Get The App

શિયાળો શરૂ થયા પહેલા જ ગેસચેમ્બર બનવા લાગી દેશની રાજધાની

- દિલ્હી-એનસીઆરના વાતાવરણમાં હાનિકારક કણોનું પ્રમાણ વધતા હવા ઝેરી બનવા લાગી

Updated: Oct 16th, 2019

GS TEAM

Google News
Google News

- આ વર્ષનું ચોમાસું સામાન્ય કરતા સારું નીવડયું છે જેના પરિણામે દિલ્હીના પાડોશી રાજ્યોમાં બમ્પર પાક થયો છે અને હવે એ જ પાક લણ્યા પછી બાળવામાં આવતી પરાળી દિલ્હીવાસીઓ માટે ઝેરી હવાનું નિર્માણ કરી રહી છે

શિયાળો શરૂ થયા પહેલા જ ગેસચેમ્બર બનવા લાગી દેશની રાજધાની 1 - image

દેશની રાજધાની દિલ્હીમાં દર વર્ષે ચોમાસુ પૂરુ થતાની સાથે જ પ્રદૂષણનું સ્તર વધવાની શરૂઆત થઇ જાય છે. દિલ્હીની કેજરીવાલ સરકારના અનેક પ્રયત્નો છતાં આ વર્ષે પણ એ જ પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે. શિયાળો નજીક આવતા જ દિલ્હીના લોકોએ મોઢાં ઉપર માસ્ક પહેરીને નીકળવાના દિવસો આવી ગયા છે. દિલ્હી-એનસીઆરની હવામાં ઝેર ભળવા લાગ્યું છે. 

દિલ્હીમાં હવામાન બદતર બની જવાની વાત નવી નથી, છેલ્લા ચાર-પાંચ વર્ષોથી શિયાળો શરૂ થતાં જ દેશની રાજધાનીની હવા ઝેરી બનવા લાગે છે. ડિસેમ્બર ૨૦૧૫માં તો દિલ્હી હાઇ કોર્ટે કડક શબ્દોમાં ઝાટકણી કાઢતા દિલ્હીને ગેસ ચેમ્બર ગણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પણ અવારનવાર દિલ્હી સરકારને પ્રદૂષણ નાથવા ઉચિત પગલા લેવા ધમકાવ્યું છે પરંતુ દિલ્હીમાં સરકારો બદલાતી રહે છે પરંતુ પ્રદૂષણના મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવતો નથી. 

એર ક્વોલિટી એટલે કે હવાની ગુણવત્તા માપવાના ઘણાં માપદંડ છે પરંતુ જેમાં સૌથી વધારે પ્રચલિત છે હવામાં પીએમ ૨.૫ અને પીએમ ૧૦નું પ્રમાણ. પીએમ નો અર્થ છે પાર્ટિક્યૂલેટ મેટર એટલે કે હવામાં રહેલા સૂક્ષ્મ કણો. પીએમ ૨.૫ અને પીએમ ૧૦ આ કણોની સાઇઝ દર્શાવે છે. સામાન્ય રીતે આપણા શરીર પરના વાળની સાઇઝ પીએમ ૫૦ જેટલી હોય છે. એના પરથી અંદાજ લગાવી શકાય કે પીએમ ૨.૫ અને પીએમ ૧૦ કેટલા સૂક્ષ્મ કણ હશે. સામાન્ય સંજોગોમાં ૨૪ કલાકમાં હવામાં પીએમ ૨.૫નું પ્રમાણ ૬૦ માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હોવું જોઇએ અને પીએમ ૧૦નું પ્રમાણ ૧૦૦ માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હોવું જોઇએ. આ કણોનું આના કરતા વધારે પ્રમાણ હોય તો એ સ્થિતિ ભયજનક ગણાય. 

પીએમ ૨.૫નું સ્તર આપણા દેશના હિસાબે ૬૦ અને આંતરરાષ્ટ્રીય માપદંડ પ્રમાણે ૨૫ યૂનિટ હોવું જોઇએ. હાલના દિવસોની વાત કરીએ તો ૧૪ ઓક્ટોબરે દિલ્હીમાં પીએમ ૨.૫નું પ્રમાણ ૧૨૧ નોંધાયું જે અત્યંત ખરાબ શ્રેણીમાં આવે છે. આગામી દિવસોમાં આ આંકડો ઓર વધવાના અણસાર છે. સાદા શબ્દોમાં કહીએ તો શ્વાસમાં જે હવા લેવામાં આવે એ જ ઝેર બનવા લાગી છે. હજુ તો ગયા જ મહિને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે છેલ્લા ઘણાં સમય પછી દિલ્હીનું હવામાન સ્વચ્છ રહ્યું હતું. તેમની આ વાતમાં દમ પણ હતો કારણ કે આ વર્ષનો સપ્ટેમ્બર છેલ્લા ૯ વર્ષમાં સૌથી સ્વચ્છ નોંધાયો હતો. ત્રણ કરોડની વસતી ધરાવનું દેશનું પાટનગર દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં સ્થાન પામી ચૂક્યું છે. ગયા વર્ષે દિલ્હીમાં એર ક્વૉલિટીનું સરેરાશ સ્તર ૫૦થી નીચે હોવું જોઇએ પરંતુ ૧૧૨ હતું અને ડિસેમ્બરમાં તો તે વધીને છેક ૪૫૦ સુધી પહોંચી ગયું હતું.

