મહારાષ્ટ્રમાં સરકારની રચના પર સસ્પેન્સ યથાવત્
સરકાર રચવામાં ભાજપે અસમર્થતતા દર્શાવ્યા બાદ હવે તમામ નજર શિવસેના ઉપર
વિધાનસભાની ચૂંટણીમાં 105 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે બહાર આવેલો ભાજપ સરકાર ન રચી શકે તો એ મહારાષ્ટ્રના રાજકારણમાં તેની મોટી પીછેહઠ ગણાશે અને છેલ્લા થોડા વર્ષોથી ભાજપે શિવસેના પર જે સરસાઇ હાંસલ કરી છે એ ઓગળી જશે
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું છે અને એ સાથે જ નવી સરકારની રચના માટેની હિલચાલ તેજ થઇ ગઇ છે. એક તરફ જુદાં જુદાં પક્ષોની બેઠકોનો દોર ચાલું છે તો બીજી તરફ નેતાઓની નિવેદનબાજી પણ ચાલી રહી છે. દરમિયાન ભાજપે રાજ્યપાલને જણાવી દીધું છે કે તેઓ એકલા હાથે સરકાર રચી શકે એમ નથી. એવામાં બૉલ હવે શિવસેનાની કૉર્ટમાં પહોંચી ગયો છે.
વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યાને બે અઠવાડિયા કરતા વધારે સમય વીતી ગયો છતાં નવી સરકારની રચનાને લઇને જે માથાકૂટ થઇ રહી છે એ લોકશાહી વ્યવસ્થા માટે આઘાતસમાન છે. અઢી-અઢી વર્ષ મુખ્યમંત્રીપદને લઇને ભાજપ અને શિવસેના પોતપોતાના વલણ પર અડગ છે.
હાલ બંને પાર્ટીઓની જિદને લઇને એવો સવાલ પણ થવો વાજબી છે કે કદાચ તેઓ સાથે મળીને સરકાર બનાવી પણ લે તો હળીમળીને સરકાર ચલાવશે કેવી રીતે અને લોકોને કેવું શાસન પૂરું પાડશે? ચૂંટાયેલી સરકારનું કામ પ્રજાની સેવા કરવાનું છે, તેમના માટે કલ્યાણકારી યોજનાઓ ઘડવાનું છે પરંતુ જે પક્ષો સરકાર રચવા માટે જ કોઇ સહમતિ પર ન પહોંચી શકતા હોય એ પ્રજાનું કલ્યાણ કરશે એ અપેક્ષા રાખવી જ વ્યર્થ છે.
ચૂંટણીના પરિણામ આવ્યા બાદ મહારાષ્ટ્રની જનતા નવી સરકારની રાહ જોઇને બેઠી છે પરંતુ હાલના સંજોગો જોતાં તો રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાગુ થવાની શક્યતા વધારે જણાય છે. જે પક્ષોને પ્રજાએ સરકાર રચવા માટે જનાદેશ આપ્યો છે એ જ પક્ષો સત્તા માટે ખેંચતાણ કરી રહ્યાં હોય એ લોકો સાથે વિશ્વાસઘાતસમાન છે. વિવાદના મૂળમાં એ બાબત છે કે અઢી વર્ષ સુધી ભાજપ રાજ કરે અને બાકીના અઢી વર્ષ શિવસેના રાજ કરે. પરંતુ ભાજપે શિવસેનાની આ વ્યવસ્થા સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. બીજી બાજુ શિવસેના અઢી વર્ષના રાજથી ઓછામાં માનવા તૈયાર નથી.
લોકો જાણી ચૂક્યાં છે કે શિવસેનાને મુખ્યમંત્રીપદ જોઇએ છે અને ભાજપ એ છોડવા તૈયાર નથી. હજુ ગત ચૂંટણીમાં જ મુખ્યમંત્રીપદ હાંસલ કરનાર ભાજપ આસાનીથી એ છોડવાના મૂડમાં પણ નથી. તો શિવસેનાને એ આશંકા છે કે સતત બે શાસનકાળમાં ભાજપનું નેતૃત્ત્વ સ્વીકારી લીધું તો મહારાષ્ટ્રમાં તેનો રાજકીય આધાર જ નબળો પડી જશે.
