જેડીયૂએ પરિણામો પહેલાં જ બિહારના વિશેષ દરજ્જાનો મુદ્દો ઉછાળ્યો
લોકસભાની ચૂંટણી અંત તરફ જઇ રહી છે અને રાજકીય પક્ષોએ અત્યારથી સોદાબાજી શરૂ કરી દીધી છે
લોકસભાની ચૂંટણીના છ તબક્કા પૂરા થયા બાદ ભાજપને બહુમતિ નહીં મળે એવું ચિત્ર ઉપસી રહ્યું છે ત્યારે પરિણામો આવે એ પહેલાં જ સહયોગી પક્ષો દ્વારા ભાજપનું નાક દબાવવાની શરૂઆત થઇ ગઇ છે
લોકસભાની ચૂંટણી હવે અંતિમ મુકામ તરફ આગળ વધી રહી છે ત્યારે રાજકીય પક્ષોની સોદાબાજી શરૂ થઇ રહી હોવાના એંધાણ મળી રહ્યાં છે. ચૂંટણીના સાતમા અને આખરી તબક્કાની બરાબર પહેલાં જ એનડીએમાં ભાજપના મહત્ત્વના સહયોગી એવા જેડીયૂએ બિહાર માટે વિશેષ દરજ્જાની માંગ છેડીને ભાજપને ચોંકાવ્યું છે. જેડીયૂના નેતા કે.સી. ત્યાગીએ ચૂંટણી પ્રચાર દરમિયાન બિહારના મતદારોને અપીલ કરી કે તેઓ જેડીયૂને ઓછામાં ઓછી ૧૫ બેઠકો જીતાડે જેથી કરીને તેઓ સંસદમાં બિહારને સ્પેશિયલ સ્ટેટસ આપવાની માંગ જોરશોરથી ઉઠાવી શકે.
જેડીયૂના પ્રદેશ પ્રમુખ વશિષ્ઠ નારાયણે પણ કે.સી. ત્યાગીની વાતનું સમર્થન કર્યું છે. તાજેતરમાં જ જેડીયૂ નેતા ગુલામ રસૂલ બલયાવીએ કહ્યું હતું કે ૨૦૧૯માં એનડીએ સત્તામાં આવશે તો બિહારને વિશેષ દરજ્જો આપવાની માંગ ફરી વખત રજૂ કરવામાં આવશે. હવે છેલ્લી ઘડીએ બિહાર માટે સ્પેશિયલ સ્ટેટસનો મુદ્દો ઉઠાવીને જેડીયૂએ ભાજપને વિમાસણમાં મૂકી દીધો છે. કારણ કે ભાજપના નેતા અને નાણામંત્રી અરુણ જેટલી અગાઉ વિશેષ દરજ્જાની માંગ ફગાવી દેતા કહી ચૂક્યાં છે કે સ્પેશિયલ સ્ટેટસ આપવાનો દોર ખતમ થઇ ગયો છે.
આ પહેલી વખત નથી કે જેડીયૂએ બિહારને સ્પેશિયલ સ્ટેટસ આપવાની વાત કરી હોય. હકીકતમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર લગભગ છેલ્લા દસ વર્ષથી પોતાના રાજ્યને વિશેષ દરજ્જો આપવાની માંગ કરતા રહયાં છે. બે વર્ષ પહેલાં જેડીયૂએ આરજેડી અને કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપ સાથે હાથ મિલાવ્યા ત્યારે એવું જણાતું હતું કે નીતીશ કુમારે બિહારને સ્પેશિયલ સ્ટેટસ આપવાની માંગ સાથે એમ કર્યું હશે પરંતુ એવું કશું થયું નહીં.
એ પછી લગભગ બે વર્ષ સુધી જેડીયૂ આ મામલે ચૂપકીદી સેવી અને હવે જ્યારે અંતિમ તબક્કાના મતદાન બાદ પરિણામો જાહેર થવાનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે પાર્ટીએ ફરી વખત બિહારને વિશેષ દરજ્જો આપવાની માંગ કરી છે.
