સબરીમાલા વિવાદઃઆસ્થા વિરુદ્ધ અધિકારની લડાઇ ચાલુ રહેશે
- મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગેના ચુકાદા સામેની રિવ્યૂ પિટિશનને સુપ્રીમ કોર્ટે સાત જજોની મોટી બેન્ચને ટ્રાન્સફર કરી
- આપણા દેશમાં જોકે ધાર્મિક મામલાઓમાં રાજકારણ પણ ભળી જાય છે અને રાજકીય પક્ષો જુદાં જુદાં ધર્મો, સંપ્રદાયો કે વર્ગવિશેષની વોટબેંક હસ્તગત કરવા અનુકૂળ સ્ટેન્ડ લેતા હોય છે જે જોતાં સબરીમાલા વિવાદમાં પણ આવનારા સમયમાં રાજકારણ ચાલુ રહેશે
કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને અનુમતિ આપતા સુપ્રીમ કોર્ટના ચુકાદા મામલે થયેલી પુનર્વિચાર યાચિકાઓ પર કોર્ટે ફેંસલો સંભળાવતા કેસ સાત જજોની મોટી બેન્ચને મોકલવાનો નિર્ણય કર્યો છે. એ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સબરીમાલા મંદિરમાં મહિલાઓનો પ્રવેશ જારી રહેશે. એ સાથે જ ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ મહત્ત્વનું અવલોકન કરતા કહ્યું છે કે ધાર્મિક સ્થળોએ મહિલાઓના પ્રવેશનો મામલો માત્ર સબરીમાલા મંદિર પૂરતો જ સીમિત નથી.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બનેલી બેન્ચે ચાર વિરુદ્ધ એક મતે આપેલા ચુકાદામાં કહ્યું હતું કે ભગવાન અયપ્પા હિંદુ હતાં અને તેમના ભક્તોનો અલગ ધર્મ ન બનાવો. કોર્ટે કહ્યું હતું કે ભગવાન સાથેનો સંબંધ દૈહિક નિયમો દ્વારા નક્કી ન થઇ શકે. તમામ શ્રદ્ધાળુઓને મંદિરમાં આવવાનો અને પૂજા કરવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું એમ પણ કહ્યું હતું કે મહિલાઓને મંદિરમાં પૂજા કરતા રોકવી એ તેમની ગરિમાનું અપમાન છે. હકીકતમાં પાંચ મહિલા વકીલોના એક સમૂહે કેરલા હિન્દુ પ્લેસિસ ઓફ પબ્લિક વર્શીપ (ઓથોરાઇઝેશન ઓફ એન્ટ્રી) રુલ્સ, ૧૯૬૫ના રૂલ ૩-બીને કોર્ટમાં પડકાર્યો હતો. અગાઉ કેરળ હાઇકોર્ટે સદીઓથી ચાલી આવતી પરંપરાને ચાલુ રાખવાનો ચુકાદો સંભળાવ્યો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે માત્ર પુજારી જ પરંપરાઓ ઉપર નિર્ણય લેવા માટે અધિકૃત છે. યાચિકાકર્તાઓની દલીલ હતી કે મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની ઉંમરની મહિલાઓના પ્રવેશ ઉપર રોક લગાવતો નિયમ ભેદભાવ કરનારો છે અને મહિલાઓને પણ પોતાની પસંદગીના સ્થાન ઉપર પૂજા કરવાની આઝાદી મળવી જોઇએ.
સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મામલે સુનાવણી માટે સુપ્રીમ કોર્ટના પાંચ જજોની જે બેન્ચ બનાવવામાં આવી હતી એમાં મહિલા જજ ઇન્દુ મલહોત્રા સામેલ હતાં. આ મામલામાં સુપ્રીમ કોર્ટે ૪-૧ મતે મહિલાઓને મંદિરમાં પ્રવેશવાની અનુમતિ આપતો ચુકાદો આપ્યો હતો. એ સમયે બેન્ચમાં સામેલ એક માત્ર મહિલા જજ ઇન્દુ મલહોત્રાએ આ ચુકાદાનો વિરોધ કર્યો હતો. જસ્ટીસ ઇન્દુ મલ્હોત્રાનો અભિપ્રાય હતો કે કોર્ટે ધાર્મિક માન્યતાઓમાં દખલ ન કરવી જોઇએ કારણ કે એની બીજા ધાર્મિક સ્થળો ઉપર પણ અસર પડશે.