આંકડાની દોડમાં શિવસેના ભલે ભાજપથી પાછળ હોય પરંતુ દેશના રાજકારણે અગાઉ જોયું છે કે નાના નાના સહયોગી પક્ષો પણ મુખ્યમંત્રી બનાવી ચૂક્યાં છે. એટલું જ નહીં, અપક્ષ ધારાસભ્ય પણ મુખ્યમંત્રી બની ચૂક્યાં છે. ભાજપે અને શિવસેનાએ જોડાણ કરીને ચૂંટણી લડી હતી એટલા માટે સરકાર રચવાની જવાબદારી પણ એ બંને પક્ષોની બને છે. પરંતુ હવે સવાલ તેમના નાકનો આવી ગયો છે અને એટલા માટે જ બંનમાંથી એકેય પાર્ટી ટસની મસ થવા તૈયાર નથી.
શિવસેનાનું કહેવું છે કે તેમની વચ્ચે એવી સમજૂતિ થઇ હતી કે અઢી-અઢી વર્ષ સુધી બંને પક્ષોના મુખ્યમંત્રી રહેશે પરંતુ ભાજપ તેને જુઠ્ઠાણું ગણાવે છે અને કહે છે કે આવી કોઇ સહમતિ થઇ જ નથી. એવામાં કોણ સાચું બોલે છે અને કોણ ખોટું એ નક્કી કરવું શક્ય નથી. શિવસેનાનો દાવો છે કે તેણે જેટલી બેઠકો પર ચૂંટણી લડી હતી અને જેટલી બેઠકો તેણે પ્રાપ્ત કરી છે એ જોતાં તેની તાકાત ભાજપ કરતા ઓછી નથી અને સત્તામાં બરાબરની ભાગીદારી તેનો અધિકાર છે.
શિવસેનાના અલગ સૂર વચ્ચે ભાજપ તરફથી સતત એવા દાવા થતા રહ્યાં છે કે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીપદને લઇને કોઇ મતભેદ નથી. અગાઉ ચૂંટણીપ્રચાર વખતે એવી ચર્ચા હતી કે ભાજપ શિવસેનાને નાયબ મુખ્યમંત્રીપદ ઓફર કરી શકે છે. પરંતુ હકીકત એ છે કે શિવસેના મુખ્યમંત્રીની ખુરશીનો મોહ છોડી શકતી નથી.
એમાંયે વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ તેની આ મહત્ત્વાકાંક્ષા ઘણી વધી ગઇ છે. બીજી બાજુ કોંગ્રેસ બિનભાજપ સરકાર બનાવવાની શક્યતાઓ પર વિચાર કરી રહી છે અને શિવસેનાના એનસીપી તરફના કૂણાં વલણને જોતાં એવા સંકેત મળી રહ્યાં છે કે ધાર્યું ન થવાની સ્થિતિમાં શિવસેના અલગ માર્ગ પકડી શકે છે.
સત્તાં હાંસલ કરવા માટે રાજકીય પક્ષો કેટલી હદે જઇ શકે છે એનો આ પુરાવો છે. સત્તાની આ ખેંચતાણના કારણે પ્રજામાં પણ ખોટો સંદેશ જઇ રહ્યો છે. જો મડાગાંઠ ન ઉકેલાઇ તો રાજ્યપાલ પાસે રાષ્ટ્રપતિશાસન લાદવા સિવાયનો કોઇ વિકલ્પ નહીં બચે. રાજ્યપાલ તમામ કાયદાકીય અને બંધારણીય પાસાઓ વિચારી રહ્યાં છે પરંતુ કોઇ માર્ગ દેખાતો નથી. સત્તાની સાઠમારી વચ્ચે ધારાસભ્યોના હોર્સટ્રેડિંગની શક્યતાઓ પણ જણાઇ રહી છે. એટલા માટે શિવસેના અને કોંગ્રેસે તો પોતાના ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કરી દીધાં છે.
રાજકારણમાં ગમે તે શક્ય છે અને હવે શિવસેના એ તરફ જ આગળ વધી રહી છે. શિવસેના નેતા સંજય રાઉત કહી ચૂક્યાં છે કે આગામી મુખ્યમંત્રી શિવસેનાના જ હશે. શિવસેના હવે કોંગ્રેસ અને એનસીપી સાથે જઇ શકે છે. તે આવા સંકેત પણ આપી ચૂકી છે. ભૂતકાળમાં તે અમુક પ્રસંગોએ કોંગ્રેસનું સમર્થન કરી ચૂકી છે. હવે તેણે કહ્યું છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં કોંગ્રેસ તેની દુશ્મન નથી અને દરેક પાર્ટીના કોઇ ને કોઇ મુદ્દે વિચાર અલગ પડતા જ હોય છે. જોકે કોંગ્રેસે હજુ સુધી શિવસેના સાથે જવા અંગે પત્તાં ખોલ્યાં નથી.
