Get The App

કોરોના પછીનું જગત : એક તરફ વિશ્વ હશે, એક તરફ ચીન હશે!

- જાપાન સરકાર ચીનમાં રહેલી પોતાની કંપનીઓને ચીન છોડવા બદલ અબજો ડૉલરની સહાય કરશે

- કોરોના ફેલાવવામાં ચીનનો હાથ હોય કે ન હોય, પરંતુ જગતનો ચીન પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. આગામી દિવસોમાં ચીન એકલું પડી જાય તો નવાઈ નહીં.

Updated: Apr 12th, 2020

GS TEAM

Google News
Google News
કોરોના પછીનું જગત :  એક તરફ વિશ્વ હશે, એક તરફ ચીન હશે! 1 - image


જાપાન જગતનું ત્રીજા નંબરનું મોટું અર્થતંત્ર છે, આર્થિક રીતે તાલેવાન છે. એટલે કોરોના સામે લડવા ૧ ટ્રિલિયન (ભારતના અર્થતંત્ર કરતા ત્રીજા ભાગનું) આર્થિક પેકેજ થોડા દિવસ પહેલા જાપાને જાહેર કર્યું. એ જાહેરાતની અસર એ થઈ કે જાપાન-અમેરિકા સહિતના દેશોના શેર-બજાર ઊંચકાયા. 

અલબત્ત, શેરબજાર એ સમગ્ર અર્થતંત્રનો માપદંડ નથી, પરંતુ શેરબજાર ઉછળ્યું એટલે એમ ધારણા કરી શકાય કે જાપાની જાહેરાતની હકારાત્મક જાહેરાત થઈ. એ પછી જાપાને બીજો નિર્ણય કર્યો, જેના પર જગતનું ખાસ ધ્યાન પડયું નથી.

જાપાને ચીનમાં રહેલી પોતાની કંપનીઓ ચીન છોડે એ માટે પ્રોત્સાહક યોજનાઓ જાહેર કરી છે. એ માટે વળી ૨.૨ ટ્રિલિયન ડૉલર (સરખામણી : ભારતના અર્થતંત્રનું કદ ૨.૮ ટ્રિલિયન ડૉલર છે) ફાળવ્યા છે. આ રકમનો ઉપયોગ કોરોનાથી અસરગ્રસ્ત થયેલા અર્થતંત્રને બેઠું કરવા માટે થશે અને જે જાપાની કંપનીઓ ચીનમાંથી પોતાના ઉત્પાદન એકમો ખસેડસે, તેમને આર્થિક રાહત આપવા માટે પણ થશે. જાપાને આ જાહેરાત કરી એ પછી તુરંત અમેરિકી અર્થશાસ્ત્રી અને વ્હાઈટ હાઉસની ઈકોનોમિક કાઉન્સિલના ડિરેક્ટર લેરી કુડલૉએ પણ કહ્યું કે જે (અમેરિકન) કંપનીઓ ચીનમાંથી બહાર નીકળતી હોય તેમનો 'કુરિયર' ખર્ચ સરકારે ચૂકવવો જોઈએ.

એટલે કે ચીનની ધરતી પર ખોડાયેલા કારખાના ઉખેડીને અમેરિકામાં શિફ્ટ કરવામાં જે કંઈ કોસ્ટ આવે એ અમેરિકી સરકારે ભોગવવી જોઈએ અથવા તેમાં મદદ કરવી જોઈએ. જાપાન, અમેરિકા પછી હવે અન્ય દેશો આ પગલે ચાલે એવી પૂરી શક્યતા છે. 

જાપાન ઘણો મોંઘો દેશ છે. ભારતમાં કોઈ ચીજ ૧૦૦ રૂપિયામાં ખરીદી શકાય, એ ચીજ જાપાનમાં ૪૦૦ રૂપિયા કે તેનાથી વધુ કિંમતમાં પડી શકે. ચીન તો ઉત્પાદનની બાબતમાં ભારત કરતાં પણ સસ્તો દેશ છે. એ તો જાણીતી જ વાત છે કે ચીન પાસે અઢળક વસતી છે એટલે કામદારોની કમી નથી. કામદારોની કમી નથી એટલે મજૂરી દર જગત કરતા સસ્તો છે. ચીન રાતો રાત પુલ-રસ્તા-બાંધકામો ઉભા કરવા માટે જાણીતો દેશ છે. સમુદ્ર પર લાંબો પુલ બાંધે અને એવરેસ્ટની તળેટીમાં રસ્તો પણ કાઢે.. એટલે પરદેશી કંપનીઓને ત્યાં ઉત્પાદન એકમો સ્થાપવા ઘણા સરળ રહે છે. એપલ સહિત જગતની અનેક માંધાતા કંપનીઓ ચીનમાં કારખાના ધરાવે છે.

