હવા પ્રદૂષણ જગતને વર્ષે 2920 અબજ ડૉલરના ખાડામાં ઉતારે છે!
- નદીમાંથી રેતી ચોરી લેવાય, જંગલો કાપી ત્યાં ખેતી થાય, પ્રદૂષણ ફેલાવતા કારખાના આડેધડ સ્થાપી દેવાય.. તો પછી શું થાય તેનો ગણતરીપૂર્વકનો જવાબ
- લોકોને એવું થતું હોય છે કે હવા પ્રદૂષણને કારણે મારા ખિસ્સામાંથી ક્યાં એક પૈસોય ઓછો થાય છે? તો એ ભ્રમ છે! કેમ કે 'પીયુસી' માટે ભરવો પડતો દંડ એ હવા પ્રદૂષણની કિંમત જ છે!
પ્રદૂષિત હવાને કારણે જગતને રોજ રોજ ૮ અબજ ડૉલર (અથવા ૫૭૦ અબજ રૂપિયા)નું નુકસાન થાય છે. વર્ષે આ આંકડો ૨૯૨૦ અબજ ડૉલરે પહોંચે છે. આ આંકડો ભારતના અર્થતંત્ર કરતાં પણ મોટો થયો કેમ કે ભારતનુ અર્થતંત્ર અત્યારે ૨૭૦૦ અબજ ડૉલર (૨.૭ ટ્રિલિયન) જેવડું છે! વિશ્વના કુલ જીડીપીમાં આ રકમ સવા ત્રણ ટકા જેટલી થાય છે. આ આંકડો વર્ષ ૨૦૧૮ને ધ્યાનમાં રાખીને તૈયાર થયો છે. હવે ખર્ચમાં જરા-તરા વધારો થયો હશે એ નક્કી છે.
આંતરરાષ્ટ્રી સંસ્થા 'સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લિન એર (સીઆરઈએ-સેરા)' અને 'ગ્રીનપીસ' બન્નેએ મળીને શોધી કાઢ્યો છે. હવા પ્રદૂષણની ખિસ્સા પર થતી એટલે કે આર્થિક અસર ગણી કાઢનારો આ દુનિયાનો પ્રથમ સર્વગ્રાહી રિપોર્ટ છે.
દુકાને કોઈ ચીજ લેવા જઈએ તેની ચોક્કસ કિંમત હોય છે, હવા પ્રદૂષણની એવી કિંમત નથી હોતી. એટલે પહેલા તો એવો સવાલ થાય કે આવી આર્થિક ગણતરી શક્ય છે? બીજો સવાલ એ થાય કે શક્ય છે તો કઈ રીતે ગણતરી કરવાની રીત શું છે? ગણતરી શક્ય છે અને પદ્ધતિ પણ બહુ સીધી સાદી છે.
હવાની અશુદ્ધિને કારણે બિમાર પડીએ અને સારવાર પાછળ જે ખર્ચ થાય એ હવા પ્રદૂષણની કિંમત! શુદ્ધ હવા ન મળે ત્યારે શું થાય તેના સૌ કોઈ સાક્ષી બની રહ્યાં છે. શ્વાસની બિમારી, માથુ દુખવુ, આંખોમાં બળતરા.. જેવી દેખીતી સમસ્યાઓનો સૌ કોઈ સામનો કરે છે. લાંબા ગાળાની અસર પહેલી નજરે જોઈ શકાતી નથી. જેમ કે દિલ્હી જેવા હવા પ્રદૂષણના પાટનગર કહી શકાય એવા શહેરોમાં લોકોના ફેફસાંનો કલર જ બદલી રહ્યો છે. કેમ કે રોજ રોજ શ્વાસમાં તેમને ઓક્સીજન સાથે ધૂળના કણો ફ્રીમાં મળે છે. દિલ્હીમાં વધુ મળે છે, તો બીજા શહેરો કંઈ પાછળ નથી. દેશના તમામ મહાનગરો પ્રદૂષિત હવાથી ત્રસ્ત છે.