આંકડાની રીતે જોઇએ તો ૨૮૮ બેઠકો ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતિનો આંકડો ૧૪૫ છે. જો શિવસેનાને એનસીપીનું સમર્થન મળી જાય તો તેમનો આંકડો ૧૧૦ સુધી પહોંચે છે. રાજ્યપાલ સાથેની મુલાકાત વખતે આદિત્ય ઠાકરેએ ૬૩ ધારાસભ્યોની પરેડ કરાવી હતી જેમાં ૭ અપક્ષ હતાં. એવામાં શિવસેનાની સંખ્યા ૧૧૭ સુધી પહોંચે છે.
મતલબ કે કોંગ્રેસના સમર્થન વગર તેના માટે સરકાર રચવી શક્ય નથી. સમસ્યા એ છે કે કોંગ્રેસે હજુ સુધી પોતાના પત્તાં ખોલ્યાં નથી. કોંગ્રેસના ધારાસભ્યોને પણ જોડી દેવામાં આવે તો આંકડો ૧૬૧ થાય છે અને રાજ ઠાકરેના એમએનએસના એક ધારાસભ્યને પણ જોડી દેવામાં આવે તો આંકડો ૧૬૨ થઇ જાય, જે સરકાર રચવા માટે પૂરતો છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક યોજીને એવું કહ્યું કે તેમને વિપક્ષમાં બેસવાનો જનાદેશ મળ્યો છે. અગાઉ એનસીપી સુપ્રીમ શરદ પવાર પણ આવું જ કહી ચૂક્યાં છે. સવાલ એ છે કે ભાજપને સત્તાથી દૂર રાખવા માટે તત્પર હોવા છતાં કોંગ્રેસ અને એનસીપી શા માટે આમ કહી રહ્યાં છે? જોકે એની પાછળનું કારણ સ્પષ્ટ છે અને એ છે મળેલી તકનો બને એટલો લાભ ઉઠાવવો.
એનસીપી અને કોંગ્રેસ સરળતાથી શિવસેનાને સત્તામાં આવવા દે એમ નથી. શિવસેનાને ટેકો આપવાની સાથે સાથે તેઓ પોતાની શરતો મનાવવા માટે પણ તેના પર દબાણ કરશે એ ચોક્કસ છે. એટલા માટે જ તેઓ અત્યારથી જ શિવસેનાનું નાક દબાવવાના પ્રયાસોમાં છે.
જોકે સત્તાની આ ખેંચતાણમાં શિવસેના પાસે ગુમાવવા જેવું કશું નથી પરંતુ ભાજપ પાસે છે. ૧૦૫ બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી હોવા છતાં તે સરકાર ન રચી શકી તો એ મહારાષ્ટ્રમાં તેના માટે જોખમરૂપ બની શકે છે. આમ પણ ભાજપ અને શિવસેના વચ્ચેના જોડાણને નિકટથી જોઇ ચૂકેલા લોકો માટે આ ખેંચતાણ નવાઇ નથી રહી. છેલ્લા ત્રણ દાયકાથી સાથે રહેલી બંને પાર્ટીઓ વચ્ચે હવે કોઇ મનમેળ રહ્યો નથી. સત્તામાં ભાગીદાર હોવા છતાં પણ શિવસેના મહારાષ્ટ્રમાં અને કેન્દ્રમાં અનેક વખત ભાજપની આકરી ટીકા કરી ચૂકી છે.
હવે જો શિવસેના ભાજપનો સાથ છોડીને એનસીપી અને કોંગ્રેસ સાથે જશે તો મહારાષ્ટ્રમાં ભાજપની જોરદાર પીછેહઠ થશે. વર્ષ ૨૦૧૪થી ભાજપે રાજ્યમાં શિવસેનાને પાછળ ધકેલીને જે સરસાઇ મેળવી છે એ એક ઝાટકે બાદબાકી થઇ જશે. આખા દેશની નજરો મહારાષ્ટ્ર પર ઠરેલી છે અને હવે ત્યાં વહેલામાં વહેલી તકે સરકાર રચાય એ જ લોકશાહીના ભલામાં છે.