જગતના પ્રોડક્શન હબ તરીકે ચીનની આ ઓળખ છેલ્લા એકાદ દાયકાથી વધારે મજબૂત બની છે. ચીનની બીજી મજબૂત બનેલી ઓળખ પોતાની ચીજો જગતમાં જ્યાં-ત્યાં ઢગલાબંધ રીતે ઠાલવી (ડમ્પિંગ) દેનારા દેશ તરીકેની છે. પાંચ વર્ષ પહેલા જે કોઈ ચીજ-વસ્તુ વગર ચાલતું હતુ, તેના વગર આજે નથી ચાલતું. કેમ કે ચીને વિવિધ ચીજો ઉત્પાદિત કરી છે અને પછી અત્યંત સસ્તા ભાવે ભારત જેવા દેશોમાં ઠાલવી દઈ માર્કેટ ઉભું કર્યું છે, ગ્રાહકોને ટેવ પાડી છે. તેમાં એકલા ચીનનો દોષ નથી.

ગ્રાહકો પણ એટલા જ દોષિત છે. ચીની ચીજો લેવી ન લેવી એ આપણા હાથમાં છે. પરંતુ ફેસબૂક-ટ્વિટર-ટિકટોક પર દેશદાઝની વાતો કરનારા મોબાઈલ હેન્ડસેટ તો ચાઈનિઝ વાપરતા હોય છે! એ કટાક્ષ છે અને કરૂણતા પણ છે. પરંતુ કોરોના પછીના ચીનની સ્થિતિ અલગ હશે એ વાત નિશ્ચિત છે.

ચીનને મજબૂતાઈથી ટક્કર આપવા સક્ષમ એકલું અમેરિકા છે એવુ નથી, જાપાન પણ છે. પરંતુ જાપાન અમેરિકાની જેમ વારંવાર ચીન સામે બુમ-બરાડા કરતું નથી. તેનું કામ સોફ્ટ પાવર વિકસાવવાનું છે અને એ જાપાને બરાબર વિકસાવી લીધો છે. ભૌગોલિક રીતે નાનકડા અને વિવિધ આફતના ભોગ બનતા રહેતા જાપાનની શિસ્તબદ્ધતાને જગત પહોંચી શકે એમ નથી. જાપાનને બરાબર ખબર છે કે આપણા હરીફો બીજા કોઈ હોય ન હોય, ચીન તો છે જ.

જાપાન વળી રાતોરાત ચીન સામે સક્રિય થયું એવું નથી. જાપાને થોડા વર્ષો પહેલા પોતાની સંરક્ષણ નીતિ બદલાવી. બીજા વિશ્વયુદ્ધના સાત દાયકા પછી પહેલી વાર જાપાને સંરક્ષણ નીતિમાં મોટો ફેરફાર કર્યો. એ ફેરફાર એવો હતો કે જાપાન જરૂર પડયે સક્રિય થઈને કોઈ દેશ પર આક્રમણ કરી શકે છે. બાકી તો જાપાને બીજા વિશ્વયુદ્ધમાં બરાબર ફટકા ખાધા પછી નક્કી કર્યું હતુ કે આપણે ભલાને આપણું કામ ભલું.. યુદ્ધ કે હુમલો તો દૂરની વાત છે એકેય ગોળી હવે છોડવી નથી. 

ચીનના વધતા ચંચૂપાત, દક્ષિણ ચીની સમુદ્રમાં સતત લશ્કરી ખડકલો.. વગેરે ધ્યાને રાખીને જાપાને હવે લશ્કરી મુદ્દે ખોંખારો ખાધો છે. એ પછી જાપાનનો આ બીજો મોટો નિર્ણય છે. આ નિર્ણય ભલે જાપાનનો હોય, પરંતુ જગત પર તેની શકવર્તી અસર થશે એ પણ નક્કી છે. અત્યારે ચીન એ જાપાનનું સૌથી મોટું વેપારી ભાગીદાર રાષ્ટ્ર છે.

અલબત્ત, કોરોનાની અસર હેઠળ વેપારમાં ઘટાડો થયો છે. કોરોનાએ પ્રથમ અસર ચીનમાં દેખાડી, જાન્યુઆરીથી જ ત્યાં કારખાનાઓમાં ઉત્પાદન ઘટવા લાગ્યું. એટલે જાપાને એ ઘટ પૂરી કરવા માટે પોતાના કારખાનાની સ્પીડનો ગિયર બદલ્યો. 

