હવે સ્પેસમાં ડંકો વગાડવા તરફ અગ્રેસર ભારત
ઇસરો આવતા મહિને ચંદ્રયાન-2 મિશન લોન્ચ કરવાની આખરી તૈયારીઓમાં લાગ્યું
તાજેતરમાં ઇસરોએ વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપવાની જાહેરાત કરી છે તો વડાપ્રધાન મોદીની અધ્યક્ષતા હેઠળની સુરક્ષા સમિતિની બેઠકમાં અવકાશમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ડિફેન્સ સ્પેસ રિસર્ચ એજન્સી નામે અલગ એજન્સી રચવાની મંજૂરી આપવામાં આવી છે
છેલ્લા બે દાયકામાં ભારત અવકાશ ક્ષેત્રે મોટી શક્તિ તરીકે ઉભર્યું છે. દેશની બે મુખ્ય અવકાશી સંસ્થાઓ ઇસરો અને ડીઆરડીઓ એક પછી એક નવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે. તાજેતરમાં જ ઇસરોએ જાહેરાત કરી છે કે આ વર્ષે ૧૫ જુલાઇએ એટલે કે બરાબર એક મહિના પછી ચંદ્રયાન-૨ લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન-૨ પ્રોજેક્ટ ઇસરોના અત્યાર સુધીના અભિયાનમાં સૌથી જટિલ છે. આ મિશન પર આશરે એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
અગાઉ ઓક્ટોબર ૨૦૦૮માં ઇસરોએ ચંદ્રયાન-૧ ચંદ્રની મુલાકાતે મોકલ્યું હતું જે ઓગસ્ટ ૨૦૦૯ સુધી કાર્યરત રહ્યું હતું. ચંદ્રયાન-૧ દ્વારા જ દુનિયાને જાણ થઇ હતી કે ચંદ્રની સપાટી નીચે પાણી રહેલું છે. હવે ચંદ્રયાન-૨ મિશન અંતર્ગત ભારત પોતાનું લેન્ડર ચંદ્રના દક્ષિણ ધૂ્રવ પર મોકલવાનું છે.
આજ દિન સુધી દુનિયાના કોઇ દેશ ચંદ્રના દક્ષિણ ધૂ્રવ પર લેન્ડર મોકલ્યું નથી, કે નથી મોકલવાનો પ્રયાસ સુદ્ધાં કર્યો. પરંતુ ઇસરોના વૈજ્ઞાાનિકો એ વાતે જ બધાંથી ચડી જાય છે કે તેઓ સાવ ટાંચા સાધવો વડે પણ મોટા મોટા અભિયાનો આદરે છે અને સફળ પણ બનાવે છે. ચંદ્રયાન-૨ મિશનનું વિક્રમ નામનું લેન્ડર ચંદ્ર પર લગભગ ૧૪ દિવસ રહેશે. આ દરમિયાન ચંદ્ર ઉપર આવતા ભૂંકપની પણ ચકાસણી કરશે. સૌર ઉર્જા દ્વારા સંચાલિત આ યાન ચંદ્રની સપાટીનું પણ પરીક્ષણ કરશે.
આદિકાળથી માનવી જિજ્ઞાાસુ રહ્યો છે અને તેને હંમેશા જળ, ધરતી, પાતાળ અને અંતરિક્ષના રહસ્યો જાણવાની તાલાવેલી રહી છે. એમાંયે અવકાશ તરફ માનવીની દોટ પહેલેથી રોમાંચક રહી છે. ૧૯૫૭માં સોવિયેત સંઘે માત્ર ૫૯ સેમીના પહેલાવહેલા સેટેલાઇટ સ્પુટનિક-૧ને અવકાશમાં તરતો મૂકીને દુનિયાભરમાં સનસનાટી ફેલાવી દીધી હતી. અંતરિક્ષમાં જઇને આ સેટેલાઇટે પૃથ્વી પર સિગ્નલો મોકલવાની શરૂઆત કરી ત્યારે દુનિયાભરમાં રોમાંચ વ્યાપી ગયો હતો.
