Get The App

રાજકારણમાં અપરાધીકરણ રોકવા સુપ્રીમ કોર્ટ કડક

- ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારોને ટિકિટ કેમ આપી એના કારણો રાજકીય પક્ષોએ રજૂ કરવા પડશે

Updated: Feb 14th, 2020

GS TEAM

Google News
Google News

- રાજકીય પક્ષો જ રાજકારણમાંથી અપરાધીકરણ દૂર કરવા માટે પ્રતિબદ્ધ નથી જેના પરિણામે ગંભીર અપરાધોના મામલાઓમાં કેસ ચાલી રહ્યાં હોય એવા ઉમેદવારો ચૂંટણી જીતી પણ જતાં હોય છે અને કાયદા તોડનારા સંસદ કે વિધાનસભામાં પહોંચીને કાયદા ઘડનારા બની જાય છે

રાજકારણમાં અપરાધીકરણ રોકવા સુપ્રીમ કોર્ટ કડક 1 - image

રાજકારણમાં વધી રહેલા અપરાધીકરણને ડામવા માટે સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને કડક આદેશ આપ્યો છે કે તેઓ પોતાના ઉમેદવારો પર દાખલ થયેલા આપરાધિક કેસોની જાણકારી ઉપરાંત દાગી ઉમેદવારોને ટિકિટ આપવા પાછળના કારણો પણ રજૂ કરે. કોર્ટે કહ્યું છે કે ગુનાખોરીનો ઇતિહાસ ધરાવતા ઉમેદવારોને ટિકિટ શા માટે આપી તેના કારણો પક્ષની વેબસાઇટ પર ૩૮ કલાકની અંદર રજૂ થઇ જવા જોઇએ. આ જાણકારી રાજકીય પક્ષોએ પોતાના ફેસબુક અને ટ્વીટર ઉપર મૂકવાની રહેશે તેમજ એક રાષ્ટ્રીય અને એક સ્થાનિક અખબારમાં પણ આપવાની રહેશે. એ સાથે જ આ તમામ જાણકારી ચૂંટણી પંચ પાસે પણ ૭૨ કલાકની અંદર પહોંચી જવી જોઇએ.

વર્તમાન કાયદાકીય વ્યવસ્થા એવી છે કે હત્યા અને બળાત્કાર જેવા જઘન્ય અપરાધોના આરોપી હોય અને આવા મામલાઓમાં કેસ ચાલી રહ્યાં હોય એવા લોકો પણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે છે અને ચૂંટણી જીતીને વિધાનસભ્ય, સાંસદ કે પછી મંત્રી પણ બની શકે છે. માત્ર આરોપ સાબિત થયાની સ્થિતિમાં જ તેમની ઉમેદવારી રદ્ થઇ શકે છે અને તેમના ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ મૂકાય છે.

જોકે ન્યાયપ્રક્રિયાની રફતાર કેવી છે એ તો સૌ જાણે જ છે. પીડિત લોકોને ન્યાય મળતા વર્ષો વીતી જાય છે અને આવા મામલા લાંબા સમય સુધી લટકતાં જ રહે છે. વિધાનસભ્ય કે સાંસદનો કાર્યકાળ પૂરો થઇ જાય છે પરંતુ આરોપીઓને ગુનેગાર સાબિત કરી શકાતા નથી. બે વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટે કોઇ પણ વ્યક્તિ ઉપર આરોપ નક્કી થયા બાદ જ તેને ચૂંટણી લડતી રોકવાની વ્યવસ્થા લાગુ કરવાનો ઇન્કાર કર્યો હતો અને એ મામલે સંસદને કાયદો ઘડવાની તાકીદ કરી હતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કાયદાનું પાલન કરવાની જવાબદારી સૌની છે અને સંસદ એવો કાયદો લાવે કે અપરાધીઓ રાજકારણથી દૂર રહે. કોર્ટે કહ્યું હતું કે જે લોકો ઉપર ગંભીર અપરાધોના મામલાઓમાં કેસ ચાલી રહ્યાં હોય તેમને ચૂંટણીમાં ભાગ લેતા રોકવા માટે સંસદે કાયદા બનાવવા જોઇએ કે જેથી કરીને અપરાધી હોય એવા લોકો જ ચૂંટણી જીતીને વિધાનસભ્ય કે સાંસદ બનીને સ્વયં કાયદા ઘડનારા ન બની જાય. સુપ્રીમ કોર્ટે એવી તાકીદ પણ કરી હતી કે આ કાયદો એવો હોવો જોઇએ કે જે રાજકીય પ્રતિસ્પર્ધીને ફસાવવા માટે ઊભા કરવામાં આવેલા બનાવટી મામલાઓને નિપટવામાં પણ સક્ષમ હોય. 

