કાર્બન ઉત્સર્જન ઘટાડવાની દિશામાં ભારતની ધીમી પરંતુ મક્કમ પ્રગતિ
- ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સના ટોપ ટેન દેશોમાં ભારત નવમા સ્થાને
- પેટ્રોલિયમ અને કોલસાનો આડેધડ વપરાશ કરીને માલેતુજાર બનેલા દેશો હવે ભારત જેવા વિકાસશીલ દેશો પર પરંપરાગત ઉર્જાનો વપરાશ બંધ કરીને અક્ષય ઉર્જાના સ્ત્રોતો અપનાવવા દબાણ કરે છે
સ્પેનની રાજધાની મેડ્રિડ ખાતે આયોજિત ક્લાયમેટ ચેન્જ કોન્ફરન્સ (COP-25)માં ક્લાયમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ (CCPI)નો રિપોર્ટ જાહેર થયો છે. જેમાં ભારતને એ પ્રથમ દસ દેશોમાં સ્થાન મળ્યું છે જે દેશો કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે ઝડપથી પ્રયાસ કરી રહ્યાં છે. વાયુ પ્રદૂષણના મામલે ભલે દેશની સ્થિતિ સારી ન હોય પરંતુ ક્લાયમેટ ચેન્જની આફતને લઇને જાગૃતિના મામલે ભારત આગળ આવ્યું છે.
સીસીપીઆઇમાં પહેલા ત્રણ સ્થાન ખાલી રાખવામાં આવ્યાં છે કારણ કે કાર્બન ઉત્સર્જન ઘટાડવાના મામલે કોઇ પણ દેશે હજુ સુધી સંપૂર્ણ સફળતા હાંસલ કરી નથી. ચોથા સ્થાને સ્વીડન, પાંચમા સ્થાને ડેનમાર્ક અને છઠ્ઠા સ્થાને મોરોક્કો છે. ભારતને આ યાદીમાં નવમું સ્થાન મળ્યું છે અને એ સાથે જ ટોપ ટેન યાદીમાં ભારતે પહેલી વખત પ્રવેશ મેળવ્યો છે.
ક્લાયમેટ ચેન્જ પર અત્યાર સુધી થયેલા વૈશ્વિક સંમેલનોમાં ભારતે હાજરી આપીને પોતાની જે પ્રતિબદ્ધતા રજૂ કરી છે એના પર દેશમાં ગંભીરતાપૂર્વક અમલીકરણ થઇ રહ્યું છે અને પેરિસ સમજૂતિ અને ક્યોટો સમજૂતિ પર અમલ કરવાની દિશામાં ભારતે ઝડપી પગલાં લીધાં છે. પૃથ્વી પર ક્લાયમેટ ચેન્જનું જે સંકટ ઊભું થયું છે એ મુખ્યત્ત્વે તો વિકસિત દેશોની બેદરકારીનું પરિણામ છે.
પરંતુ આજે આ દેશો પર્યાવરણની દુર્દશા માટે વિકાસશીલ અને ગરીબ દેશોને જવાબદાર ઠરાવીને તેમના ઉપર સમસ્યાના નાથવાના પગલાં લેવા દબાણ કરે છે. સંતોષજનક બાબત છે કે ક્લાયમેટ ચેન્જને પહોંચી વળવાના પ્રયાસોમાં ભારતે પ્રમાણિકતાપૂર્વક ફાળો આપ્યો છે અને હવે આ સૂચકાંક આવતા દુનિયાએ ભારતના પ્રદાનની નોંધ પણ લીધી છે.