અત્યારે તો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતમાં આવી રહ્યા છે. અમદાવાદમાં જે વિસ્તારમાંથી એ પસાર થવાના છે, રોકાણ કરવાના છે, તેને નંદનવન બનાવવા ગુજરાત સરકાર કામે લાગી ગઈ છે. સામાન્ય રીતે જે કામ કરવામાં સરકારી તંત્રને મહિનો-બે મહિના લાગે એ કામ પળવારમાં થુઈ રહ્યું છે. આ કામગીરીને કારણે અમદાવાદના ચાંદખેડા-એરપોર્ટ-ગાંધીઆશ્રમ-વિસત રોડ વગેરે વિસ્તારમાં સતત ધૂળ ઊડી રહી છે. કેમ કે ટ્રમ્પના પગરણ એ તરફ થવાના છે. અલબત્ત, ટ્રમ્પ આવશે ત્યારે બેશક એ વિસ્તારની તમામ ધૂળને નીચે બેસાડી દેવામાં આવશે, ઠેર ઠેર પાણી છાંટવામાં આવશે, હવા શુદ્ધિકરણ થશે અને બીજું ઘણુ થશે. એટલે એ દિવસ પુરતી આ વિસ્તારના રહેવાસીઓને શુદ્ધ હવા લેવા મળશે. ટ્રમ્પના સ્વાગત માટે ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે. આમ તો એ મહેમાનગતીનો ખર્ચ ગણાય. પરંતુ તેમાંથી કેટલોક ખર્ચ એવો છે, જે હવા અશુદ્ધ હોવાથી કરવો પડે છે. આ ખર્ચ હવા પ્રદૂષણની કિંમત નહીં તો શું?
પ્રદેશ બદલાય એ પ્રમાણે પ્રદૂષણની અસરનો પ્રકાર બદલાતો રહે છે. જેમ કે ગોવાના વાસ્કો બંદરના કાંઠે કોલસાનો ભૂક્કો (કોલ) ઉતરે છે. અહીંથી આ કોલનો જથ્થો અન્ય સ્થળોએ પહોંચે ત્યાં સુધી બંદર પર પડી રહે છે. આમ તો તેને ખૂલ્લો રાખવાનો હોતો નથી. પણ આયાતકાર કંપનીઓ નામી હોવાથી કોલનો ઢગલો ખૂલ્લો પડી રહે. સમુદ્ર પરથી આવતી હવા એ કોલના કણો ઉડાવી તેનો અભિષેક વાસ્કોના અનેક વિસ્તારોમાં કરી દે છે. પરિણામે અહીંના રહેવાસીઓ બારી-દરાવાજા ખોલી શકતા નથી. પડદાં રાખવા પડે છે. પાણીમાં પણ કોલ ભળતો હોવાથી તેનો કલર બદલી જાય છે. આ બધામાંથી છૂટકારો મેળવવા જે ખર્ચ કરવો પડે તેનું કારણ હવા પ્રદૂષણ કે કંઈ બીજું? વાસ્કો જેવા બંદર તો ગુજરાતમાં પણ છે, જ્યાં કોલસાનો જથ્થો ઉતરે અને સ્થાનિક રહેવાસીઓને એ શ્વાસમાં લેવો પડે છે!
કોઈને વળી આર્થિક સમૃદ્ધિ હોય અને એમ લાગે કે હવા પ્રદૂષણ પાછળ જેટલા રૂપિયા ખર્ચ કરવા પડે એ ખર્ચ કરવાની તૈયારી છે. તો પછી હવા પ્રદૂષણથી થતી બીજી નુકસાની ધ્યાને લેવી પડે. વર્ષે જગતમાં ૪૫ લાખ લોકો હવા પ્રદૂષણથી કમોતે મૃત્યુ પામે છે. ગમે તેટલા પૈસા ખર્ચીને પણ મોતને તો પાછું નથી ઠેલી શકાતું ને! એ માટે તો હવા શુદ્ધ રહે એવા પ્રયાસો જ કરવા પડે. શુદ્ધ હવા બધાને જોઈએ છે, પરંતુ કમનસિબે તેના માટે પ્રયાસો કોઈને કરવા નથી! ખાસ કરીને પ્રયાસો સરકારે કરવા પડે જે થતા નથી. ઉલટાના જંગલો કાપવાની મંજૂરી મળે છે, સમુદ્ર કાંઠે વિવિધ પ્લાન્ટ સ્થાપવાની પરવાનગી અપાય છે, અમદાવાદ જેવા શહેરોમાં તો અમુક ખાઈ-બદેલી કંપનીઓ રોડ ખોદી નાખ્યા પછી બરાબર પુરાણ કરે તેટલું ધ્યાન પણ સત્તાધિશો રાખી શકતા નથી. માટે વહેતી હવા ત્યાંથી ધૂળ ઉપાડી તેનું સર્વત્ર વિતરણ કરતી રહે છે.
'વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશ'ને પણ થોડા સમય પહેલા ૪૨ લાખ મોતનો આંકડો આપ્યો હતો. મોતના કુલ આંકમાંથી સૌથી વધુ ૧૮ લાખ ચીન અને ભારતમાં થાય છે. મોતનું કારણ હૃદયરોગનો હુમલો, સ્ટ્રોક, ફેફસાંનું કેન્સર અને શ્વાસમાં અસાધારણ માત્રામાં જતી અશુદ્ધિ જેવા છે. એ બધા કારણો પહેલી નજરે ન દેખાતા હોવા છતાં હવા પ્રદૂષણ સાથે સંકળાયેલા છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં રહેતા લોકો જાણે-અજાણે અશુદ્ધ હવા શરીરમાં ભરે છે. તેની સરખામણીમાં અંતરિયાળ વિસ્તારમાં રહેતા, જંગલમાં રહેતી જનજાતીઓને ભાગ્યે જ હૃદયરોગ કે ફેંફસાનું કેન્સર થયાનું જોવા મળે છે. જ્યારે વિકસિત ગણાતા શહેરોમાં તો હવે નાના બાળકો જ સૌથી વધુ હવા પ્રદૂષણનો ભોગ બને છે.