અગાઉ બિહારમાં બેઠકોની ફાળવણીના મામલે નીતીશ કુમારે ભાજપનું નાક દબાવ્યું હતું. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે મોદી લહેરમાં જેડીયૂને બે, કોંગ્રેસને બે અને આરજેડીને ચાર એમ કુલ આઠ બેઠકો ઉપર સીમિત કરી દીધાં હતાં. બિહાર ભાજપના ઘણાં નેતાઓ જેડીયૂની હેસિયત ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીના પરિણામોના આધારે જ નક્કી કરવા માંગતા હતાં. પરંતુ જેડીયૂએ બિહારમાં મોટા ભાઇ તરીકે રહેવાની જક પકડતા રાજ્યની ૪૦ લોકસભા બેઠકોમાંથી ૨૫ બેઠકોની માગણી કરી.
જેડીયૂની માંગ હતી કે ૨૦૧૫ની વિધાનસભાની ચૂંટણીના પરિણામોના આધારે બેઠકોની ફાળવણી થાય. જેડીયૂના નેતાઓનો દાવો હતો કે ૨૦૧૫ની વિધાનસભાની ચૂંટણી રાજ્યમાં સૌથી છેલ્લું શક્તિ પરીક્ષણ ગણાય એટવા માટે લોકસભાની ચૂંટણીમાં બેઠકોની ફાળવણી માટે એ પરિણામોની અવગણના કરી શકાય નહીં.
જોકે વિધાનસભાની દૃષ્ટિએ જોતા પણ જેડીયૂ મોટી પાર્ટી નહોતી. નીતીશ કુમાર પાસે બિહાર વિધાનસભાની ૨૪૩ બેઠકોમાંથી માત્ર ૭૦ બેઠકો જ હતી. પરંતુ નીતીશ કુમાર જાણતા હતાં કે જો ભાજપનું નાક દબાવવું હશે તો લોકસભા માટે વધારેમાં વધારે બેઠકો મેળવવી પડશે.
છેવટે ભાજપે જેડીયૂની જિદ આગળ નમતુ જોખવું પડયું અને બિહારમાં ભાજપ અને જેડીયૂ ૧૭-૧૭ બેઠકો પર ચૂંટણી લડશે એવું નક્કી થયું. મહત્ત્વની બાબત એ છે કે ભાજપે જેડીયૂ સાથે કઇ હદે સમાધાન કર્યું એનો ખ્યાલ એ વાતે આવે કે તેણે ગઇ ચૂંટણીમાં જીતેલી બેઠકો પણ જેડીયૂને આપી દીધી.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૪માં ભાજપે બિહારમાં ૩૦ બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતાં જેમાં બાવીસ બેઠકો પર તેને વિજય મળ્યો હતો. એલજેપીને ૬ તો ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીને ત્રણ બેઠકો પર વિજય મળ્યો હતો. બીજી બાજુ જેડીયૂએ ભાજપ સાથે છેડો ફાડીને તમામ ૪૦ બેઠકો પર ચૂંટણી લડી હતી પરંતુ તેના હાથમાં માત્ર બે જ બેઠકો આવી હતી. એ જોતાં ભાજપે જેડીયૂ માટે ૧૩ બેઠકોનો ત્યાગ કર્યો જેમાંની પાંચ બેઠકો પર તો તેના સાંસદો પણ હતાં.
એ પહેલાં ગયા વર્ષે જ્યારે બિહારમાં યોજાયેલી પેટાચૂંટણીમાં જેડીયૂને હાર મળી ત્યારે પણ પાર્ટીએ હારનું ઠીકરું ભાજપના માથે ફોડવાનો પ્રયાસ કર્યો હતો. એ વખતે નીતીશ કુમારે બિહારના વિશેષ દરજ્જાનો મુદ્દો છેડયો હતો. તેમણે કેન્દ્રની મોદી સરકાર ઉપર બિહારને અવગણવાનો આરોપ પણ મૂક્યો હતો.