ક્લાયમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ તૈયાર કરતી વખતે આ વાત પર ખાસ ભાર મૂકવામાં આવે છે કે કોઇ દેશે કોલસાનો વપરાશ ઓછા કરવા સહિત એવા કયા ઉપાયો પ્રયોજ્યા છે જેમાં ઝેરી ગેસોનું ઉત્સર્જન ન થાય. ભારતે છેલ્લા થોડા સમયમાં આ દિશામાં જે કામ કર્યું છે એ તેના નિર્ધારિત લક્ષ્ય કરતા પંદર ટકા વધારે છે. જોકે વૈશ્વિક સ્તરે ઘણાં દેશોએ કોલસા પરની નિર્ભરતા ઓછી કરવાની દિશમાં ગંભીરતા દર્શાવી છે. અત્યાર સુધી જે ૫૭ દેશો સૌથી વધારે કાર્બન ઉત્સર્જિત કરી રહ્યાં હતાં એમાંના ૩૧ દેશોએ કાર્બન ઉત્સર્જન ઓછું કરવા માટે બીજા વિકલ્પો અજમાવવાની શરૂઆત કરી દીધી છે. એવા ઉપાયો પણ શોધવામાં આવી રહ્યાં છે જેમાં કાર્બનનું ઉત્સર્જન ઘટાડી શકાય.
જોકે ભારત સહિતના અનેક વિકાસશીલ દેશો માટે આમ કરવું આસાન નથી. આજે પણ દેશના અનેક ગામડાઓમાં ઉબડખાબડ રસ્તાઓ અને કાચી પગદંડીઓ છે. આવા ગ્રામ્ય વિસ્તારોમાં સૂરજ ઢળતા જ અનેક સમસ્યાઓની શરૂઆત થાય છે. આવા ગામડાઓમાં વીજળી વિના રહેતા લોકો કેરોસીનથી ચાલતા લેમ્પના અજવાળે કામ કરે છે. રાંધવા માટે કોલસાનો ઉપયોગ કરે છે. સાવ પાયાની સુવિધાઓમાં ગુજારો કરવો અત્યંત મુશ્કેલ છે. એટલું જ નહીં, બળતણના કારણે તેમના સ્વાસ્થ્યને પણ માઠી અસર થાય છે. આછી રોશની અને ધુમાડાથી ભરેલું ઘર લોકોને બીમાર કરી દે છે.
પાયાનું સમાધાન એ જ છે કે ૧.૩ અબજની વસતી ધરાવતા દેશમાં દરેક ઘર સુધી વીજળી પહોંચે. આજે ભારતની લગભગ આઠ ટકા વસતી વીજળીની ગ્રીડથી વંચિત છે. આજે ભારત ભલે દુનિયાની સૌથી ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થાઓમાં સામેલ હોય પરંતુ અનેક લોકોને ૨૪ કલાક વીજળી મળતી નથી. આ દિશામાં ભારતની પ્રગતિ પણ અત્યંત ધીમી છે. ઘેરઘેર ૨૪ કલાક વીજળી પહોંચાડવાના લક્ષ્યને પૂરું કરવા માટે પરંપરાગત બળતણ એટલે કે કોલસાનો ઉપયોગ કરવો અનિવાર્ય છે.
ભારતમાં માત્ર ઘરેલુ સ્તરે જ નહીં પરંતુ ઔદ્યોગિક સ્તરે પણ મોટા પ્રમાણમાં કોલસાનો વપરાશ થાય છે. વીજળીના ઉત્પાદન માટે તો આપણો દેશ કોલસા પર જ નિર્ભર છે. એવામાં આપણા માટે એ શક્ય જ નથી કે કોલસાનો ઉપયોગ સદંતર બંધ જ કરી દેવામાં આવે. સરકારના જણાવ્યા અનુસાર ઉર્જાની માંગ અને સપ્લાયને અનુલક્ષીને અનુમાન છે અને એ અનુસાર આવનારા થોડા સમય માટે કોલસાની જરૂર પડશે. જોકે છેલ્લા એક દાયકામાં દેશના કરોડો પરિવારોને ગેસ પહોંચાડવાની દિશામાં સફળતા મળી છે. દેશમાં સૌર ઉર્જાના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે. આવનારા વર્ષોમાં ચાળીસ ટકા વીજળી ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતો દ્વારા ઉત્પાદિત કરવાનું લક્ષ્ય છે.
