Get The App

'હાઉડી મોદી' બાદ 'કેમ છો ટ્રમ્પ'નો ઉન્માદ છવાશે

- અમેરિકાના રાષ્ટ્પતિ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી ભારતયાત્રા પૂર્વે ઉત્સાહનો માહોલ

- અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી આવી રહી છે અને અમેરિકાના રાજકારણમાં છેલ્લા થોડા વર્ષોથી ભારતીય મૂળના લોકોનું મહત્ત્વ વધ્યું છે એવામાં ટ્રમ્પ પોતાની ભારતયાત્રા દ્વારા અમેરિકાના ભારતીય સમુદાયને આકર્ષવાના પ્રયાસ કરશે

Updated: Feb 16th, 2020

GS TEAM

Google News
Google News
'હાઉડી મોદી' બાદ 'કેમ છો ટ્રમ્પ'નો ઉન્માદ છવાશે 1 - image


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ મહિનાના અંતે ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. ટ્રમ્પની આ પહેલી ભારતયાત્રા છે. ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાયાત્રા દરમિયાન તેમને આવકારવા માટે હ્યુસ્ટન ખાતે જે રીતે 'હાઉડી મોદીદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એ જ તર્જ પર ભારતમાં ટ્રમ્પને આવકારવા માટે અમદાવાદ ખાતે 'કેમ છો ટ્રમ્પદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

હાલ તો ટ્રમ્પના અભિવાદન માટેના આ કાર્યક્રમની ઘણી ચર્ચા છે અને જે રીતે અમેરિકામાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવ્યું એનો આ કાર્યક્રમ પ્રત્યુત્તર હશે એવું મનાઇ રહ્યું છે. ફરક માત્ર એટલો હશે કે 'હાઉડી મોદીદ કાર્યક્રમમાં પચાસ હજારની જનમેદની હાજર હતી જ્યારે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેના 'કેમ છો ટ્રમ્પદ કાર્યક્રમમાં એના કરતા અનેક ગણી વધારે જનમેદની હશે. ટ્રમ્પ તો એ વાતે જ ઉત્સાહિત છે કે તેઓ અમદાવાદ પહોંચશે ત્યારે એરપોર્ટથી લઇને સ્ટેડિયમ સુધી તેમના સ્વાગતમાં લાખો લોકોની મેદની ઉમટી હશે. 

કોઇ પણ વિદેશી શાસક જ્યારે દેશની મુલાકાતે આવતા હોય ત્યારે તેનું ખાસ મહત્ત્વ હોય છે. એમાંયે જ્યારે દુનિયાની સૌથી મોટી મહાસત્તા અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યારે દેશની મુલાકાતે આવી રહ્યાં હોય ત્યારે તેનું મહત્ત્વ ઓર વધી જાય છે. દુનિયાના સૌથી શક્તિશાળી રાષ્ટ્ના વડાને આવકારવા માટે ભારત જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. તો સામે પક્ષે અમેરિકામાં પણ ટ્રમ્પની ભારતયાત્રાને લઇને ખાસો ઉત્સાહ છે. ટ્રમ્પની ભારતયાત્રા દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોને આગળ વધારવાની દિશામાં તો ચર્ચા થશે જ સાથે સાથે વૈશ્વિક રાજકારણ અને વ્યાવસાયિક સંબંધો અંગે પણ ચર્ચા થશે. 

હાઉડી મોદી કાર્યક્રમ આમ તો ભારતીય અમેરિકનોએ વડાપ્રધાન મોદીના સન્માનમાં આયોજિત કર્યો હતો પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ કાર્યક્રમમાં હાજરીથી માહોલ જ બદલાઇ ગયો. હાઉડી મોદી કાર્યક્રમથી ભારત અને અમેરિકા વચ્ચે સંબંધોના નવા યુગની શરૂઆત થઇ. ટ્રમ્પ માત્ર કાર્યક્રમમાં હાજર જ ન રહ્યાં, પરંતુ તેમણે મંચ પરથી ભાષણ પણ આપ્યું અને વડાપ્રધાન મોદીની ભરપેટ પ્રશંસા કરી અને કહ્યું કે આતંકવાદથી લઇને વ્યાવસાયિક સંબંધો મજબૂત કરવામાં અમેરિકાએ ભારતને મજબૂત સાથ આપ્યો.

