Get The App

જુલિયન અસાંજે: ડિજિટલ યુગનો જાસૂસ, હિરો કે પછી ઝિરો?

લંડનમાં આવેલી ઈક્વેડોરની એલચી કચેરીમાં અસાંજે સાત વર્ષથી રાજ્યાશ્રય લઈ રહ્યા હતા, જે હવે ખતમ થયો છે

Updated: Apr 13th, 2019

GS TEAM

Google News
Google News
જુલિયન અસાંજે: ડિજિટલ યુગનો જાસૂસ, હિરો કે પછી ઝિરો? 1 - image


સામાન્ય નાગરિકોને જે દસ્તાવેજો સરકાર વિવિધ બહાના હેઠળ ન આપતી હોય એ દસ્તાવેજો ડિજિટલ પ્લેટફોર્મ પર મુકીને અસાંજેએ એક સાથે અનેક દેશોની સરકારી સિસ્ટમનું વસ્ત્રાહરણ કરી લીધું છે

બધા કામના દસ્તાવેજો મોબાઈલ કે લેપટોક કે પછી કોઈ પણ સ્થળે ઓનલાઈન-ડિજિટલી રાખવા આમ તો સારી વાત છે. ગમે ત્યાં ગમે ત્યારે જરૂર પડે તો ઉપયોગી થઈ શકે. પરંતુ ડિજિટલી સચવાયેલા દસ્તાવેજો ક્યારેક ભારે પણ પડી શકે છે.

તેનું ઉદાહરણ એટલે આખા જગતમાં ચર્ચાસ્પદ બનેલો વિકિલિક્સનો કેસ. વિકિલિક્સ નામની વેબસાઈટ દ્વારા જુલિયન અસાંજે નામના ઓસ્ટ્રેલિયન નાગરિકે અમેરિકા સહીત અનેક દેશોના ગુપ્ત સરકારી દસ્તાવેજો ડિજિટલ પ્લેટફોર્મ પર મુકી દીધા હતા. ત્યારથી દુનિયાના ઘણા દેશો માટે અસાંજે મોસ્ટ વૉન્ટેડ બની ગયો છે.

દુનિયાના ઘણા નાગરિકો એવા હોય છે, જેમની પાસે કોઈ દેશની નાગરિકતા નથી. માટે કેટલાક દેશો રહેમરાહે તેમને પોતાને ત્યાં આશ્રય આપે છે. ઈક્વેડોર નામના દક્ષિણ અમેરિકા ખંડના દેશે જુલિયન અસાંજેને ૨૦૧૨માં પોતાને ત્યાં રાજ્યાશ્રય આપ્યો હતો. જોકે એ રાજ્યાશ્રય હેઠેળ તેણે ઈક્વેડોર દેશમાં નહીં, પણ લંડન ખાતે આવેલી ઈક્વેડોરની એલચી કચેરી (એમ્બેસી)માં રહેવાનું હતું. આવા રાજ્યાશ્રયની કેટલીક શરતો હોય છે.

આ શરતોનો ભંગ થઈ રહ્યો છે, એવુ કહીને ૧૧મી એપ્રિલ, ૨૦૧૯ની દિવસે ઈક્વેડોરે તેની નાગરિકતા અને રાજ્યાશ્રય બન્ને પરત લઈ લીધા. જ્યાં સુધી એ ઈક્વેડોરની એમ્બેસી ઓફિસમાં હતો ત્યાં સુધી લંડનની ધરતી પર હોવા છતાં લંડન પોલીસ કે બ્રિટિશ સત્તાધિશો તેની ધરપકડ કરી શકે એમ ન હતા. ઈક્વેડોરે જેવી સુવિધા પાછી ખેંચી એ સાથે જ લંડન પોલીસે અસાંજેને પકડી લીધો, કોર્ટમાં રજૂ કર્યો અને અત્યારે કસ્ટડીમાં છે. 

ઈક્વેડોરમાં ૨૦૧૭માં નવા પ્રમુખ લેનીન મોરેનો સત્તા પર આવ્યા છે. તેમણે આ સુવિધા રદ કરવા પાછળ કારણ આપ્યુ છે. તેમણે કહ્યુ કે જુલિયન અસાંજે અમારી એમ્બેસીમાં રહીને ઘણા કાયદાનો ભંગ કરતો હતો. ઈક્વેડોરને પણ દુનિયાના દેશો સાથે સબંધ રાખવાના છે. માટે કોઈ પરદેશી નાગરિક ઈક્વેડોર સરકારની ઓથ હેઠળ રહીને ગરબડ કરે તો પછી એ જવાબદારી ઈક્વેડોર સરકારની બને છે.

રાજ્યાશ્રયની એક શરત એવી હતી કે જુલિયન જે ગુપ્ત દસ્તાવેજો જાહેર કરવા માટે જાણીતો છે, એ કામ બંધ રાખે. પરંત જુલિયને હમણાં જાન્યુઆરી ૨૦૧૯માં વેટિકન સાથે સંકળાયેલા કેટલાક સિક્રેટ દસ્તાવેજો જાહેર કરી દીધા હતા. જુલિયન મૂળ ઓસ્ટ્રેલિયન નાગરિક છે, હાલ તેની પાસે કોઈ દેશનું નાગરિકત્વ નથી.

