શિવસેનાના એનસીપી-કોંગ્રેસ સાથે સરકાર રચવાના પ્રયાસો પર રાજ્યપાલે બ્રેક લગાવી
- મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની ભલામણથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું
- રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ પણ મહારાષ્ટ્રમાં સરકાર રચાવાની શક્યતાનો અંત આવ્યો નથી અને શિવસેના, એનસીપી અને કોંગ્રેસ બહુમતિના આંકડાની ખાતરી આપે તો તેમની સરકાર રચાઇ શકે છે જોકે સાવ વિરુદ્ધ વિચારધારા ધરાવતા પક્ષોની બનેલી સરકાર કેટલા દિવસ ચાલશે એ સવાલ છે
મહારાષ્ટ્રના રાજકારણમાં પળે પળે નવા વળાંક આવી રહ્યાં છે. નવા ઘટનાક્રમમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી અને મોદી કેબિનેટે એ મંજૂર પણ કરી દીધા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું છે.
ગત ૨૧ ઓક્ટોબરે યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ ૨૪ ઓક્ટોબરે આવી ગયા અને ભાજપ-શિવસેના ગઠબંધનને સરકાર રચવા માટે જરૂરી બહુમતિ પણ મળી ગઇ હતી. પરંતુ શિવસેનાએ ફિફ્ટી-ફિફ્ટીની ફોર્મ્યૂલા માટે માંગ કરતા મડાગાંઠ સર્જાઇ અને બંને પક્ષો વચ્ચે સરકાર રચવા માટે સહમતિ ન સધાઇ શકી.
૯મી નવેમ્બર મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ પૂરો થતાં ફડણવીસે મુખ્યમંત્રીપદેથી રાજીનામુ આપી દીધું અને રાજ્યપાલ સૌથી મોટા પક્ષ તરીકે ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યું. પરંતુ ભાજપ એકલે હાથે સરકાર રચવા સક્ષમ ન હોવાના કારણે તેણે પાછીપાની કરી. રાજ્યપાલે ત્યારબાદ શિવસેનાને સરકાર રચવા આમંત્રણ આપ્યું પરંતુ એનસીપી અને કોંગ્રેસ દ્વારા ટેકો આપવાના મામલે વિલંબ થતાં તેના હાથમાંથી પણ બાજી સરી ગઇ અને રાજ્યપાલે ત્રીજી પાર્ટી તરીકે એનસીપીને સરકાર રચવા કહ્યું. હવે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થતાં નવો વળાંક આવ્યો છે.
હકીકતમાં ભાજપે સરકાર રચવા માટે પૂરતું સંખ્યાબળ ન હોવાનું કહીને પીછેહઠ કરી ત્યારથી જ અસલી ડ્રામા શરૂ થયો. શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસના ટેકા વડે સરકાર રચવાની હિલચાલ તો કરી પરંતુ સમસ્યા એ છે કે તેની આ પક્ષો સાથે વિચારધારા મેળ ખાતી નથી. હવે શિવસેના અને એનસીપી-કોંગ્રેસ વચ્ચે જે ચાલી રહ્યું છે એ જોતાં લાગે છે કે કદાચ તેમની સરકાર બની જશે તો પણ એ લાંબો સમય ટકી નહીં શકે.
એક દિવસ અગાઉ લાગતું હતું કે મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઇને ઘણાં દિવસોથી ચાલી રહેલી ખેંચતાણનો અંત આવશે. સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપે સરકાર રચવામાં અસમર્થતતા દર્શાવ્યા બાદ શિવસેના, એનસીપી અને કોંગ્રેસે ગઠબંધન કરીને સરકારની રચવાનું બીડું ઝડપ્યું. ભાજપ અને શિવસેના વચ્ચેના જોડાણનો અંત આવ્યા બાદ નવું અને અચંબિત કરતું જોડાણ રચાવાની શક્યતા બાદ મહારાષ્ટ્રના પોલિટિકલ ડ્રામાનો ક્લાઇમેક્સ આવવાની તૈયારીમાં જ હતો પરંતુ ભાજપે સરકાર રચતી અટકાવીને મોટી સોગઠી મારી છે. રાજ્યપાલના નિર્ણય વિરુદ્ધ શિવસેનાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યાં છે.
રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ પણ મહારાષ્ટ્રમાં સરકાર રચવાનો માર્ગ બંધ નથી થયો. હજુ પણ રાજકીય પક્ષો બહુમતિનો આંકડાની સાબિતી આપીને રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરી શકે છે. એટલા માટે જ બેઠકોના દોર ચાલી રહ્યાં છે. હજુ પણ શિવસેના એનસીપી અને કોંગ્રેસના ટેકા વડે સરકાર રચી શકે એમ છે. જોકે ત્રણેય પાર્ટીઓ સાથે મળીને સરકાર રચે ત્યારે કયા પક્ષને શું મળશે એ પણ સવાલ થવો વાજબી છે. દરેક પાર્ટીના ધારાસભ્યની ગણતરી હોય કે તેમને કોઇક સારું ખાતું મળે એ સ્વાભાવિક છે. ગઠબંધનમાં બે પાર્ટીઓ હોય તો પદોની વહેંચણી થવી સરળ હોય છે પરંતુ ત્રણ પાર્ટી હોય ત્યારે પદોમાં પણ ખેંચતાણ થવી સ્વાભાવિક છે. એમાંયે ટેકો આપનારા અપક્ષ ધારાસભ્યોને પણ રાજી રાખવાની જવાબદારી હોય છે.
નવા જોડાણની સરકાર રચાય તો મુખ્યમંત્રીપદ શિવસેનાના ફાળે જવું નક્કી છે કારણ કે એ માંગ પૂરી ન થવાના કારણે જ શિવસેનાએ ભાજપ સાથે છેડો ફાડયો છે. એ જોવું રસપ્રદ રહેશે કે શિવસેનાના મુખ્યમંત્રી જ પાંચ વર્ષના પૂરા કાર્યકાળ માટે નિમાય છે કે પછી એનસીપી સાથે ફિફ્ટી-ફિફ્ટી મતલબ કે અઢી-અઢી વર્ષની ટર્મ માટે મુખ્યમંત્રપદની વહેંચણી થાય છે. કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રીપદની માંગ આવવાની સંભાવના નથી નહીંતર પરિસ્થિતિ વિકટ બની હોત.
શિવસેના તરફથી પહેલા તો મુખ્યમંત્રીપદના દાવેદાર તરીકે આદિત્ય ઠાકરેનું નામ ઉછાળવામાં આવ્યું હતું પરંતુ હવે ઉદ્ધવ ઠાકરે મેદાનમાં આવી ગયા છે. તેઓ સમજી ગયા છે કે મુખ્યમંત્રી બનવા માટે આદિત્ય ઠાકરેની ઉંમર અને અનુભવ બંને ઓછા છે એવામાં પુત્રમોહમાં પડીને પાર્ટીને જોખમમાં મૂકવામાં સમજદારી નથી. બીજી બાજુ એનસીપી અને કોંગ્રેસ પણ આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી તરીકે માન્ય રાખે એ શક્યતા પણ નહિવત્ છે. કારણ એ કે અનુભવિહિન આદિત્ય ઠાકરે જો સરકાર સારી રીતે ન ચલાવી શક્યા હોત તો એની નિષ્ફળતાની જવાબદારી શિવસેના ઉપરાંત એનસીપી અને કોંગ્રેસના માથે પણ આવી હોત.
કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને શિવસેના સરકાર બનાવે એમાં એનસીપી તરફથી મહત્ત્વના પદોની માંગ થઇ શકે છે. જો ફિફ્ટી-ફિફ્ટી ફોર્મ્યૂલા નક્કી ન થઇ તો પણ એનસીપીના નાયબ મુખ્યમંત્રી હોઇ શકે છે. અથવા તો એનસીપી ગૃહ ખાતું કે નાણા ખાતા સિવાય નહીં માને. એટલું તો નક્કી છે કે એનસીપી આ ગઠબંધનની સરકારમાં મહત્ત્વના પદ માંગશે કારણ કે તેની હાજરીને અવગણી ન શકાય. આમ પણ શિવસેના અને એનસીપીમાં બેઠકોનો ખાસ તફાવત નથી.