એ સાથે જ સુપ્રીમ કોર્ટે કેટલાંક નિર્દેશ જારી કર્યાં હતાં જેના દ્વારા મતદાતાઓને આવા અપરાધી બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારો અંગે જાણકારી મળી શકે અને તેઓ તેને ધ્યાનમાં રાખીને મત આપવા કે ન આપવા અંગે પોતાનો અભિપ્રાય બનાવી શકે. સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરતી વખતે દરેક ઉમેદવારે ફોર્મમાં માંગેલી તમામ માહિતી સાચેસાચી ભરવાની રહેશે અને તેમના ઉપર ચાલી રહેલા આપરાધિક મામલાઓ અંગે બોલ્ડ લેટરમાં સ્પષ્ટ જાણકારી આપવી પડશે. એ સાથે જ રાજકીય પક્ષોએ પણ આવા ઉમેદવારોની આપરાધિક પૃષ્ઠભૂમિ અંગેની તમામ જાણકારી પોતાની વેબસાઇટ ઉપર મૂકવાની તાકીદ પણ કરવામાં આવી હતી. 

સુપ્રીમ કોર્ટે સૌથી મહત્ત્વપૂર્ણ નિર્દેશ આપ્યો હતો કે ઉમેદવારી પત્ર ભર્યા બાદ રાજકીય પક્ષોએ આવા આપરાધિક પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારો અંગેની જાણકારી તેમના ચૂંટણી ક્ષેત્રમાં સર્વાધિક પ્રકાશિત કે પ્રસારિત થતા અખબાર અને ટીવી ચેનલો દ્વારા મતદારો સુધી પહોંચાડવાની રહેશે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને અનુલક્ષીને ચૂંટણી પંચે આદર્શ આચારસંહિતામાં દાગી ઉમેદવારો અંગેની જાણકારી સાર્વજનિક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. અગાઉ એવું બનતું કે અપરાધી બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારોને ચૂંટણીમાં ઊભા રાખીને તેમની માહિતી માત્ર ઔપચારિકતાને ખાતર જ રાજકીય પાર્ટીની વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવતી જેના તરફ લોકોનું ધ્યાન પણ જતું નહીં.

જોકે દરેક સામાજિક સમસ્યા કે રાજકીય સમસ્યાઓનું અદાલત સમાધાન ન કરી શકે. કે પછી સંસદ પણ કાયદા બનાવીને તમામ સમસ્યાઓનું સમાધાન ન કરી શકે. કોઇ પણ કાયદાનો અમલ ત્યારે જ થઇ શકે જ્યારે એને લાગુ કરવા ધારતા લોકો અર્થાત્ સરકારમાં એ માટે જરૂરી ઇચ્છાશક્તિ હોય. દાખલા તરીકે ભારતના બંધારણમાં અસ્પૃશ્યતાને ગેરકાયદેસર ગણવામાં આવી છે પરંતુ આઝાદીના સાત દાયકા બાદ આજે પણ ભારતમાંથી એ દૂષણ સંપૂર્ણપણે નાબૂદ થઇ શક્યું નથી.

એ જ રીતે જાતિભેદ કે જાતિયશ્રેષ્ઠતાના આધારે થતું દલિત ઉત્પીડન પણ નાબૂદ થયું નથી. ઉલટું હાલના વર્ષોમાં તો જાતિગત ભેદભાવ વધારે તીવ્રતાથી સામે આવી રહ્યો છે. એ જ રીતે મહિલાઓને પણ તમામ ક્ષેત્રોમાં સમાનતા મળી શકી નથી કે નથી લઘુમતિઓ સાથે થતા ભેદભાવનો અંત આવ્યો. અગાઉ પણ સુપ્રીમ કોર્ટે દાગી નેતાઓ સામે ચાલી રહેલા કેસોની સુનાવણી કરવા માટે બાર વિશેષ અદાલતો બનાવવાનો નિર્દેશ આપ્યો હતો પરંતુ એ દિશામાં સરકાર જે ઢીલાશ દાખવી હતી.

રાજકીય પક્ષો જો કોઇ ભ્રષ્ટ નેતા બીજા રાજકીય પક્ષમાં હોય તો તેની વિરુદ્ધ કાગારોળ મચાવવામાં કોઇ કસર છોડતા નથી પરંતુ એ જ ભ્રષ્ટ નેતા પાર્ટી બદલીને પોતાના પક્ષમાં આવી જાય તો એ જ નેતા જાણે સાફ બની જાય છે. આ જ હાલત અન્ય અપરાધોમાં સામેલ નેતાઓની છે. અનેક સાંસદો અને વિધાનસભ્યો વિરુદ્ધ હત્યા, બળાત્કાર અને અપહરણ ઉપરાંત બીજા અનેક ગંભીર પ્રકારના કેસો ચાલી રહ્યાં છે. આવા લોકોને જ્યાં સુધી કાયદેસર રીતે ગુનેગાર ન સાબિત કરાય ત્યાં સુધી તેમને ચૂંટણી લડતા રોકી શકાતા નથી.