ટ્રમ્પ એવા સમયે ભારત આવી રહ્યાં છે જ્યારે થોડા સમયમાં જ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી આવી રહી છે અને ટ્રમ્પ એમાં ફરી વખત ઝંપલાવી રહ્યાં છે. મહાભિયોગના મામલામાં વિજય મળ્યા બાદ ટ્રમ્પનો આત્મવિશ્વાસ બુલંદ છે. છેલ્લા થોડા વર્ષોથી અમેરિકાના રાજકારણમાં ભારતીયોની ભૂમિકા ઘણી મહત્ત્વની બની છે. જોકે મોટા ભાગના ભારતીય મૂળના લોકો ડેમોક્રેટિક પાર્ટી સાથે જોડાયેલા છે કારણ કે ડેમોક્રેટ્સની નીતિઓ બહારથી આવીને વસેલા લોકોને અનુકૂળ હોય છે. આ પાર્ટી વિઝા પોલિસી સરળ બનાવે છે અને વિદેશી નાગરિકોને તમામ સુવિધાઓ પૂરી પાડે છે. એ જ કારણ છે કે ભારતીય મૂળના લોકો અમેરિકાની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીને વધારે આર્થિક મદદ કરે છે. બીજી બાજુ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની વિચારધારા દક્ષિણપંથી છે અને રાષ્ટ્રવાદમાં માનનારી છે. ટ્રમ્પ અને તેમની પાર્ટી માટે અમેરિકાનું હિત સર્વોપરી છે. 

એમાંયે ટ્રમ્પ તો અમેરિકામાં રાષ્ટ્વાદની ભાવનાને એક નવા જ સ્તરે લઇ ગયા છે. ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્પતિ બન્યા ત્યારથી અમેરિકામાં રાષ્ટ્રવાદને જગાવવા પ્રયાસ કરી રહ્યાં છે. એ માટે તેમણે આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ આકરા પગલાં લીધા છે. તેમના ભાષણોમાં પણ અમેરિકા ફર્સ્ટની વાતો ખાસ સાંભળવા મળતી હોય છે. ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી મોટે ભાગે વિદેશીઓ વિરુદ્ધની પોલિસી ઘડવાની વાતો કરતી હોય છે. ટ્રમ્પના સત્તામાં આવ્યા બાદ અમેરિકાની વિઝા પોલિસી પણ ઘણી કઠિન બની છે. એ કારણે બીજા દેશોમાંથી આવીને વસેલા લોકોની જેમ જ ભારતીયો પણ રિપબ્લિકન પાર્ટીથી દૂર રહેવાનું પસંદ કરે છે. અમેરિકન કોંગ્રેસમાં પણ ભારતીય મૂળના જેટલા સભ્યો છે એ ડેમોક્રેટિક પાર્ટીના છે જેમાં તુલસી ગબાર્ડ અને કમલા હેરિસ જેવા નેતાઓ પણ સામેલ છે. 

છેલ્લા થોડા સમયથી રિપબ્લિકન પાર્ટી અને ખાસ તો ટ્રમ્પ ભારતીય મૂળના લોકોને આકર્ષવાના પ્રયાસ કરી રહ્યાં છે. વડાપ્રધાન મોદી સાથેની તેમની નિકટતાને પણ ઘણાં લોકો એ દિશાનો પ્રયાસ જ ગણે છે. હકીકતમાં ટ્રમ્પ અને મોદીની ઘનિષ્ઠતાના કારણે ભારતીય મૂળના લોકોનો એક મોટો વર્ગ ધીમે ધીમે રિપબ્લિક પાર્ટી તરફ ખસી રહ્યો છે જેમની ભૂમિકા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મહત્ત્વની બની રહેવાની છે. એ જ કારણે વડાપ્રધાન મોદીની સભાને ટ્રમ્પે પોતાના માટે એક અવસર ગણીને ભારતીય મૂળના લોકોને પોતાની તરફેણમાં કરવાનો પ્રયાસ કર્યો હતો.

અમેરિકાની પાછલી ઘણી ચૂંટણીઓમાં જોવા મળ્યું છે કે ત્યાં વસતા ભારતીય મૂળના લોકો રાજકીય પક્ષોને સારું એવું ભંડોળ આપતા હોય છે. ટ્રમ્પને ભારતયાત્રા બાદ અમેરિકામાં વસતા ભારતીય સમુદાય પર છાપ છોડવામાં મદદ મળી શકે છે. આમ પણ વર્ષ ૨૦૦૦માં બિલ ક્લિન્ટનની ભારતયાત્રા બાદ દરેક અમેરિકન રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવ્યાં છે. બરાક ઓબામા તો બે વખત ભારતની મુલાકાતે આવ્યા હતાં. હકીકતમાં ઓબામાકાળમાં શરૂ થયેલા અમેરિકા અને ભારતના મૈત્રીપૂર્ણ સંબંધોને ટ્મ્પ આગળ ધપાવી રહ્યાં છે એટલું જ નહીં વધારે ને વધારે ગાઢ પણ બનાવી રહ્યાં છે. અમેરિકાની નવી સુરક્ષા નીતિમાં ટ્રમ્પે હિન્દ મહાસાગર અને પેસિફિક ક્ષેત્રમાં ભારતના નેતૃત્ત્વની ભૂમિકાનું સમર્થન પણ કરી ચૂક્યાં છે.

