Get The App

ચૂંટણીના પરિણામો બાદ કોણ બનશે કિંગ અને કોણ કિંગમેકર?

લોકસભાની ચૂંટણીના પરિણામ આવે એ પહેલાં 21 વિપક્ષી દળોની બેઠક યોજવાની હિલચાલ

Updated: May 13th, 2019

GS TEAM

Google News
Google News
ચૂંટણીના પરિણામો બાદ કોણ બનશે કિંગ અને કોણ કિંગમેકર? 1 - image



લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જો કોઇ મોરચાને સ્પષ્ટ બહુમતિ ન મળી તો એ સંજોગોમાં રાષ્ટ્રપતિની ભૂમિકા ઘણી મહત્ત્વની બની રહેવાની છે

લોકસભાની ચૂંટણીના છ તબક્કાનું મતદાન પૂરું થઇ ચૂક્યું છે અને હવે માત્ર અંતિમ તબક્કાનું મતદાન બાકી છે અને ત્યાર બાદ દુનિયાની સૌથી મોટી લોકશાહીના પરિણામો જાહેર થવાના છે. જેમ જેમ પરિણામોની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોની પડદા પાછળની હિલચાલ પણ વધી રહી છે. ખાસ વાત એ કે આ વખતે કોઇ જુવાળ નથી અને એટલા માટે સૌના મનમાં એક જ સવાલ છે કે સરકાર કોની રચાશે?

લોકસભાની ચૂંટણીના છ તબક્કા બાદ દેશની મુખ્ય બે પાર્ટીઓ કોંગ્રેસ અને ભાજપને ખ્યાલ આવી ચૂક્યો છે કે તેમને બહુમતિ મળવી મુશ્કેલ છે. એક તરફ સત્તાધારી ભાજપ છે જે ગત લોકસભાની ચૂંટણીની જેમ જ બહુમતિ મેળવવાની આશા રાખે છે પરંતુ તાજેતરમાં ખુદ તેના નેતાઓના જ અમુક નિવેદનો દ્વારા એવો અણસાર મળી રહ્યો છે કે બહુમતિ મળવાની આશા ઠગારી નીવડી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને મજબૂત સરકાર રચવા માટે મત આપવાની અપીલ કરી રહ્યાં છે. તો બીજી બાજુ તેઓ માયાવતી અને નવીન પટનાયક જેવા નેતાઓને પોતાના પક્ષમાં લેવા માટે નરમ વલણ અપનાવી રહ્યાં છે. 

બીજી બાજુ ગત લોકસભાની ચૂંટણીમાં ૪૪ બેઠકો પર સીમિત થઇ જનારી કોંગ્રેસ છે જે આ વખતની ચૂંટણીમાં સારો દેખાવ કરવાની અપેક્ષા રાખે છે. પરંતુ કોૅગ્રેસ એ પણ જાણે છે કે ભલે તેની બેઠકોમાં વધારો થાય તો પણ એ વધારો એટલો જંગી નહીં હોય કે તે અન્ય વિપક્ષી દળોની સાડાબારી રાખ્યા વિના સરકાર રચી શકે.

દેશના મુખ્ય બે રાષ્ટ્રીય પક્ષોની મજબૂરી ધ્યાનમાં રાખીને બાકીના પક્ષો પરિણામ જાહેર થયા અગાઉ જ પોતપોતાની સોગઠી રમવામાં લાગી ગયાં છે. ચૂંટણીના પરિણામો જાહેર થાય એ પહેલાં વિપક્ષી દળો એક બેઠક કરવાના છે એવી વાતો પણ સંભળાઇ રહી છે. 

સત્તાધારી અને વિપક્ષી પાર્ટીઓમાં ઘણાં નેતાઓ એવાં છે જે કાં તો પોતે કિંગ બનવા માંગે છે અથવા તો કિંગમેકર બનવા ધારે છે. સત્તાધારી મોરચા એનડીએની વાત કરીએ તો જો ભાજપને બહુમતિ ન મળી તો આગામી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનું નામ સર્વસંમત રીતે પસંદ કરવામાં અનેક અવરોધ આડા આવી શકે છે.

