FATFની બેઠક પહેલા હાફિઝ સઇદને સજા ફટકારવાનું નાટક
- લાહોરની આતંકવાદ વિરોધી અદાલતે હાફિઝ સઇદને ટેરર ફંડિંગના મામલામાં અગિયાર વર્ષની સજા ફરમાવી
- મની લોન્ડરિંગ અને આતંકવાદીઓને આર્થિક સહાય પૂરી પાડવાના મામલે પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં મૂકાયેલું છે અને જો તે ટેરર ફંડિંગ રોકવા માટે પગલાં ન લે તો બ્લેક લિસ્ટ થવાની શક્યતા છે એ સંજોગોમાં તેણે દેખાડાપૂરતા પણ હાફિઝ સઇદ સામે પગલાં લેવા પડે એમ છે
લાહોરની એક આતંકવાદવિરોધી અદાલતે આતંકવાદી હાફિઝ સઇદને પ્રતિબંધિત સંગઠન સાથે સંકળાયેલા હોવાના મામલે તેમજ આતંકવાદ માટે ગેરકાયદેસર રીતે આર્થિક સહાય પૂરી પાડવાના બે મામલાઓમાં સાડા પાંચ વર્ષની જેલની અલગ અલગ સજા ફરમાવી છે. હાફિઝ સઇદને થયેલી સજા જોતા પ્રથમ દૃષ્ટિએ તો એવું લાગે કે પાકિસ્તાનની સાન મોડે મોડે પણ ઠેકાણે આવી છે અને તે આતંકવાદ વિરોધી કાર્યવાહી કરવા માટે રાજી થયું છે. પરંતુ વાસ્તવિક્તા કંઇક ઓર જ છે. હકીકતમાં આવતા અઠવાડિયે પેરિસ ખાતે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠક યોજાવાની છે અને આ બેઠકમાં પાકિસ્તાનને ટેરર ફંડિંગના મામલે બ્લેક લિસ્ટ કરવામાં આવે એવી પૂરેપૂરી શક્યતા છે. પાકિસ્તાન હાલ આ સંસ્થાના ગ્રે લિસ્ટમાં છે અને બ્લેક લિસ્ટ થતું બચવા માટે તેણે અમુક શરતોનું પાલન કરવું પડે એમ છે. એફએટીએફની ગત બેઠકમાં પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે મની લોન્ડરિંગ અને આતંકવાદીઓને મળતી આર્થિક સહાયના મામલે તેણે સમયસર પગલાં ન લીધાં તો તેને બ્લેક લિસ્ટમાં મૂકી દેવામાં આવશે. બ્લેક લિસ્ટમાંથી બચવા માટે પાકિસ્તાનને ફેબુ્રઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે.
ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જેનું કામ દુનિયાભરમાં ચાલી રહેલા મની લોન્ડરિંગ અટકાવવા માટે નીતિઓ ઘડવાનું છે. આ સંસ્થાની સ્થાપના ૧૯૮૯માં જી-૭ દેશોની પહેલ પર થઇ હતી અને તેનું મુખ્યમથક પેરિસમાં છે. આ સંસ્થા આંતરરાષ્ટ્રીય આર્થિક પ્રણાણિને સુધારવા માટે નીતિઓ બનાવે છે અને એ નીતિઓ લાગુ કરવાની દિશામાં કામ કરે છે. વર્ષ ૨૦૦૧માં એફએટીએફએ પોતાની નીતિઓમાં આતંકવાદીઓને મળતી આર્થિક સહાયને પણ સામેલ કરી હતી. એફએટીએફમાં કુલ ૩૮ સભ્ય દેશો છે જેમાં ભારત, ચીન, અમેરિકા, રશિયા અને બ્રિટન જેવા દેશોનો સમાવેશ થાય છે.
