મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના વચ્ચે મડાગાંઠ સર્જાઇ
- શિવસેનાએ સરકાર રચવા 50-50 ફોર્મ્યૂલા અમલમાં મૂકવાની જિદ પકડી
- હરિયાણામાં તો ભાજપે દુષ્યંત ચૌટાલાને નાયબ મુખ્યમંત્રીપદ આપીને મનાવી લીધાં છે પરંતુ મહારાષ્ટ્રમાં શિવસેના ફિફ્ટી-ફિફ્ટીના ધોરણે અઢી-અઢી વર્ષ માટે ભાજપ અને શિવસેનાના મુખ્યમંત્રીપદની માંગ કરી રહી છે
વિધાનસભાની ચૂંટણીઓમાં અપેક્ષા મુજબનો દેખાવ ન કરી શક્યા બાદ ભાજપને હરિયાણામાં તો દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટીના સમર્થનથી સરકાર રચવામાં સફળતા મળી છે પરંતુ મહારાષ્ટ્રમાં સહયોગી શિવસેનાએ ૫૦-૫૦ની ફોર્મ્યૂલા પર મક્કમ રહેવાનું વલણ ઘારણ કરતા ભાજપ માટે વિમાસણ સર્જાઇ છે. હરિયાણામાં તો જનનાયક જનતા પાર્ટીએ નાયબ મુખ્યમંત્રીની ખુરશી મેળવીને સંતોષ માની લીધો છે પરંતુ મહારાષ્ટ્રમાં શિવસેનાને અડધી ટર્મ માટે મુખ્યમંત્રીની ખુરશીથી ઓછું કંઇ ખપતું નથી.
મુંબઇ ખાતે શિવસેનાના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક બાદ પાર્ટીએ ફરી વખત ફિફ્ટી-ફિફ્ટી ફોર્મ્યૂલાનો મુદ્દો ઉછાળ્યો છે. શિવસેનાની માંગ છે કે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના યુતિની સરકારના પહેલા અઢી વર્ષ દરમિયાન ભાજપના મુખ્યમંત્રી રહે અને પછીના અઢી વર્ષ માટે શિવસેનાના મુખ્યમંત્રી નિમાય. આ માટે શિવસેનાએ ભાજપ પાસે લેખિત આશ્વાસન મેળવવાની માંગ પણ કરી છે. શિવસેનાનું કહેવું છે કે શિવસૈનિકો તેમની પાર્ટીના મુખ્યમંત્રીને જોવા ઇચ્છે છે. ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ આવી જ વાત કરી હતી. શિવસેનાના નેતાઓ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી તરીકે નીમવા ધારે છે.
આમ પણ ચૂંટણીના પરિણામો આવ્યા બાદ અનેક ઠેકાણે આદિત્ય ઠાકરેને ભાવિ મુખ્યમંત્રી તરીકે દર્શાવતા પોસ્ટરો લાગ્યાં હતાં. મહારાષ્ટ્રની આ વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ચર્ચિત ચહેરો આદિત્ય ઠાકરેનો જ રહ્યો છે. આદિત્ય ઠાકરેએ ચૂંટણી લડીને ઠાકરે પરિવારની ચૂંટણી ન લડવાની પરંપરા બદલી નાખી છે.
શિવસેનાના ૫૩ વર્ષના ઇતિહાસમાં પાર્ટીના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરે કદી ચૂંટણી નહોતા લડયાં કે નથી તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરે કદી ચૂંટણી લડયાં. પરંતુ પારિવારિક રાજનીતિને આગળ ધપાવવાની તક મળી ત્યારે તેમણે સીધું ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું. એમાંયે વર્લી બેઠક પરથી વિજય મેળવ્યા બાદ શિવસૈનિકોમાં તેમને મુખ્યમંત્રી અથવા તો નાયબ મુખ્યમંત્રી તરીકે જોવાની ઇચ્છા પ્રબળ બની છે.
ખાસ તો મહારાષ્ટ્રમાં આ વખતે ભાજપને મળેલી બેઠકોમાં ઘટાડો થયો છે. ભાજપને ગઇ વખતની ૧૨૨ બેઠકોની સામે આ વખતે ૧૦૫ બેઠકો મળી છે. એમ તો શિવસેનાને પણ ગઇ વખતની ૬૩ બેઠકોની સરખામણીમાં આ વખતે ૫૬ બેઠકો મળી છે. પરંતુ ભાજપને ઓછી બેઠકો મળતા શિવસેનાને તેનું નાક દબાવવાની તક મળી ગઇ છે. બીજી બાજુ શરદ પવારની એનસીપીએ આ વખતે ધાર્યા કરતા સારું પ્રદર્શન કર્યું છે અને ગઇ વખતની ૪૧ બેઠકોની સામે આ વખતે ૫૪ બેઠકો મળી છે. તો સુકાની વિનાની નાવ વિના આમ તેમ ગોથા ખાતી કોંગ્રેસના ફાળે પણ ૪૪ બેઠકો ગઇ છે.
