પરમાણુ શસ્ત્રોના ઢગલા પર બેઠી છે દુનિયા
- ભારતના 150 અણુબોમ્બની સરખામણીમાં પાકિસ્તાન પાસે 160 તો ચીન પાસે 320 અણુબોમ્બ
- ભારત પાસે ભલે મોટી સંખ્યામાં પરમાણુ હથિયારો હોય પરંતુ પરમાણુ હથિયારોના પ્રયોગના મામલે ભારત એક જવાબદાર રાષ્ટ્ર છે અને પહેલો પરમાણુ હુમલો ન કરવાની નીતિને અપનાવી છે જોકે ચીન અને પાકિસ્તાનની મીલીભગતના કારણે જ ભારતે પરમાણુ હથિયારો વિકસાવવાની અને મોટો જથ્થો ઊભો કરવાની જરૂર પડી છે
સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટયૂટ (સિપરી)ના નવા રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૨૦માં દુનિયાભરમાં પરમાણુશસ્ત્રોની સંખ્યા ઘટી છે પરંતુ પરમાણુ શસ્ત્રો ધરાવતા ૯ દેશો પોતાના પરમાણુ ભંડારોનું આધુનિકીકરણ કરી રહ્યાં છે. સિપરીના અનુમાન પ્રમાણે ભારત પાસે હાલ ૧૫૦ અણુ બોમ્બ છે. જોકે ચિંતાની બાબત એ છે કે ચીન અને પાકિસ્તાન ભારત કરતાં વધારે પરમાણુ શસ્ત્રો ધરાવે છે. સિપરીના અનુમાન પ્રમાણે પાકિસ્તાન પાસે ૧૬૦ અણુ બોમ્બ છે તો ચીન પાસે ૩૨૦ અણુબોમ્બ છે.
સ્વીડનની સંસદે ૧૯૬૬માં સિપરીના ટૂંકા નામે ઓળખાતી સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટયૂટની રચના કરી ત્યારથી આ સંસ્થા દુનિયાભરના લશ્કરી ખર્ચ અને હથિયારોના વેપાર પર નજર રાખે છે. સિપરીના રિપોર્ટ અનુસાર પરમાણુશસ્ત્ર સંપન્ન ૯ દેશો અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન, ઇઝરાયેલ અને ઉત્તર કોરિયા પાસે કુલ મળીને ૧૩,૪૦૦ પરમાણુ શસ્ત્રો છે. સિપરીના અંદાજ અનુસાર ગયા વર્ષે આ સંખ્યા ૧૩,૮૬૫ હતી, મતલબ કે એક વર્ષમાં પરમાણુ શસ્ત્રોની સંખ્યામાં ૪૬૫નો ઘટાડો થયો છે.
પરમાણુ શસ્ત્રોની આ સંખ્યામાં સક્રિય હથિયાર, ભંડારમાં પડેલા હથિયાર અને નષ્ટ કરવા માટેના હથિયારોનો સમાવેશ થાય છે. પરમાણુ શસ્ત્રોમા જે ઘટાડો નોંધાયો છે એ ખાસ તો રશિયા અને અમેરિકા જે આઉટ ડેટેડ થઇ ગયેલા પરમાણુ શસ્ત્રોનો નાશ કરી રહ્યાં છે એના લીધે છે. આ બંને દેશો પાસે મળીને જ દુનિયાભરના કુલ પરમાણુ શસ્ત્રોના ૯૦ ટકા જેટલા છે. સિપરીના અનુમાન પ્રમાણે અમેરિકા પાસે ૫૮૦૦ અણુબોમ્બ અને રશિયા પાસે ૬૨૭૫ અણુબોમ્બ છે.
બ્રિટન પાસે ૨૧૫ અણુશસ્ત્રો, ફ્રાન્સ પાસે ૨૯૦, ઇઝરાયેલ પાસે ૯૦ અને ઉત્તર કોરિયા પાસે ૩૦થી ૪૦ અણુશસ્ત્રો હોવાનું અનુમાન છે. જોકે ઉત્તર કોરિયાના અણુશસ્ત્રોને ગણતરીમાં લેવાયા નથી. સિપરીના દાવા અનુસાર આશરે ૧૮૦૦ જેટલા અણુશસ્ત્રો તો ઉપયોગ માટે રેડી પોઝિશનમાં છે.
બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે શરૂ થયેલા શીત યુદ્ધ દરમિયાન બંને દેશો વચ્ચે અણુ હથિયારોની સંખ્યા વધારવાની હોડ જામી. શીત યુદ્ધની ચરમસીમાએ ૧૯૮૫માં અમેરિકા પાસે ૨૧,૩૯૨ પરમાણુ હથિયારો તો સોવિયેત પાસે ૩૯,૧૯૭ પરમાણુ હથિયારોનો અધધ કહી શકાય એટલો મોટો જથ્થો હતો. જોકે ૯૦ના દાયકામાં સોવિયત સંઘના વિઘટન સાથે શીત યુદ્ધનો અંત આવ્યો અને આ દેશોને તેમના પરમાણુ શસ્ત્રોના જથ્થામાં કાપ મૂકવાની અનિવાર્યતા સમજાઇ.