ભારત અગાઉ સ્પષ્ટતા કરી ચૂક્યું છે કે ગરીબી દૂર કરવી એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાથી કોલસાનો વપરાશ હાલ તો બંધ કરી શકાય એમ નથી. એ સાથે ભારતે સ્વચ્છ ઉર્જાનો વપરાશ વધારવાના શક્ય તમામ પ્રયાસો કરતા રહેવાની બાંહેધરી પણ આપી છે. આજે ભારતની કુલ ઉર્જામાંથી ૮૦ ટકા ઉર્જા કોલસાથી ઉત્પન્ન થાય છે.
કુલ ઉર્જાનો બહુ નાનો હિસ્સો સૌર, પવન, જળ ઉર્જા, બાયોમાસ અને હાઇડ્રોપ્રોજેક્ટ્સમાંથી આવે છે. જોકે ભારતે વાયદો કર્યો છે કે ૨૦૨૨ સુધી ૧ લાખ ૭૫ હજાર મેગા વોટ ઉર્જા બિનપરંપરાગત ઉર્જાસ્ત્રોતોમાંથી પ્રાપ્ત કરશે. દેશમાં આજે પણ ૩૦ કરોડ લોકો ગરીબીના સ્તર નીચે જીવે છે એ સંજોગોમાં કોલસાનો ઉપયોગ બંધ કરવો અશક્ય છે.
આજે દુનિયા સામે વૈશ્વિક કાર્બન ઇત્સર્જનનું સ્તર ઘટાડવાનું દબાણ છે. કાર્બન ઉત્સર્જન ઓછું કર્યા વિના ગ્લોબલ વૉર્મિંગના સ્તરને બે ડિગ્રી સેલ્સિયસ કરતા નીચે રાખવું શક્ય નથી. તાપમાન ઘટાડવા માટે વિકાસશીલ દેશો ઉપર જીવાશ્મ બળતણનો ઉપયોગ ખતમ કરીને અક્ષય ઉર્જા વાપરવાનું દબાણ થઇ રહ્યું છે. જાણકારોના મતે કોલસા પરની નિર્ભરતા ઓછી કરીને વિકાસ કરવો શક્ય તો છે પરંતુ અત્યંત મોંઘો છે. સૌર ઉર્જા અને પવન ઉર્જા જેવા બિનપરંપરાગત ઉર્જાસ્ત્રોતોના દામ ભલે ઓછા હોય પરંતુ એમાં શરૂઆતમાં ભારે રોકાણ કરવું પડે છે.
વિકસિત દેશોએ એ માટે વિકાસશીલ દેશોને આર્થિક મદદ કરવી જ રહી. પેરિસ સમજૂતિ અનુસાર ઔદ્યોગિક દેશોએ વિકાસશીલ દેશોને આર્થિક સહાય કરવાનું નક્કી થયું છે. આ રકમના આધારે વિકાસશીલ દેશો કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાના પોતાના લક્ષ્યને પહોંચી વળવા પ્રયાસ કરશે અને ક્લાયમેટ ચેન્જની અસરો સામે લડશે. જાણકારોના મતે વિકસિત દેશો આગળ આવે અને વિકાસશીલ દેશો સાથે આ મુદ્દે ભાગીદારી કરે તો સ્વચ્છ ઉર્જા તરફ વળવાના લક્ષ્યાંકને ઝડપથી પહોંચી વળાય એમ છે.
