Get The App

વનરાજનો વસ્તી વધારો : માત્ર સંખ્યા નહીં જવાબદારી પણ વધી છે

- છેલ્લા બસ્સો વર્ષ દરમિયાન ગીરમાં સિંહોની સંખ્યા સતત વધી છે, આફ્રિકામાં સતત ઘટી છે

Updated: Jun 12th, 2020

GS TEAM

Google News
Google News

- સરકારી જંગલ 1412 ચોરસ કિલોમીટરનું છે, એટલે કે દરેક સિંહના ભાગે 2 કિલોમીટર આવે, તેનાથી વધુ દૂર તો સિંહની ડણક પહોંચતી હોય છે!

વનરાજનો વસ્તી વધારો : માત્ર સંખ્યા નહીં જવાબદારી પણ વધી છે 1 - image

ગીરમાં સિંહોની સંખ્યામાં અપેક્ષિત રીતે વધારો થયો છે. દર વર્ષે સોએક બચ્ચાં જન્મતાં હોય અને થોડા ઘણા મૃત્યુ પામતા હોય એ સંજોગમાં પાંચ વર્ષના અંતે સંખ્યામાં વધારો આવે એ નવાઈની વાત નથી. આનંદની અને ગૌરવની વાત બેશક છે. આનંદની એટલા માટે કે સિંહો જગતમાં બે જ જગ્યા છે ગીરમાં અને આફ્રિકા ખંડના સાત દેશોમાં. આફ્રિકામાં સિંહો સતત ઘટતા જાય છે, ગીરમાં સતત વધતા જાય છે. આફ્રિકામાં ઘાસના મોટા મેદાનો છે, હજારો ચોરસ કિલોમીટરના જંગલો છે અને સિંહો ફરી શકે એવી પુષ્કળ જમીન છે. ગીરમાં એ નથી છતાં સિંહો વધે છે એ આપણુ ગૌરવ છે.

ગુજરાત સરકારે જાહેર કરેલી લેટેસ્ટ ગણતરી પ્રમાણે સિંહ સંખ્યા વધીને ૬૭૫ થઈ છે. પાંચ વર્ષ પહેલા ૨૦૧૫માં ગીરમાં સિંહોની સંખ્યા ૫૨૩ જાહેર થઈ હતી. એટલે કે પાંચ વર્ષમાં ૧૫૧ સિંહ વધ્યા. વર્ષે સરેરાશ ૩૦ ડાલા મથ્થા ગીરમાં ઉમેરાઈ રહ્યા છે. માત્ર સિંહો વધે છે એવુ નથી. સિંહોનો વિસ્તાર પણ સતત વધી રહ્યો છે. ગીર અભયારણ્ય ૧૪૧૨ ચોરસ કિલોમીટરનું છે અને સિંહ માટે ગાઢ જંગલ કહી શકાય એવુ ગીર નેશનલ પાર્ક તો માંડ ૨૫૮ ચોરસ કિલોમીટરનો છે. સિંહોની વસ્તી અત્યારે ૩૦,૦૦૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી છે. ગીર નેશનલ પાર્ક-અભયારણ્યનો મોટો ભાગ તો જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં જ આવેલો છે, પરંતુ સિંહોની વસ્તી તો તેનાથી ત્રણગણા એટલે કે ૯ જિલ્લા સુધી વિસ્તરી ચૂકી છે.

અત્યારે સિંહનો વિસ્તાર છે, તેનો હિસાબ માંડીએ તો દરેક વનરાજના ભાગે ૪૪-૪૫ ચોરસ કિલોમીટર વિસ્તાર આવે છે. પરંતુ સરકારે જે વિસ્તાર ફાળવ્યો છે (૧૪૧૨ ચોરસ કિલોમીટર) એ મુજબ તો એક સિંહને ૨ કિલોમીટરનો વિસ્તાર માંડ મળે છે. સિંહની ડણક પણ પાંચથી સાત કિલોમીટર દૂર સુધી સંભળાતી હોય છે. એટલે સિંહની ડણક જ્યાં સુધી પહોંચે તેના કરતાં પણ ઓછો વિસ્તાર સરકારે સિંહોને આપ્યો છે. ગુજરાત સરકાર સિંહના નામે ગૌરવ લે છે પણ સિંહોના સંરક્ષણ માટે કામગીરી કરવામાં ખાસ સફળ રહી નથી. સરકારને તો સિંહ ટુરિઝમમાં વધારે રસ છે.