જસ્ટીસ ઇન્દુ મલ્હોત્રાએ કહ્યું હતું કે દેશના જે ગહન ધાર્મિક મુદ્દા છે તેમને કોર્ટે છેડવા ન જોઇએ કે જેથી કરીને દેશમાં ધર્મનિરપેક્ષ માહોલ બનેલો રહે. તેમણે કહ્યું હતું કે મામલો સતીપ્રથા જેવા કુરિવાજોનો હોય તો કોર્ટે દરમિયાનગીરી કરવી જોઇએ પરંતુ એ સિવાય ધાર્મિક પરંપરાઓ કેવી રીતે નિભાવવી એમાં કોર્ટે દખલ ન કરવી જોઇએ. એ સાથે જ તેમણે એવી ચેતવણી પણ ઉચ્ચારી હતી કે આ મામલો માત્ર સબરીમાલા મંદિર સુધી જ સીમિત નહીં રહે પરંતુ અન્ય પૂજાસ્થાનો ઉપર પણ તેની દુરોગામી અસરો જોવા મળશે. તેમની એ વાત સાચી ઠરી છે અને હવે સુપ્રીમ કોર્ટની મોટી બેન્ચ સબરીમાલા મંદિરની સાથે અન્ય ધાર્મિક સ્થળોને પણ આવરી લેશે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ મહિલાઓનો મંદિરમાં પ્રવેશ શક્ય ન બન્યો. ચુકાદા બાદ ગયા વર્ષે પહેલી વખત ઓક્ટોબરમાં મંદિરના કપાટ ખૂલ્યાં ત્યારે મહિલાઓ પણ ભગવાન અયપ્પાના દર્શન માટે પહોંચી. એ વખતે માહોલ ભારે તણાવભર્યો હતો કારણ કે સુપ્રીમ કોર્ટના ચુકાદા છતાં મંદિરનું બોર્ડ મહિલાઓને પ્રવેશ આપવાના પક્ષમાં નહોતું. મંદિરમાં ભારે પોલિસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. એ દિવસે મંદિરના માર્ગમાં હિંસા થઇ, મહિલા પત્રકારો ઉપર હુમલા થયા, મીડિયાની ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી, પથ્થરમારો અને લાઠીચાર્જ થયો અને ઘણાં લોકોની ધરપકડ પણ થઇ. મંદિરે દર્શન કરવા માંગતી મહિલાઓને ૨૦ કિલોમીટર આગળ જ રોકી લેવામાં આવી અને અનેક મહિલાઓને તો અર્ધે રસ્તે જ પાછા ફરવું પડયું.
જોકે એ પછી પણ મહિલા સંગઠનોએ સબરીમાલા મંદિરમાં પ્રવેશવાનું અભિયાન ચાલુ રાખ્યું. ગયા વર્ષે નવેમ્બરમાં મહિલા એક્ટિવિસ્ટ તૃપ્તિ દેસાઇ પણ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવા કેરળ ગયાં. પરંતુ તેમને કોચિ એરપોર્ટ ઉપર જ રોકી રખાયા. એરપોર્ટ બહાર વિરોધીઓના પ્રદર્શન ચાલું હતાં. છેવટે સુરક્ષાના કારણોસર તેમણે એરપોર્ટ ઉપરથી જ પાછા ફરવું પડયું. એ પછી ડિસેમ્બરમાં તમિલનાડુના એક મહિલા સંગઠનની ૧૧ મહિલાઓએ મંદિરમાં પ્રવેશવાના પ્રયાસ કર્યાં પરંતુ તેમનો પણ ભારે વિરોધ થયો. છેવટે આ મહિલા સમૂહે અડધેથી જ પાછા વળવું પડયું.
આ વર્ષે જાન્યુઆરીમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ માટે એક અનોખું આંદોલન પણ શરૂ થયું. જે અઁતર્ગત લગભગ ૩૫ લાખ મહિલાઓએ કેરળના નેશનલ હાઇવે ઉપર ૬૨૦ કિલોમીટર લાંબી માનવ દીવાલ રચી અને લિંગભેદ સામે અવાજ ઉઠાવ્યો. આ આંદોલન બાદ એક દિવસ વહેલી સવારે ભારે વિરોધ વચ્ચે ૫૦ વર્ષથી ઓછી ઉંમરની બે મહિલાઓએ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરીને ૮૦૦ વર્ષ જૂની પરંપરા તોડી નાખી. જોકે મહિલાઓના સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવાની સાથે જ નવેસરથી વિવાદ શરૂ થયો. મંદિરના પૂજારીઓએ મહિલાઓ મંદિરમાં પ્રવેશી હોવાના કારણે મંદિરનું શુદ્ધિકરણ પણ કર્યું. તો સમગ્ર રાજ્યમાં બંધના એલાન સાથે ઠેરઠેર હિંસા પણ થઇ.