આજે દુનિયાભરમાં પરમાણુ હથિયારો પર રોક લગાવવી અથવા તો તેમને નાબૂદ કરવા એટલા માટે જરૂરી બની ગયું છે કે પરમાણુ હથિયારોનું જોખમ સતત વિશ્વને તબાહીની કગાર પર ધકેલી દીધું છે. એ સાથે જ પરમાણુ હથિયારોનું પરીક્ષણ પણ માનવજાત માટે મોટું જોખમ છે. આજે વિકસિત દેશોની સાથે સાથે વિકાસશીલ દેશો પણ પરમાણુ હથિયારની હોડમાં ઉતર્યાં છે અને કેટલાક દેશો તો હજુ પણ પરીક્ષણ કરી રહ્યાં છે.
થોડા વર્ષો પહેલાં ઉત્તર કોરિયાએ હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરીને દુનિયાને ચોંકાવી દીધી હતી. તો અમેરિકાની ઇરાન સાથેની પરમાણુ સંધિ રદ્ થયા બાદ ઇરાન પણ પરમાણુ શસ્ત્રો વિકસાવી રહ્યું હોવાની આશંકા છે. બીજી બાજુ પાકિસ્તાન વાત વાતમાં પરમાણુ હુમલાની ધમકી આપ્યા કરતું હોય છે.
પરમાણુ હુમલાથી માનવતાને જે નુકસાન થાય છે તે તો દુનિયા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો પર કરેલા પરમાણુ બોમ્બના પ્રયોગ બાદ જોઇ જ ચૂકી છે. જાપાનના આ બે શહેરો ઉપર ઝીંકવામાં આવેલા પરમાણુ બોમ્બે ૧,૨૯,૦૦૦ લોકોનો ભોગ લીધો હતો અને જાપાનની અનેક પેઢીઓને રેડિયો એક્ટિવિટીના કારણે ભયંકર નુકસાન થયું હતું. આજે પણ દુનિયાના કેટલાક દેશો વચ્ચે પરમાણુ યુદ્ધની સંભાવના બનેલી છે જેના પરિણામો અતિ ભયંકર આવી શકે છે.
આજે પરમાણુ યુદ્ધનું સૌથી વધારે જોખમ દક્ષિણ એશિયાના માથે ભમી રહ્યું છે. ભારત, પાકિસ્તાન અને ચીન એમ ત્રણ દેશો પરમાણુ હથિયારોનો મોટો જથ્થો ધરાવે છે અને હવે આ હોડમાં ઉ.કોરિયા પણ જોડાયું છે. તો ઇરાન પણ દુનિયાભરના દેશોની નામરજી છતાં છૂપી રીતે અણુ હથિયારો વિકસાવી રહ્યું છે.
જાણકારોના મતે છેલ્લા થોડા વર્ષોમાં ભારત, પાકિસ્તાન અને ચીન વચ્ચે પરમાણુ ક્ષમતામાં એકબીજા કરતા આગળ નીકળવાની રીતસરની હોડ લાગી છે. આ હોડનો અંજામ ખતરનાક આવી શકે છે. ખાસ તો એટલા માટે કે આ દેશો વચ્ચે પરસ્પર અવિશ્વાસનો માહોલ અને યુદ્ધનો ઇતિહાસ પણ રહેલો છે.
ભારત પાસે મોટી સંખ્યામાં પરમાણુ હથિયારો છે પરંતુ પરમાણુ હથિયારોના પ્રયોગના મામલે ભારત એક જવાબદાર રાષ્ટ્ર છે અને પહેલો પરમાણુ હુમલો ન કરવાની નીતિને અપનાવી છે. બીજી બાજુ આર્થિક અને રાજકીય રીતે અસ્થિર રહેલું પાકિસ્તાન હથિયારોના મામલે કાયમ ભારત સાથે હરિફાઇમાં લાગેલું રહે છે. પાકિસ્તાન એવા દેશોમાં સામેલ છે જેના પરમાણુ હથિયારોના જથ્થામાં સૌૈથી ઝડપથી વૃદ્ધિ થઇ છે.
ખાસ વાત એ કે પરમાણુ યુદ્ધ અંગે પાકિસ્તાનની કોઇ સ્પષ્ટ નીતિ નથી. તો ચીને પણ ભારતની જેમ પહેલો પરમાણુ હુમલો ન કરવાની નીતિ અપનાવેલી છે. જોકે ભારત માટે ચિંતાની બાબત એ છે કે પાકિસ્તાન પોતાના અર્ધાથી વધારે શસ્ત્રો ચીનથી આયાત કરે છે. ખરેખર તો ચીન અને પાકિસ્તાનની મીલીભગતના કારણે જ ભારતે પરમાણુ હથિયારો વિકસાવવાની અને મોટો જથ્થો ઊભો કરવાની જરૂર પડી છે.