એ વાત નિર્વિવાદ છે કે અમેરિકા દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ છે અને એ કારણે જ તેની તમામ ગતિવિધિઓ પર દુનિયાની નજર રહેતી હોય છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ સોવિયેત સંઘ સાથે શરૂ થયેલા શીત યુદ્ધના સમય દરમિયાન અમેરિકાએ અનેક દેશોને પોતાના સહયોગી બનાવ્યાં હતાં. એ વખતે ભારત તેના કટ્ટર શત્રુ સોવિયેત સંઘનું મિત્ર બની રહ્યું હતું. જોકે સોવિયેત સંઘના પતન અને શીત યુદ્ધની સમાપ્તિ બાદ વૈશ્વિક સમીકરણો બદલાયા છે. પોતાને ટક્કર આપે તેવા શત્રુની ગેરહાજરીમાં અમેરિકાએ વૈશ્વિક શક્તિ સંતુલનને મનફાવે એમ અસર કરી છે. શીત યુદ્ધની સમાપ્તિ બાદ નવેસરથી સહયોગીઓ બનાવ્યા અને તાબે ન થનાર કે સામે પડનાર દેશોને તબાહ કર્યા. અમેરિકાની કાયમની કોશિશ રહી છે કે દુનિયા તેના ઇશારે ચાલે.

જોકે અમેરિકા સાથે સહયોગ વધાર્યા બાદ પણ ભારતે પોતાની આગવી નીતિઓ જાળવી રાખી છે. ભારતને હથિયારો અને સંરક્ષણ ટેકનોલોજી પૂરી પાડતા મુખ્ય દેશોમાં રશિયા સામેલ છે. ભારતની અનેક સુરક્ષા સિસ્ટમ રશિયા પાસેથી ખરીદવામાં આવી છે. હાલ અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ વ્યાપી રહ્યો છે ત્યારે પણ ભારતે પોતાની રક્ષાસંબધી જરૂરિયાતોને પૂરી કરવા રશિયાનો સહારો લેવો પડે છે. રશિયા પાસેથી ભારતને શસ્ત્રો ખરીદતા અટકાવવા અમેરિકાએ ઘણાં પ્રયાસો કર્યાં છે પરંતુ ભારતે પોતાની વિદેશ નીતિને જાળવી રાખતા અમેરિકાને જણાવી દીધું છે કે તેના માટે પોતાના હિતો સર્વોપરી રહેશે.

ભારતની વધી રહેલી અર્થવ્યવસ્થા, વિશાળ બજાર અને દુનિયાભરમાં રહેલા ભારતીયોના કારણે ભારત અમેરિકા માટે મહત્ત્વનો દેશ બની ગયું છે. અમેરિકામાં સોથી વધારે ભારતીય કંપનીઓએ દસ અબજ ડોલરથી વધારે રોકાણ કરેલું છે અને હજારો લોકોને રોજગાર પણ આપ્યો છે. એ ઉપરાંત લગભગ બે લાખ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકાની અર્થવ્યવસ્થામાં સાત અબજ ડોલરનું યોગદાન આપે છે. બંને દેશો વચ્ચેનો વેપાર વર્ષ ૨૦૧૫ સુધીમાં ઉછાળો મારીને ૨૩૮ અબજ ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે એવામાં ભારતની અવગણના ટ્મ્પ કરી શકે એમ નથી. તો ભારત માટે પણ પોતાના વ્યૂહાત્મક અને આર્થિક હિતો જાળવી રાખવા અમેરિકાનો સાથ જરૂરી છે.

ટ્મ્પની ભારતયાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે મહત્ત્વપૂર્ણ વેપાર સમજૂતિ થવાની છે.

 અગાઉ ટ્રમ્પની આર્થિક નીતિઓએ ભારતને વખતોવખત આંચકા આપ્યાં છે. તેમની લાંબા સમયથી માંગ રહી છે કે ભારત અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ ઘટાડે. સ્પષ્ટ છે કે આ મામલે ભારતે સાવચેતીપૂર્વક આગળ વધવું પડશે.

Tags :