બોઇંગ 737 મેક્સ-8ની બનાવટમાં ખામી હોવાની શંકા
ઇથિયોપિયન એરલાઇન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ ભારતે બોઇંગ 737 મેક્સ-8ના ઉડ્ડયન પર પ્રતિબંધ મૂકી દીધો
ગત ઓક્ટોબરમાં ઇન્ડોનેશિયાની લાયન એરનું આ જ વિમાન અચાનક જ તૂટી પડયું હતું, આમ પાંચ મહિનાના ગાળામાં બે વિમાનો એક સરખી રીતે કોઇ પણ દેખીતા કારણો વગર અચાનક તૂટી પડે ત્યારે વિમાનની બનાવટ સામે શંકા જાગવી સ્વાભાવિક છે
ઇથિયોપિયન એર લાઇન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ દુનિયાભરમાં બોઇંગ ૭૩૭ મેક્સ-૮ વિમાનો સામે સવાલ ઉઠી રહ્યાં છે. અનેક દેશો આ વિમાનના ઉડ્ડયન સામે પ્રતિબંધ મૂકી ચૂક્યાં છે. ભારતે પણ ગત મોડી રાતે નિર્ણય લેતા આ વિમાનોના ઉડ્ડયન પર તાત્કાલિક અસર સાથે પ્રતિબંધ મૂકી દીધો છે. એ સાથે જ સિવિલ એવિએશન મિનિસ્ટર સુરેશ પ્રભુએ તમામ એરલાઇન્સની ઇમરજન્સી બેઠક બોલાવી અને વિમાનોના પ્રતિબંધ બાદ ઊભી થનારી પરિસ્થિતિ વિશે ચર્ચા કરી.
ભારત પહેલાં બ્રિટન, ન્યૂઝીલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઓમાન, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, મલેશિયા, આયર્લેન્ડ, આઇસલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત, ચીન, ઇન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા અને આર્જેન્ટીના જેવા દેશો બોઇંગ ૭૩૭ મેક્સ-૮ની ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકી ચૂક્યાં છે. આ વિમાનોથી એવો ખૌફ ફેલાયો છે કે બ્રિટને તો પોતાની હવાઇ સીમામાં આ વિમાનોના પ્રવેશ પર જ પ્રતિબંધ મૂકી દીધો છે.
દેશની ટોચની બે એરલાઇન્સ સ્પાઇસ જેટ અને જેટ એરવેઝ પાસે આ વિમાનો છે. સ્પાઇસ જેટે કહ્યું છે કે તે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલક આ વિમાનોનું ઉડ્ડયન અટકાવી દેશે. તો અગાઉથી સમસ્યાઓનો સામનો કરી રહેલી જેટ એરવેઝનું કહેવું છે કે તેની પાસે આ વિમાનો છે જરૂર પરંતુ તે આ વિમાનોને વપરાશમાં લઇ રહી નથી.
ગયા રવિવારે ઇથિયોપિયન એરલાઇન્સનું વિમાન ટેક ઓફ કર્યાની જૂજ મિનિટો બાદ જ તૂટી પડયું. આ દુર્ઘટનામાં ભારતના ચાર મુસાફરો સહિત ફ્લાઇટમાં સવાર તમામ ૧૫૭ જણા મૃત્યુ પામ્યાં. દુર્ઘટના બાદ ઇથિયોપિયન એરલાઇન્સે તાત્કાલિક બોઇંગ ૭૩૭ મેક્સ-૮ની ફ્લાઇટ અટકાવી દીધી.
ઇથિયોપિયન એરલાઇન્સ પાસે આઠ બોઇંગ ૭૩૭ મેક્સ-૮ હતાં અને કંપની બીજાં ૨૫ વિમાનોની ડિલીવરીની રાહ જોઇ રહી હતી. દુર્ઘટનાના બીજા જ દિવસે સૌથી પહેલા ચીને આ વિમાનોના પરિચાલન પર પ્રતિબંધ મૂકી દીધો. ચીનની સરકારી વિમાન કંપની પાસે આવા ૭૬ વિમાનો છે અને અન્ય ૧૦૪ વિમાનોની ડિલીવરીની રાહ જોઇ રહી છે.
એવો સવાલ થાય કે એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાથી દુનિયાભરની એરલાઇન્સ શા માટે આટલી ચિંતિત થઇ ગઇ અને એ વિમાનના ઉડ્ડયન પર જ પ્રતિબંધ મૂકી દીધો? સામાન્ય રીતે એક દુર્ઘટના બને તો લોકો તેને અકસ્માત માની લેતાં હોય છે પરંતુ એવી જ દુર્ઘટનાનું પુનરાવર્તન થાય ત્યારે લોકોના મનમાં શંકા-કુશંકાઓ જન્મે છે.
