કોરિયાઇ ક્ષેત્રમાં તંગદિલી પાછા ફરવાના અણસાર
- ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા સાથેના તમામ પ્રકારના સંબંધો ખતમ કરવાની જાહેરાત કરી
- અણુશસ્ત્રોના મુદ્દે નરમ વલણ ધારણ કર્યાં છતાં અમેરિકાએ ઉત્તર કોરિયા પર મૂકેલા પ્રતિબંધો હળવા ન કરતા ઉત્તર કોરિયા છંછેડાયું છે અને હવે દક્ષિણ કોરિયાને ધાકધમકી આપીને તે અમેરિકાને પ્રતિબંધો હળવા કરવા માટે મજબુર કરવા માંગે છે
ઉત્તર કોરિયાએ જાહેરાત કરી છે કે તે દક્ષિણ કોરિયા સાથેના તમામ પ્રકારના સૈન્ય અને રાજદ્વારી સંબંધો ખતમ કરી રહ્યું છે. આમાં બંને દેશોના નેતાઓ વચ્ચેની હોટલાઇન પણ સામેલ છે. દક્ષિણ કોરિયાને પોતાનું દુશ્મન ગણાવતા ઉત્તર કોરિયાએ ત્યાં સુધી કહ્યું કે આ તેની પહેલી કાર્યવાહી છે અને હજુ આગળ પણ તે પગલાં લેશે. ઉત્તર કોરિયાના આ પગલાં બાદ બંને દેશો વચ્ચેના સંબંધો ઓર કટુતાભર્યા થઇ ગયા છે.
આમ તો ગયા અઠવાડિયાથી જ ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયાને ધમકીઓ આપી રહ્યું છે. હકીકતમાં દક્ષિણ કોરિયામાં રહેતા ઉત્તર કોરિયાના બળવાખોર કાર્યકરો સરહદપારથી ઉત્તર કોરિયાના સરમુખત્યાર શાસનની ટીકા કરતા ચોપાનિયાં મોકલે છે. આમ તો બળવાખોરો આ કામ અગાઉ પણ કરતા હતાં પરંતુ દક્ષિણ કોરિયાનો વાંક શોધવા મથતા ઉત્તર કોરિયાએ હવે એને વિવાદનો મુદ્દો બનાવી દીધો છે. ઉત્તર કોરિયાની સંબંધો તોડવાની જાહેરાત બાદ બંને દેશો વચ્ચે વાતચીતના તમામ માર્ગ બંધ થઇ ગયા છે.
ઇતિહાસ જોઇએ તો ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે ૧૯૫૦માં થયેલું યુદ્ધ અમેરિકા અને રશિયા વચ્ચેના શીતયુદ્ધનું જ પરિણામ હતું. હજુ થોડા ભૂતકાળમાં જઇને જોઇએ તો ૧૯૧૦થી ૧૯૪૫ સુધી સંયુક્ત કોરિયા એટલે કે ભાગલા પડયા અગાઉનું કોરિયા જાપાનના કબજા હેઠળ હતું.
બીજા વિશ્વયુદ્ધના છેલ્લા દિવસોમાં રશિયાએ જાપાન સામે યુદ્ધ છેડી દીધું હતું અને એ બંને દેશો વચ્ચેના જંગનું મેદાન કોરિયા જ હતું. બીજી બાજુ અમેરિકા તો અગાઉથી જ જાપાન સાથે યુદ્ધમાં રમમાણ હતું. હિરોશીમા અને નાગાસાકી એમ બે શહેરો પર અણુબોમ્બ ઝીંકાયા બાદ જાપાને શરણાગતિ સ્વીકારી અને બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો. એ પછી અમેરિકા અને રશિયાએ સંધિ કરીને કોરિયાને બે ભાગમાં વિભાજિત કર્યું.