જાપાનમાં કોરોનાની અસર છે, પરંતુ તેને કાબુમાં રાખવામાં ત્યાંની સરકાર સફળ રહી છે. જાપાની પ્રજા સામાન્ય દિવસોમાં એટલે કે કોરોના ન હતો એ વખતે પણ માસ્ક પહેરીને ફરતી હતી. એટલે ત્યાં ફેલાવાનું પ્રમાણ મર્યાદિત રહ્યું છે.

અત્યાર સુધીમાં જાપાનમાં ૬૦૦૦થી જરાક વધારે જ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક તો ૧૦૦ સુધી પણ નથી પહોંચ્યો. નવા કેસો લગભગ નહિવત્ છે. એ સ્થિતિનો લાભ એ થયો કે જાપાને આખા દેશને લૉકડાઉન કરવાની જરૂર નથી પડી, કારખાનાઓ ચાલુ રાખી શકાયા છે.

કોરોના પછી જાપાન સરકારની ઉદ્યોગો સાથે વિવિધ મિટિંગો થઈ. એ પછી જ જાપાન સરકારે નિર્ણય કર્યો છે કે જે કંપનીઓ પરત જાપાનમાં ફરશે તેમને જંગી આર્થિક લાભ આપવામાં આવશે. એટલું જ નહીં, જાપાનને બદલે દક્ષિણ-પૂર્વ એશિયાના બીજા કોઈ દેશમાં કારખાના સ્થાપશે તો પણ લાભ અપાશે.

બસ ચીનની બહાર નીકળવા જોઈએ. અત્યાર સુધીમાં જાપાનની ૨૬૦૦ કંપનીઓએ ચીનમાંથી રજા લેવાના રસ્તા પર વિચારણા કરવાની તૈયારી બતાવી છે અને વૈકલ્પિક સ્થળો શોધવા લાગી છે. 

જાપાન અને અન્ય દેશો સાથે પણ સબંધો બગડે નહીં એ માટે ચીને સાવધાની રાખી છે, પરંતુ મૂળભૂત રીતે ચીનની દાનત સૌ જાણે છે. બાકી તો વાઈરસ ફેલાવાની શરૂઆત થઈ એ વખતે ચીનને માસ્ક-મેડિકલ હેલ્પ મોકલનારો પહેલો દેશ જાપાન હતો. તો વળી જાપાની કંપની દ્વારા ઉત્પાદિત એન્ટિ-વાઈરલ દવા 'એવિજેન' કોરોના સામે લડવા માટે ઉપયોગી હોવાનું સંશોધન પણ ચીને રજૂ કર્યું હતુ.

એ વખતે તો હજુ જાપાને પણ આ દવાને કોરોના સામે મંજૂરી આપી ન હતી. એ બધી સારપ છતાં જાપાની પ્રજાનો અને દુનિયાની અન્ય પ્રજાનો પણ ચીન સામે વિશ્વાસ ડગતો જાય છે.

કોરોનાવાઈરસ એ ચીને ફેલાવેલું જૈવિક હથિયાર (બાયોલોજિકલ વેપન્સ) છે, ચીનની કોઈ ચાલબાજી છે, વૈશ્વિક અર્થતંત્ર પર કાબુ મેળવવા ચીને ફેલાવેલો આતંક છે.. વગેરે સવાલો લોકોને થઈ રહ્યા છે. એ બધુ કદાચ ચીને ન કર્યું હોય તો પણ એટલું તો નક્કી છે કે ચીને વિશ્વને કોરોનાવાઈરસ વિશે સમયસર સાચી માહિતી આપી નથી. આજે ટ્રમ્પ ચીન પર તાડૂકે એમાં નવાઈ નથી. કેમ કે જાન્યુઆરીમાં જ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને ઓછામાં ઓછા ત્રણ વખત કહ્યું હતુ કે વાઈરસ અંગેની જરૂરી માહિતી ચીન પૂરી પાડતું નથી.

ચીને ઘણા દેશોને એક યા બીજી રીતે નડતાં રહેવાની નીતિ અપનાવી છે. મૂળભૂત રીતે અનીતિના માર્ગે ચાલવું એ જ ચીની નીતિ રહી છે. એટલે કોરોના પછી હવે દુનિયાના દેશો ચીન સાથે કેવો નીતિપૂર્ણ વ્યવહાર અપનાવે એ જોવું રહ્યું.

Tags :