મહારાષ્ટ્રની જનતાએ કોંગ્રેસને ત્રીજા નંબરની પાર્ટી તરીકે પસંદ કરી છે જેનો અર્થ સાફ છે કે મોટા ભાગની પ્રજાને કોંગ્રેસ પસંદ નથી. એવામાં જો કોંગ્રેસ સરકારમાં ભાગીદાર બને તો પણ આવનારી ચૂંટણીઓમાં તેના માટે શરમજનક પરિસ્થિતિ ઊભી થઇ શકે છે. જો કોંગ્રેસ બહારથી સમર્થન કરે તો તે એવું કહી શકે કે રાજ્યમાં રાજકીય સંકટ નિવારવા માટે તેણે માત્ર સ્થાયી સરકાર રચાય એ માટે બહારથી ટેકો આપ્યો છે. એવી શક્યતા પણ છે કે કોંગ્રેસ સ્પીકરપદની માંગ કરી શકે છે. બીજું એ કે જો કોઇ કારણોસર શિવસેના સાથે જોડાણ તૂટવાના કારણે સરકાર પડે તો પણ કોંગ્રેસ સલામત રહેશે. કોઇ એમ નહીં કહી શકે કે કોંગ્રેસે સત્તાની લાલચમાં શિવસેનાનો સાથ આપ્યો હતો. બહારથી સમર્થન આપવા પર કોંગ્રેસને ફાયદો જ છે. એક તો તે ભાજપના વિજયરથને રોકી રહી છે અને બીજું એ કે કોઇ સંકટ આવવાની સ્થિતિમાં તે બધી જવાબદારી શિવસેના અને એનસીપી પર ઢોળી શકે છે.
શિવસેનાના નેતાએ કહ્યું હતું કે વિચારધારા અલગ અલગ હોઇ શકે છે પરંતુ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ તેમની શત્રુ નથી. તેમનું આ નિવેદન ઘણું મહત્ત્વનું ગણી શકાય. એક જમાનામાં શિવસેના સુપ્રીમો બાલાસાહેબ ઠાકરે પોતાના કાર્ટૂનો દ્વારા ઇન્દિરા ગાંધીને નિશાન બનાવતા હતાં. પરંતુ એ પછી શિવસેનાએ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યાં હતાં. બાલાસાહેબ ઠાકરેએ તો ઇન્દિરા ગાંધીએ લાગુ કરેલી ઇમરજન્સીને સમર્થન આપીને બધાંને ચોંકાવ્યાં હતાં. જૂના રાજકીય પંડિતો જાણે છે કે કોંગ્રેસે જ કમ્યુનિસ્ટો વિરુદ્ધ લડવા માટે શિવસેનાને ઊભા થવામાં મદદ કરી હતી. ૧૯૮૦માં શિવસેનાએ લોકસભામાં કોંગ્રેસનું સમર્થન કર્યું હતું. એ સમયે બાલાસાહેબે કોંગ્રેસ વિરુદ્ધ શિવસેનાના ઉમેદવાર ઊભા રાખ્યા નહોતાં. એ પછી રાષ્ટ્રપતિ તરીકે પહેલા પ્રતિભા પાટિલ અને પછી પ્રણવ મુખરજીનું પણ શિવસેનાએ સમર્થન કર્યું હતું.
છેલ્લા ઘણાં સમયથી એનડીએના સહયોગીઓ ફરિયાદ કરતા રહ્યાં છે કે ગઠબંધનમાં તેમને કોઇ પૂછતું નથી. જોકે અમિત શાહની અધ્યક્ષતા હેઠળ ભાજપે એક પછી એક ચૂંટણીઓ જીતીને સિદ્ધ કર્યું કે સહયોગી પક્ષોના અસંતોષનો તેમના મતો પર કે બેઠકો પર કોઇ નકારાત્મક પ્રભાવ પડતો નથી. મહારાષ્ટ્રની તાજેતરની ચૂંટણીમાં પણ ભાજપે સૌથી વધારે બેઠકો મેળવી એટલું જ નહીં, સહયોગી શિવસેના સાથે મળીને સરકાર રચવા પૂરતી બહુમતિ પણ મેળવી લીધી હતી. પરંતુ રાજકારણમાં બેઠકો અને મતો જ નહીં, પરંતુ સહયોગી દળો પણ મહત્ત્વ ધરાવે છે એ મહારાષ્ટ્રના રાજકારણે દેખાડયું છે. મહારાષ્ટ્રમાં જીતેલી બાજી હારીને ભાજપને પાઠ મળ્યો છે. હવે એ આગામી સમયમાં સહયોગી દળોને સાચવવા પર કેટલું ધ્યાન આપે છે એના ઉપર પણ સૌની નજર રહેશે.