હાફિઝ સઇદને સજા કરવા માટે પાકિસ્તાની સરકારની ઇચ્છાશક્તિ નહીં હોય પરંતુ આંતરરાષ્ટ્રીય દબાણને વશ થઇને તેને આવું કરવાની ફરજ પડી છે. ભારત તરફથી સતત કૂટનૈતિક કવાયતો હાથ ધરવામાં આવી અને એ પછી આંતરરાષ્ટ્રીય સમુદાયે દબાણ કર્યું ત્યારે છેક પાકિસ્તાને લશ્કર-એ-તોઇબા, જમાત-ઉદ્-દાવા અને તેની સહયોગી શાખા ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન વિરુદ્ધ તપાસ હાથ ધરી. આમ તો આ સંસ્થાઓની આતંકવાદી કાર્યવાહીને અંજામ આપવાની અગાઉ પણ પુષ્ટિ થઇ ચૂકી હતી પરંતુ નવી તપાસમાં આતંકવાદી કાર્યવાહીઓને અંજામ આપવા માટે નાણા એકઠાં કરવા માટે આ ટ્સ્ટોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના તથ્યો પણ સામે આવ્યાં.
પુરાવા અને હકીકતો સામે હોવા છતાં પાકિસ્તાની સરકાર તરફથી હાફિઝ સઇદ અને તેના સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ઢીલાશ દાખવવામાં આવી. પરંતુ હવે આંતરરાષ્ટ્રીય દબાણના કારણે કોઇ છૂટકો ન હોવાના કારણે છેવટે હાફિઝ સઇદ ઉપર આતંકવાદીઓને આર્થિક સહાય પૂરી પાડવાના આરોપો નક્કી થયા અને તેને સજા ફરમાવવામાં આવી છે. હવે પાકિસ્તાન પોતાની નીતિઓ અનુસાર વૈશ્વિક સમુદાય સમક્ષ એવો પ્રચાર કરશે કે તેમની સરકારની આતંકવાદી વિરોધી નીતિઓને અનુલક્ષીને જ હાફિઝ સઇદ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ અહીંયા પણ પાકિસ્તાનની નાપાક મંશા એ વાતે છતી થાય છે કે હાફિઝ સઇદ વિરુદ્ધ પુરાવા હોવા છતાં તેને સજા કરવામાં તેણે આટલો વિલંબ કર્યો.
બે વર્ષ પહેલા અમેરિકાએ હાફિઝ સઇદ અને તેની પાર્ટી મિલ્લી મુસ્લિમ લીગને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. અગાઉ ૨૦૧૪માં અમેરિકા તેના આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાને પ્રતિબંધિત કરી ચૂક્યું છે. અમેરિકાએ તો હાફિઝ સઇદને પકડવા માટે એક કરોડ ડોલરનું ઇનામ પણ જાહેર કર્યું છે. અમેરિકા પોતે હાફિઝ સઇદને પોતાના દેશના નાગરિકો સહિત નિર્દોષોની હત્યા માટે ગુનેગાર માને છે. ભારત પહેલેથી કહેતું આવ્યું છે કે પાકિસ્તાન આતંકવાદની ફેકટરી છે. પરંતુ પાકિસ્તાન આ બધા આરોપોની ઉપરવટ જઇને હાફિઝ સઇદ સહિતના અનેક આતંકવાદીઓને શરણ આપતું આવ્યું છે. ગયા જ વર્ષે યૂ.એન.એ પણ પાકિસ્તાન ટેરરિસ્તાન હોવાની ભારતની દલીલને પુષ્ટિ આપતા પાકિસ્તાનમાં ૧૩૯ આતંકવાદીઓ કે આતંકવાદી સંગઠનો હોવાની જાહેરાત કરી હતી જેમાં દાઉદ ઇબ્રાહિમ અને હાફિઝ સઇદના નામ પણ હતાં.
એ તો જગજાહેર છે કે પાકિસ્તાની સરકાર અને તેની સેનાની મરજી વગર કોઇ આતંકવાદી સંગઠન પોતાની કામગીરી ન કરી શકે. પાકિસ્તાન તો હાફિઝ સઇદને આતંકવાદી માનવાનો પણ ઇન્કાર કરતું આવ્યું છે. પાકિસ્તાની સરકાર અને સેના ઉપરાંત સમાંતર સરકાર ચલાવતી ગુપ્તચર સંસ્થા આઇએસઆઇની સમસ્યા એ રહી છે કે તે નીતિગત રીતે આતંકવાદી સંગઠનો અને તેમના આકાઓનો ઉપયોગ કરવો યોગ્ય સમજતી આવી છે. આ આત્મઘાતી વિચારધારાના કારણે જ પાકિસ્તાનમાં મોટા પાયે આતંકવાદી સંગઠનોને પાળવા અને પોષવાનું કામ થતું આવ્યું છે.