કોરિયાનું વિભાજન કર્યા પછી ઉત્તર કોરિયાનું શાસન સામ્યવાદી રશિયાએ તો દક્ષિણ કોરિયાનું શાસન સામ્યવાદ વિરોધી અમેરિકાએ સંભાળ્યું. કોરિયાઇ નેતાઓને આ દેશોએ વચન આપ્યું હતું કે પાંચ વર્ષ બાદ તેઓ તેમના હાથમાં સત્તાની કમાન સોંપી દેશે. પરંતુ કોરિયાની જનતા આ વ્યવસ્થાથી ખુશ નહોતી. પરિણામ એ આવ્યું કે થોડા સમયમાં જ કોરિયામાં પ્રદર્શનો થવા લાગ્યા. હકીકતમાં બંનેમાંથી એકેય દેશ પોતપોતાની સરહદની અંદર ખુશ નહોતો અને સરહદે અવારનવાર છમકલા થયા કરતા હતાં. ૧૯૫૦માં બંને દેશો વચ્ચે પૂર્ણ કક્ષાનું યુદ્ધ ફાટી નીકળ્યું એ પહેલાં જ બંને દેશોના ૧૦ હજારથી વધારે સૈનિકોના મૃત્યુ નીપજી ચૂક્યા હતાં.
સંઘર્ષની આ પરિસ્થિતિ દરમિયાન દક્ષિણ કોરિયામાં ૧૯૪૮માં ચૂંટણી યોજાઇ અને ત્યાં અમેરિકાના સમર્થનથી સરકાર રચાઇ. બીજી બાજુ ઉત્તર કોરિયામાં રશિયા અને ચીનના સહયોગથી સામ્યવાદી સરકાર બની. આમ પરસ્પર વિરોધી વિચારધારા ધરાવતી સરકારની રચના અને એક તરફ અમેરિકા તો બીજી તરફ ચીન-રશિયાની દખલ સાથે જ લગભગ નક્કી થઇ ગયું હતું કે બંને દેશો વચ્ચે વહેલુંમોડું યુદ્ધ ફાટી નીકળશે. ઉત્તર કોરિયાએ અગાઉથી જ કહી દીધું હતું કે તે દક્ષિણ કોરિયાની સરકારને ગેરકાયદેસર માને છે.
દરમિયાન ચીનમાં કોમ્યુનિસ્ટો અને રાષ્ટ્રવાદીઓ વચ્ચે સંઘર્ષ જારી હતો. એ જંગમાં કોરિયાના આશરે ૫૦ હજાર સૈનિકો કોમ્યુનિસ્ટોના પક્ષમાં રહીને યુદ્ધ કરી રહ્યાં હતાં. ૧૯૪૯માં કોમ્યુનિસ્ટોની જીત થઇ અને એ સાથે જ ચીનમાં સામ્યવાદી સરકાર રચાઇ. કોરિયાના સૈનિકો ઉત્તર કોરિયા પાછા ફર્યા. ચીને તેમની સાથે ટેન્કો સહિત ભારે હથિયારો પણ મોકલ્યા. એ સમયે ઉત્તર કોરિયામાં હાલના શાસક કિમ જોંગ ઉનના દાદા કિમ ઇલ સુંગનું શાસન હતું.
ચીનથી ભારે હથિયારો સાથે પાછા આવેલા સૈનિકો અને રશિયાના શાસક સ્ટાલિનની મદદના જોરે ઉત્તર કોરિયાએ ૨૫ જૂન, ૧૯૫૦ના રોજ દક્ષિણ કોરિયા ઉપર ઓચિંતુ આક્રમણ કરી દીધું. આક્રમણ કર્યાના થોડા જ દિવસોમાં દક્ષિણ કોરિયાનો એક મોટો હિસ્સો ઉત્તર કોરિયાના કબજામાં જતો રહ્યો અને બીજા વિશ્વયુદ્ધ બાદનું એક ઓર મોટું યુદ્ધ શરૂ થઇ ગયું.