આમ તો ભાજપ તરફથી એવો દાવો થતો રહ્યો છે કે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીપદને લઇને કોઇ મતભેદ નથી. અગાઉ ચૂંટણીપ્રચાર વખતે એવી ચર્ચા હતી કે ભાજપ શિવસેનાને નાયબ મુખ્યમંત્રીપદ ઓફર કરી શકે છે. પરંતુ હકીકત એ છે કે શિવસેના મુખ્યમંત્રીની ખુરશીનો મોહ છોડી શકતી નથી. એમાંયે વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ તેની આ મહત્ત્વાકાંક્ષા ઘણી વધી ગઇ છે. બીજી બાજુ કોંગ્રેસ બિનભાજપ સરકાર બનાવવાની શક્યતાઓ પર વિચાર કરી રહી છે અને શિવસેનાના એનસીપી તરફના કૂણાં વલણને જોતાં એવા સંકેત મળી રહ્યાં છે કે ધાર્યું ન થવાની સ્થિતિમાં શિવસેના અલગ માર્ગ પકડી શકે છે.
કોંગ્રેસ અને એનસીપી શિવસેનાની ઇચ્છાઓને હવા આપી રહ્યાં છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે પરિણામો આવ્યાના તુરંત બાદ કહ્યું હતું કે અનેક રસપ્રદ સંભાવનાઓ ઊભી થઇ છે. તેમણે દાવો કર્યો હતો કે શિવસેના એનસીપી અને કોંગ્રેસ સાથે જોડાણ કરીને ભાજપના મનસૂબાઓ પર પાણી ફેરવી દેશે. દરમિયાન શિવસેના સાંસદ સંજય રાઉતની એક પોસ્ટે રાજકીય ગરમી વધારી દીધી.
૨૦૧૪ની સરખામણીમાં ભાજપની બેઠકો ઘટતા રાઉતે કટાક્ષ કરતા એક કાર્ટૂન પોસ્ટ કર્યું જેમાં એક વાઘ ઘડિયાળવાળું લોકેટ પહેરીને પંજામાં કમળનું ફૂલ સૂંઘી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે વાઘ શિવસેનાનું પ્રતિક છે તો ઘડિયાળ એનસીપીનું ચૂંટણી ચિહ્ન છે. આનો એવો અર્થ થઇ શકે કે શિવસેના જરૂર પડયે એનસીપીનો સાથ લઇ શકે છે.
ભાજપની ગણતરી હતી કે મહારાષ્ટ્રમાં પોતાના જોરે બહુમતિ જેટલી બેઠકો મેળવવી પરંતુ બહુમતિ માટેની બેઠકો મેળવવામાં તેનો પનો ટૂંકો પડયો અને શિવસેનાને ભાજપ ઉપર સવાર થવાની તક મળી ગઇ. ઉદ્ધવ ઠાકરેએ તો ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથેની ચૂંટણી અગાઉની મુલાકાતનો હવાલો આપીને દાવો કર્યો કે તેમણે ગઠબંધન માટે ફિફ્ટી-ફિફ્ટી ફોર્મ્યૂલા પર સહમતિ દર્શાવી હતી.
શિવસેનાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે આ પરિણામ સત્તાના ઘમંડમાં ચૂર લોકો માટે સબક છે. એ સાથે જ શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસના દેખાવની પ્રશંસા કરતા કહ્યું કે પરિણામોએ સાબિત કર્યું છે કે રાજકારણમાં વિપક્ષોને ખતમ ન કરી શકાય. એ સાથે જ શિવસેનાએ એનસીપીના નેતાઓને તોડવાની ભાજપની નીતિની પણ ટીકા કરતા કહ્યું હતું કે વિપક્ષી દળોમાં ફૂટ પાડીને વિજય હાંસલ કરી શકાતો નથી.
