એસિડ હુમલાની સમસ્યા નાબૂદ કરવા અસરકારક પગલાની આવશ્યક્તા
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોના આંકડા અનુસાર કડક કાયદા છતાં દેશમાં એસિડ હુમલા અટકવાનું નામ નથી લેતા
સુપ્રીમ કોર્ટના આદેશ છતાં બજારમાં એસિડ બેરોકટોક વેચાય છે અને એસિડ હુમલાના દોષિતો વિરુદ્ધ ચાલતી ઢીલી કાર્યવાહી અને સજાના સાવ ઓછા દરના કારણે એસિડ હુમલાના બનાવો નોંધાતા જ રહે છે
તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ છપાકએ દેશની એક અતિગંભીર સમસ્યા તરફ ધ્યાન દોર્યું છે. વર્ષ ૨૦૦૫માં એસિડ હુમલાનો ભોગ બનેલી લક્ષ્મી અગ્રવાલ નામની યુવતીના જીવન પરથી બનેલી આ ફિલ્મે ભારતમાં એસિડ હુમલાના જઘન્ય અપરાધને સપાટી પર લાવવાનું કામ કર્યું છે. જોકે આ બનાવ પર ભારે હોબાળો થયા બાદ અને દેશવિદેશમાં પણ ભારે ચકચાર જગાવ્યા બાદ પણ દેશમાં એસિડ હુમલાના બનાવો અટક્યા નથી. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોના રિપોર્ટ બાદ જાણવા મળ્યું છે કે એસિડ હુમલાના બનાવો ઘટવાના બદલે વધી રહ્યાં છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા જોઇએ તો છેલ્લા પાંચ વર્ષ એટલે કે વર્ષ ૨૦૧૪થી ૨૦૧૮ દરમિયાન દેશમાં એસિડ હુમલાના ૧૪૮૩ કેસ નોંધાયા. આશ્ચર્યની વાત તો એ છે કે ભદ્ર અને શિક્ષિત ગણાતું પશ્ચિમ બંગાળ એસિડ હુમલાના મામલે પહેલા સ્થાને છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લા એક વર્ષમાં એસિડ હુમલાના ૫૩ મામલા નોંધાયા.
તો ગુનાખોરીની દુનિયામાં કુખ્યાત એવા ઉત્તરપ્રદેશમાં એસિડ હુમલાના ૪૩ બનાવો નોંધાયા. ભારતમાં ૨૦૧૪માં એસિડ હુમલાના ૨૦૩ બનાવો નોંધાયા હતાં જે ૨૦૧૫માં વધીને ૨૨૨ થયા. એ જ રીતે વર્ષ ૨૦૧૬માં આવા ૨૮૩ કેસ નોંધાયા. વર્ષ ૨૦૧૭માં એસિડ હુમલાના બનાવોમાં થોડો ઘટાડો થયો અને આંકડો ૨૫૨ થયો.
છેલ્લા પાંચ વર્ષની સરેરાશ જોઇએ તો ૨૬૦ હુમલા સાથે ઉત્તરપ્રદેશ પહેલા ક્રમાંકે છે. તો ૨૪૮ એસિડ એટેક સાથે પશ્ચિમ બંગાળ બીજા સ્થાને છે. દેશની રાજધાની દિલ્હી ૧૧૪ એસિડ એટેક સાથે ત્રીજા સ્થાને છે. આ ત્રણેય રાજ્યોમાં એસિડ એટેકના હિચકારા અપરાધનું પ્રમાણ ઘણું વધારે છે. દેશમાં થતા કુલ હુમલાના ૪૨ ટકા એટેક તો આ ત્રણ રાજ્યોમાં જ થાય છે. શાંતિપ્રિય અને વેપારલક્ષી ગણાતા ગુજરાતમાં પણ છેલ્લા પાંચ વર્ષમાં એસિડ હુમલાના ૩૭ બનાવો નોંધાયા છે.
જોકે એસિડ હુમલાના ભોગ બનેલા લોકોના પુનર્વાસ માટે કામ કરતા સંગઠનોનો દાવો છે કે આ આંકડા હકીકતમાં બનેલા બનાવો કરતા ક્યાંય ઓછા છે. એસિડ એટેકના ઘણાં મામલા તો નોંધાતા જ નથી. આ સંગઠનોના દાવા અનુસાર દેશમાં એસિડ હુમલાનો રોજનો સરેરાશ એક બનાવ બને છે. સમાજશાસ્ત્રીઓનું કહેવું છે કે આવા મામલાઓમાં આરોપીઓને સજા મળવાનો સાવ ઓછો દર આવા બનાવો પર અંકુશ ન મૂકાવાનું મુખ્ય કારણ છે. મોટા ભાગના મામલાઓમાં તો આરોપીઓ કાનૂની ખામીઓનો ફાયદો ઉઠાવીને બચી જાય છે અથવા તો મામૂલી સજા પામે છે.
