ચૂંટણી બોન્ડને પારદર્શક બનાવવાની દિશામાં સુપ્રીમ કોર્ટની મહત્ત્વની પહેલ
સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડ દ્વારા મળેલા ભંડોળની વિગતો ચૂંટણી પંચને આપવાનો આદેશ ફરમાવ્યો
પારદર્શક વહીવટની વાતો કરતી મોદી સરકાર તરફથી રજૂ થયેલા એટર્ની જનરલની દલીલ છે કે જનતાને રાજકીય પક્ષોને મળતા ફંડ વિશે જાણવાની શી જરૂર છે પરંતુ સૌ જાણે છે કે રાજકીય પક્ષો ચૂંટણી દરમિયાન કેવી રીતે પાણીની જેમ પૈસા વહેવડાવે છે
ફરી એક વખત ચૂંટણી ફાળાને લઇને થતી ચર્ચાઓએ જોર પકડયું છે. ચર્ચાના મૂળમાં છે ગયા વર્ષે મોદી સરકારે લાગુ કરેલા ઇલેક્ટોરલ બોન્ડ. ચૂંટણી બોન્ડની વ્યવસ્થાને નાબૂદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી યાચિકા ઉપર હાલ સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે તમામ રાજકીય પક્ષોને આદેશ આપ્યો છે કે બોન્ડ દ્વારા મેળવવામાં આવેલા ફાળાની વિગતો સીલબંધ કવરમાં ચૂંટણી પંચને સોંપે. જોકે સુપ્રીમ કોર્ટે હજુ સુધી ચૂંટણી બોન્ડને રદ્ કરવા અંગે કોઇ નિર્ણય લીધો નથી પરંતુ એ વાતને અવગણી શકાય એમ નથી કે ખુદ ચૂંટણી પંચને પણ આ બોન્ડ સામે અમુક વાંધા છે.
હકીકતમાં ઇલેક્ટોરલ બોન્ડની જોગવાઇ અંગે કાયદો આકાર લઇ રહ્યો હતો ત્યારે પણ ચૂંટણી પંચે એની સામે વાંધો ઉઠાવ્યો હતો પરંતુ એ વખતે મોદી સરકાર તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે આ નવી વ્યવસ્થા દ્વારા રાજકીય પાર્ટીઓને મળતા ચૂંટણી ફાળામાં પારદર્શકતા આવશે. પરંતુ ઇલેક્ટોરલ બોન્ડની વ્યવસ્થા લાગુ થયાના એક વર્ષ બાદ સપાટી પર આવ્યું છે કે પારદર્શકતાના દાવા હેઠળ રચાયેલી નવી વ્યવસ્થા એકંદરે અપારદર્શક જ છે. એની પાછળનું મુખ્ય કારણ એ છે કે રાજકીય પક્ષો એ રજૂ કરવા માટે બંધાયેલા નથી કે તેમને ચૂંટણી બોન્ડ કોણે આપ્યા?
ચૂંટણી પંચ તેમજ ચૂંટણી પ્રક્રિયા સ્વચ્છ અને નિષ્પક્ષ રહે એ માટે પ્રયત્નશીલ સંગઠનો એવું ઇચ્છી રહ્યાં છે કે ચૂંટણી બોન્ડ ખરીદનારાના નામ જાહેર કરવામાં આવે જેથી કરીને એ ખબર પડી શકે કે કોઇએ અમુક ફાયદાની ગણતરીમાં તો ચૂંટણી ફાળો નથી આપ્યોને? આ માટે સરકારની દલીલ એ છે કે ફાળો આપનારા લોકોનું નામ ગુપ્ત રહેવું જરૂરી છે કારણ કે તેમની ઓળખ છતી થતા રાજકીય પક્ષો કિન્નાખોરી રાખીને તેમને પરેશાન કરી શકે છે.