ભાજપને બહુમતિ ન મળી એ સંજોગોમાં પાર્ટીની અંદર જ નરેન્દ્ર મોદી સામે કેટલાંક ચહેરા ઊભા થાય એમ છે. આવા ચહેરાઓમાં મુખ્ય નામ નિતિન ગડકરીનું મનાય છે. હકીકતમાં છેલ્લા થોડા સમયથી ભાજપની અંદર જ ગડકરીની હિલચાલ વધી રહી છે. અવારનવાર તેઓ મોદી સરકાર અને ભાજપ માટે વિમાસણ સર્જાય એવા નિવેદનો આપતા રહે છે.

નિતિન ગડકરી પોતે એવું કહેતા રહે છે કે તેમને વડાપ્રધાન બનવામાં રસ નથી. પરંતુ આવું તો દરેક નેતા કહેતા હોય છે અને એ સાથે જ એવું જોડતા હોય છે કે પાર્ટીની ઇચ્છા હશે તો તેઓ જવાબદારી સ્વીકારવા તૈયાર છે.

તાજેતરમાં રાહુલ ગાંધીની નાગરિકતાના મુદ્દે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ પણ રસપ્રદ ટકોર કરી હતી કે કોણ વડાપ્રધાન બનવા નથી ઇચ્છતું? હકીકત એ છે કે ભલે કોઇ જાહેરમાં ન સ્વીકારે કે તે વડાપ્રધાનપદ ઇચ્છે છે પરંતુ એ તો સર્વિવિદિત છે કે રાજકારણમાં રહેલા પ્રત્યેક નેતાનું વડાપ્રધાન બનવાનું સપનું હોવાનું. 

ખરેખર તો ૨૦૧૪માં જે સમયે નરેન્દ્ર મોદીની સરકાર આકાર લઇ રહી હતી ત્યારે પણ એવું કહેવાતું હતું કે તેમની બરોબરી કરી શકે એવા એક માત્ર નિતિન ગડકરી જ છે. ગડકરીનો પ્રભાવ પણ એટલો હતો કે તેમણે જે મંત્રાલય માંગ્યું એ તેમને ફાળવવામાં આવ્યું. આજે માર્ગ પરિવહન અને હાઇવેનું માળખાગત વિકાસ કરવા માટે તેમની પ્રશંસા પણ થાય છે.

મોદી સરકારના બીજા મંત્રીઓને ભલે કેન્દ્રીય નેતાગીરી તરફથી નિર્દેશ મળતા રહ્યાં હોય, પરંતુ ગડકરી પોતાના ખાતાને લગતાં નિર્ણયો પોતે જ લેતાં રહ્યાં. ગડકરીના આ પ્રભાવ પાછળ તેમની આરએસએસ સાથેની નિકટતા મનાય છે. ખાસ તો સંઘના પ્રમુખ મોહન ભાગવત સાથે તેમને નિકટના સંબંધ છે.

ભાજપને બહુમતિ ન મળે એ સંજોગોમાં એનડીએની અંદર નરેન્દ્ર મોદી સામે ઊભા થાય એવા બીજા નેતા છે બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂ અધ્યક્ષ નીતીશ કુમાર. તાજેતરમાં જેડીયૂ નેતા ગુલામ રસૂલ બલિયાવીએ કહ્યું હતું કે આ વખતની ચૂંટણીમાં ભાજપને બહુમતિ મળે એમ નથી એ સંજોગોમાં નીતીશ કુમારને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા જોઇએ. જેડીયૂ અંદરખાને એવો દાવો કરી રહ્યું છે કે બિહારમાં નરેન્દ્ર મોદી નહીં પરંતુ નીતીશ કુમારના ચહેરા પણ મત મળી રહ્યાં છે. 

જોકે આ પહેલી વખત નથી કે જેડીયૂએ નીતીશ કુમારને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર કરવાની માંગ કરી હોય. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પહેલાં પણ નીતીશ કુમારને એનડીએના વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવાની માંગ થઇ હતી. પરંતુ જ્યારે ભાજપે નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યાં ત્યારે નીતીશ કુમારે એનડીએથી જ છેડો ફાડી નાખ્યો હતો. 