વાહનો ઓછુ પ્રદૂષણ ફેલાવે એ માટે 'પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ (પીયુસી)' સર્ટિફિકેટની સરકારે વ્યવસ્થા કરી છે. ટ્રાફિક પોલીસ રોકે ત્યારે વાહનનું પીયુસી ન હોય તો જે દંડ ભરવો પડે એ હવા પ્રદૂષણ માટે ચૂકવાતી કિંમત જ છે! હવા પ્રદૂષણનું પહેલી નજરે ન દેખાતું પાસું નાઈટ્રોજન ડાયોક્સાઈડ અને ઓઝોનના પડમાં ગાબડાંને કારણે સર્જાતી સમસ્યા પણ છે. કુલ ખર્ચમાં નાઈટ્રોજન ડાયોક્સાઈડનો ખર્ચ ૩૫૦ અબજ ડૉલર જ્યારે ઓઝોનને કારણે ફાટતું બિલ ૩૮૦ અબજ ડૉલર છે. નાઈટ્રોજન ડાયોક્સાઈડ મોટો પ્રદૂષક વાયુ છે, જ્યારે ઓઝોનનું પડ સૂર્યના હાનિકારક કિરણોથી ધરતીવાસીઓનું રક્ષણ કરે છે. પડ તૂટવાથી હાનિકારક કિરણો આપણા સુધી પહોંચે અને ચામડીની અનેક બિમારીઓ સર્જે છે.
એટલે હવે સવાલ એ થાય કે હવા શ્વાસમાં લેવાથી જીવાદોરી વધે છે કે આપણુ બજેટ વધે છે?
અમેરિકાના પ્રમુખ માટે હવા શુદ્ધિકરણનો ખર્ચ
૨૦૧૫માં ઓબામા ભારત આવ્યા હતા, દિલ્હીમાં રોકાયા હતા. દિલ્હીનું હવા પ્રદૂષણ હવે દુનિયાથી અજાણ્યુ નથી. માટે ઓબામાના આગમન પહેલા જે વિસ્તારમાં તેમની અવર-જવર થવાની હતી ત્યાં હવામાં ઓક્સિજનનો જથ્થો ઠલવાયો હતો અને હવા શુદ્ધિકરણના પ્રયાસ થયા હતા. વધુમાં ભારતના જ અર્થ સાયન્સ મંત્રાલયને ટાંકીને રિપોર્ટ તૈયાર થયો હતો કે ઓબામા જો દિલ્હીની હવા શ્વાસમાં લેશે તો તેની જિંદગીના ૬ કલાક ઓછા થઈ શકે છે! ગુજરાતમાં અમેરિકી પ્રમુખ આવી રહ્યા છે અને અહીં પણ હવા શુદ્ધિકરણ માટે આવો પ્રયોગ થઈ શકે છે.
હવા પ્રદૂષણની કિંમત આપણે કઈ રીતે ચૂકવીએ છીએ?
- પ્રદૂષણથી થતી બિમારીની સારવારનો ખર્ચ.
- ઘરમાં એર પ્યુરિફાયર સહિતના સાધનો પાછળનો ખર્ચ.
- માસ્ક સહિતની સામગ્રી પાછળનો ખર્ચ.
- ધૂળ ન ઉડે એ માટે પાણી છંટકાવનો ખર્ચ.
- બિમારી વખતે કામ પરથી રજા લેવાથી થતું નુકસાન. કેમ કે ૨૦૧૮માં દુનિયાભરમાં હવા પ્રદૂષણથી ૧.૮ અબજ દિવસનું કામ ખોરવાયું હતું.
- આવા ઘણા ખર્ચ છે, જે આપણા માસિક બજેટમાં સમાવિષ્ટ થઈ ચૂક્યા છે અને આપણને ખબર પણ નથી કે એ બધું હવા પ્રદૂષણનું પરિણામ છે!
સૌથી વધુ નુકસાન કોને?
દેશ |
નુકસાન (અબજ ડૉલર) |
ચીન |
૯૦૦ |
અમેરિકા |
૬૦૦ |
ભારત |
૧૫૦ |
જર્મની |
૧૪૦ |
જાપાન |
૧૩૦ |
રશિયા |
૬૮ |
બ્રિટન |
૬૬ |