સિંહોની વસ્તી સતત વધી રહી છે, પરંતુ સરકારે વન-વિસ્તાર વધે એવા કોઈ પ્રયાસો કર્યા નથી. ઉલટાનું જેટલું જંગલ છે એ ઓછું થાય એવા સરકારના પ્રયાસો ચાલે છે. સિંહોની વસ્તી વધારામાં મુખ્ય બે પરિબળોનો ફાળો છે. એક સિંહોનો પોતાનો અને બીજા સિંહો સાથે સહ-અસ્તિત્વમાં રહેતા ગીરવાસીઓનો. જ્યારે પરદેશી વન્યજીવ અભ્યાસુઓ ગીરમાં આવે ત્યારે તેમને સૌથી વધુ અચરજ એ વાતનું થાય છે કે હજારો લોકો સિંહ વચ્ચે કઈ રીતે રહી શકે છે?

ગીરમાં અનેક ગામો જંગલની સરહદે આવેલા છે. વળી ગામો જંગલમાં ન હોય તો પણ સિંહોનું સામ્રાજ્ય ૩૦ હજાર ચોરસ કિલોમીટર સુધી વિસ્તરી ચૂક્યું છે. તેમાં હજારો ગામડાં છે અને મોટો પ્રમાણમાં લોકો રહે છે. બેશક એવો અપલખણો વર્ગ પણ છે, જે સિંહોને હેરાન કરીને વીડિયો ઉતારે છે, સિંહ દર્શનના ગેરકાયેદસ કાર્યક્રમો ગોઠવે છે. બીજી તરફ મોટો જનસમુદાય એવો છે, જે સિંહોને આદર-સન્માન આપે છે, સામે સિંહ પણ આદર-સન્માન આપે છે.

સવા બસ્સો વર્ષ પહેલા ૧૮૦૦ની આસપાસ દુનિયામાં એશિયાઈ, આફ્રિકન અને બીજા મળીને કુલ બારેક લાખ સિંહો હતાં. બેફામ થતાં શિકાર અને ઘટતાં જંગલોને પ્રતાપે એ સિંહોની સંખ્યા ઘટતી ગઈ. ઘટીને કેટલી થઈ? લાખોમાં હતી એ હજારોમાં આવી ગઈ. આફ્રિકા-એશિયાના કુલ સિંહો મળીને પણ ૨૫ હજાર નથી થતા. સિંહોની સંખ્યા ઘટી એવુ નથી, સાથે તેની કેટલીક પ્રજાતિઓ પણ નાશ પામી.

બાર્બરી લાયન, કેપ લાયન, યુરોપિયન લાયન.. એમ વિવિધ પ્રકારના સિંહો હતા એમાંથી બે રહ્યા, આફ્રિકી અને એશિયાઈ. જેમ પ્રજાતિ ઘટતી જાય એમ જે સિંહો બાકી રહ્યા હોય તેમના પર જોખમ વધતું જાય. વન્યજીવ વિજ્ઞાાનમાં કોઈ એક સજીવની અનેક પ્રજાતિ હોય એ બહુ મહત્ત્વની વાત છે. કેમ કે વિવિધ પ્રજાતિ હોવાથી જે-તે પ્રાણીની ટકી શકવાની ક્ષમતા વધી જાય. પ્રજાતિ ઓછી થાય એમ ટકવાની ક્ષમતા પણ ઘટી જાય. ગીરમાં તો પહેલેથી એક જ પ્રજાતિના સિંહો છે એટલે ત્યાં આ સિદ્ધાંત લાગુ પડતો નથી. પણ આફ્રિકામાં પ્રજાતિઓ ઘટતી ગઈ એમ વસ્તી પણ ઘટતી ગઈ. આફ્રિકન સિંહોના પણ વિસ્તાર પ્રમાણે (મસાઈ લાયન, સેન્ટ્રલ આફ્રિકન લાયન) વગેરે પેટા પ્રકારો છે, જે નષ્ટ થતા જાય છે.

૧૯મી સદીના મધ્યભાગ સુધીમાં આફ્રિકન સિંહો આફ્રિકા ખંડ પુરતાં મર્યાદિત થયા તો વળી એશિયામાં સિંહોનું રહેણાંક સંકોચાતા સંકોચાતા ગીર પુરતું સિમિત થઈ ગયું. ગીરમાં રહેલા સિંહોની વસતીમાં કેટલાક અપવાદો બાદ કરતાં વૃદ્ધિ થતી રહી તો આફ્રિકામાં રહેતા સિંહોની સંખ્યા સતત ઘટતી ગઈ અને હજુ પણ ઘટી રહી છે. ૨૦ વર્ષ પહેલા આફ્રિકામાં એક લાખ સિંહો હતાં જ્યારે હવે ૨૦થી ૨૫ હજાર હોવાનો અંદાજ છે. એટલું જ નહીં સિંહો આફ્રિકા ખંડના ૫૦માંથી ૩૩ દેશમાં જોવા મળતાં હતા, જે હવે સાત દેશ (બોત્સવાના, ઇથિયોપિયા, કેન્યા, દક્ષિણ આફ્રિકા, તાન્ઝાનિયા, ઝામ્બિયા અને ઝિમ્બાબ્વે) પુરતી મર્યાદિત રહી છે. 

