આર્થિક બેહાલીઃ ઉત્પાદન તળિયે અને મોંઘવારી આસમાને
- ઔદ્યોગિક ઉત્પાદનનો વિકાસદર ઘટીને 4.3 ટકા તો મોંઘવારી દર વધીને 4.62 ટકાએ પહોચી ગયો
- એક તરફ સરકાર દેશની અર્થવ્યવસ્થાને પાંચ હજાર અબજ ડોલરે પહોંચાડવાના સપના સેવી રહી છે અને બીજી તરફ દેશની સામાન્ય જનતાને રોજબરોજની ચીજવસ્તુઓ ખરીદવી પણ દોહ્યલી બની રહી છે
મોદી સરકાર માટે આર્થિક મોરચે એક પછી એક માઠા સમાચારોની વણઝાર ચાલી છે. બેરોજગારીનો દર છેલ્લા ૪૫ વર્ષની ટોચે અને વિકાસદર છેલ્લા પાંચ વર્ષના તળિયે પહોંચી ગયાના અહેવાલો બાદ ઉત્પાદનના ક્ષેત્રે પણ મોટો ફટકો પડયાના અહેવાલ છે. એટલું જ નહીં, મોંઘવારીનો દર પણ છેલ્લા ૧૬ મહિનાની ટોચે પહોંચીને ૪.૬૨ ટકા થઇ ગયો છે.
આમ તો દેશની અર્થવ્યવસ્થાની પરિસ્થિતિ લાંબા સમયથી ખરાબ ચાલી રહી છે અને મંદીના લક્ષણો પરેશાની વધારનારા જણાઇ રહ્યાં છે. જોકે સરકાર આને મંદી માનવા તૈયાર નથી અને હાલની પરિસ્થિતિને આર્થિક સુસ્તી ગણાવી રહી છે અને દાવા કરી રહી છે કે બહુ જલ્દી દેશ આમાંથી બહાર આવી જશે. આર્થિક મંદી નામ આપવામાં આવે કે સુસ્તી પણ એટલી હકીકત છે કે દેશની અર્થવ્યવસ્થાની તબિયત સારી નથી.
દેશના ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા ચિંતામાં વધારો કરનારા છે. ઓદ્યોગિક ઉત્પાદનનો વિકાસ દર ઝીરોથી ૪.૩ ટકા સુધી નીચે પહોંચી ગયો છે. ઔદ્યોગિક ઉત્પાદનની અધોગતિનું આ સૌથી નીચલું સ્તર છે. ચિંતાની બાબત એ છે કે ઔદ્યોગિક ઉત્પાદનનો આ ઘટાડો સર્વવ્યાપક છે. ખાણકામ, મેન્યુફેક્ટરિંગ અને ઉર્જા ઉત્પાદન તમામમાં ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીં, કન્ઝ્યુમર ગુડ્સની પણ એ જ હાલત છે.
ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા સપ્ટેમ્બર મહિનાના છે અને ઉત્પાદનની દૃષ્ટિએ સપ્ટેમ્બર મહિનો ઘણો મહત્ત્વનો ગણાય છે. તહેવારોની સીઝન પહેલાનો મહિનો હોવાના કારણે સપ્ટેમ્બર મહિનામાં બજારને ઘણી આશાઓ હોય છે. એટલા માટે બજારો તહેવારોની સીઝનમાં પણ વધારે અપેક્ષા બાંધી શક્યા નથી. તહેવારો દરમિયાન બજારોની પરિસ્થિતિ કેવી રહી એ તો હજુ આવતા મહિને ખબર પડશે. જોકે એવું પણ કહેવાય છે કે ચોમાસુ મોડું બેસવાના કારણે અને મોડું વિદાય લેવાના કારણે પરિસ્થિતિ બગડી છે.
પૂંજીગત વસ્તુઓના ઉત્પાદનમાં પણ ૨૦.૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા નવ મહિનાથી પૂંજીગત ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટી રહ્યું છે. પુંજીગત વસ્તુઓમાં ઉદ્યોગોમાં વપરાતામશીનો અને સ્પેરપાર્ટ્સનો સમાવેશ થાય છે. આનો સીધો અર્થ એ થાય કે નવા ઉદ્યોગો સ્થાપવાના દરમાં ભારે ઘટાડો નોંધાયો છે અને અગાઉથી સ્થાપાયેલા ઉદ્યોગોમાં પણ કામકાજ ઘટી રહ્યું છે. જે રીતે ઓદ્યોગિક ઉત્પાદનના ઘટાડાના આંકડા ભૂતકાળ દર્શાવે છે એમ પુંજીગત ચીજવસ્તુઓના આંકડા ભવિષ્ય દર્શાવી રહ્યાં છે. નવા ઉદ્યોગો ઊભા થવાનો દર ઘટવાની સાથે સાથે સ્થાપિત ઉદ્યોગોમાં સુસ્તી આવનારા સમયમાં ઉત્પાદનમાં ઓર ઘટાડો કરશે.
