Get The App

આત્મનિર્ભર : ભારતે શબ્દને બદલે યોજનાનો આત્મા સમજવો પડશે

- સરકાર 20 લાખ કરોડની રાહત જાહેર કરે, કે 200 લાખ કરોડની લોકો આત્મનિર્ભરતા તરફ આગળ ન વધે તો કંઈ ન થાય

- આત્મનિર્ભરતાની વાતો કરનારા લોકો ક્યાંક ચીની બનાવટના માસ્ક, હાથમોઝાં, સેનિટાઈઝર ખરીદવા ન માંડે..!

Updated: May 15th, 2020

GS TEAM

Google News
Google News
આત્મનિર્ભર : ભારતે શબ્દને બદલે યોજનાનો આત્મા સમજવો પડશે 1 - image


૧૯૭૭માં ભારતમાં મોરારજી દેસાઈની સરકાર હતી. ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી હટાવ્યા પછી પ્રજાએ ઈન્દિરા ગાંધીને પાઠ ભણાવીને સત્તા પરથી ઉતારી મુક્યા હતા. નવી રચાયેલી સરકારમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ ઉદ્યોગ મંત્રી હતા. અત્યારે જેમ કેટલા મંત્રીઓને શૂરાતન ચડે છે, એમ એ વખતે પણ ફર્નાન્ડિઝને શૂરાતન ચડયું એટલે ફરમાન કર્યું કે કોકા-કોલા કંપની દેશ છોડીને જતી રહે. એ ઉપરાંત અમેરિકન કમ્પ્યુટર જાયન્ટ કંપની આઈબીએમને પણ દેશ છોડી દેવા આદેશ આપ્યો હતો. કેમ કે આ કંપનીઓ ભારતના ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટનું પાલન કરતી ન હતી. પાલન કરતી ન હતી, કેમ કે પાલન કરવાનું પ્રેક્ટિકલી શક્ય ન હતું. ફર્નાન્ડિઝ ઈચ્છતા હતા કે કંપનીઓ તેમની ૬૦ ટકા ઈક્વિટી ભારતમાં જે કંપની સાથે જોડાણ કર્યું હોય તેના ખાતામાં ટ્રાન્સફર કરી દે.

કોઈ કંપનીઓને કોઈ દેશમાં આવો કાયદો મંજૂર ન હોય. એટલે કોકા-કોલાએ વિદાય લીધી. થોડા વર્ષો ભારતીય પ્રજાએ કોકા-કોલા પીધાં વગર ચલાવ્યું. પછી શું થયું? ૧૯૯૩માં ફરીથી કંપની ભારતમાં પ્રવેશી. આજે કરોડો બોટલ કોક ભારતમાં પીવાય છે. આઈબીએમની સ્થિતિ પણ એવી જ છે. એ જગવિખ્યાત પર્સનલ કમ્પ્યુટર, હાર્ડવેર, ટેકનોલોજી કંપની છે. ભારતને તેના વગર ચાલતું નથી, ચાલવાનું પણ નથી. 

કંપની માત્ર પરદેશી છે એટલે તેને નફરત કરવાની છે? કંપની પરદેશી છે અને ભારતમાંથી મોટો નફો કરે છે તેને નફરત કરવાની છે? કંપની ભારતમાં ઠેર ઠેર આવકાર પામી રહી છે એટલે નફરત કરવાની છે? ફર્નાન્ડિઝના કિસ્સામાં એ નક્કી ન હતું. એટલું જ નક્કી હતું કે ૬૦ ટકા ઈક્વિટી ટ્રાન્સફર કરો, જે કોઈ કંપની કરવા રાજી ન થાય. ભારતની કંપનીઓ પણ પરદેશમાં રોકાણ કરે ત્યારે આવી શરત માનતી નથી.

ઈન્દિરા ગાંધીને પણ પોતાના કાર્યકાળમાં શું શૂરાતન ચડયુું કે અચ્છી-ભલી કામ કરતી ખાનગી બેન્કોનું સરકારીકરણ કરી નાખ્યું. સરકારીકરણ કર્યું એ પહેલા બેન્કોનો વહિવટ પ્રમાણમાં સાફ-સુથરો હતો, નફો કરતી હતી અને એ જમાનામાં પ્રોફેશનલ કહી શકાય એવી તેની સર્વિસ હતી. 

સરકારી બન્યા પછી એ બેન્કો પૈકીની ઘણીનો વહિવટ આજે ખાડે ગયો છે. અમુક સરકારી બેન્કોની માત્ર એનપીએ એટલે પરત ન આવે એવી લોન-દેવું વધે છે. અમુક બેન્કોના કર્મચારીઓના માત્ર પગાર-સુવિધા વધે છે અને અમુક બેન્કોની ખોટ વધતી રહે છે. છેવટે સરકાર એ બેન્કોની તિજોરીમાં નાણા ઠાલવે ત્યારે તેમનું ગાડું ગબડે છે. સરકારની તિજોરીમાં આવેલા પૈસા સ્વાભાવિક રીતે પ્રજાના હોય છે.