દિલ્હીની હોસ્પિટલોમાં શ્વાસના દર્દીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. વાતાવરણમાં આટલી ભારે માત્રામાં ઝેરી કણો ભળેલા હોય ત્યારે જીવનું જોખમ આવી પડે છે. ખાસ કરીને બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધો માટે જોખમ ઘણું વધી જાય છે. સ્મોગમાં રહેલા સૂક્ષ્મ કણો શ્વાસની સાથે શરીરમાં જતાં ગંભીર પ્રકારના બ્રોન્કાઇટિસ, ફેફસાંનું કેન્સર અને હૃદયની બીમારી જેવા જીવલેણ રોગો થવાની શક્યતા વધી જાય છે. અસ્થમાના દર્દીઓને હુમલાનું પ્રમાણ વધી જાય છે. બ્લડપ્રેશરના દર્દીઓને બ્રેઇન સ્ટ્રોક આવવાની શક્યતા વધી જાય છે. 

આ સાથે જ ખાંસી, શરદી, છાતીમાં દુઃખાવો, ચામડીના રોગો, વાળ ઉતરવા જેવી સમસ્યાઓ પણ થાય છે. એક રિપોર્ટ અનુસાર દિલ્હીમાં ૧૦માંથી ૪ બાળકો ફેફસાંની કોઇ બીમારીથી પીડાય છે. બે વર્ષથી વધારે વયના બાળકોમાં અસ્થમાનું પ્રમાણ વધ્યું છે. ૧૩ વર્ષથી ઓછી વયના બાળકોમાં બ્રોન્કાઇટિસની સમસ્યા વધી છે. દિલ્હીના લોકો અને ખાસ કરીને હૃદય અને ફેફસાંના રોગોના દર્દીઓ, વૃદ્ધો અને બાળકોને લાંબા સમય સુધી વધારે પ્રદૂષણવાળા વિસ્તારોમાં ન ફરવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને સવારે અને સાંજે કસરત કરવા કે ચાલવાનું બંધ કરવાની સલાહ આપવામાં આવી છે.

આમ તો પ્રદૂષણના કારણે હવામાં હાનિકારક કણો બારે માસ ભળતા હોય છે પરંતુ શિયાળામાં સંજોગો થોડા અલગ હોય છે. સામાન્ય સંજોગોમાં આવા કણો વાતાવરણના ઉપલા સ્તરમાં જતાં રહેતા હોય છે પરંતુ શિયાળામાં ઠંડી વધે ત્યારે આવા હાનિકારક કણો ઉપલા સ્તરમાં ન જતા વાતાવરણના નીચલા સ્તરમાં જ તોળાતા રહે છે. હજુ તો શિયાળામાં ઠંડી વધતા આગામી દિવસોમાં ઝેરી હવા ઓર વધવાની ચેતવણી પણ આપવામાં આવી છે. દિલ્હી-એનસીઆરના માથે પ્રદૂષણનું ઝેરી વાદળ રચાવા પાછળ એક કરતા વધારે પરિબળો ભાગ ભજવે છે.

એ તો જગજાહેર છે કે જ્યાં ઔદ્યોગિક કામકાજ વધારે પ્રમાણમાં થતું હોય ત્યાં પ્રદૂષણ વધારે પ્રમાણમાં થાય છે. દિલ્હી જેવા શહેરોમાં ફેકટરીઓ મોટા પ્રમાણમાં હોય છે અને સામા પક્ષે પ્રદૂષણને અંકુશમાં રાખતી વનસ્પતિ ઓછા પ્રમાણમાં હોય છે. બીજું કારણ છે ડીઝલ જનરેટરોનો વધારે પ્રમાણમાં થયો ઉપયોગ જેના કારણે પ્રદૂષણનું પ્રમાણ વધે છે. બે વર્ષ પહેલાં ડીઝલ પર ચાલતી ટ્રકોની જકાતમાં ભારે વધારો કરીને ડીઝલ દ્વારા ફેલાતા પ્રદૂષણ પર અંકુશ રાખવાનો પ્રયાસ થયો હતો. આ વખતે જોકે કેજરીવાલ સરકારે દાવો કર્યો છે કે વીજળીની સતત આપૂર્તિના કારણે ડીઝલ જનરેટરોનો વપરાશ ઘટયો છે.