જોકે મહારાષ્ટ્રના રાજકારણને જોતાં એટલું તો કહી શકાય કે લોકતંત્ર સાથે દગો થયો છે. એનસીપી અને કોંગ્રેસે સાથે મળીને ભાજપ-શિવસેના વિરુદ્ધ ચૂંટણી લડી હતી. જનાદેશ ભાજપ-શિવસેનાના પક્ષમાં આવ્યો પરંતુ મુખ્યમંત્રીપદ અને મહત્ત્વના ખાતાઓના મોહમાં જનાદેશ અવગણવામાં આવ્યો. દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં રાજકીય પક્ષોએ જનાદેશની જે હાલત કરી છે એ નિંદનીય છે. શિવસેના આક્ષેપ કરે છે કે ભાજપે પણ જમ્મુ-કાશ્મીરમાં ધૂર વિરોધી પીડીપી સાથે હાથ મિલાવ્યાં હતાં. એ જોતાં મહારાષ્ટ્રમાં પણ શિવસેના કોંગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવે એમાં કોઇ આશ્ચર્ય નથી.
જોકે મહારાષ્ટ્રમાં જે સમીકરણ રચાશે એમાં એમાં શિવસેનાએ જ સાવધ રહેવું પડશે. મહારાષ્ટ્રના રાજકારણમાં મચેલા ઘમાસાણમાં સૌથી મોટો ફાયદો એનસીપીને થવાનો છે. શરદ પવાર કહી ચૂક્યાં છે કે તેઓ રાજીખુશીથી વિપક્ષમાં બેસવા તૈયાર છે અને હવે શિવસેના સાથેના જોડાણમાં પણ તેમનો હાથ ઉપર રહેશે. પોતાની શરતો પર શિવસેનાને ગઠબંધન માટે રાજી કર્યા બાદ એનસીપી ભલે દાવો કરે કે રાજ્યમાં સ્થિર શાસન સ્થપાશે પરંતુ હકીકત એ છે કે શિવસેના માટે સાપે છછુંદર ગળ્યા જેવી હાલત છે જે તે નથી પચાવી શકે એમ કે નથી બહાર કાઢી શકે એમ.
મહારાષ્ટ્રના આ સમરાંગણમાં કોંગ્રેસની ભૂમિકા પણ રસપ્રદ છે. રાજ્યમાં ભલે કોંગ્રેસે શિવસેનાને સમર્થન આપે હોય પરંતુ વર્તમાન સમયમાં કોંગ્રેસની પરિસ્થિતિ જ સાવ કથળેલી છે. કોંગ્રેસ એવી કોઇ પણ પાર્ટીને સમર્થન આપી શકે છે જે ભાજપને સત્તાથી દૂર રાખવામાં સક્ષમ હોય. જોકે તાજેતરમાં કર્ણાટકમાં કોંગ્રેસના સમર્થનવાળી કુમારસ્વામી સરકારના જે હાલ થયાં એ જોતાં કોંગ્રેસના સમર્થન પર ભરોસો મૂકવો મોટા જોખમસમાન છે. ઉદ્ધવ ઠાકરેએ સત્તા પામવા માટે એનસીપી અને કોંગ્રેસ સાથે હાથ મિલાવીને સમાધાન કરશે તો એ ફાયદારૂપ નીવડે છે કે શિવસેના માટે મરણતોલ નીવડે છે એ આવનારા સમયમાં ખબર પડશે.