ગયા મહિને બેંગાલુરુમાં કેટલાંક અસામાજિક તત્ત્વોએ એક મહિલા બસ કન્ડક્ટર પર એસિડ ફેંક્યો હતો. એના થોડા દિવસ પછી મુંબઇમાં પણ એક યુવતી પર એસિડ એટેક થયો હતો. એ જ સમયે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં પણ એક યુવતી પર એસિડ હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવો દર્શાવે છે કે સુપ્રીમ કોર્ટ અને સરકારના તમામ પ્રયાસો છતાં એસિડ હુમલાની ઘટનાઓ ઘટવાના બદલે વધી રહી છે.
એસિડ હુમલાના બનાવો તો દેશમાં પહેલેથી નોંધાતા રહ્યાં છે પરંતુ લક્ષ્મી અગ્રવાલની યાચિકા પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ૨૦૧૩માં આવા બનાવોને ગંભીર અપરાધ ગણ્યાં હતાં. સર્વોચ્ચ અદાલતે એ વખતે સરકાર, એસિડ વિક્રેતા અને એસિડ હુમલાના પીડિતો માટે દિશાનિર્દેશો જારી કર્યાં હતાં. સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર લાઇસન્સ ધરાવતી દુકાનો જ એસિડ વેચી શકે છે. જોકે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ બજારોમાં અને દુકાનોમાં બેરોકટોક એસિડ વેચાય છે.
લક્ષ્મી અગ્રવાલના કેસના ચુકાદા બાદ સરકારે ઇન્ડિયન પીનલ કોડમાં ૩૨૬-એ અને ૩૨૬-બી કલમો જોડી હતી. જે અંતર્ગત એસિડ હુમલાને બિનજામીનપાત્ર ગુનો ગણતા એના માટે ઓછામાં ઓછી દસ વર્ષની સજાની જોગવાઇ કરવામાં આવી હતી. જોકે આ ક્ષેત્રમાં કામ કરતા લોકોના દાવા અનુસાર દેશમાં દર વર્ષે સરેરાશ અઢીસો એસિડ હુમલાના બનાવો નોંધાય છે પરંતુ વાસ્તવમાં એસિડ હુમલાના બનાવો દર વર્ષે એક હજારથી પણ વધારે હોઇ શકે છે અને અનેક બનાવો તો પોલિસ ચોપડે નોંધાતા પણ નથી.
સમાજસેવકોના મતે એસિડ હુમલાના મોટા ભાગના બનાવોમાં પીડિતા અને તેના પરિજનોને પોલીસમાં ફરિયાદ ન કરવાની ધમકી આપવામાં આવે છે જેના કારણે ખાસ કરીને પછાત વર્ગના લોકો પોલીસ પાસે જતાં જ નથી. સામાજિક કાર્યકરોના મતે હુમલાખોરો વિરુદ્ધ સખત કાર્યવાહી ન કરવાના કારણે અને પીડિતો પ્રત્યે વધારે ઉદારતા ન દાખવવાના કારણે આવા હુમલાઓ પર લગામ કસવી શક્ય નથી.
વર્ષ ૨૦૧૬માં સરકારે દિવ્યાંક વ્યક્તિ અધિકાર કાયદામાં સંશોધન કરીને એમાં એસિડ હુમલાના પીડિતોને પણ શારીરિક દિવ્યાંગ તરીકે સામેલ કરવાની જોગવાઇ કરી હતી. આમાં શિજ્ઞાણ અને રોજગારમાં તેમને અનામતની સુવિધા મળે છે. આવા લોકોને સરકારી નોકરીઓમાં ત્રણ ટકા અનામતનો લાભ મળે છે. જોકે જાણકારોનું કહેવું છે કે વર્તમાન કાયદામાં એસિડ હુમલામાં અંધ બનેલા લોકોને જ પીડિત ગણવામાં આવે છે. જ્યારે ઘણાં ખરાં મામલાઓમાં એસિડ હુમલાનો ભોગ બનેલા લોકોની આંખ ભલે બચી જાય પરંતુ તેમના ચહેરા સાવ બગડી જાય છે. નવા કાયદામાં આવા લોકો વિશે મૌન સેવવામાં આવ્યું છે.
એસિડ હુમલાના બનાવો ઉત્તરોત્તર વધવા છતાં આવા કેસોમાં આરોપીઓને સજા મળવાનો દર ઘણો ઓછો છે. વર્ષ ૨૦૧૬માં એસિડ હુમલાના નોંધાયેલા ૨૦૩ મામલામાં માત્ર ૧૧ આરોપીઓને સજા મળી હતી. તો વર્ષ ૨૦૧૮માં નોંધાયેલા ૨૨૮ મામલાઓમાં માત્ર એક આરોપીને સજા મળી શકી છે.