એમાં શંકાને સ્થાન નથી કે રાજકારણમાં દાગી નેતાઓનો પ્રવેશ રાજકીય પક્ષોની મહેરબાનીથી જ થાય છે. રાજકીય પાર્ટીઓ કોઇ પણ ભોગે ચૂંટણી જીતવા ધારે છે અને એ માટે ગુનાહિત છબી ધરાવતા લોકોને ચૂંટણીમાં ઉતારવામાં પરહેજ કરતા નથી. દેખીતી બાબત છે કે દે વ્યક્તિ ધન અને બળના જોરે રાજકારણમાં પ્રવેશ કરશે અને સત્તા હાંસલ કરશે એ દેશનું શું કલ્યાણ કરશે? રાજકીય પક્ષોની આ સ્વાર્થી નીતિના કારણે જ રાજકારણમાં અપરાધીકરણને પ્રોત્સાહન મળે છે. ખરેખર તો રાજકારણમાં અપરાધ અને અપરાધીઓની ભૂમિકા ત્યારે જ સમાપ્ત થઇ શકે છે જ્યારે રાજકીય પક્ષોમાં એ માટે ઇચ્છાશક્તિ હોય. જો રાજકીય પક્ષો આવા લોકોને ઉમેદવાર જ ન બનાવે તો આ સમસ્યા કાયદો બનાવ્યા વગર જ નાબૂદ થઇ જાય. 

જો આપણા જનપ્રતિનિધિઓ જ હત્યા, હત્યાના પ્રયાસ, અપહરણ કે બળાત્કાર જેવા ગંભીર અપરાધોમાં સંડોવાયેલા હોય તો તેમની પાસેથી કેવા ભવિષ્યની અપેક્ષા રાખી શકાય? આવા દાગી નેતાઓ કાયદાની જટિલ અને લાંબી પ્રક્રિયાનો ગેરલાભ ઉઠાવીને જ સંસદ કે વિધાનસભામાં પહોંચી જતાં હોય છે. આજે તો પરિસ્થિતિ એ છે કે રાજકીય પક્ષો દાગી ઉમેદવારોને ચૂંટણીમાં ઊભા રાખીને બચાવ કરે છે કે વિરોધી પાર્ટીએ પણ એવા ઉમેદવારો ઊભા રાખ્યાં છે. દાગી નેતાઓને ચૂંટણીમાં ભાગ લેતા રોકવાના સ્થાને રાજકીય પાર્ટીઓ કોનો અપરાધ વધારે ગંભીર છે એ મામલે હુંસાતુંસી કરે છે.

કઠણાઇ એ છે કે રાજકીય પક્ષો આવા દાગી ઉમેદવારોને ચૂંટણીમાં ઊભા તો રાખે છે પરંતુ આવા ઉમેદવારો ચૂંટણી જીતી પણ જાય છે. આના માટે માત્ર રાજકીય પક્ષોને જ જવાબદાર ઠેરવી શકાય એમ નથી. આવા દાગી ઉમેદવારોને વોટ આપીને ચૂંટણી જીતાડતી જનતા પણ એટલી જ દોષિત છે. જો દેશના લોકો જ સ્વચ્છ છબી ધરાવતા પ્રતિનિધિઓને ચૂંટવાના સ્થાને જાતપાત કે ધર્મના આધારે માથાભારે લોકોને ચૂંટશે તો સ્વાભાવિક રીતે જ રાજકીય પક્ષો આવા ઉમેદવારોને ટિકિટ આપતાં જ રહેશે. દેશના જવાબદાર નાગરિક અને મતદાતા હોવાના નાતે જનતાની પણ એ જવાબદારી બને છે કે તે પ્રમાણિક, ચારિત્ર્યવાન, વિવેકશીલ અને કર્મશીલ ઉમેદવારને જ પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટે.

ખરેખર તો રાજકારણને અપરાધી નેતાઓથી મુક્ત કરવાની પહેલ રાજકીય પક્ષોએ જ કરવી પડશે. તેમણે એવો સંકલ્પ કરવો પડશે કે તેઓ એવા કોઇ ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં નહીં ઉતારે જેની વિરુદ્ધ કોઇ કેસ ચાલતો હોય કે ગંભીર આરોપ હોય અથવા તો સમાજમાં જેની છબી એક અપરાધી તરીકેની હોય. એ સાથે જ મતદારોએ પણ જવાબદાર અને જાગૃત બનવું પડશે કે તેઓ જે ઉમેદવારને વોટ આપી રહ્યાં હોય એના ચારિત્ર્ય વિશે તેમને તમામ જાણકારી હોય. એ સાથે જ તેમને એ પણ ખ્યાલ હોય કે ગંભીર અપરાધમાં સામેલ હોવા છતાં રાજકીય પક્ષોને આવા ઉમેદવારોને ટિકિટ આપવા પાછળ કઇ મજબૂરી હતી.

Tags :