નીતીશ કુમારે સોશિયલ મીડિયા ઉપર તેમણે ૧૫મા નાણાકીય આયોગને લખેલો પત્ર મૂક્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે બિહાર ચારે તરફ જમીનથી ઘેરાયેલું અને અલ્પવિકસિત રાજ્ય છે. એટલા માટે આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર તેને વિશેષ રાજ્યનો દરજ્જો મળવાપાત્ર છે.
એ વખતે આરજેડીના નેતા અને લાલુપુત્ર તેજસ્વી યાદવે કટાક્ષ કર્યો હતો કે નીતીશ કુમાર ફરી વખત ગુલાંટ મારવાની ભૂમિકા તૈયાર કરી રહ્યાં છે. તેજસ્વીએ એવો આક્ષેપ કર્યો હતો કે નીતીશ કુમાર એવી છબી પ્રદર્શિત કરવા માંગે છે કે તેઓ બિહારના વિકાસ માટે કામ કરી રહ્યાં હોય.
ખરેખર તો વિશેષ રાજ્યનો દરજ્જો માંગીને તેઓ ભાજપ સાથે છેડો ફાડવાના રસ્તા શોધી રહ્યાં છે. આ વખતે પણ જેડીયૂએ િબિહારને વિશેષ રાજ્યના દરજ્જાનો મુદ્દો ઉઠાવ્યો છે ત્યારે તેજસ્વી યાદવે ફરી વખત કટાક્ષ કર્યો છે કે જેડીયૂને ચૂંટણીના પરિણામોનો અણસાર આવી ગયો લાગે છે.
એક સમય હતો જ્યારે નીતીશ કુમાર ભાજપ અને મોદી વિરોધી જૂથના ટોેચના નેતાઓમાં ગણાતા હતાં. ઘણાં લોકો તો તેમને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં વિપક્ષના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે પણ જોતા હતાં. સાફસૂથરી છબી હોવાના કારણે તેઓ વડાપ્રધાન મોદી સામે બરોબરીની ટક્કર આપી શકે એમ લાગતું પણ હતું.
પરંતુ હવે ભાજપ સાથે જોડાણ કર્યા બાદ ચિત્ર સાવ બદલાઇ ચૂક્યું છે. આજે વડાપ્રધાન મોદીની છબી સામે નીતીશ કુમારની છબી સાવ વામણી બની ચૂકી છે. જાણે હવે તેઓ રાષ્ટ્રીય કક્ષાના નહીં પરંતુ સ્થાનિક કક્ષાના કોઇ નેતા હોય એવું લાગી રહ્યું છે.
હવે જ્યારે લોકસભાની ચૂંટણી પૂરી થવાના આરે છે અને સત્તાધારી ભાજપને ગઇ વખતની જેમ બહુમતિ મળે એવા અણસાર નથી ત્યારે બિહાર માટે સ્પેશિયલ સ્ટેટસની માંગ ઉઠાવીને નીતીશ કુમાર રાજકીય સોદાબાજીના તમામ વિકલ્પ ખુલ્લા રાખવા ધારે છે. તાજેતરમાં જ ભાજપના નેતા રામ માધવે કહ્યું હતું કે ભાજપને કેન્દ્રમાં સરકાર બનાવવા માટે જેડીયૂના સપોર્ટની જરૂર પડશે.
એવામાં નીતીશ કુમારને લાગતું હશે તે જો ભાજપને જેડીયૂની મદદની જરૂર પડી તો તો તે વધારે મજબૂતીથી સોદાબાજી કરી શકશે. આમ પણ ભાજપના કેટલાંક નેતાઓના નિવેદનો બાદ એવો સંકેત મળી રહ્યો છે કે તે બેકફૂટ પર છે. અને રાજકીય સોદાબાદી કરવા માટેનો આ સુવર્ણ અવસર હોવાનું ઘણી સહયોગી પાર્ટીઓ અનુભવી રહી હશે.