વાહનો દ્વારા ફેલાતું પ્રદૂષણ પણ જેવુંતેવું નથી હોતું. રોજ રાતે દિલ્હીની સડકો પર આશરે એક કરોડ કારો ફરતી હોય છે જેના ધૂમાડા દ્વારા ફેલાતું પ્રદૂષણ વાતાવરણમાં ભળતું રહે છે. સડકો પર ફરતા ખાનગી વાહનોને ઓછા કરવા માટે દિલ્હી સરકાર દર વખતની જેમ આ વખતે પણ ઓડ-ઇવન ફોર્મ્યૂલા લાગુ કરવાની છે. હજુ તો દીવાળી આવી રહી છે અને દીવાળીના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં ફોડવામાં આવતા ફટાકડાના કારણે વાતાવરણમાં ઝેરી કણો મોટી માત્રામાં ભળે છે. 

દિલ્હીમાં જે રીતે વિકાસ વધી રહ્યો છે તેના પગલે ઇમારતોના બાંધકામમાં ભારે વધારો થયો છે. આવી ઇમારતોના નિર્માણસ્થળ આસપાસ ધૂળના ઢગલાં જામેલાં હોય છે જે પણ પ્રદૂષણમાં ભારે વધારો કરે છે. ઉપરાંત પાવર પ્લાન્ટોમાં વપરાતા કોલસાના બળતણના કારણે જે પ્રચંડ પ્રમાણમાં ઝેરી વાયુઓ વાતાવરણમાં ભળે છે તેની તો ગણતરી કરવી જ મુશ્કેલ છે. દિલ્હીના વિકાસની સાથે તેની વસતી પણ કૂદકેને ભૂસકે વધી રહી છે જેનું કારણ છે ઉત્તર ભારતના લાખો લોકો રોજીરોટી માટે દેશની રાજધાનીમાં પહોંચે છે. વસતી વધતા કુદરતી સંસાધનો પર બોજ વધે છે અને પ્રદૂષણમાં પણ વધારો થાય છે. 

અન્ય એક કારણ એ છે કે ઓક્ટોબરના અંતથી પશ્ચિમી પવનો દિલ્હી-એનસીઆર તરફ વાય છે જેમાં રાજસ્થાનની સૂકી જમીન અને રણપ્રદેશો તરફથી ધૂળની આંધીઓ પહોંચે છે જે વાતાવરણમાં ભારે કણોનું પ્રમાણ વધારી મૂકે છે. બીજું કારણ એ છે કે શિયાળો આવવાની તૈયારીમાં હોય ત્યારે દિલ્હીની આસપાસના રાજ્યો જેવા કે રાજસ્થાન, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને પંજાબના ખેડૂતો રવીપાક લણી લીધાં પછી વધેલા ઠૂંઠાઓ બાળી મૂકે છે. આમ તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આ રીતે ઠૂંઠા બાળવા પર પ્રતિબંધ મૂક્યો છે પરંતુ ખેડૂતો આ પ્રતિબંધને ધરાર અવગણે છે. 

એમાંયે આ વર્ષે તો દેશભરમાં સામાન્ય કરતા ૧૦ ટકા વધારે વરસાદ થયો છે જેના કારણે દિલ્હીના પાડોશી રાજ્યોને ખેતીવાડી માટે ભરપૂર પાણી મળ્યું અને ડાંગર તેમજ અન્ય પેદાશોમાં બમ્પર પાક થયો. હવે પાક લણી લીધાં પછી વધેલી પરાળીને બાળવાની શરૂઆત થઇ ગઇ છે.

પંજાબ અને હરિયાણામાં ખેડૂતો બેરોકટોક પરાળી બાળી રહ્યાં છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ પાકના વધેલાં ઠૂંઠા બાળવાનું ચાલુ છે. સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે હવાની દિશા દિલ્હી તરફ છે જેના પગલે દિલ્હીની હવામાં ધુમાડો ભળી રહ્યો છે. 

દિલ્હીમાં પ્રદૂષણ નાથવાના નામે સરકારને હરીફરીને ઓડ-ઇવનનો જ વિચાર આવે છે. ગયા વર્ષે પણ નવેમ્બરમાં પ્રદૂષણે માઝા મૂકી ત્યારે દિલ્હી સરકારે અનેક પગલા લેવાની જાહેરાતો કરી હતી પરંતુ એક વર્ષ બાદ પણ પરિસ્થિતિ જૈસે થે જ છે. ખરેખર તો પ્રદૂષણ હવે પર્યાવરણ સાથે જોડાયેલી સમસ્યા નથી રહી, પ્રદૂષણ પોતે જ એક ગંભીર બીમારી બની ગયું છે. એવામાં પ્રદૂષણની સમસ્યા દૂર કરવા સરકાર, સામાજિક સંસ્થાઓ અને લોકોએ સાથે મળીને કામ કરવાની જરૂર છે.

Tags :