જોકે સમગ્ર વ્યવસ્થા જોતા ચૂંટણી બોન્ડ કોણે ખરીદ્યાં છે એ સત્તાધારી પક્ષ આસાનીથી જાણી શકે છે. કારણ કે આ બોન્ડ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી ખરીદી શકાય છે અને બોન્ડ ખરીદનારે કેવાયસી ફોર્મ ભરવું ફરજિયાત છે. મતલબ કે સરકાર જાણતી જ હોય છે કે કોણે બોન્ડ ખરીદ્યાં છે.
એટલે એવું બને કે બોન્ડ ખરીદનારે જો સત્તાધારી પાર્ટીને એ બોન્ડ દ્વારા ફાળો ન આપ્યો હોય તો એ બોન્ડ ખરીદનાર પ્રત્યે કિન્નાખોરી દાખવી શકે છે. કદાચ એટલા માટે જ ચૂંટણી બોન્ડ દ્વારા જે ૨૨૧ કરોડ રૂપિયાનો ફાળો આપવામાં આવ્યો છે એમાંના ૨૧૦ કરોડ તો ભાજપના ખાતામાં જ ગયા છે. જ્યારે બાકીના તમામ રાજકીય પક્ષોના ફાળે માત્ર ૧૧ કરોડ આવ્યાં છે જેમાં પાંચ કરોડ કોંગ્રેસને ફાળાપેટે મળ્યાં છે. આ આંકડા જ દર્શાવે છે કે ચૂંટણી બોન્ડ દ્વારા પારદર્શકતા લાવવાના દાવા વચ્ચે સૌથી મોટો ફાયદો તો મોદી સરકારને જ થયો છે.
ઇલેક્ટોરલ બોન્ડના વિરોધમાં ચૂંટણી પંચે જે સોગંદનામુ રજૂ કર્યું છે એ જ ફરિયાદ કોમનકૉઝ અને એડીઆર જેવા સામાજિક સંગઠનોની છે. આ સંગઠનોએ જ ઇલેક્ટોરલ બોન્ડ વિરુદ્ધ યાચિકા દાખલ કરી છે. હકીકતમાં ઇલેક્ટોરલ બોન્ડ એક પ્રકારની પ્રોમિસરી નોટ છે. આ બોન્ડ માત્ર રાજકીય પક્ષો જ વટાવી શકે છે.
ચૂંટણી બોન્ડ એક હજાર, દસ હજાર, એક લાખ, દસ લાખ અને એક કરોડ રૂપિયાના હોય છે. રાજકીય પક્ષોને ફાળો આપવા માગતી વ્યક્તિ કે કંપની આ બોન્ડ ખરીદીને જે-તે પાર્ટીને આપે છે. રાજકીય પક્ષે આ બોન્ડ પંદર દિવસમાં વટાવવાના રહે છે. જો રાજકીય પક્ષ પંદર દિવસની અંદર આ બોન્ડ ન વટાવી શકે તો એ રકમ વડાપ્રધાન રાહત કોષમાં જતી રહે છે.
ખાસ બાબત એ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આ વર્ષે જાન્યુઆરીથી લઇને માર્ચ સુધીમાં એટલે કે માત્ર ત્રણ મહિનામાં ૧૭૧૬ કરોડ રૂપિયાના બોન્ડ વેચ્યા છે. ગયા વર્ષે છ મહિનાના સમયગાળામાં એક હજાર કરોડના બોન્ડ વેચાયા હતાં. મતલબ કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં અજ્ઞાાત સ્ત્રોતો દ્વારા પ્રાપ્ત થયેલા નાણાનો મોટા પાયે ઉપયોગ થશે.