આ બન્ને ઉદાહરણો એ વાતના સાક્ષી છે, કે આત્મનિર્ભરતાનો ખોટો અર્થ કરવામાં આવે તો શું થાય! વડા પ્રધાને ૨૦ લાખ કરોડનું કોરોના-મુક્તિ પેકેજ જાહેર કર્યું એટલે ઘણા લોકો ગેલમાં આવી ગયા. બેશક આ પૈસાથી અર્થતંત્ર ધમધમતું થશે અને ઠપ્પ થયેલી પ્રવૃત્તિઓને વેગ મળશે. પરંતુ આ પૈસા સરવાળે પ્રજાના ડાબા ખિસ્સામાંથી લઈને જમણા ખિસ્સામાં મુકવાની અથવા તો પાછલા ખિસ્સામાંથી લઈને આગલા ખિસ્સામાં મુકવાની જ વાત છે. 

એ સંજોગોમાં પ્રજાએ અત્યારે સરકારના પેકેજનો લાભ લઈને પછી આત્મનિર્ભર કેમ થવું એ સમજવાની જરૂર છે. ઉપર બે ઉદાહરણો આપ્યા એ બન્ને ૧૯૯૧ની નવી આર્થિક નીતિ પહેલાના હતા. નવી આર્થિક નીતિ અપનાવ્યા પછી હવે સરકાર કોઈ કંપની કે કોઈ દેશ માટે ભારતના માર્કેટના દરવાજા બંધ ન કરી શકે. કેમ કે નવી આર્થિક નીતિનું હાર્દ જ બધા માટે દ્વાર ખોલી દેવા એવું હતું. અને એ સૌ જાણે છે કે એ આર્થિક નીતિ વગર આજે દેશની જે આગેકૂચ થઈ રહી છે એ થઈ ન હોત. 

નવી આર્થિક નીતિના ફાયદા દેશ આખો મેળવે છે. જેમ કે કપડાં ખરિદવા હોય તો અમેરિકન બ્રાન્ડ મળે, ચાઈનિઝ મળે અને સ્વદેશી પણ મળે. જેવી સગવડ અને જેવી જરૂરિયાત એવી ખરીદી થઈ શકે. આર્થિક ઉદારિકરણ પહેલાના યુગમાં એ શક્ય ન હતું. આઝાદ હોવા છતાં દેશનો ગ્રાહક ખરીદી માટે આઝાદ ન હતો. 

સરકારોમાં દુરંદેશીનો અભાવ હતો એટલે માર્કેટના દ્વાર બંધ રાખ્યા. બંધિયાર તળાવમાં પાણીનો ગમે તેટલો જથ્થો હોય તો પણ લાંબે ગાળે એ વાસ મારે. વહેતા પાણી જેવો વૈભવ એમાં નથી. એ રીતે વૈશ્વિકરણ એ વહેેતું પાણી છે.

હવે સવાલ એ છે કે વહેતું પાણી અપનાવી લીધા પછી એટલે કે વૈશ્વિકરણનો સ્વિકાર કર્યા પછી સરકાર સીધી રીતે એવુ ન કહી શકે કે અમુક દેશની કંપનીઓ ભારતમાં ન આવે, ચોકક્સ કંપનીઓને દેશમાં પ્રવેશ નથી.. વગેરે વગેરે. 

કેમ કે સરકારને આખી દુનિયા સાથે વેપાર કરવાનો છે. કોઈક દેશ પાસેથી આયાત કરવાની છે, કોઈક દેશને સામગ્રી નિકાસ કરવાની છે. એટલે દરેક દેશની કંપનીને છૂટ તો આપી જ રાખવી પડે. વળી કોઈ એવો પણ દેશ નથી, જે પોતાની જરૂરિયાતની બધી ચીજો પેદા-ઉત્પાદિત કરી શકતો હોય. એવું તો જ શક્ય બને જો જરૂરિયાત સાવ મર્યાદિત કરી દેવામાં આવે. 

સરકાર બેશક કોઈ પરદેશી કંપની વિરૂદ્ધ નિયમભંગના પગલાં લઈ શકે. ટૂંકા ગાળા માટે પ્રતિબંધ મુકી શકે. 

વહેતી નદીનું પાણી લાંબો સમય ન રોકાય એમ એક કંપનીને રોકીએ તો બીજી, બીજીને રોકીએ તો ત્રીજી.. એ સ્થિતિમાં સરકારે જાહેર કરેલા આત્મનિર્ભર પેકેજનો અર્થ સમજવો જોઈએ. શબ્દને પકડવાને બદલે શબ્દનો આત્મા સમજવો પડે.