આ રોમાંચ ભારતમાં પણ અનુભવાયો અને તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ વિખ્યાત વિજ્ઞાાની હોમી જહાંગીર ભાભા સાથે મંત્રણા કરીને ૧૯૬૧માં ભારતીય અંતરિક્ષ વિભાગની સ્થાપના કરી. ૧૯૬૯માં અમેરિકાએ જ્યારે સૌપ્રથમ સમાનવ અવકાશયાન ચંદ્ર ઉપર મોકલ્યું અને નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પહેલું ડગ માંડયું એ જ વર્ષે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અર્થાત ઇસરોની સ્થાપના થઇ.
આશરે ૪૪ વર્ષ પહેલા ઇસરોનિર્મિત પહેલા ઉપગ્રહ આર્યભટ્ટને અવકાશમાં તરતો મૂકવાની સાથે ભારતની અવકાશ ગાથા શરૂ થઇ હતી. ૧૯ એપ્રિલ, ૧૯૭૫ના દિવસે લોન્ચ થયેલા આર્યભટ્ટ સાથે અંતરિક્ષને જોવા અને જાણવાની ભારતની જિજ્ઞાાસાનો પ્રારંભ થયો. આજે વિશ્વના અનેક દેશોને સસ્તી લોન્ચિંગ સેવા પૂરી પાડતા ઇસરો પાસે એ વખતે ઉપગ્રહને અવકાશમાં મોકલી શકે એવું શક્તિશાળી રોકેટ નહોતું.
જેના પરિણામે આર્યભટ્ટને અવકાશમાં તરતો મૂકવા મિત્ર રાષ્ટ્ર રશિયાની મદદ લેવામાં આવી હતી. ભારત અને સોવિયેત સંઘ વચ્ચે ૧૯૭૨માં થયેલા એક કરાર મુજબ આર્યભટ્ટને કાપુસ્તિન યાર ખાતેથી કોસ્મોવ-૩એચ રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવ્યો.
સાવ ટાંચા સાધનો સાથે શરૂ થયેલું ઇસરો આજે દુનિયાની ટોપ ફાઇવ સ્પેસ એજન્સીઓમાં સ્થાન ધરાવે છે. અમેરિકા અને રશિયા પછીની સૌથી આશાસ્પદ અવકાશી સંસ્થા તરીકે ઇસરોની ગણતરી થાય છે. એકવીસમી સદીમાં દુનિયાની બાકીની સ્પેસ એજન્સીઓની સરખામણીમાં ઇસરોએ સૌથી મોટી હરણફાળ ભરી છે. ૨૦૧૮ના વર્ષની શરૂઆત ધમાકેદાર અંદાજમાં કરતા ઇસરોએ જાન્યુઆરીમાં એક સાથે ૩૧ ઉપગ્રહો લોન્ચ કર્યાં હતાં. ગયા વર્ષે એક સાથે ૧૦૪ સેટેલાઇટ એક સાથે અવકાશમાં લોન્ચ કરતાની સાથે ઇસરો દુનિયાની સૌથી ભરોસાપાત્ર સેટેલાઇટ લોન્ચર સંસ્થા બની છે.
એ પછી ૨૦૧૪માં રાતા ગ્રહની ભાળ મેળવવા રવાના કરવામાં આવેલા મંગળયાન-૧ મિશનની સફળતાએ તો દુનિયાભરના દેશોની ભારત પ્રત્યેની દૃષ્ટિ જ બદલી નાખી. ખાસ વાત એ હતી કે ઇસરોએ મંગળ યાનને છ મહિનાના મિશન પર મોકલ્યું હતું પરંતુ આજે ચાર વર્ષ પછી પણ તે સારી અવસ્થામાં છે અને વૈજ્ઞાાનિકોને લગાતાર મંગળ ગ્રહની તસવીરો અને ડેટા મોકલતું રહે છે. ઇસરોના વૈજ્ઞાાનિકોના જણાવ્યા અનુસાર મંગળ યાન હજુ પણ આવતા આઠ-દસ વર્ષ સુધી કાર્યરત રહે તેવી શક્યતા છે.