આમ તો ભારતમાં એવા કેટલાયે ધાર્મિક સ્થળો છે જ્યાં પોશાકથી લઇને ધાર્મિક માન્યતાઓના કારણે લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે. એવા જ એક ધાર્મિક સ્થળોમાં સબરીમાલા મંદિરનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટમાં યંગ લૉયર્સ એસોસિએશન તરફથી મંદિરમાં મહિલાઓના પ્રવેશ માટે કેસ લડવામાં આવ્યો હતો. યાચિકાકર્તાઓની દલીલ હતી કે મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની મહિલાઓના પ્રવેશ પ્રતિબંધ પાછળનું કારણ એ છે કે આ ઉંમરની મહિલાઓ માસિક ધર્મમાં આવતી હોય છે. જોકે આ પ્રથાનું સમર્થન કરતા લોકોનું માનવું છે કે મંદિરમાં આ ઉંમરની મહિલાઓના પ્રવેશ પાછળ માસિક ધર્મ જવાબદાર નથી. મંદિરના આખ્યાનમાં આ અંગે બીજી જ કથા છે. પ્રાચીન કથાઓ અનુસાર મંદિરમાં સ્થાપિત દેવતા અયપ્પા અવિવાહિત છે અને તેઓ પોતાના ભક્તોની પ્રાર્થનાઓ ઉપર સંપૂર્ણ ધ્યાન આપવા ઇચ્છે છે. એ સાથે જ તેમણે ત્યાં સુધી અવિવાહિત રહેવાનો નિર્ણય કર્યો છે જ્યાં સુધી તેમની પાસે કન્ની સ્વામી એટલે કે પહેલી વખત દર્શને આવતા ભક્તો આવવાનુું બંધ ન કરી દે. એવી પણ માન્યતા છે કે અયપ્પા કોઇ કાલ્પનિક નહીં પરંતુ ઐતિહાસિક વ્યક્તિ છે.
ભારતનું બંધારણ તમામ નાગરિકોને લિંગના ભેદભાવ વિના એકસમાન અધિકાર આપે છે. એ સાથે જ ભારતનું બંધારણ દરેક નાગરિકને એ અધિકાર આપે છે કે તે પોતાની ઇચ્છાનુસાર ધર્મ પાળી શકે છે અને પરંપરા અનુસાર આચરણ કરી શકે છે. દરેક નાગરિકની આ ધાર્મિક સ્વતંત્રતા આડે કાર્યપાલિકા, ન્યાયપાલિકા કે વિધાયિકા ન આવી શકે. ધાર્મિક પરંપરાઓને લઇને સમસ્યા ત્યારે જ ઊભી થાય છે જ્યારે કોઇ કાનૂની રીતે ભેદભાવ કે પ્રતાડિત થવાનો સવાલ ઉઠાવે. આવું બને ત્યારે જ પરંપરા અને બંધારણીય વ્યવસ્થામાં ટકરાવ ઊભો થવાની સ્થિતિ આવે છે. દેશનું બંધારણ સર્વોપરી હોવાથી છેવટે તો તમામ પક્ષોએ બંધારણને જ અનુસરવાની ફરજ રહે છે.
આપણા દેશમાં જોકે ધાર્મિક મામલાઓમાં રાજકારણ પણ ભળી જાય છે. રાજકીય પક્ષો જુદાં જુદાં ધર્મો, સંપ્રદાયો કે વર્ગવિશેષની વોટબેંક હસ્તગત કરવા અનુકૂળ સ્ટેન્ડ લેતા હોય છે. ગયા વર્ષે સબરીમાલા મંદિર પર કોર્ટનો ચુદાકો આવ્યો અને મંદિરની પરંપરા તોડતા મહિલાઓને પ્રવેશ કરવાની અનુમતિ આપવામાં આવી ત્યારે કેરળમાં ભારે ઉહાપોહ થયો હતો અને રાજકીય પક્ષોએ પણ એમાં ઝંપલાવ્યું હતું. ભાજપે ભગવાન અયપ્પાના ભક્તોનો સાથ આપ્યો હતો તો કોંગ્રેસ અને ડાબેરીઓએ સુપ્રીમ કોર્ટના આદેશને યોગ્ય ઠરાવ્યો હતો. જોકે બાદમાં કોંગ્રેસે પણ પવન પ્રમાણે સઢ ફેરવતા અયપ્પા ભક્તોનો પક્ષ લીધો હતો.
કેરળની પી વિજયન સરકાર કોર્ટના ચુકાદા પર મક્કમ છે જેના કારણે હવે તેના માટે આવનારા દિવસોમાં મુસીબત વધવાના અણસાર છે. સુપ્રીમ કોર્ટનો સબરીમાલા વિવાદને મોટી બેન્ચને ટ્રાન્સફર કરવાનો નિર્ણય ભગવાન અયપ્પાના ભક્તોમાં નવા જોમ અને તાકાતનો સંચાર કરશે કારણ કે એવું પણ બને કે સુપ્રીમ કોર્ટની સાત સભ્યોની મોટી બેન્ચ અગાઉના ચુકાદાને પલટી પણ દે. ટૂંકમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સબરીમાલા વિવાદ પર પૂર્ણવિરામ મૂકાવાના બદલે આગામી દિવસોમાં રાજકારણ ઓર તેજ થવાની શક્યતા છે.