આફ્રિકામાં સિંહોની સંખ્યા ઘટે એના અનેક કારણો છે. એક કારણ એ કે ઘણા દેશો ગરીબ છે, જ્યાં મનુષ્યોને ખાવા માટે જ ધાન ન હોય ત્યાં સિંહ પાછળ ખર્ચો કેમ કરવો? બીજુું કારણ ટ્રોફી હન્ટિંગની પ્રથા છે. ટ્રોફી હન્ટિંગ એટલે મોંઘી સરકારી પરમિટ લઈને જંગલમાં વિચરતા પ્રાણીઓનો શિકાર કરવો. એ શિકાર પછી શિકારી મૃત પ્રાણીના અંગો પોતાની સાથે ઈનામ (એટલે કે ટ્રોફી) તરીકે લઈ જઈ શકે છે. એટલે એનું નામ ટ્રોફી હન્ટિંગ. આફ્રિકાના દેશો એવુ કારણ આપીને ચાલુ રાખે છે કે અમે બધા તો ગરીબ છીએ.

 જંગલો અને વન્યજીવોની  જાળવણી માટે અમારી પાસે પૈસા નથી. પણ જો વર્ષે બસ્સો-પાંચસો સજીવોને મારવાની છૂટ મળે તો તેનો દ્વારા થતી (લાખો ડોલરની) આવક બીજા સજીવોની જાળવણીમાં વાપરી શકાય. આફ્રિકામાં ૭થી ૨૧ દિવસ સુધીના ટ્રોફી હન્ટિંગ પ્રવાસ યોજાય છે. પ્રાણીના પ્રકાર અને દિવસોના આધારે ૪ હજાર ડોલરથી માંડીને ૧ લાખ ડોલર સુધીની ફી ભરવી પડે છે. આફ્રિકાના ઘણા ગરીબ દેશો એ રીતે કમાણી કરે છે.

ગીરમાં મનુષ્યો-માલધારીઓ-ગીરવાસીઓ સિંહ સાથે પરિવારની જેમ રહે છે. આફ્રિકામાં જંગલકાંઠે રહેતા ગામવાસીઓ સિંહોને મારી નાખતા અચકાતા નથી. ઝેર આપી સિંહોની હત્યા કરવાના બનાવો અવાર-નવાર બનતા રહે છે. ચીન, થાઈલેન્ડ સહિતના દેશોમાં વાઘની માફક સિંહના અંગોની પણ ડિમાન્ડ રહે છે. શિકારીઓ એ જરૂરિયાત પુરી કરવા પણ શિકાર કરતાં રહે છે. સૌથી મોટો ખતરો ઘટી રહેલો રહેણાંક વિસ્તાર છે. આફ્રિકાના સિંહો જે વિસ્તારમાં રહે છે, એ સવાના ઘાસના મેદાનો હવે ૩૦ ટકા જ રહ્યાં છે. પરિણામે સિંહોને સૌથી પહેલો સંઘર્ષ તો રહેવાનો વિસ્તાર ટકાવી રાખવા કરવો પડે છે. 

આફ્રિકા ખંડમાં જ્યારે સિંહોની આવી સ્થિતિ હોય ત્યારે આપણે ત્યાં વસ્તી વધે એ મૂછે તાવ દેવા જેવી જ ઘટના છે. પરંતુ સરકારની નીતિ સિંહોની તરફેણમાં હોય એવું લાગતું નથી. કેમ કે હજુ થોડા સમય પહેલા કેન્દ્રિય પર્યાવરણ મંત્રાલયે જંગલ વિસ્તારમાં આવેલા કે જંગલ વિસ્તાર પાસે આવેલા કેટલાક પ્રોજેક્ટ મંજૂર કર્યા છે. એમાં ગીરના જંગલ પાસે ચૂના પથ્થરની ખાણની મંજૂરીનો પણ સમાવેશ થાય છે. 

લૉકડાઉનની સ્થિતિનો લાભ લઈને કેન્દ્ર સરકારે કેટલાક પ્રોજેક્ટ ફટાફટ મંજૂર કર્યા. અનેક પર્યાવરણવિદે તેનો વિરોધ કરી રહ્યા છે, સાથે સાથે પૂર્વ કેન્દ્રિય પર્યાવરણ મંત્રી જયરામ રમેશે પણ સરકારને જરા ધીરા ખમવાની સલાહ આપી છે. 

વસ્તી વધી તેનું ગુજરાત અને કેન્દ્ર બન્ને સરકારો ગૌરવ લઈ રહી છે. પણ સાથે સાથે એ વાત યાદ રાખવી રહી કે માત્ર વસ્તી નહીં, જવાબદારી પણ વધી છે.

Tags :