોટા ભાગના દેશોના નેતાઓ આંતરરાષ્ટ્રીય વેપારમાં સંરક્ષણવાદી નીતિઓ ટાળતા હતાં. એનું કારણ એ કે દુનિયાભરના દેશોના અર્થતંત્રોએ ૧૯૩૦ના દશકમાં થયેલા ટ્રેડ વૉરનો બોધપાઠ લીધો છે. કહેવાય છે કે આ વ્યાપાર યુદ્ધના કારણે જ ૧૯૨૯થી ૧૯૪૧ સુધી વ્યાપેલી વૈશ્વિક આર્થિક મંદીનો જન્મ થયો હતો. જોકે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી તેમણે અમેરિકા ફર્સ્ટની નીતિ અપનાવી જે સંરક્ષણવાદ તરફ દોરી જાય છે. ટ્રમ્પે અમેરિકાની આયાત ઉપર નવા ટેરિફ લાગુ કરતા કહ્યું હતું કે જો અમેરિકાને કોઇ બીજા દેશ સાથેના વ્યાપારમાં ખોટ  જઇ રહી છે તો ટ્રેડ વૉર શરૂ કરવામાં કશું ખોટું નથી.

ગયા વર્ષના માર્ચ મહિનામાં અમેરિકાએ અનેક દેશોના ઉત્પાદનોની આયાત ઉપર ટેરિફ વધારવાનું શરૂ કર્યું ત્યારે અમેરિકાના આ પગલાંનો દુનિયાભરમાં વિરોધ થયો. અમેરિકાએ છેડેલા આ ટ્રેડ વૉરમાં પાડોશી દેશ કેનેડાથી લઇને ચીન પણ સામેલ થયા. આ ટ્રેડ વૉરમાં અમેરિકાના દાયકા જૂના સહયોગી યુરોપિયન યુનિયન અને ભારત પણ નાછૂટકે સામેલ થવું પડયું. વ્યાપાર યુદ્ધની રણનીતિ અંતર્ગત અમેરિકાએ ત્યાં નિકાસ કરતા દેશો ઉપર ઇમ્પોર્ટ ડયૂટી વધારવાના પગલાં લીધાં. અમેરિકાના આ પગલાના જવાબમાં ભારત સહિતના દેશો પણ અમેરિકાથી આયાત થતી ચીજવસ્તુઓ ઉપર ટેક્સ વધારી દીધો.

ટ્રમ્પને એવું લાગતું હતું કે દુનિયાભરના દેશોએ સારી એવી પ્રગતિ કરી લીધી છે અને હવે આ દેશો અમેરિકાના હિતોને અસર કરી રહ્યાં છે. ચીન સાથેનું અમેરિકાનું વેપારી યુદ્ધ આનું ઉદાહરણ છે. ચીન સાથે અમેરિકાની વેપારી સંધિ એ સમયથી હતી જ્યારે ચીન આટલી મોટી આર્થિક મહાસત્તા બન્યું નહોતું.

હવે ચીન મોટી આર્થિક તાકાત બની ગયું છે અને એટલા માટે અમેરિકા ઇચ્છે છે કે જે રીતે અમેરિકાએ ચીન માટે પોતાના દરવાજા ખોલ્યાં છે એ જ રીતે ચીન પણ અમેરિકી કંપનીઓ માટે દરવાજા ખોલી નાખે. પરંતુ ચીન એ માટે તૈયાર ન થયું અને પરિણામે ચીનનું નાક દબાવવા માટે જ અમેરિકાએ ચીની ઉત્પાદનો ઉપર જંગી ટેક્સ લાદ્યાં. પરંતુ ચીને અમેરિકાની શરણમાં આવવાના બદલે ઉલટું અમેરિકી ઉત્પાદનો ઉપર પણ એવા જ ટેક્સ લગાવી દીધાં. 

હવે ટ્રમ્પે આરંભેલું ટ્રેડ વૉર અમેરિકાને જ ભારે પડી રહ્યું છે. ઇન્ટરનેશનલ મોનિટર ફંડના અનુમાન પ્રમાણે આયાત ટેક્સને હથિયાર બનાવીને લડવામાં આવેલા આ ટ્રેડ વૉરમાં અમેરિકાના વિકાસમાં ૦.૬ ટકા અને ચીનના ગ્રોથમાં બે ટકાનો ઘટાડો થયો છે. ટ્રેડ વૉરના કારણે ચીને અમેરિકા પાસેથી કૃષિ ઉત્પાદનો ખરીદવાનું બંધ કરી દીધું છે.

અમેરિકાના વાણિજ્ય ખાતાના આંકડા અનુસાર છેલ્લા એક વર્ષમાં અમેરિકાના કૃષિ ઉત્પાદનોની નિકાસ ૨૫ અબજ ડોલરથી ઘટીને ૭ અબજ ડોલર થઇ ગઇ છે. એટલું જ નહીં, ચીની માલસામાનની આયાત પર અમેરિકાની કંપનીઓ પોતાની સરકારને મહિને પાંચ અબજ ડોલરનું ટેરિફ ચૂકવી રહી છે. હવે આયાત કરમાં પચાસ ટકાનો ઘટાડો થતા અમેરિકન કંપનીઓને દર મહિને અઢી અબજ ડોલરની બચત થશે. 

આમ તો ગત ઓક્ટોબરથી જ અમેરિકા અને ચીન વચ્ચે વેપારી સમજૂતિ અંગે વાતચીત થઇ રહી હતી પરંતુ ટ્મ્પના વિરોધાભાસી નિવેદનોના કારણે એમાં અડચણ આવી જતી હતી. હવે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ટ્રમ્પને રહી રહીને સદ્બુદ્ધિ સૂઝી છે અને તેઓ પરિસ્થિતિની ગંભીરતા સમજ્યા છે. બીજું એ કે હાલ ટ્રમ્પ સામે તેમના જ દેશમાં મહાભિયોગની પ્રક્રિયા ચાલવાની શક્યતા છે જેના કારણે પણ તેઓ ઢીલા પડયા હોવાનું મનાય છે. 

છેલ્લા થોડા સમયથી ભારતસહિત વિશ્વભરની અર્થવ્યવસ્થાઓમાં જે સ્લોડાઉનના લક્ષણ જણાઇ રહ્યાં છે એનું મોટું કારણ અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વૉરને ગણવામાં આવે છે. આમ માત્ર અમેરિકા જ નહીં, દુનિયા આખીમાં મંદી માટે ટ્રમ્પને લોકો જવાબદાર માની રહ્યાં છે. હવે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર સમાપ્ત થવું ભારત માટે પણ સકારાત્મક નીવડશે. આર્થિક અનિશ્ચિતતા દૂર થતા રોકાણકારો નવું સાહસ કરવા પ્રેરાશે. 

જોકે ઘણાં નિષ્ણાંતોનું માનવું છે કે અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડ વૉર સંપૂર્ણ ખતમ થશે ત્યારે જ વૈશ્વિક અર્થવ્યવસ્થા જોર પકડશે.

Tags :