બોઇંગ ૭૩૭ મેક્સ-૮ના કેસમાં પણ એવું જ બન્યું છે. છ મહિના જેટલા ટૂંકા ગાળામાં આવું બીજું વિમાન અચાનક ક્રેશ થયું છે. અગાઉ ઇન્ડોનેશિયાની લાયન એરનું બોઇંગ ૭૩૭ મેક્સ-૮ પણ ટેક ઓફ કર્યાની થોડી મિનિટો બાદ તૂટી પડયું હતું. આમ એકસમાન બે અકસ્માતો સર્જાતા દુનિયાભરની એરલાઇન્સ સાવધાન બની ગઇ છે અને સુરક્ષાના પગલાંરૂપે આ વિમાનોના વપરાશ સામે પ્રતિબંધ મૂકી રહી છે.
બોઇંગ ૭૩૭ વિમાન ઉદ્યોગ માટે અત્યંત સફળ વિમાન ગણાતું રહ્યું છે. મેક્સ-૮ આ જ વિમાનની નવી સુધારેલી આવૃતિ છે જે બળતણમાં સારી એવી બચત કરી આપે છે. હકીકતમાં બોઇંગ ૭૩૭ મેક્સ-૮ની ગણના દુનિયાના સૌથી આધુનિક વિમાનોમાં થાય છે. બે વર્ષ પહેલાં જ લૉન્ચ થયેલા અમેરિકન કંપની બોઇંગના આ વિમાન માટે કહેવાય છે કે હવાઇ મુસાફરી માટે તે સૌથી સુરક્ષિત વિમાન છે. કદાચ એટલા માટે જ આખી દુનિયામાં ભારે સંખ્યામાં આ વિમાનો ખરીદવામાં આવ્યાં છે.
આ વિમાન લૉન્ચ થયા બાદ અત્યાર સુધીમાં દુનિયાભરમાંથી પાંચ હજાર કરતા વધારે ઓર્ડર મળી ચૂક્યાં છે. પરંતુ કંપની હજુ સુધી માત્ર ૩૫૦ વિમાનોની જ ડિલીવરી કરી શકી છે. દુનિયાભરમાં ચિંતા પણ એટલે જ છે કે આ વિમાનોનો મોટા પાયે ઉપયોગ થઇ રહ્યો છે.
ગયા રવિવારે ઇથિયોપિયાની રાજધાની અદીસ અબાબાથી કેન્યાની રાજધાની નૈરોબી જવા ઉપડેલા બોઇંગ ૭૩૭ મેક્સ-૮માં ક્રૂ મેમ્બર્સ સહિત ૧૫૭ મુસાફરો સવાર હતાં. પરંતુ ટેક ઓફ કર્યાની છ મિનિટ બાદ જ વિમાનના ફૂરચેફૂરચા ઊડી ગયાં. અદીસ અબાબાના એર ટ્રાફિક કંટ્રોલ અનુસાર ફ્લાઇટના પાયલોટે ટેક ઓફ બાદ જ કોઇક સમસ્યા હોવાની જાણ કરી હતી અને પાછા ફરવાની માંગ કરી હતી. તેને વિમાન પાછું લાવવાની પરવાનગી પણ મળી ગઇ હતી તેમ છતાં છ મિનિટ બાદ સંપર્ક જ તૂટી ગયો.
ખાસ વાત એ કે એ સમયે અદીસ અબાબાનું હવામાન પણ સારું હતું એટલે દુર્ઘટના માટે ખરાબ હવામાનને દોષ આપી શકાય એમ નથી. ગત ઓક્ટોબરમાં ઇન્ડોનેશિયાની લાયન એરના બોઇંગ ૭૩૭ મેક્સ-૮ સાથે પણ આમ અચાનક જ દુર્ઘટના સર્જાઇ હતી. ઇન્ડોનેશિયાના પાટનગર જાકાર્તાથી ટેક ઓફ કર્યાની જૂજ મિનિટો બાદ વિમાન અચાનક તૂટી પડયું હતું જેમાં ૧૮૯ જણાએ જીવ ગુમાવ્યાં હતાં. વિમાન સમુદ્રમાં તૂટી પડયું એ વખતે હવામાન પણ સાનુકૂળ હતું.
લાયન એરલાઇન્સે દુર્ઘટનાના ત્રણ મહિના પહેલાં જ આ વિમાનોને પોતાના કાફલામાં સામેલ કર્યાં હતાં. યોગાનુયોગ ઇથિયોપિયન એરલાઇન્સે પણ બોઇંગ ૭૩૭ મેક્સ-૮ માત્ર ચાર મહિના પહેલા જ પોતાના કાફલામાં સામેલ કર્યાં હતાં.
લાયન એરનું વિમાન કેમ અચાનક તૂટી પડયું એની તપાસ એજન્સીઓ હજુ પણ કરી રહી છે પરંતુ કોઇ તારણ પર પહોંચી શકી નથી. એવામાં એના જેવી જ બીજી દુર્ઘટના સર્જાતા બોઇંગના પેટમાં તેલ રેડાયું છે. કારણ કે બે પ્લેન ક્રેશ પછી શંકાની સોય વિમાનની બનાવટ સામે તકાઇ રહી છે.