મહારાષ્ટ્રમાં શિવસેના છેક છેલ્લી ઘડી સુધી બેઠકોની ફાળવણીને લઇને અસંતુષ્ટ હતી. જોકે લોકસભાની ચૂંટણીમાં અને એ પછી કેન્દ્રની મોદી સરકારે લીધેલાં નિર્ણયોના કારણે ભાજપનું પલડું મજબૂત જણાતું હતું જેના કારણે શિવસેનાએ કમને પણ ભાજપને ડ્રાઇવિંગ સીટ પર બિરાજમાન થવા દીધો. એટલે સુધી કે શિવસેના સિવાયના ગઠબંધનના અન્ય સાથીદારોને પણ ભાજપના નિશાન પર જ ચૂંટણી લડાવી. વર્ષ ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેના અલગ અલગ ચૂંટણી લડયાં હતાં અને પરિણામે બંને પક્ષોને સરવાળે તો નુકસાન જ થયું હતું.
વર્ષ ૨૦૧૪માં મહારાષ્ટ્રમાં વિધાનસભામાં પણ ચૂંટણી જીત્યા બાદ ભાજપ એકલે હાથે સરકાર રચી શકે એમ ન હોવાના કારણે શિવસેનાનો સાથ લેવાની જરૂર પડી હતી. અગાઉ લોકસભાની ચૂંટણી વખતે પણ શિવસેનાએ પહેલા તો એકલે હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી પરંતુ બાદમાં ભાજપના મનામણા બાદ તે ભાજપ સાથે આવી હતી.
જોકે ભાજપને જંગી બહુમતિ મળ્યા બાદ મોદી સરકારમાં મંત્રીપદ માટે પણ શિવસેનાએ સમાધાન કરવાનો વારો આવ્યો હતો. જોકે વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાને જોતાં શિવસેના પાસે સમાધાન કરવા સિવાય કોઇ માર્ગ નહોતો.
ખરેખર તો હાલની પરિસ્થિતિ જોતાં કહી શકાય કે સમયનું ચક્ર ફરે છે ત્યારે સઘળું બદલાઇ જાય છે. એક સમય હતો જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેના સિનિયર હતી અને ભાજપ જુનિયર હતો.
અગાઉ પણ બંને પક્ષો વચ્ચે ફિફ્ટી-ફિફ્ટીના ધોરણે સરકાર રચવાના પ્રયાસો થઇ ચૂક્યાં છે. વર્ષ ૧૯૯૯માં ભાજપે શિવસેના સમક્ષ ૫૦-૫૦ ફોર્મ્યૂલાની ઓફર મૂકી હતી. એ વખતે ભાજપ નેતા ગોપીનાથ મુંડેએ અઢી વર્ષ માટે ભાજપના મુખ્યમંત્રી અને અઢી વર્ષ માટે શિવસેનાના મુખ્યમંત્રીની ઓફર રજૂ કરી હતી પરંતુ શિવસેનાએ એ સ્વીકારી નહોતી પરિણામે ગઠબંધન સરકાર જ બની શકી નહોતી.
એ પહેલાં ૧૯૯૫માં શિવસેના અને ભાજપ વચ્ચે જે પક્ષને વધારે બેઠકો મળે એને મુખ્યમંત્રીપદ અને જે પાર્ટીને ઓછી બેઠકો મળે એને નાયબ મુખ્યમંત્રીપદ આપવાની વાત નક્કી થઇ હતી. આ વખતે પણ ભાજપ એ જ તર્જ પર શિવસેનાને નાયબ મુખ્યમંત્રીપદ ઓફર કરે એવી સંભાવના છે.
હરિયાણામાં બહુમતિ કરતા ઓછી બેઠકો મેળવવા છતાં ભાજપે દુષ્યંત ચૌટાલાને નાયબ મુખ્યમંત્રીપદ આપીને બાજી સાચવી લીધી છે પરંતુ મહારાષ્ટ્રમાં ગઠબંધનને બહુમતિ મળવા છતાં મડાગાંઠ સર્જાઇ છે. હાલ તો શિવસેનાએ ફિફ્ટી-ફિફ્ટી ફોર્મ્યૂલા વિના સરકારમાં ન જોડાવાની જિદ પકડી છે ત્યારે જોવું રહ્યું કે તે નાયબ મુખ્યમંત્રીપદ સ્વીકારીને માને છે કે પછી અઢી વર્ષ માટે મુખ્યમંત્રીની ખુરશી માંગીને જ જંપે છે? જોકે ભાજપ અને શિવસેના વચ્ચે વર્ષોથી આવો રિસામણાં-મનામણાંનો ખેલ ચાલતો આવ્યો છે એટલે અંતે તો ઘીના ઠામમાં ઘી ઢળી જ રહેશે એમાં બેમત નથી.