આમ તો થોડા જ દિવસોના યુદ્ધના અંતે દક્ષિણ કોરિયા જંગ હારવાની અણીએ પહોંચી ગયું હતું પરંતુ અમેરિકાએ યૂ.એન.માં પ્રસ્તાવ પસાર કરાવીને દક્ષિણ કોરિયાની મદદે જવા માટે યૂ.એન.ના દળોને રવાના કરી દીધા. દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલ તરફ આગળ વધી રહેલા કિમ ઇલ સુંગના દળોને રોકવા માટે અમેરિકાના નેતૃત્ત્વમાં દસ લાખ સૈનિકો દક્ષિણ કોરિયા પહોંચી ગયા. અમેરિકાને જર હતો કે જો ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા ઉપર કબજો જમાવી લેશે તો ત્યાં પણ સામ્યવાદ સ્થપાઇ જશે.
જોકે અમેરિકાએ આ જંગમાં સુરક્ષાત્મક વ્યૂહ અપનાવ્યો જે અમેરિકા અને મિત્ર દેશોના નુકસાનમાં રહ્યો. એક તરફ ઉત્તર કોરિયાની અનુશાસિત, પ્રશિક્ષિત અને આધુનિક હથિયારો સાથેની સેના હતી તો બીજી તરફ કોરિયાના હવામાન સાથે અનુકૂળ થવા મથી રહેલી ભયભીત અને પરેશાન અમેરિકી સેના હતી. ખાસ તો કોરિયાના સૂકા અને ગરમ હવામાનના કારણે અમેરિકી સૈનિકો બેહાલ થઇ ગયા હતાં.
જોકે અમેરિકાને સમજાઇ ગયું કે આ જંગમાં સંરક્ષણાત્મક વ્યૂહ અપનાવ્યે નહીં ચાલે એટલા માટે તેણે આક્રમક વલણ અખત્યાર કર્યું અને માત્ર દક્ષિણ કોરિયાની ગુમાવેલી જમીન પાછી મેળવવાની જ નહીં પરંતુ ઉત્તર કોરિયાને પણ સામ્યવાદથી આઝાદ કરાવવાનું બીડું ઝડપ્યું. અમેરિકાના આ બદલાયેલી યુદ્ધનીતિને શરૂઆતમાં સફળતા મળી અને ઉત્તર કોરિયાને પાછું તેની સરહદોમાં ધકેલી દીધું.
પરંતુ જેવી અમેરિકી સેના સરહદ પાર કરીને યાલૂ નદી તરફ આગળ વધી કે ચીનના પેટમાં તેલ રેડાયું અને ચીની નેતા માઓત્સે તુંગે પોતાની સેના ઉત્તર કોરિયા મોકલી અને અમેરિકાના યાલૂ નદી તરફ ન આવવાની ચેતવણી આપી. અમેરિકા પણ ચીન સાથે સંઘર્ષ ટાળવા ઇચ્છતું હતું એટલા માટે એપ્રિલ ૧૯૫૧માં બંને દેશો વચ્ચે શાંતિવાર્તા શરૂ થઇ. બીજી બાજુ બંને દેશો વચ્ચે જે સ્થળે સરહદ આંકવામાં આવી હતી એ ૩૮મા સમાનાંતર ઉપર તો લડાઇ ચાલું જ હતી.
ખાસ તો બંને દેશો વચ્ચે યુદ્ધ કેદીઓને લઇને કોઇ સમજૂતિ સધાઇ રહી નહોતી. છેવટે ૨૭ જુલાઇ, ૧૯૫૩ના દિવસે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની સમજૂતિ ઉપર હસ્તાક્ષર થયા. યુદ્ધવિરામનો સૌથી મહત્ત્વનો હિસ્સો યુદ્ધ કેદીઓની અદલાબદલીનો જ હતો. એ માટે યૂ.એન.એ ભારતની અધ્યક્ષતામાં એક સુપરવાઇઝરી કમિશનનું ગઠન કર્યું જેમાં પાંચ દેશ સામેલ કરવામાં આવ્યાં.
પશ્ચિમી દેશો તરફથી સ્વીડન અને સ્વીટ્ઝર્લેન્ડ તો ચીન તરફથી પોલેન્ડ અને ચેકોસ્લોવાકિયાને આ કમિશનમાં ગોઠવવામાં આવ્યાં. ટૂંકમાં ૧૯૫૩માં બંને કોરિયા વચ્ચેના યુદ્ધવિરામમાં જવાહરલાલ નહેરુની આગેવાની હેઠળ ભારતે આગળ પડતો ભાગ ભજવ્યો હતો.