જાણકારોના મતે છેલ્લી ઘડીએ બિહારને સ્પેશિયલ સ્ટેટસનો મુદ્દો ઉઠાવવા પાછળ જેડીયૂની ગણતરી એવી હોઇ શકે કે જો ભાજપ પાસે સરકાર બનાવવા પૂરતી બેઠકો ન આવે તો તેને એનડીએમાંથી છટકવાનો વિકલ્પ મળી શકે. એવી પણ વાતો સંભળાય છે કે જો ભાજપને બહુમતિ ન મળે તો નરેન્દ્ર મોદીના સ્થાને વડાપ્રધાનપદ માટે બીજા કોઇ નેતાની પસંદગી થઇ શકે.
એ સંજોગોમાં નીતીશ કુમારની નજર વડાપ્રધાનપદ પર હોય એ સ્વાભાવિક છે. ભલે નીતીશ કુમારે જાતે એવું ન કહ્યું હોય કે તેઓ વડાપ્રધાનપદની રેસમાં છે પરંતુ હકીકત એ છે કે તેમના મનમાં પણ વર્ષોથી વડાપ્રધાનપદ રમતું રહ્યું છે. એટલા માટે જ તેમણે ગઇ લોકસભાની ચૂંટણી પહેલાં એનડીએના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીનું નામ જાહેર થયું ત્યારે ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો હતો.
તાજેતરમાં જેડીયૂ નેતા ગુલામ રસૂલ બલિયાવીએ કહ્યું હતું કે આ વખતની ચૂંટણીમાં ભાજપને બહુમતિ મળે એમ નથી એ સંજોગોમાં નીતીશ કુમારને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા જોઇએ. હકીકતમાં જેડીયૂ અંદરખાને એવો દાવો કરી રહ્યું છે કે બિહારમાં નરેન્દ્ર મોદી નહીં પરંતુ નીતીશ કુમારના ચહેરા પર મત મળી રહ્યાં છે.
ભાજપે જેડીયૂ નેતાના નિવેદનનો વિરોધ કર્યો છે અને એવો દાવો કર્યો છે કે કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી નરેન્દ્ર મોદીના નામ અને કામ પર જ મત મળી રહ્યાં છે. બાદમાં બલયાવીના નિવેદનની ભાજપ અને જેડીયૂના નેતાઓએ ટીકા કરી પરંતુ ખુદ નીતીશ કુમારે એ મામલે અકળ મૌન જાળવી રાખ્યું. નીતીશ કુમાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેજોડ હોવાનું વખતોવખત કહેતા રહે છે પરંતુ તેઓ મોદી ફરી વખત વડાપ્રધાન બનશે એવું ક્યારેય બોલતા નથી.
તાજેતરમાં બિહારમાં નીતીશ કુમારે વડાપ્રધાન મોદી સાથે એક મંચ પર હાજરી આપી ત્યારે પણ તેમનું અકળ વલણ છતું થયું હતું. વડાપ્રધાન પોતાનું ભાષણ પૂરું કરીને સમગ્ર સભામાં વંદે માતરમના નારા લગાવ્યાં ત્યારે મંચ ઉપર ઉપસ્થિત તમામ નેતાઓમાં એક માત્ર નીતીશ કુમાર જ હતાં કે જેઓ ચૂપચાપ બેઠાં રહ્યાં હતાં.
તેમનું આ વલણ સ્પષ્ટ ઇશારો કરતું હતું કે ભલે તેઓ એનડીએમાં હોય પરંતુ તેઓ તેમની પાર્ટીની એજન્ડાને વળગી રહેશે. સ્પષ્ટ છે કે નીતીશ કુમાર ભાજપના રાષ્ટ્રવાદના એજન્ડાને નહીં પરંતુ પોતાના વિકાસને એજન્ડાને વળગી રહેવા માંગે છે.
હંમેશા પોતાના અંતરાત્માના અવાજને અનુસરીને નિર્ણય કરતા હોવાનો દાવો કરનાર નીતીશ કુમારનો અંતરાત્મા હવે કઇ કાઠીએ બેસશે એ ચૂંટણીના પરિણામો બાદ ખબર પડશે.