એવી આશંકા વ્યક્ત થઇ રહી છે કે બોઇંગ ૭૩૭ મેક્સ-૮માં જ કોઇ ટેકનિકલ ખામી હોઇ શકે છે. હાલ તો બંને દુર્ઘટનાઓમાં કોઇ સમાનતા છે કે કેમ એ શોધવામાં આવી રહ્યું છે પરંતુ જાણકારોનું કહેવું છે કે હજુ સુધી તો કોઇ આધારભૂત જાણકારી હાથ લાગી નથી અને માત્ર સમાનતાના આધારે દુર્ઘટના પાછળના કારણો જાણી ન શકાય. ખાસ બાબત એ કે સુરક્ષાના મામલે બંને એરલાઇન્સનો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે.
૨૦૧૭માં જ કોમર્શિયલ ફ્લાઇટ માટે વપરાશમાં લેવાના શરૂ થયેલા આ વિમાનની સુરક્ષા માટે બોઇંગ કંપનીએ મોટા મોટા દાવા કર્યાં હતાં. કંપની એવા દાવા કરતી રહી છે કે બોઇંગ ૭૩૭ મેક્સ-૮માં લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે મુસાફરોને હવાઇ મુસાફરીનો ઉત્તમ અનુભવ કરાવે છે.
એ સાથે જ આ વિમાનો રોકાયા વિના લાંબા અંતરની મુસાફરી પણ કરી શકે છે. એટલા માટે કનેક્ટિંગ ફ્લાઇટ વિના જ એક ખંડને બીજા ખંડ સાથે જોડી શકે છે.
બોઇંગ કંપનીએ છેક ૧૯૬૭માં ૭૩૭ મોડેલ બજારમાં મૂક્યું હતું. ૭૩૭ મેક્સ આ મોડેલનું ચોથી પેઢીનું વિમાન છે. આ વિમાનમાં બળતણની ખપત ઓછી હોવાથી અને વિમાનની રચના અનુસાર વધારે મુસાફરો સમાવી શકાતા હોવાથી એરલાઇન્સ કંપનીઓ તેને ફાયદાકારક ગણે છે. નવી આવૃત્તિમાં ઓટોમેટિક સેફ્ટી સિસ્ટમનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. એટલા માટે જ બોઇંગ કંપની આ વિમાન સૌથી સુરક્ષિત હોવાના દાવા કરે છે. બોઇંગના ઇતિહાસમાં ૭૩૭ મેક્સનું સૌથી ઝડપી વેચાણ નોંધાયું છે.
બોઇંગ કંપનીનું ભવિષ્ય પણ ૭૩૭ મેક્સ પર ખાસ નિર્ભર કરે છે. ૨૦૩૨ સુધી કંપનીના કુલ ઉત્પાદનના ૬૪ ટકા જેટલો હિસ્સો ૭૩૭નો હશે. અત્યાર સુધીમાં બોઇંગ ૭૩૭ સીરીઝના ૧૦ હજારથી વધારે વિમાનો બનાવી ચૂકી છે. અગાઉ મે ૨૦૧૭માં બોઇંગ કંપનીએ ૭૩૭ મેક્સ-૮ના પરીક્ષણ પર રોક લગાવી હતી. એ વખતે વિમાનના એન્જિનની ક્વોલિટીને લઇને સવાલ ઉઠયાં હતાં.
જોકે એ પછી બોઇંગ કંપની આ વિમાનોમાં કોઇ ટેકનિકલ ખામી હોવાનો ઇન્કાર કરતી રહી છે. એ પણ યોગ્ય છે કે બે દુર્ઘટનાઓ બાદ કોઇ તારણ પર પહોંચી ન શકાય. ટેકનિકલ ખામી ઉપરાંત હવામાનમાં કોઇ સમસ્યા સર્જાઇ હોય અથવા તો માનવીય ભૂલના કારણે દુર્ઘટના સર્જાઇ હોય એવું પણ બને.
જોકે દુર્ઘટના સર્જાયા બાદ વિમાનમાં કોઇ ખામી છે કે કેમ એની તપાસ સૌથી પહેલાં થાય એ સ્વાભાવિક છે.
એટલા માટે જ વિમાન બનાવતી કંપનીઓ પર હવાઇ મુસાફરીને સલામત અને આરામદાયક બનાવવાનું દબાણ રહેતું હોય છે. ભારતમાં છેલ્લા થોડા વર્ષોમાં હવાઇ પરિવહનમાં ઝડપી વધારો નોંધાયો છે. એવામાં હવાઇ મુસાફરી કરતા લોકોની સલામતિ જળવાય એ ઉડ્ડયન મંત્રાલયની પ્રાથમિકતા હોય એ પણ દેખીતું છે. એટલા માટે જ ડીઆરડીઓએ સમયસર સાવચેતીના પગલાંરૂપે બોઇંગ ૭૩૭ મેક્સ-૮ના ઉડ્ડયન પર પ્રતિબંધ મૂકવાનું શાણપણ દાખવ્યું છે.