બે વર્ષ પહેલા ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઇન વચ્ચે બંને દેશોની સરહદે આવેલા પનમુનજોમ ખાતે મુલાકાત યોજાઇ હતી. બેઠક શરૂ થયા પહેલા કિમ જોંગ ઉન પગપાળા ચાલીને દક્ષિણ કોરિયાની સરહદમાં પ્રવેશ્યા તો મૂન જે ઇને પણ ઉત્તર કોરિયાની જમીન ઉપર પગ મૂક્યો હતો. ૧૯૫૩ બાદ એ પહેલો અવસર હતો કે ઉત્તર કોરિયાના નેતાએ દક્ષિણ કોરિયામાં પગ મૂક્યો હોય.
એ પહેલા કોઇના મનમાં પણ કલ્પના નહોતી કે ઉત્તર કોરિયાના માથાફરેલા ગણાતા સરમુખત્યાર કિમ જોંગ ઉન નરમ વલણ ધારણ કરીને જાની દુશ્મન ગણાતા દક્ષિણ કોરિયા સાથે વાર્તાલાપ કરશે. બેઠકમાં કિમ જોંગ ઉને ભૂતકાળમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન ન કરવાની ખાતરી આપી છે. એ સાથે જ તેમણે મૂન જે ઇન સાથે શિખર મંત્રણા દરમિયાન થયેલી સમજૂતિઓને પાળવાની કટિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.
મહિના બાદ કિમ જોંગ ઉન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પણ સિંગાપોરમાં બેઠક યોજાઇ હતી. ટ્રમ્પ અને કિમ વચ્ચે પહેલી મુલાકાત યોજાઇ ત્યારે દુનિયાને એવી આશા જન્મી હતી કે કોરિયાઇ ક્ષેત્રની સમસ્યાનો ઉકેલ આવશે. જોકે પહેલી બેઠક બાદ પરિસ્થિતિ અપેક્ષા પ્રમાણે આગળ ન વધી.
વિયેતનામ ખાતેની બીજી બેઠક પહેલા એવી આશા વ્યક્ત થઇ રહી હતી કે ટ્રમ્પ અને કિમ વચ્ચેની વાતચીત દ્વારા ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમને નિયંત્રિત કરવામાં સફળતા મળી શકે છે. પરંતુ વિયેતનામની બેઠક પણ કોઇ પરિણામ વિના પૂરી થઇ ગઇ. એ પછી ગયા વર્ષે બંને નેતાઓ ઉત્તર અને દક્ષિણ કોરિયાની સરહદ વચ્ચેના ડિમિલિટરાઇઝ્ડ ઝોનમાં પણ મળ્યાં હતાં અને ટ્રમ્પ ઉત્તર કોરિયાની ધરતી પર પગ મૂકનારા પહેલાં અમેરિકી રાષ્ટ્રપતિ બન્યાં હતાં.
જોકે બંને નેતાઓ વચ્ચેની ઉમળકાભેર મુલાકાતો છતાં ઉત્તર કોરિયાને પરમાણુ શસ્ત્રોથી મુક્ત કરવાના અમેરિકાના લક્ષ્ય અનુસાર કોઇ નક્કર પરિણામ આવ્યું નહીં. તો ઉત્તર કોરિયા એ વાતે નિરાશ હતું કે અમેરિકા તેના પર લગાવેલા પ્રતિબંધોમાં છૂટ આપવા તૈયાર નથી. હતાશ થયેલા ઉત્તર કોરિયાએ છેલ્લા કેટલાંક સમયથી ફરી પાછા શસ્ત્રોના પરીક્ષણ ચાલુ કરી દીધાં છે. હવે વાર્તાલાપ બંધ કરીને તે દક્ષિણ કોરિયા પર દબાણ સર્જવા માંગે છે. પ્રતિબંધો હળવા કરવાની દિશામાં આ તેનું પહેલું પગલું છે અને આગળ જતાં તે અમેરિકા તરફ પણ સખત વલણ ધારણ કરશે.