રાજકીય પક્ષોને બોન્ડ દ્વારા મળતા ફાળાની વિગતો આપવામાંથી છૂટ આપવામાં આવી છે જેના કારણે એ માહિતી મેળવવી મુશ્કેલ છે કે તેમને આ ફાળો દેશની કંપનીઓ દ્વારા મળ્યો છે કે વિદેશની સ્ત્રોતો દ્વારા. ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય. કુરેશીનું કહેવું છે કે ઇલેક્ટોરલ બોન્ડે સત્તાધારી પાર્ટીને સરકાર અને કોર્પોરેટ સેક્ટર વચ્ચેના ગુપ્ત સંબંધોને છુપાવવામાં મદદ મળે છે. તેમના કહેવા મુજબ ઇલેક્ટોરલ બોન્ડે ક્રોની કેપિટાલિઝમ એટલે કે સાંઠગાંઠવાળા પુંજીવાદને કાયદેસરનું સ્વરૂપ આપી દીધું છે.
ખાસ વિચારવા જેવી બાબત એ છે કે ભાજપ જ્યારે વિપક્ષમાં હતો ત્યારે સાવર્જનિક જીવનમાં પારદર્શકતા લાવવાની વાતો કરતો હતો પરંતુ સત્તામાં આવતા જ તેના સૂર બદલાઇ ગયા. રાજકીય પક્ષોને મળતા ફાળા અંગેની જોગવાઇઓમાં મોદી સરકારે એવા ફેરફાર કર્યાં છે કે હવે વિદેશી કંપનીઓની ભારતસ્થિત શાખાઓ પણ ચૂંટણી ફાળો આપી શકે છે.
ચૂંટણી પંચે પણ આની વિરુદ્ધમાં રજૂઆત કરી છે કે નવી જોગવાઇથી રાજકીય પક્ષોને અમર્યાદિત વિદેશી ફંડિંગની અનુમતિ મળશે અને આવી વિદેશી કંપનીઓ ભારતની નીતિઓને પણ અસર કરી શકે છે. સાદી ભાષામાં કહેવું હોય તો વિદેશી કંપનીઓ પૈસાના જોરે સરકારને ખિસ્સામાં રાખીને પોતાની મનમાની કરી શકે છે. સુપ્રીમ કોર્ટે પણ સરકાર તરફથી રજૂ થયેલા એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલને અણિયાળો સવાલ પૂછ્યો કે આ રીતે તો ચૂંટણી બોન્ડ દ્વારા ફાળો શેલ કંપનીઓ એટલે કે બનાવટી કંપનીઓ પણ આપી શકે કે નહીં?
ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા મળતા ફાળાના જે આંકડા બહાર આવ્યાં છે એના આધારે તો એવું જ લાગે છે કે આ બોન્ડનો મહત્તમ ફાયદો સત્તાધારી પાર્ટીને જ મળે છે. સ્પષ્ટ વાત છે કે આ વ્યવસ્થા વિપક્ષી દળો સાથે અન્યાયસમાન છે. લોકશાહીમાં પારદર્શકતા પાયાનું મૂલ્ય ગણાય છે અને દેશની જનતાને તમામ જાણકારી પ્રાપ્ત કરવાનો અધિકાર છે.
ઉલટું એટર્ની જનરલે સુપ્રીમ કોર્ટમાં એવી દલીલ કરી કે જનતાને જનતાને રાજકીય પક્ષોને મળતા ફંડ વિશે જાણવાની શી જરૂર છે? પાછલી યૂપીએ સરકારે માહિતીના અધિકારનો કાયદો બનાવીને જનતાના તમામ બાબતોથી જાણકાર હોવાના અધિકારને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં જોવામાં આવ્યું છે કે મોદી સરકારે આરટીઆઇ એક્ટને નબળો બનાવવાના શક્ય તમામ પ્રયાસ કર્યાં છે.