ક્લાયમેટ ચેન્જની સમસ્યાને નાથવા આડે મોટી સમસ્યા એ છે કે વિકસિત દેશો આજે પણ એ દિશામાં નોંધપાત્ર કામગીરી કરી નથી રહ્યાં. ક્લાયમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સની ૬૦ દેશોની યાદીમાં અમેરિકા છેક તળિયે સ્થાન પામ્યું છે. રિપોર્ટના આધારે જણાય છે કે અમેરિકા જ નહીં, ઓસ્ટ્રેલિયા, સાઉદી અરેબિયા જેવા શ્રીમંત અને શક્તિશાળી દેશોનો રેકોર્ડ સાવ બદતર છે. અમેરિકાએ તો પેરિસ સમજૂતિમાંથી જ પાછીપાની કરી દીધી છે.
સ્પષ્ટ છે કે અમેરિકા પોતાના હિતો સાથે સમાધાન કરવા તૈયાર નથી. પર્યાવરણને બચાવવા માટે સંમેલનો અને શિખર બેઠકો તો વર્ષોથી યોજાય છે પરંતુ શક્તિશાળી રાષ્ટ્રો પોતાના સ્વાર્થોને લઇને ધરતીને બચાવવાના કોઇ પ્રયાસમાં સહકાર આપતાં નથી. શ્રીમંત રાષ્ટ્રો પર્યાવરણની પરિસ્થિતિ કથળવાના દોષનો ટોપલો ગરીબ રાષ્ટ્રોના માથે ઓઢાડી દે છે.
આજે જે પણ દેશો વિકસિત છે તેઓ પરંપરાગત ઉર્જાસ્ત્રોતોનો ઉપયોગ કરીને જ માલેતુજાર બન્યાં છે અને હજુ પણ આ દેશો પોતાની વ્યવસ્થા બદલવા તૈયાર નથી. ઉલટું, દુનિયાનું પર્યાવરણ બગાડવા માટે વિકાસશીલ દેશોને જવાબદાર ઠરાવીને પોતાની જવાબદારીમાંથી છટકતા આવ્યાં છે. મેડ્રિડ ખાતેના કોપ-૨૫ સંમેલનમાં પણ આ જ મુદ્દાઓ અવરોધરૂપ બનેલા છે. આજે કાર્બન ઉત્સર્જનમાં વિકાસશીલ દેશો સૌથી આગળ છે. આ દેશો ૬૦ ટકા કાર્બનનું ઉત્સર્જન કરી રહ્યાં છે. જેમાં પહેલા સ્થાને ચીન છે અને ત્રીજા સ્થાને ભારત છે.
આ બંને દેશો દુનિયામાં સૌથી વધારે વસતી ધરાવે છે. એવામાં વધારે વસતીનો સીધો અર્થ છે વધારે કાર્બનનનું ઉત્સર્જન. પરંતુ ભારતના મામલે આ વાત સંપૂર્ણ સત્ય નથી. ભારતમાં પ્રતિ વ્યક્તિ કાર્બન ઉત્સર્જન માત્ર ૧.૮ ટન છે. જે પ્રતિ વ્યક્તિ વૈશ્વિક ઉત્સર્જનના અડધા કરતા પણ ઓછું છે.
જો લોકોના અસ્તિત્ત્વ અને થોડા ઘણાં ઉપભોગના અધિકારને ધ્યાનમાં લેવામાં આવે તો વિકાસશીલ અર્થવ્યવસ્થાઓમાં ભારત સૌથી ઓછું કાર્બન ઉત્સર્જન કરતા દેશોમાંનું એક છે.
હકીકતમાં ક્લાયમેટ ચેન્જ માટે ઔદ્યોગિક દેશો જ જવાબદાર છે. આ દેશોએ સમસ્યાના સમાધાનમાં સૌથી આગળ રહેવું જોઇએ અને પોતાની જવાબદારી નિભાવવી જોઇએ. એ પછી જ તેમણે વિકાસશીલ દેશોને એ માટે પ્રેરવા જોઇએ. ક્લાયમેટ ચેન્જ મામલે ભારતનું વલણ સ્પષ્ટ છે કે તે વિકસિત દેશોના દબાણ આગળ નમતું નહીં જોખે અને સાથે સાથે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાના પ્રયાસો પણ ચાલુ રાખશે.