તો પણ દુનિયાના ઘણા દેશોને એ આંખના કણાની માફક ખૂંચી રહ્યો છે. કારણ કે તેણે અમેરિકા સહિતના ઘણા દેશોની સરકારની દસ્તાવેજો ગુપ્ત રાખવાની સિસ્ટમને ખોખલી સાબીત કરી દીધી છે.

ફલાણા દસ્તાવે તો ગુપ્ત છે, જનતાને જણાવી ન શકાય, અમુક કાગળ જાહેર કરવાથી આપણા દેશના અન્ય દેશો સાથે સબંધ બગડશે, પેલા દસ્તાવેજો જાહેર કરવાથી રાષ્ટ્રની સુરક્ષા જોખમાશે.. વગેરે બહાના સરકાર નાગરિકોને આપી શકે છે. પરંતુ અસાંજે માથાભારે નીકળ્યો. તેમણે સરકારી સિસ્ટમનો જ ઉપયોગ કરીને ગુપ્ત દસ્તાવેજો મેળવી લીધા.

પછી એ વેબસાઈટ પર મુકી પણ દીધા. માટે દુનિયાની અનેક સરકારો ખળભળી ઉઠી. અસાંજે માટે અમેરિકાને હવે લાદેન જેવો જ વિલન લાગે છે. અમેરિકામાં પ્રત્યાર્પણ થશે તો આકરો જેલવાસ થશે. જોકે તેમના વિરૂદ્ધ સ્વીડનમાં વધારે ગંભીર કેસ છે. એ બળાત્કારનો આરોપ છે.

દસ્તાવેજો જાહેર કરવા એ ગુનો ગણાય કે ન ગણાય એ માટે વિવિધ દેશોના વિવિધ મત હોઈ શકે, પણ બળાત્કાર તો ધરતીના ગમે તે ખૂણે થાય, ગુનો જ ગણવો જોઈએ. અસાંજેના કેસમાં બળાત્કારનો ગુનો જોકે સાબિત થયો નથી. કેમ કે સ્વીડને પોતે જ ૨૦૧૦માં બળાત્કારનો ગુનો દાખલ કર્યો હતો અને પછી ૨૦૧૭માં એ ગુનો રદ પણ કર્યો હતો. હવે સ્વીડનમાં તેના વિરૂદ્ધ જામીન ન લેવાનો જ કેસ ચાલે છે. 

અસાંજેનો આરોપ છે કે સ્વીડન બળાત્કારના બહાને તેને અમેરિકાને સોંપી દેવા માંગતુ હતુ. ૧૯૭૧માં જન્મેલા અસાંજેએ કિશોરાવસ્થા વટાવી ત્યાં જ એટલે કે ૧૯૮૭માં જ હેકિંગ શીખી લીધું હતું. હેકિંગમાં તેણે માસ્ટરી હાંસલ કરી એટલે ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યની પોલીસ પણ તેની મદદ લેતી હતી.

જોકે દુનિયાને અસાજેનું કદાવર સ્વરૂપ ૨૦૦૬માં જોવા મળ્યુ જ્યારે તેણે વિકિલિક્સ નામની સાઈટ બનાવીને દસ્તાવેજો જાહેર કરવાની શરૂઆત કરી. ૨૦૦૬માં પહેલા દસ્તાવેજ તો સોમાલિયાના એક મંત્રી વિરૂદ્ધના હતા, જેમણે બીજા સરકારી અધિકારીઓની હત્યાની સોપારી આપી હતી. એ વખતે કોઈનું ખાસ અસાંજે પર ધ્યાન ન પડયું. 

એ પછી કેન્યાના રાજકારણીઓના કૌભાંડ, સ્વિત્ઝરલેન્ડની બેન્કમાં ચાલતા કાળા-ધોળા.. વગેરે દસ્તાવેજો પણ જાહેર કર્યા. પરંતુ વિવાદ ગ્વાન્ટેનામો બે નામની અમેરિકાની જેલ વિશે માહિતી જાહેર થઈ ત્યારે વકર્યો. આ જેલમાં અમેરિકા કેદીઓ વિરૂદ્ધ અમાનવિય અત્યાચાર કરે છે, એવી વિગતો દસ્તાવેજોમાં હતી. અમેરિકાના દસ્તાવેજો જાહેર થયા એટલે અમેરિકાને અને બીજા દેશોને પણ અસાંજે સામે વાંધો પડવા લાગ્યો.

૨૦૦૭માં એક વિડીયો પણ જાહેર કર્યો જેમાં અમેરિકા-બ્રિટનની સેના ઈરાકમાં નિર્દોષ નાગરિકો પર હેલિકોપ્ટરમાંથી ગોળીબારી કરતી હતી. એ હુમલામાં ૧૨ નિર્દોષ નાગરિકો માર્યા ગયા. આખી દુનિયામાં જે દેશોનો પથારો ફેલાયેલો છે, એ દેશોના દસ્તાવેજો જ સ્વાભાવિક રીતે વધુ જાહેર થયા. 