સરકારની જાહેરાત પછી સરકાર તરફી લોકો પેકેજના ગુણગાન ગાઈ રહ્યા છે, વિરોધી લોકો પેકેજની મજાક બનાવી સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. 

સ્વાભાવિક રીતે બન્નેમાંથી કોઈ પક્ષને આત્મનિર્ભરતાની સમજ નથી. આત્મનિર્ભર એટલે પરદેશી કંપનીઓ ખાસ કરીને ચીની કંપનીઓનો વિરોધ કરવો એવો અર્થ થઈ ગયો છે. જો લોકો ખરેખર એવું કરી શકે તો બહુ સારી વાત કહેવાય. પરંતુ ચીની કંપનીઓનો કે ચીનનો વિરોધ કરતાં મેસેજ ફોરવર્ડ કરવા માટે ચાઈનિઝ મોબાઈલ ફોન વપરાયો હોય અથવા તો ચીની બનાવટના લેપટોપનો ઉપયોગ થયો હોય.. 

આમ પણ ગણવા બેસીએ તો ઘરમાં કેટલીય ચીની ચીજો મળી આવે. તો આ ચીની ચીજો ખરીદતી વખતે પ્રજાને આત્મનિર્ભરતાનો વિચાર નથી આવ્યો એ હવે કઈ રીતે સ્વદેશીકરણ અપનાવી શકશે?

લોકોને સસ્તી ચીજોથી મતલબ છે, જેનો ભરપુર લાભ ચીને ઉઠાવ્યો છે. એટલે પડોશમાં બનતી સ્વદેશી ચીજ ખરીદવા કરતાં ઓનલાઈન મળનારી સસ્તી ચાઈનિઝ બનાવટની ચીજો ખરીદરનારો વર્ગ મોટો છે. અત્યારે ભારતમાં મોટે પાયે સેનિટાઈઝર, માસ્ક, સાફ-સફાઈના મેડિકલ સાધનો, હાથ-મોઝાંની ડિમાન્ડ નીકળી છે અને આગામી કેટલાક મહિનાઓ સુધી જળવાઈ રહેશે. ટૂંક સમયમાં માર્કેટમાં આ બધી જ ચીજો મેડ ઈન ચાઈના બનાવટની મળતી હશે. 

લોકો એ ખરીદવાનું શરૂ કરે એ મિનિટે જ આત્મનિર્ભર શબ્દનો આત્મા મરી પરવાર્યો સમજો. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે પોતાની કેટલીય કળા-કારિગરી ગુમાવી દીધી છે. હુન્નર ઉદ્યોગો ભાંગી પડયા છે. થાનમાં બનેલી ચીનાઈ માટીની ચીજો કે મોરબીમાં ઉત્પાદિત થતી ટાઈલ્સને બદલે ચીનથી આવતી આ બન્ને ચીજો વધારે વેચાય છે. સરકાર આવી આયાત પર ડયુટી વધારે તો વળી તેની આયાતકાર ઈન્ડસ્ટ્રિઅલ લોબીનું દબાણ વધે એટલે એ ઘટાડવી પડે. 

લોકશાહીનો અર્થ લોકો દ્વારા બનેલી સરકાર એવો થાય છે. લોકો સરકારમાં બીજું કંઈ કરી શકે કે ન કરી શકે, પરંતુ આત્મનિર્ભરતા તો અપનાવીને સરકારને સશક્ત કરી જ શકે. 

પરંતુ એ માટે બીન જરૂરી પરદેશી ચીજોની ખરીદી પર બ્રેક મારવી પડે, સાથે સાથે કંપનીઓએ ગુણવત્તા સભર સ્વદેશી પ્રોડક્ટ માર્કેટમાં ઠાલવવી પડે. દરેક પરદેશી કંપનીઓનો બહિષ્કાર શક્ય નથી. જેમ કે એમેઝોનને કારણે અનેક ઘરેલું ઉત્પાદિત ચીજો માર્કેટમાં પહોંચી શકે છે. 

સામાન્ય માણસ પોતાની ચીજો ઓનલાઈન વેચી શકે છે. તો પછી એ કંપની સાથે જોડાણ કરીને પણ સ્વદેશી ચીજો વેચવી એ આત્મનિર્ભરતા જ છે. 

આત્મનિર્ભર થવું જ હોય તો ઘણું કરી શકાય. આત્મનિર્ભરતાના મેસેજીસ ફોરવર્ડ કરવા હોય તો પછી સરકાર ૨૦ લાખ કરોડ જાહેર કે ૨૦૦ લાખ કરોડ, તેનાથી અર્થતંત્ર ધમધમતું થાય પરંતુ દેશ આત્મનિર્ભર ન થાય!

Tags :