ઉત્પાદનમાં ઘટાડો બેરોજગારી વધી રહી હોવા તરફ પણ ઇશારો કરે છે. દેશમાં બેરોજગારીની સમસ્યા વિકટ બની રહી છે. બેરોજગારીના કારણે દેશમાં અરાજકતા વધી રહી છે. બેરોજગારી અને ગરીબી વચ્ચે સીધો સંબંધ છે. મળવાપાત્ર મજૂરી કરતા ઓછા દરે કામ કરવા તૈયાર હોવા છતાં લોકોને રોજગાર મળી નથી રહ્યો. અનેક લોકો ઓછા મહેનતાણે કામ કરી રહ્યાં છે. બેકારી અને આવી અર્ધબેકારી દેશની અર્થવ્યવસ્થામાં બાધક બની રહી છે. દોષપૂર્ણ આર્થિક આયોજન, ઉદ્યોગોની ખરાબ હાલત અને યોગ્ય શિક્ષણના અભાવે બેરોજગારીનો દર વધી રહ્યો છે.
આંકડા જણાવે છે કે ભારત દુનિયાના સૌથી વધારે બેરોજગારો ધરાવતા દેશમાં સ્થાન પામે છે. સરકારી નોકરીઓ તો રહી જ નથી પરંતુ ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. દેશનો વેપારી વર્ગ પણ હાલના માહોલથી હતાશ છે અને વેપારધંધાના વિકાસની ધૂંધળી તસવીરથી પરેશાન છે. નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોનિક રિસર્ચે જાહેર કરેલા રિપોર્ટ અનુસાર બિઝનેસ કોન્ફિડન્સ ઇન્ડેક્સ પણ ૧૫.૩ ટકા તૂટીને છેલ્લા છ વર્ષના તળિયે પહોંચ્યો છે. આ આંકડો દર્શાવે છે કે વેપારી વર્ગ પણ નવા સાહસ કરતા અચકાઇ રહ્યો છે.
મોંઘવારીના પણ તાજેતરમાં આવેલા આંકડા હતાશાજનક છે. સરકાર ભલે આર્થિક વિકાસનું એન્જિન દોડી રહ્યું હોવાના દાવા કરે પરંતુ મોંઘવારીના આંકડા જણાવી રહ્યાં છે કે સામાન્ય લોકોને રોજબરોજની જરૂરિયાતો પૂરી કરવી પણ દોહ્યલી બનવા લાગી છે. મોંઘવારી છેલ્લા સોળ મહિનાની ટોચે પહોંચી ગઇ છે ત્યારે એ સવાલ થવો સ્વાભાવિક છે કે સામાન્ય લોકોની હાલત એવી શા માટે થઇ ગઇ કે બજારો તેમની પહોંચની બહાર જતાં રહ્યાં? ખાસ કરીને ખાદ્ય પદાર્થોના ભાવ જે ઝડપે વધી રહ્યાં છે એની સીધી અસર લોકો પર પડશે.
આંતરરાષ્ટ્રીય ક્રેડિટ એજન્સી મૂડીઝએ ભારતના ક્રેડિટ રેટિંગ આઉટલુકને સ્થિરમાંથી નેગેટિવ કરી દીધો છે. મૂડીઝ દ્વારા આઉટલુક ઘટાડવાનો અર્થ એમ થાય કે આવનારા સમયમાં રોકાણની દૃષ્ટિએ ભારતનું રેટિંગ નીચે આવી શકે છે. એવું થયું તો દેશમાં આવતું વિદેશી રોકાણ ઘટી શકે છે. અગાઉ મૂડીઝે વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન જીડીપી ગ્રોથમાં અનુમાન ઘટાડીને ૫.૮ ટકા કરી દીધું હતું. પહેલા તેણે જીડીપીમાં ૬.૨ ટકાની વૃદ્ધિનું અનુમાન દર્શાવ્યું હતું. આ પહેલાં પણ અનેક રેટિંગ એજન્સીઓ ભારતની અર્થવ્યવસ્થાને લઇને રેટિંગ ઘટાડી ચૂકી છે.
