Get The App

વર્ષે પેદા થતા 5 કરોડ ટન ઈ-વેસ્ટનો નિકાલ કઈ રીતે કરવો?

ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટને કારણે સર્જાતો ભંગાર કઈ રીતે નુકસાન કરી રહ્યો છે અને ભવિષ્યમાં કરશે તેનો રાષ્ટ્રસંઘે રિપોર્ટ તૈયાર કર્યો છે

Updated: Mar 10th, 2019

GS TEAM

Google News
Google News
વર્ષે પેદા થતા 5 કરોડ ટન ઈ-વેસ્ટનો નિકાલ કઈ રીતે કરવો? 1 - image



નવું મોડેલ આવે એટલે જૂનો મોબાઈલ આપણે બદલી નાખીએ છીએ. પરત અપાતો એ જૂનો મોબાઈલ છેવટે ઈ-વેસ્ટમાં ફેરવાઈ જાય છે, જે જગત માટે હવે મોટી સમસ્યા છે

ઘરમાંથી રોજ ઘણો કચરો નીકળે. દરવાજા બહાર કે ઘરને ખૂણે રાખેલી કચરાપેટીમાં એ ભેગો થાય અને પછી મ્યુનિસિપાલિટીના વાહનમાં થઈને શહેર બહાર પહોંચે. કચરાના રોજિંદા નિકાલની આ રીત આખી દુનિયામાં પ્રચલિત છે. પરંતુ એક કચરો એવો છે, જે આપણને કચરા તરીકે દેખાતો નથી. ઈ-વેસ્ટ નામનો એ કચરો આપણા ખિસ્સામાં છે.

જેમ જેમ ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ વધતા જાય છે તેમ તેમ તેનો ભંગાર પણ વધતો જાય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે ઈલેક્ટ્રોનિક વેસ્ટ (ઈ-વેસ્ટ) તરીકે ઓળખાતા આ ભંગાર માટે આજે રિપોર્ટ રજૂ કર્યો હતો. 'ટાઈમ ટુ રોબોટ-થ્રી' નામના આ રિપોર્ટમાં આખા જગતને ઈ-વેસ્ટ સામે યુદ્ધના ધોરણે કામ કરવા ચેતવણી અપાઈ છે.

ઈ-વેસ્ટથી થતી આડઅસરો અંગે સામાન્ય લોકો વાકેફ હોતા નથી. માટે વિવિધ દેશોની સરકારે આ મુદ્દે તત્કાળ કામગીરી કરવી જોઈએ એવી ચેતવણી રિપોર્ટમાં અપાઈ છે. આખી દુનિયામાં વર્ષે ૫ કરોડ ટન જેટલો ઈ-વેસ્ટ પેદા કરે છે અને તેમાં ભારતનો ફાળો ૨૦ લાખ ટન જેટલો છે.

લોકો મોબાઈલ, કમ્પ્યુટર, કી-બોર્ડ, માઉસ, હાર્ડ ડિક્સ, ટેબલેટ, લેપટોપ અને અન્ય ચીપ ધરાવતા ઉપકરણો બગડે ત્યારે ફેંકી દેતા હોય છે. આ બધા સાધનોનો ભંગાર ઈ-વેસ્ટ કહેવાય છે. ઈલેક્ટ્રોનિક્સ ચીપમાં સોનુ, ચાંદી, કોબાલ્ટ, પ્લેટિનમ સહિતની ધાતુઓનો વપરાશ થયો હોય છે. એટલે કે દરેકનો ખિસ્સામાં રહેલા મોબાઈલમાં આ બધી ધાતુ હોય જ છે.

પરંતુ તેનું પ્રમાણ બહુ નજીવું હોય છે. આ સાધનો ભંગારમાં ફેંકાયા પછી તેમાંથી બીજું કશું ઉપયોગમાં આવે ન આવે આ કિંમતી ધાતુ તો અચૂક ઉપયોગી સાબિત થાય છે. માટે ભારત સહિત આખા જગતમાં કરોડો કામદારો ઈ-વેસ્ટમાંથી ધાતુવાળો ભાગ અલગ કરવાનું કામ કરે છે. 

રિપોર્ટ પ્રમાણે ભારતમાં લગભગ ૧૦ લાખ લોકો ઈ-વેસ્ટ રિસાઈક્લિંગનું કામ કરે છે. તેમના માટે કોઈ જ સાવધાનીની વ્યવસ્થા રાખવામાં આવતી નથી એટલે ઈ-વેસ્ટનું કામ કરતા લોકો ગંભીર બીમારીઓમાં સપડાઈ જાય છે.