ચીનની વધી રહેલી અણુક્ષમતાથી અમેરિકા પણ ચિંતિત છે અને ૨૮ વર્ષ બાદ ફરી વખત અણુપરીક્ષણ કરવાનું વિચારી રહ્યું છે. પરમાણુ શસ્ત્રોની દુનિયામાં પોતાનો દબદબો જાળવી રાખવાની અમેરિકાની મહેચ્છા જગજાહેર છે. હથિયારોના બળે જ અમેરિકા આખી દુનિયા ઉપર દાદાગીરી કરે છે.
પરંતુ છેલ્લા થોડા સમયથી રશિયા અને ચીન જેવા સામ્યવાદી દેશો તેના માટે પડકાર ઊભો કરી રહ્યાં છે. ખાસ કરીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓના કારણે પરમાણુ શસ્ત્રોની નવેસરથી હોડ જામવાની વકી છે. અત્યાર સુધીના અમેરિકી રાષ્ટ્રપતિઓની નીતિ એવી રહી હતી કે પરમાણુ શસ્ત્રોનો જંગી ભંડાર ઘટાડવો અને શસ્ત્ર નિયંત્રણના નવા કરાર કરવા.
જ્યારે ટ્રમ્પનું માનવું છે કે પરમાણુ શસ્ત્રોના જોખમને કાબુમાં રાખવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે શસ્ત્રોના ભંડારો વધારવા અને નવા નવા આધુનિક શસ્ત્રો વિકસાવવા. આમ તો છેક આઇઝનહોવરના જમાનાથી અમેરિકી રાષ્ટ્રપતિઓ પરમાણુ યુદ્ધ ટાળવાની વાતો કરતા આવ્યાં છે પરંતુ ટ્રમ્પના તેવર સાવ અલગ છે. ટ્રમ્પ તો દુનિયાએ કદી ન જોયું હોય એવું પરમાણુ યુદ્ધ છેડવાની ધમકી પણ આપી ચૂક્યાં છે.
વિશ્વના દેશોની સરકારોએ એ વાત સમજવાની જરૂર છે કે પરમાણુ હથિયારો રાખવા કેવા વ્યર્થ છે. પરમાણુ હથિયારના પ્રયોગથી માનવજાતને જે અકલ્પનીય નુકસાન થશે એ માટે કોઇ માનવતાવાદી અભિગમ પૂરતો સાબિત નહીં થાય એટલા માટે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ થતો અટકાવવા માટે પરમાણુ શસ્ત્રોની સંપૂર્ણ નાબૂદી જ એક માત્ર ઉપાય છે. જો માત્ર એક પરમાણુ બોમ્બ કોઇ મોટા શહેર પર ઝીંકવામાં આવે તો લાખોની સંખ્યામાં લોકોના મૃત્યુ થઇ શકે છે અને દાયકાઓ સુધી કિરણોત્સર્ગની અસરો એ શહેરને બરબાદ કરી શકે છે.
સિપરીના દાવા અનુસાર પરમાણુ હથિયાર ધરાવતા ૯ દેશો ભેગા મળીને ન્યુક્લિયર વેપન પાછળ વર્ષે આશરે ૧૦૫ અબજ ડોલર જેટલો ખર્ચ કરે છે. જો આ શસ્ત્રો જ નાબૂદ કરી દેવામાં આવે તો આટલી મોટી રકમ આ દેશો પોતાના લોકોના સ્વાસ્થ્ય, શિક્ષણ અને કુદરતી આફતો સામે રક્ષણ કરવામાં વાપરી શકે એમ છે.
આજે પરિસ્થિતિ એવી છે કે કોઇ એકલદોકલ દેશ પરમાણુ હથિયારોના મહાસંકટને નાથી શકવા સક્ષમ નથી. દુનિયાના તમામ દેશોએ અને તમામ તાકાતોએ ભેગા મળીને આ દિશામાં કામ કરવાની જરૂર છે. પરમાણુ હથિયારો પર ખર્ચ વધારવાથી સામાજિક-આર્થિક વિકાસ માટે થનારા ખર્ચમાં જ કાપ મૂકાશે જેનું નુકસાન અંતે તો જે-તે દેશના લોકોને જ ભોગવવું પડશે. આ સંજોગોમાં વૈશ્વિક સમુદાયે ભેગા મળીને જ પરમાણુ હથિયારોના પ્રસાર અટકાવવા માટે અને તેમની નાબૂદી માટે આગળ આવવાની જરૂર છે.