હાલ તો એવું જણાઇ રહ્યું છે કે ચૂંટણી બોન્ડની વ્યવસ્થા દ્રારા આપણે એક અપારદર્શક વ્યવસ્થામાંથી બીજી અપારદર્શક વ્યવસ્થામાં આવી ગયા છીએ. આ પહેલા રાજકીય પક્ષોને ૨૦ હજારથી ઓછી રકમના ફાળાની વિગતો ન આપવાની છૂટ હતી. જેનો ભારે દુરુપયોગ થતો હતો કારણ કે રાજકીય દળો એવું દર્શાવીને છૂટી જતાં કે તેમને જે ફાળો મળ્યો છે એ ૨૦ હજારથી ઓછી રકમરૂપે પ્રાપ્ત થયો છે.
ચૂંટણી બોન્ડની વ્યવસ્થા બાદ આ રકમ ઘટાડીને બે હજાર રૂપિયા કરી દેવામાં આવી છે. સૌ જાણે છે કે રાજકારણ પૈસાનો ખેલ બની ગયું છે. નાણા વગર રાજકીય પાર્ટીઓ કે રાજકારણનું સંચાલન થઇ શકે એમ નથી. એ પણ કોઇનાથી અજાણ્યું નથી કે રાજકીય પક્ષો ચૂંટણી દરમિયાન કેવી રીતે પાણીની જેમ પૈસા વહેવડાવે છે.
ચૂંટણી પંચે કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં ૨૦૧૭માં કાયદા મંત્રાલયને મોકલેલા પોતાના અભિપ્રાયને વળગી રહેવાનું નક્કી કર્યું છે. આ યોજનામાં દાનકર્તાની ઓળખ ન હોવાના કારણે ખોટ કરતી કંપનીઓ પણ અમુક લાભ મેળવવાની ગણતરી સાથે ઇલેક્ટોરલ બોન્ડ ખરીદીને કોઇ ખાસ રાજકીય પક્ષ, કહો કે સત્તાધારી પક્ષને આપી શકે છે.
ચૂંટણી પંચનું કહેવું છે કે એટલી તો જાણકારી હોવી જોઇએ કે કોણે કોણે કેટલો રાજકીય ફાળો કયા કયા રાજકીય પક્ષને આપ્યો છે. બીજી બાજુ સરકારની દલીલ છે કે ચૂંટણી બોન્ડનો હેતુ જ ચૂંટણી પ્રક્રિયામાં કાળા નાણાને ખતમ કરવાનો છે. ફાળો આપતા લોકો ઇચ્છતા હોય છે કે તેમની મનગમતી પાર્ટી સત્તામાં આવે અને જો એ પાર્ટી સત્તામાં ન આવે તો જે પાર્ટીને તેમણે ફાળો આપ્યો નથી એ પાર્ટી તેમની સાથે ભેદભાવ રાખી શકે છે એટલા માટે જ ગુપ્તતા જરૂરી છે.
ચૂંટણીમાં પારદર્શકતા સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી બોન્ડની યોજના જ બંધ કરવાની કે પછી એની અમુક જોગવાઇઓ બદલવાની જરૂરિયાત છે. હાલ સુપ્રીમ કોર્ટે જે સૂચના આપી છે એનાથી પણ પારદર્શકતા સંપૂર્ણપણે અમલમાં આવતી જણાઇ નથી રહી. કાણ કે રાજકીય પાર્ટીઓ તેમને મળતા ફાળાની વિગતો જાહેર નહીં કરે પરંતુ સીલબંધ કવરમાં માત્ર ચૂંટણી પંચને જ આપશે.
હજુ એ સ્પષ્ટ નથી કે ચૂંટણી પંચ પાસે એ અધિકાર હશે કે નહીં કે તે આ માહિતી સાર્વજનિક કરી શકશે કે નહીં? જોકે સુપ્રીમ કોર્ટેના આદેશથી પારદર્શકતાની દિશામાં આગળ વધવામાં સફળતા જરૂર મળી છે. આશા કરીએ કે આવી રીતે જ પારદર્શકતાની દિશામાં આગળ વધવા માટેના જરૂરી પગલાં લેવાતા રહેશે.