સાધારણ કચરો ઉપાડતા સફાઈ કાર્યકરોની તુલનાએ ઈ-વેસ્ટ રિસાઈકલ કરતા કામદારોના સ્વાસ્થ્ય ઉપર બે-ત્રણ ગણું વધુ જોખમ છે. ઈ-વેસ્ટ રિસાઈકલનું કામ કરતા કામદારો ફેફસાની, શ્વાસનળીની, જઠરની અને ચામડીના રોગોની સમસ્યામાં જકડાઈ જાય છે. ઈ-વેસ્ટ સાથે સંકળાયેલો લોકોને ખબર હોતી નથી કે તેમને આ કામની ભારે આડઅસર થશે.

ઘણી વખત ખબર હોય તો પણ પૈસાની લાલચે લોકો કામ કરતા અટકતા નથી.  ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ કચરાને રિસાઈકલ કરવાને બદલે ગરીબ મજૂરો પાસે ઈ-વેસ્ટ બાળી નાખવાનું કામ કરાવાય છે. અથવા તો ડમ્પિંગ સાઈટ્સ ઉપર રઝળતો મૂકી દેવામાં આવે છે. એ કારણે બિચારા મજૂરોના સ્વાસ્થ્ય ઉપર તો ખતરો છે જ છે, પણ જાહેર સ્વાસ્થ્ય ઉપર પણ જોખમ લટકી જ રહ્યું છે.

વિકસીત દેશો ઈ-વેસ્ટથી દૂર રહે છે. જરા જેટલું સોનુ મેળવવા તેઓ આ ભંગારને સાચવતા નથી. કેમ કે ઈ-વેસ્ટથી પર્યાવરણ પ્રદૂષણ ફેલાવા ઉપરાંત આરોગ્યની મોટી સમસ્યાઓ સર્જાય છે. જેમ કે ઈ-વેસ્ટમાં સીસું હોય છે. આ ઈ-વેસ્ટ જમીન પર ઢગલા સ્વરૂપે ખડકી દેવામાં આવે છે, તેના પર વરસાદ પડે ત્યારે સીસારહિત પાણી જમીનમાં ઉતરે છે.

એ પાણી જમીનને પણ બગાડે છે. ઘરમાં ઘણા બાળકો જૂના સાધનોથી રમતાં હોય અને એ ગેજેટ્સ મોઢામાં નાખતા હોય છે. એમ કરીને આડકતરી રીતે અનેક રોગોને આમંત્રણ આપે છે. વળી આ કોઈ રોગ તુરંત આવતા નથી પરંતુ લાંબા ગાળે જ્ઞાાનતંતુ નબળા પડવા સહિતની અનેક ગંભીર સમસ્યા થઈ શકે છે. 

ઈ-વેસ્ટનું રિ-સાઈકલિંગ તેની ઉત્પાદક કંપની જ કરે એવા નિયમો ઘણા દેશોએ ઘડયા છે. પરંતુ તેનું વ્યાપકપણે પાલન નથી થતું. માટે આજે કુલ ઈ-વેસ્ટ પૈકી ૨૦ ટકાનું જ રિ-સાઈકલિંગ થાય છે. જો આ રીતે જ ઈલેક્ટ્રોનિક વેસ્ટ ઉત્પાદન ચાલુ રહેશે ૨૦૫૦ સુધીમાં વર્ષે ૧૨ કરોડ ટન જેટલો કચરો પેદા થતો હશે. ઈ-વેસ્ટને કારણે જમીન પર અત્યારે જે રીતે ઘરેલું કચરાના ઢગ થાય છે એવી રીતે ઈ-વેસ્ટના ઢગલા વધી રહ્યાં છે. 

આ રિપોર્ટમાં વિવિધ ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓને રેન્કિંગ અપાયું છે. ભારતની કુલ ૫૪ કંપનીઓને સ્થાન મળ્યું છે, જેમાંથા ૭ કંપની જ એવી છે, જેનું કામ ઈ-વેસ્ટ નિકાલમાં સારુ હોય. મોટા ભાગની કંપનીઓ નિકાલની વાત આવે ત્યારે ખાસ ધ્યાન આપતી નથી. ૧૩ કંપનીઓ એવી છે, જેનું કામ એવરેજ જ્યારે ૨૯ કંપનીઓનું કામ સાવ નબળું ગણાવાયુ છે. એવરેજ કરતાં પણ નિમ્ન કક્ષાની કંપનીઓમાં એપલ, એસસ, - બજાજ ઈલેક્ટ્રિકલ્સ, એલજી, વિપ્રો, હાયર, હિટાચી, માઈક્રોમેક્સ, ઓનિડા વગેરેનો સમાવેશ થાય છે.