કોઇ આતંકવાદી સંગઠન ઉપર પ્રતિબંધ મૂકાય ત્યારે દુનિયાને ગેરમાર્ગે દોરવા માટે જ એ સંગઠન અને આતંકવાદના આકાને નવા નામ સાથે નવેસરથી નવું સંગઠન ઊભું કરવાની સુવિધા આપવામાં આવે છે. એ સાથે આતંકવાદની ફેકટરી ચલાવતા હાફિઝ સઇદ જેવા આતંકવાદીઓ બેરોકટોક સામાન્ય જીવન જીવી શકે છે. ખરેખર તો પાકિસ્તાન સુધરે એવા અણસાર ઓછા છે. ઉલટું દુનિયાની આંખોમાં ધૂળ નાખવા તે એવો ડોળ કરે છે કે તે ખુદ આતંકવાદથી પીડિત છે. ચીન પાકિસ્તાનના આ ઢોંગનું સાથી બનેલું છે.
આર્થિક રીતે ખસ્તાહાલ બની ચૂકેલા પાકિસ્તાનને હજુ પણ માનવતા અને શાંતિનો માર્ગ દેખાતો નથી. પાકિસ્તાની સેના અને આઇએસઆઇની છત્રછાયા હેઠળ પાકિસ્તાનમાં અનેક આતંકવાદી કેમ્પો ચાલી રહ્યાં છે. અમેરિકાના ભારે દબાણ છતાં પાકિસ્તાનસ્થિત આતંકવાદીઓને ઉની આંચ પણ આવતી નથી. આ તો પાકિસ્તાન ઉપર ટેરર ફંડિંગ પર લગામ કસવાનું આંતરરાષ્ટ્રીય દબાણ છે એટલે તે નાછૂટકે પણ હાફિઝ સઇદ વિરુદ્ધ કાર્યવાહી કરે છે.
થોડા મહિના પહેલાં જ આતંકવાદીઓને મળતી આર્થિક સહાયના મામલે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે પાકિસ્તાનને લપડાક લગાવી છે. હવે એફએટીએફની આગામી બેઠકમાં ફરી વખત પાકિસ્તાનનું મૂલ્યાંકન થવાનું છે અને જો એમાં તે એવું દર્શાવવામાં નિષ્ફળ રહ્યું કે તેણે આતંકવાદી સંગઠનો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરી છે તો તે બ્લેકલિસ્ટ પણ થઇ શકે છે.
છેલ્લા બે વર્ષથી પાકિસ્તાન એફએટીએફના ગ્રે લિસ્ટમાં છે. ગ્રે લિસ્ટમાંથી દૂર થવા માટે હવાતિયાં મારી રહેલા પાકિસ્તાન માટે હવે બ્લેક લિસ્ટમાં મૂકાવાનો વારો આવવા આડે ઝાઝાં દિવસો નથી રહ્યાં. બ્લેક લિસ્ટ થયા બાદ આર્થિક નાદારી નોંધાવી ચૂકેલાં પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ગર્તામાં જવી નક્કી છે. તેમ છતાં તે પોતાની નાપાક હરકતોમાંથી બહાર નથી આવતું. પાકિસ્તાન પોતાના ભારતવિરોધી વલણને ત્યાગવાની વાત તો દૂર, એમાં મામૂલી ફેરફાર કરવા પણ ઇચ્છુક નથી. તે કાશ્મીરને અશાંત કરવા માટે અને આતંકવાદી પ્રવૃત્તિઓ વધારવા માટે અવનવા પ્રપંચ રચ્યા કરે છે. કાશ્મીરમાં આતંકવાદીઓને મોકલવા ઉપરાંત તે ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર પણ કરે છે.
ભારત પણ પાકિસ્તાનની આ ચાલબાજી જાણે છે અને તેનો જોરદાર મુકાબલો કરે છે. ખરેખર તો ભારતે પાકિસ્તાનના આ વલણને નાથવા માટે નક્કર રણનીતિ તૈયાર કરવાની જરૂર છે. આ મામલે અમેરિકા ઉપર સંપૂર્ણ ભરોસો મૂકી શકાય એમ નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રાથમિકતા અફઘાનિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવાની છે. એ માટે તેઓ પાકિસ્તાન સાથે કોઇ સમજૂતિ પણ કરી શકે છે.