બીજી નોંધવા જેવી બાબત એ હતી કે ઇસરોને પહેલા જ પ્રયાસે છેક મંગળ સુધી અવકાશયોન મોકલવામાં સફળતા મળી હતી. અમેરિકાએ તેનું પહેલું અંતરિક્ષયાન મંગળ સુધી પહોંચાડયુ એ પહેલા તેના ૬ મિશન નિષ્ફળ નીવડયા હતાં. તો રશિયા અને યુરોપી સંઘને પણ અનેક પ્રયાસો બાદ મંગળ સુધી પહોંચવામાં કામિયાબી મળી હતી. ઇસરોની સિધ્ધિ સમજવી હોય તો એટલું ધ્યાનમાં રાખીએ કે માર્સ ઓર્બિટર મિશન પહેલાં દુનિયાભરના દેશોએ મળીને કુલ ૫૧ મિશન મોકલ્યા હતાં જેમાંથી માત્ર ૨૧ને જ સફળતા મળી હતી.
અવકાશ ક્ષેત્રે એક પછી એક મોટી છલાંગો લગાવી રહેવા ઇસરોની સૌથી મોટી તાકાત છે સ્વદેશી નિર્માણ. પહેલા ઉપગ્રહ આર્યભટ્ટ લોન્ચ થયાની સાથે જ ઇસરોએ પોતાની ટેકનોલોજી વિકસાવવા પર સૌથી વધારે કામ કર્યું છે જે આજ દિન પર્યંત જારી છે. પછી એ રોકેટ ટેકનિક હોય, પોતાનું ક્રાયોજેનિક એન્જિન બનાવવાનું હોય કે પછી ચંદ્રયાન અને મંગળયાન જેવા મિશન હોય, ભારતીય વૈજ્ઞાાનિકોએ જાતમહેનત અને સ્વદેશી ધોરણે ઘણી ખરી કામગીરી પાર પાડી છે. અવકાશ યાત્રા માટે જરૂરી સાધનસરંજામ જાતે જ વિકસાવવાના કારણે ભારતના સ્પેસ મિશન ઘણાં કિફાયતી હોય છે.
ઇસરોના અધ્યક્ષ કે. સિવને તાજેતરમાં એવું પણ કહ્યું છે કે ભારત પોતાનું સ્પેસ સ્ટેશન લોન્ચ કરવાની યોજના પણ બનાવી રહ્યું છે. ઇસરોના મહત્ત્વાકાંક્ષી ગગનયાન મિશનના વિસ્તરણરૂપે સ્પેસ સ્ટેશન અભિયાન આદરવામાં આવશે. ઇસરોની ગણતરી વર્ષ ૨૦૨૨માં ગગનયાન મિશનની શરૂઆત કરવાની છે જેમાં ભારત સમાનવ અવકાશયાત્રા યોજશે.
એ પછી ૨૦૩૦ સુધીમાં ભારત પોતાનું સ્પેસ સ્ટેશન પણ લોન્ચ કરી શકે છે. આ સ્પેસ સ્ટેશનનું વજન આશરે ૨૦ ટન જેટલું હશે. અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીન પાસે જ પોતાના સ્પેસ સ્ટેશન છે. આ ઉપરાંત અમેરિકા, રશિયા અને યુરોપના અનેક દેશો દ્વારા સંચાલિત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અવકાશમાં મોજૂદ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ સુરક્ષા મામલાઓમાં કેબિનેટ કમિટીની બેઠકમાં અવકાશમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ડિફેન્સ સ્પેસ રિસર્ચ એજન્સી નામે અલગ એજન્સીની સ્થાપના કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ એજન્સી અવકાશમાં યુદ્ધ માટેની ટેકનિક વિકસિત કરશે. આ એજન્સીના વૈજ્ઞાાનિકો સેનાની ત્રણેય પાંખ સાથે સમન્વય સાધીને કામ કરશે. આ એજન્સીની જરૂરિયાત એટલા માટે ઊભી થઇ છે કે ભવિષ્યના યુદ્ધો જળ, જમીન અને આકાશ ઉપરાંત અંતરિક્ષમાં પણ ખેલાવાના છે. યુદ્ધના સમયે જો દુશ્મન દેશ કોઇ ભારતીય ઉપગ્રહને નિશાન બનાવે તો સંચાર વ્યવસ્થા જોખમમાં મૂકાઇ શકે છે.