એવુ નથી કે બીજી કંપનીઓ ઈ-વેસ્ટ નથી સર્જતી, પરંતુ આ કંપનીઓના નામ રિપોર્ટમાં નોંધાયા છે. ભારતમાં તો ઈ-વેસ્ટ રિસાઈકલની પ્રક્રિયા જ બહુ ધીમી છે. ૨૦૧૪થી ૨૦૧૬ દરમિયાન ઈ-વેસ્ટ રિસાઈક્લિંગની પ્રક્રિયા કરતા માત્ર ૪૦ નાના-મોટા કારખાના નોંધાયા હતા. ભારતમાં છેલ્લાં બે વર્ષમાં ઈ-વેસ્ટ રિસાઈક્લિંગની ક્ષમતામાં માત્ર ૮૮ હજાર મેટ્રિક ટનનો વધારો થયો હતો. 

કંપનીઓ જ સર્જે એવુ નથી. લોકો દ્વારા સર્જાતો ઈ-વેસ્ટ મોટી સમસ્યા છે. ભારતમાં જે કુલ ઈ-વેસ્ટ પેદા થાય છે, તેમાંથી ૧૫ ટકા હિસ્સો રહેઠાંણ વિસ્તારોનો છે. એટલે કે દેશવાસીઓ કુલ ઈ-વેસ્ટના ૧૫ ટકા હિસ્સો આપે છે. સામે ૭૦ ટકા હિસ્સો કારખાનાઓમાંથી આવે છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘની નોંધ પ્રમાણે સૌથી વધુ ઈ-વેસ્ટ ભારતીય ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓ પેદા કરે છે. ભારતમાં સરકારનો કંપનીઓ પર બહુ અંકુશ હોતો નથી. હોય તો પણ કંપનીઓ નિયમો ઘોળીને પી જવામાં નિષ્ણાત હોય છે. એટલે સરકાર કંપનીઓને ફરજ પાડી શકતી નથી કે ઈ-વેસ્ટ ઓછો પેદા કરો અથવા તો રિસાઈકલિંગ કરો.

મુંબઈની ઓળખ દેશના આર્થિક પાટનગર તરીકેની છે, એ મુંબઈની એક ઓળખ સૌથી વધુ ઈ-વેસ્ટ પેદા કરનારા ભારતીય શહેર તરીકેની પણ છે. મુંબઈમાં વર્ષે ૧.૨૦ લાખ મેટ્રિક ટન કચરો પેદા થાય છે. એ પછી ૧ લાખ મેટ્રિક ટન સાથે દિલ્હી, ૯૦ હજાર મેટ્રિક ટન સાથે ચેન્નઈ, ૫૫ હજાર મેટ્રિક ટન સાથે કોલકાત્તા, ૩૬ હજાર મેટ્રિક ટન સાથે અમદાવાદનો ક્રમ આવે છે. 

દુનિયામાં આજે વર્ષે ૫ કરોડ ટન ઈ-વેસ્ટ પેદા થાય છે, પરંતુ એ આંકડો સતત વધતો જશે કેમ કે દુનિયાભરની ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડસ્ટ્રી અને લોકોની ઈલેક્ટ્રોનિક ડિમાન્ડ રોકેટ ગતીએ વધતી જાય છે.

૧ ટન ગોલ્ડ ઑરમાંથી જેટલુ સોનુ મળે, તેનાથી વધુ સોનુ ૧ ટન ઈ-વેસ્ટમાંથી મળે છે!
વર્લ્ડ ઈકોનોમિક ફોરમે આપેલા રિપોર્ટ પ્રમાણે સોનાની ખાણમાંથી નીકળતા ૧ ટન ગોલ્ડ ઑરમાંથી જેટલુ સોનુ નથી મળતું, એટલું સોનુ ૧ ટન ઈ-વેસ્ટમાંથી મળે છે. આપણને સામાન્ય લાગતો સ્માર્ટફોન વિવિધ ૬૦ ધાતુ-તત્ત્વનો બનેલો હોય છે. જો આખા જગતની ગણતરી કરવામાં આવે તો વિશ્વના કુલ સોના પૈકી ૭ ટકા સોનુ ઈ-વેસ્ટમાં સમાયેલું છે.

સોનાની ખાણમાંથી જે કાચુ સોનુ (ગોલ્ડ ઑર) મળે એમાં પણ મામુલી માત્રામા સોનુ હોય છે. તેેને રિફાઈન કરીને સોનુ અલગ પાડવામાં આવે છે. તેની સરખામણીમાં ઈ-વેસ્ટમાંથી વધુ સોનુ મળે છે.

Tags :