અસાંજે એક દેશના દસ્તાવેજો જાહેર કરે ત્યારે બીજા દેશોને મજા આવતી હતી. પણ એ મજા થોડા સમયમાં બંધ થઈ ગઈ કેમ કે અસાંજેના લિસ્ટમાં ઘણા દેશો હતા. અત્યાર સુધીમાં વિકિલિક્સે ૧ કરોડથી વધુ ગુપ્ત દસ્તાવેજો જાહેર કરી દીધા છે. એ દસ્તાવેજો વળી અતી પ્રતિષ્ઠિત અમેરિકન અખબાર ધ ન્યુયોર્ક ટાઈમ્સ, બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયન, જર્મન અખબાર ડેર સ્પીગલ વગેરે પ્રકાશિત કર્યા છે. એટલે કે દસ્તાવેજો ખોટા નથી. સરકારી કૌભાંડો કે પછી સરકારી ગુપ્તતા સરા-જાહેર થઈ જ છે.

ઓસ્ટ્રેલિયામાં જ્યારે હેકિંગની શરૂઆત કરી ત્યારે અસાંજેને નાની-મોટી સજા થતી ત્યારે હવે આવુ ન કરશો એમ કહીને માફી પણ મળી જતી. અમુક વખત દંડ ભરવો પડતો હતો, તો અમુક વખત જેલ સજા થતી હતી.

ખેપાની મગજ ધરાવતા અસાંજેએ તેનો ઉપાય શોધી કાઢ્યો. દુનિયાભરમાં ફરતા રહેવું અને વિવિધ દેશોમાં રહીને હેકિંગ સહિતની પ્રવૃત્તિ કરવી. એટલે એક દેશના કાયદામાં એ સપડાય ત્યાં બીજા દેશમાં પહોંચી ગયો હોય. એમ જ તો અસાંજેને ઈક્વેડોર સરકાર પાસે આજ સુધી આશ્રય મળતો રહ્યો છે, કેમ કે એ ઈક્વેડોર સરકારનો ગુનેગાર ન હતો. 

નાના-મોટા ગુના થાય ત્યાં સુધી તો ઈક્વેડોર સરકારને પણ વાંધો ન હતો. પરંતુ હવે ઈક્વેડોર સરકારને શંકા છે કે એમ્બેસીમાં રહીને એ ભાઈ એમ્બેસી (ઈક્વેડોર સરકાર)ના જ ગુપ્ત દસ્તાવેજો હેક કરતો હતો, જાસૂસી કરતો હતો. કોઈ દેશની ઈચ્છા ન હોય કે પોતાને ત્યાં જાસૂસી થાય.

એ રીતે કોઈ દેશની એવી પણ ઈચ્છા ન હોય કે જાસૂસને માફ કરી દેવામાં આવે. એટલે ઈક્વેડોરે બુદ્ધિ વાપરીને ૨૦૧૭માં આપેલી નાગરિકતા પાછી ખેંચી લીધી, રાજ્યાશ્રય રદ કર્યો અને બ્રિટિશ અધિકારીઓને બોલાવી અસાંજેને સોંપી દીધો. હવે બ્રિટન જાણે અને અસાંજે જાણે. 

સરકાર પણ ઘણા બિનસરકારી કામ કરતી હોય છે, એ સૌ કોઈ જાણે છે. અસાંજેએ તેના પૂરાવા રજૂ કરી દીધા. માટે દુનિયાની ઘણા દેશોની સરકારને હવે એ અળખામણો લાગે જ. અસાંજેને સજા કરવી એ આંગળી દુખે ત્યારે હાથ કાપી નાખવા જેવી વાત છે. દસ્તાવેજો સરકારી અધિકારીઓએ આપ્યા છે, માટે પહેલા સરકારે તેમને ઓળખવા જોઈએ.

બીજા કિસ્સામાં દસ્તાવેજો હેકિંગ દ્વારા મેળવાયા છે. તો સરકારે પોતાની સાઈટો હેકપ્રૂફ બનાવવી જોઈએ. સૌથી મહત્ત્વની વાત, સરકારે શરમ અનુભવવી પડે એવા કામ જ શા માટે કરવા જોઈએ? અસાંજેની હડફેટે જે-જે દેશો આવ્યા છે, એ બધા દેશોની સરકાર પોતાની સિસ્ટમ સુધારવાને બદલે અસાંજેને સજા કરવા ઉત્સુક બની છે. હકીકત છે કે એક અસાંજેને સજા થશે તો પણ આ રીતે કામ કરનારા નવા નવા પેદા થયા કરશે જ.

કોઈ દેશ માટે એ હિરો હતો, આજે પણ છે. ઘણા દેશો માટે એ ઝિરો છે. તો વળી આખી દુનિયા માટે એ ડિજિટલ જેમ્સ બૉન્ડ છે. જિડિટલ યુગમાં જીવતી દુનિયાએ ડિજિટલ જાસૂસીનો સામનો કરવાની તૈયારી રાખવી જ પડશે.

Tags :