જાણકારોના મતે ભવિષ્યમાં અવકાશમાં યુદ્ધનો નવો મોરચો ખૂલી શકે છે. અવકાશી યુદ્ધની શક્યતાઓને જોતાં જ અનેક દેશો હવે સ્પેસમાં પોતાની તાકાત વધારવામાં પડયાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પેસ ફોર્સ બનાવવાની જાહેરાત કરી છે. આ પહેલાં સ્પેસ ફોર્સ માત્ર રશિયા પાસે જ હતું. રશિયાના પગલે અમેરિકા અને ચીન પણ સ્પેસ વૉર માટે કમર કસી રહ્યાં છે. તો ભારત પણ આ મામલે પાછળ નથી. હવે ભારતે પણ અવકાશક્ષેત્રે મહાશક્તિ બનવાની જાહેરાત કરી દીધી છે.
થોડા મહિના પહેલાં જ ભારતે મિશન શક્તિ દ્વારા સ્પેસ વૉરની દિશામાં મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી છે. માર્ચ મહિનામાં ભારતે એન્ટિ સેટેલાઇટ મિસાઇલ વડે અવકાશમાં રહેલા એક સેટેલાઇટને તોડી પાડયો. ભારત પહેલા અમેરિકા, રશિયા અને ચીન એમ ત્રણ દેશો પાસે જ એન્ટી સેટેલાઇટ મિસાઇલની ક્ષમતા હતી. જોકે આજ સુધી કોઇ દેશે બીજા દેશના સેટેલાઇટ ઉપર એન્ટી સેટેલાઇટ મિસાઇલનો પ્રયોગ કર્યો નથી. પરંતુ ભારત માટે ચિંતાનો વિષય એ હતો કે ચીન આવી ક્ષમતા ધરાવે છે.
ભારતે એન્ટી સેટેલાઇટ મિસાઇલ દ્વારા દુનિયાને પોતાની શક્તિનો પરિચય તો આપ્યો જ, સાથે સાથે ચીનને પણ સ્પષ્ટ સંકેત આપ્યો કે ભારત ઉપર તોળાતા જાસૂસી ઉપગ્રહો જોખમરૂપ જણાશે તો તેનો ખાત્મો બોલાવી દેવામાં આવશે. પાકિસ્તાન તરફ ચીનના લગાવ અને ભારત માટે કાયમ પડકાર સર્જતા રહેવાના ચીનના વલણના કારણે ચીનને આ સંદેશ આપવો અત્યંત જરૂરી હતો.
સ્પેસને લગતા સંશોધનો નવા યુગમાં પ્રવેશ કરી રહ્યાં છે. આવનારા સમયમાં સેટેલાઇટ લોન્ચિંગ જ નહીં પરંતુ સમાનવ અવકાશયાત્રા યોજવા માટે સ્પેસ એજન્સીઓ તૈયાર થઇ રહી છે ત્યારે ઇસરોએ પણ એ દિશામાં પ્રગતિ કરવા માટે મક્કમ છે. આપણા માટે ગર્વ લેવા જેવી બાબત એ છે કે ઇસરોએ સ્વદેશી ટેકનિક અને પ્રતિભાના જોરે દુનિયાભરમાં નામના મેળવી છે.
લોન્ચિંગ કે નવી યોજનાઓની ગુંચવણોને આપણા વૈજ્ઞાાનિકો પોતાના મૌલિક અંદાજથી ઉકેલતા આવ્યાં છે. વર્ષોવર્ષ ઇસરોએ જે રીતે અવકાશ ક્ષેત્રે પોતાનો દબદબો વધાર્યો છે એ આવનારા સમયમાં પણ ચાલુ રહેશે એ નક્કી છે.