એસિડ હુમલા બાદ પીડિતો મહિનાઓ સુધી આઘાતમાં અને હોસ્પિટલમાં રહે છે. આ દરમિયાન આરોપી ફરાર થઇ જાય છે અથવા તો કાયદાકીય ખામીઓનો લાભ ઉઠાવીને બચાવની જોગવાઇ કરી લે છે. સમસ્યા કાયદામાં નથી પરંતુ એને લાગુ કરવામાં છે. આવા મામલા ફાસ્ટટ્રેક કોર્ટોમાં મોકલવામાં આવે તો છે પરંતુ ત્યાં પણ ત્વરિત સુનાવણી અને ચુકાદા આવતા નથી.
એસિડ હુમલા બાદ પીડિતા સમક્ષ પહેલો પડકાર તો સારવાર માટેનો ખર્ચને પહોંચી વળવાનો ઊભો થાય છે. એસિડ હુમલાના પીડિતોની સારવાર અને પુનર્વાસ લાંબો સમય ચાલે છે. કમનસીબે પીડિતોને સમયસર આર્થિક સહાય પૂરી પાડવાના મામલે રાજ્યોની સરકારો ઢીલી રહી છે.
એસિડ સર્વાઇવર્સ એન્ડ વિમેન વેલફેર ફાઉન્ડેશનના એક વિસ્તૃત અભ્યાસ અનુસાર પ્રેમ અને લગ્નના પ્રસ્તાવો નકારવા એસિડ હુમલા પાછળનું સૌથી મોટું કારણ છે. ઓછામાં ઓછા ૩૬ ટકા બનાવોમાં આવું જોવા મળ્યું છે. એ ઉપરાંત ૧૩ ટકા મામલાઓ વૈવાહિક જીવનમાં કલહ થવાના કારણે નોંધાય છે. રિપોર્ટ અનુસાર એસિડ હુમલાના ૮૪ ટકા મામલાઓમાં હુમલાખોરો પીડિતોના પરિચિત હતાં.
કાનૂની વિશેષજ્ઞાો અને સામાજિક સંગઠનો એસિડ હુમલાના બનાવો રોકવા માટે પાડોશી બાંગ્લાદેશનો દાખલો લેવાનું કહે છે. કેટલાક વર્ષો પહેલાં એસિડ હુમલાના મામલે બાંગ્લાદેશ આખી દુનિયામાં પહેલા સ્થાને હતું. વર્ષ ૨૦૦૨ સુધી બાંગ્લાદેશમાં વાર્ષિક પાંચસો એસિડ હુમલા નોંધાતા હતાં પરંતુ આવા હુમલા પર લગામ કસવા ત્યાંની સરકારે બે કડક કાયદા બનાવીને તાત્કાલિક અમલમાં મૂક્યાં.
જેમાં પહેલો કાયદો એસિડના વેચાણને લગતો હતો જે અનુસાર એસિડના ખુલ્લા વેચાણ પર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. એસિડ હુમલા નિવારવા નેશનલ એસિડ કંટ્રોલ કાઉન્સિલની રચના કરવામાં આવી. એ જ રીતે એસિડ હુમલાના બનાવોની તપાસ ૩૦ દિવસમાં પૂરી કરવી ફરજિયાત કરી દેવામાં આવી. પરિણામસ્વરૂપ બાંગ્લાદેશમાં એસિડ હુમલાના બનાવો વાર્ષિક સો કરતા નીચે આવ્યાં છે.
સમાજસેવકોનું કહેવું છે કે ભારતમાં પણ એસિડ હુમલા માટેના કાયદા તો છે પરંતુ એ કડક રીતે લાગુ કરવા જરૂરી છે અને એ માટે પોલીસ અને તંત્રનું વલણ બદલાવું ખાસ જરૂરી છે.
આપણા દેશની કમનસીબી છે કે કહેવાતા જાગૃત સમાજમાં એસિડ હુમલાનો ભોગ બનેલી યુવતીની પીડા અને પડકારોનો ચિતાર આપતી ફિલ્મના બહિષ્કાર કરવા માટે જોરશોરથી અભિયાનો ચલાવવામાં આવે છે પરંતુ એ જ તર્જ પર એસિડ હુમલાનો ભોગ બનીને દોઝખ જેવું જીવન વ્યતિત કરતી મહિલાઓ માટે કે પછી એસિડ હુમલાનું જઘન્ય કૃત્ય આચરતા લોકો વિરુદ્ધ અભિયાનો ચલાવવાનું કોઇને સૂઝતું નથી.