હાલ તો ભાજપે જેડીયૂ નેતાના નિવેદનનો વિરોધ કર્યો છે અને એવો દાવો કર્યો છે કે કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી નરેન્દ્ર મોદીના નામ અને કામ પર જ મત મળી રહ્યાં છે. ખુદ જેડીયૂ એવું કહે છે કે નીતીશ કુમારને વડાપ્રધાન બનવામાં કોઇ રસ નથી. બે વર્ષ પહેલાં ફરી પાછા એનડીએમાં જોડાયેલા નીતીશ કુમાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેજોડ હોવાનું વખતોવખત કહેતા રહે છે. પરંતુ તેઓ મોદી ફરી વખત વડાપ્રધાન બનશે એવું ક્યારેય બોલતા નથી.

તાજેતરમાં બિહારમાં નીતીશ કુમારે વડાપ્રધાન મોદી સાથે એક મંચ પર હાજરી આપી ત્યારે પણ તેમનું અકળ વલણ છતું થયું હતું. વડાપ્રધાન પોતાનું ભાષણ પૂરું કરીને સમગ્ર સભામાં વંદે માતરમના નારા લગાવ્યાં ત્યારે મંચ ઉપર ઉપસ્થિત તમામ નેતાઓમાં એક માત્ર નીતીશ કુમાર જ હતાં કે જેઓ ચૂપચાપ બેઠાં રહ્યાં હતાં. તેમનું આ વલણ સ્પષ્ટ ઇશારો કરતું હતું કે ભલે તેઓ એનડીએમાં હોય પરંતુ તેઓ તેમની પાર્ટીની એજન્ડાને વળગી રહેશે. 

બીજી બાજુ ભાજપવિરોધી મોરચામાં તો વડાપ્રધાનપદ માટે જેટલા પક્ષો એટલા ઉમેદવાર જેવો ઘાટ છે. વિપક્ષી છાવણીના નેતાઓએ એકમતે એવું કહ્યું છે કે હાલ વડાપ્રધાન કોણ બનશે એ વિશે તેઓ વિચારતા નથી. જોકે અંદરખાને તમામ નેતાઓએ પોતપોતાની રીતે વડાપ્રધાન બનવાના ચક્રો ગતિમાન કરી દીધાં છે.

આવા નેતાઓમાં પહેલું નામ આવે છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપી અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડૂનું. ગયા વર્ષે એનડીએ સાથે છેડો ફાડયો ત્યારથી ચંદ્રબાબુ નાયડૂ વિપક્ષી એકતાના સૂત્રધાર બનવાના પ્રયાસ કરી રહ્યાં છે. ચંદ્રબાબુ નાયડૂ છેલ્લા એક વર્ષમાં વિપક્ષના જુદાં જુદાં નેતાઓની અનેક વખત મુલાકાત લઇ ચૂક્યાં છે.

વિપક્ષી દળોમાં ચંદ્રબાબુ નાયડૂ બાદ વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે મમતા બેનરજીનું નામ ઉપસી રહ્યું છે. મમતા બેનરજી છેલ્લા ઘણાં સમયથી ભાજપવિરોધી મોરચાના નેતા તરીકે સ્થાપિત થવા પ્રયાસરત છે. આ વખતની ચૂંટણીમાં વડાપ્રધાન મોદી અને મમતા બેનરજી વચ્ચે ઘણું ઘર્ષણ જોવા મળ્યું છે. જે રીતે મમતા બેનરજી વડાપ્રધાન મોદી અને ભાજપને લડત આપી રહ્યાં છે એ જોતાં જો વિપક્ષી મોરચાની સરકાર રચાય તો તેઓ વડાપ્રધાનપદ માટે દાવેદારી નોંધાવે એમાં બેમત નથી.

ક્યારેક તેઓ શરદ પવારને હવા આપે છે તો ક્યારેક તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવની પીઠ થાબડે છે. ખાસ વાત એ કે મમતા બેનરજી કદી રાહુલ ગાંધીના નેતૃત્ત્વનો સ્વીકાર કરે એમ લાગતું નથી.બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતી પણ વડાપ્રધાનપદની રેસમાં છે.