મોંઘવારીના આંકડા જોતાં જણાય છે કે લોકો માટે ખાવાપીવાની ચીજવસ્તુઓ ખરીદવી અઘરી બની રહી છે તો બીજી ચીજવસ્તુઓ ખરીદવા વિશે તો વિચાર જ ક્યાંથી કરે? રિઝર્વ બેંકે અનુમાન કર્યું હતું કે રિટેલ મોંઘવારી ચાર ટકા સુધી પહોંચી શકે છે પરંતુ મોંઘવારી તો અનુમાનને પણ વટાવી જતાં ૪.૬૨ ટકા વધી ગઇ. ખાદ્ય પદાર્થોના મામલે મોંઘવારી વધીને ૭.૯ ટકાએ પહોંચી છે જે છેલ્લા ૩૯ મહિનાના સર્વોચ્ચ સ્તરે છે. ખાસ કરીને શાકભાજી, ચોખા, દાળ અને અન્ય અનાજ, ફળફળાદી, માંસ-મચ્છી, ઇંડા વગેરેના ભાવ પણ જે ઝડપે વધી રહ્યાં છે એની અસર બજારમાં બીજી ચીજવસ્તુઓની ખરીદી ઉપર પણ પડવી નક્કી છે.
શાકભાજીના ભાવ વધવા પાછળ એવું કારણ જણાવવામાં આવી રહ્યું છે કે સામાન્ય રીતે આ સમયગાળામાં પાક તૈયાર થઇ જતો હતો અને બજારમાં આવવા લાગતો હતો પરંતુ આ વર્ષે એમાં વિલંબ થયો છે. જોકે શાકભાજી તેમજ અનાજના બજારમાં પહોંચવાથી લઇને જથ્થાબંધ વેચાણ અને એ પછી રિટેલ વેચાણના મામલે તંત્રે જે દેખરેખ રાખવી પડે એમાં અવ્યવસ્થા સર્જાઇ છે.
બીજી બાજુ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં પણ વધારો થવાના કારણે માલસામાનનું પરિવહન મોંઘું પડી રહ્યું છે જેની અસર પણ મોંઘવારીરૂપે બહાર આવી રહી છે. વળી, ચોમાસું લંબાવાના કારણે અને અનેક ઠેકાણે માવઠા થવાના કારણે ઊભા પાકને તેમજ લણી લીધેલા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે જેના કારણે આગામી સમયમાં અનાજ અને શાકભાજીના ભાવ ઓર વધવાની શક્યતા છે.
સામાન્ય ધારણા છે કે બજારમાં જો કોઇ વસ્તુની માંગ ઘટે તો તેના ભાવ પણ ઘટે છે. એ જોતાં એવો સવાલ પણ થાય કે ખાદ્ય પદાર્થોના મામલે એવી વ્યવસ્થા અવગણવામાં આવે છે કે મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી ચાલી છે? જાણકારોના મતે તો આવનારા મહિનાઓમાં મોંઘવારીના દરમાં ઓર વધારો થવાના અણસાર છે. નવેમ્બરમાં મોંઘવારીનો દર પાંચ ટકાએ પહોંચવાની શક્યતા પણ વ્યક્ત થઇ રહી છે. અને જો આવું જ રહ્યું તો રિઝર્વ બેંકના રેપો રેટ નિર્ધારણ ઉપર પણ અસર પડી શકે છે.
મોંઘવારીમાં વધારાના કારણે રિઝર્વ બેંક પોતાની આગામી નાણાકીય સમીક્ષા બેઠકમાં વ્યાજ દરોમાં ઘટાડો ન કરે એવું જાણકારો માની રહ્યાં છે. રિઝર્વ બેંક માટે કમઠાણ એ છે કે અર્થતંત્રની મંદીને પહોંચી વળવા તેણે વ્યાજ દરોમાં કપાત કરવી પડે એમ છે પરંતુ વધી રહેલી મોંઘવારી એમાં આડખીલીરૂપ બની રહી છે. જોકે ઘણાં આર્થિક વિશ્લેષકોનું માનવું છે કે મોંઘવારીના દરમાં વધારો છતાં આર્થિક મંદીને વધતી અટકાવવા રિઝર્વ બેંક વ્યાજ દરોમાં કપાત ચાલુ રાખશે.
એક તરફ સરકાર દેશની અર્થવ્યવસ્થાને પાંચ હજાર અબજ ડોલરે પહોંચાડવાના સપના સેવે છે અને બીજી તરફ દેશની સામાન્ય જનતાની રોજબરોજની ચીજવસ્તુઓ સુધીની પહોંચ પણ અઘરી બની રહી છે. લોકોના રોજગાર જઇ રહ્યાં છે અને નોકરી કરતા હોય એવા લોકોની આવક ઘટી રહી છે. બજારની આવી જ હાલત રહી તો સરકારે જે દાવાઓ કર્યાં છે એમાંથી હવા નીકળતા વાર નહીં લાગે.