માયાવતીનું સપનું છે કે દેશના વડાપ્રધાનપદની ખુરશી ઉપર કોઇ દલિત નેતા બિરાજે. અને તેમની નજરમાં આજે દેશમાં તેમનાથી મોટો દલિત નેતા બીજો કોઇ નથી. તેઓ પણ કોંગ્રેસને લટકાવીને વડાપ્રધાનની ખુરશી ઉપર બેસવાની ખેવના રાખે છે. એટલા માટે જ છેલ્લા થોડા સમયથી તેમણે ભાજપની સાથે સાથે કોંગ્રેસને પણ વખોડવાનું શરૂ કર્યું છે. 

આ સિવાય તેલંગાણાના મુખ્યમંત્રી અને ટીઆરએસ વડા કે. ચંદ્રશેખર રાવ, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક અને આંધ્રપ્રદેશની વાયએસઆર કોંગ્રેસના વડા જગનમોહન રેડ્ડી કિંગમેકર બનવાના સપના જોઇ રહ્યાં છે. એમાંયે કે. ચંદ્રશેખર રાવ ઉર્ફે કેસીઆરએ તો ચૂંટણી પૂરી થયા પહેલાં જ પોતાના ચક્રો ગતિમાન કરી દીધાં છે અને વિપક્ષી દળોના નેતાઓને મળી રહ્યાં છે.

હમણા સુધી ત્રીજો મોરચો રચવાની કવાયત કરી રહેલા કેસીઆરએ પરિસ્થિતિ જોઇને પેંતરો બદલ્યો છે અને ભાજપવિરોધી મોરચાના સભ્ય બનવાનું વિચાર્યું છે. જોકે એ માટે તેમની શરત એ છે કે તેમને દેશના નાયબ વડાપ્રધાન બનાવવામાં આવે. મતલબ કે વડાપ્રધાન કોણ બને એ વિપક્ષી દળો અંદરોઅંદર માથાકૂટ કરીને નક્કી કરે પણ નાયબ વડાપ્રધાનપદે તેમનું નામ નક્કી હોય. 

સરકાર રચવાની સત્તાધારી અને વિપક્ષી પાર્ટીઓની હિલચાલ વચ્ચે નવીન પટનાયકે અકળ મૌન જાળવી રાખ્યું છે. નથી તેઓ સત્તાધારી ભાજપને સાથ આપતાં કે નથી ભાજપવિરોધી મોરચામાં સામેલ થતાં. ઓડિશામાં તેમની મુખ્ય લડાઇ ભાજપ સામે હોવા છતાં રાષ્ટ્રીય સ્તરે તેઓ ક્યારેય ભાજપવિરોધી મોરચાના કાર્યક્રમોમાં હાજરી આપતા નથી.

તેમને પણ કિંગમેકરની ભૂમિકામાં જોવામાં આવે છે. તો જગનમોહન રેડ્ડીએ પણ હજુ સુધી પોતાના પત્તાં ખોલ્યાં નથી. ટૂંકમાં કેસીઆર, નવીન પટનાયક અને જગનમોહન રેડ્ડી એવા ત્રણ નેતાઓ છે જે આગામી સમયમાં ભાજપ અથવા તો ભાજપવિરોધી મોરચો બંનેમાંથી જેની સરકાર રચાય એમાં કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે.

એવું સંભળાય છે કે વિપક્ષી દળો પરિણામ આવતા સૌથી પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો સંપર્ક કરશે અને એનડીએને બહુમતિ ન મળે એ સંજોગોમાં સૌથી મોટી પાર્ટીને સરકાર રચવા માટે આમંત્રણ ન આપવાનો આગ્રહ કરશે, તેમજ વિપક્ષી દળોને સરકાર રચવાની તક આપવાની વિનંતી કરશે. આ માટે  વૈકલ્પિક સરકાર રચવા માટે ૨૧ વિપક્ષી દળોના નેતાઓના હસ્તાક્ષરવાળોે પત્ર પણ રાષ્ટ્પતિને સોંપવાની તૈયારી થઇ રહી છે. જો કોઇ મોરચાને બહુમતિ ન મળી એ સંજોગોમાં રાષ્ટ્રપતિનું વલણ મહત્ત્વનું બની રહેવાનું છે.

Tags :