શસ્ત્રોની અંતહીન અને આંધળી દોટનો અંત આવવાના અણસાર નથી
- દુનિયાભરમાં હથિયારોની ખરીદી 4.6 ટકા વધીને 420 અબજ ડોલરે પહોંચી
- શાંતિની વાતો ભલે થાય પરંતુ વૉર ઇઝ ધ બિગેસ્ટ બિઝનેસના ધોરણે ક્યાંક ને ક્યાંક વિગ્રહ ભડકેલો રહે, સંઘર્ષો થતા રહે એમાં જ હથિયારોના સોદાગર દેશોનું હિત સમાયેલું છે એટલા માટે વિશ્વમાં હથિયારોની જે હોડ જામી છે એ નજીકના ભવિષ્યમાં અટકવાની નથી
કહેવાતા શાંતિકાળ દરમિયાન પણ દુનિયાના કોઇક ને કોઇક સ્થળે કાયમ લશ્કરી સંઘર્ષ ચાલી જ રહ્યો હોય છે અને પરિણામે જુદાં જુદાં દેશો પોતાના લશ્કરી ખર્ચમાં વધારો કરી રહ્યાં છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટયૂટ (જીૈંઁઇૈં)ના નવા રિપોર્ટ અનુસાર ૨૦૧૮ના વર્ષમાં કુલ ૪૨૦ અબજ ડોલરના હથિયાર વેચાયા અને વેચાણમાં ૪.૬ ટકાનો વધારો થયો.
સ્વીડનની સંસદે ૧૯૬૬માં સિપરીના ટૂંકા નામે ઓળખાતી સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટયૂટની રચના કરી ત્યારથી આ સંસ્થા દુનિયાભરના લશ્કરી ખર્ચ અને હથિયારોના વેપાર પર નજર રાખે છે. સંસ્થાના રિપોર્ટ અનુસાર હથિયારોની સૌથી મોટી દુકાન અમેરિકા છે. શસ્ત્રો વેચનારી ટોચની ૧૦૦ કંપનીઓમાં ૪૩ કંપનીઓ અમેરિકાની છે અને આ કંપનીઓએ કુલ ૨૪૬ અબજ ડોલરનો વેપાર કર્યો જે દુનિયાભરમાં વેચાયેલા શસ્ત્રોના ૫૯ ટકા છે. ૨૦૧૭ની સરખામણીમાં આ વર્ષે અમેરિકાની કંપનીઓના વેચાણમાં ૭.૨ ટકાનો વધારો નોંધાયો.
સિપરીના જ અગાઉના એક રિપોર્ટ અનુસાર ૨૦૧૮ના વર્ષમાં સમગ્ર વિશ્વનો કુલ લશ્કરી ખર્ચ ૧,૮૨૨ અબજ ડોલર જેટલો થઇ ગયો છે જે આગલા વર્ષની સરખામણીમાં ૨.૬ ટકા જેટલો વધારે છે. લશ્કરી ખર્ચમાં પહેલા સ્થાને સ્વાભાવિક રીતે જ અમેરિકા છે જેનો વાર્ષિક ખર્ચ ૬૪૯ અબજ ડોલરનો રહ્યો જે અગાઉના એટલે કે વર્ષ ૨૦૧૭ કરતા ૪.૬ ટકા વધારે હતો. બીજા સ્થાને ચીન છે જેનો લશ્કરી ખર્ચ આશરે ૨૫૦ અબજ ડોલર હોવાનું નિષ્ણાંતોનું અનુમાન છે. ત્રીજા સ્થાને રહેલું સાઉદી અરેબિયા છેલ્લા થોડા વર્ષોથી હથિયારોની ધૂમ ખરીદી કરી રહ્યું છે અને તેણે લશ્કરી શસ્ત્રસરંજામ પાછળ ૬૭.૬ અબજ ડોલર ખર્ચ્યા છે. હથિયારોની ખરીદીના મામલે પણ સાઉદી અરેબિયા પહેલા સ્થાને છે.
લશ્કરી ખર્ચના મામલે ભારતનું સ્થાન ચોથું છે. ભારતે ૨૦૧૭ના ૬૩.૯ અબજ ડોલરની સરખામણીમાં વર્ષ ૨૦૧૮ દરમિયાન ૬૬.૫ અબજ ડોલરનો લશ્કરી ખર્ચ કર્યો. છેલ્લા એક દાયકામાં ભારતના લશ્કરી ખર્ચમાં લગભગ પચાસ ટકાનો માતબર વધારો થયો છે. ભારતના પાકિસ્તાન અને ચીન સાથે સરહદી તણાવના વધી રહેલા બનાવોને કારણે દેશના સુરક્ષા બજેટમાં વધારો કરવો અનિવાર્ય બની ગયો છે. પાકિસ્તાન અને ચીનની સતત આડોડાઇના પરિણામે ભારતે પોતાના સૈન્ય બળ તેમજ હથિયારોના આધુનિકીકરણ કરવાની ફરજ પડી રહી છે.
જોકે સિપરીના અહેવાલ અનુસાર હથિયારોના વેચાણના મામલે ભારતીય કંપનીઓના વેપારમાં ઘટાડો થયો છે. હથિયારો વેચતી ટોચની ૧૦૦ કંપનીઓમાં ભારતની ત્રણ કંપનીઓ પણ સામેલ છે પરંતુ તેમના વેચાણમાં ગત વર્ષની સરખામણીએ ૬.૯ ટકાનો ઘટાડો થયો છે. એક તરફ સરકાર મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ ભારતમાં ઉત્પાદન વધારવાની વાતો કરે છે પરંતુ હકીકત એ છે કે શસ્ત્રોના મામલે ભારતની બીજા દેશો પરની નિર્ભરતા ઘટવાના બદલે વધી રહી છે. વર્ષોથી સ્વદેશી ફાઇટર વિમાન બનાવવા મથી રહેલું ભારત હજુ પણ એ દિશામાં નોંધકારક પ્રગતિ કરી શક્યું નથી. એ જ હાલ અન્ય શસ્ત્રોના મામલે છે પરિણામે સેનાને આધુનિક બનાવવા અને નવા શસ્ત્રો વસાવવા માટે પશ્ચિમના દેશો તરફ જ નજર કરવાની રહે છે.
હકીકતમાં દુનિયાના માથે સૌથી મોટો ખતરો તો પરમાણુ શસ્ત્રોને લઇને છે. ખાસ કરીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓના કારણે પરમાણુ શસ્ત્રોની નવેસરથી હોડ જામવાની વકી છે. અત્યાર સુધીના અમેરિકી રાષ્ટ્રપતિઓની નીતિ એવી રહી હતી કે પરમાણુ શસ્ત્રોનો જંગી ભંડાર ઘટાડવો અને શસ્ત્ર નિયંત્રણના નવા કરાર કરવા.
જ્યારે ટ્રમ્પનું માનવું છે કે પરમાણુ શસ્ત્રોના જોખમને કાબુમાં રાખવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે શસ્ત્રોના ભંડારો વધારવા અને નવા નવા આધુનિક શસ્ત્રો વિકસાવવા. આમ તો છેક આઇઝનહોવરના જમાનાથી અમેરિકી રાષ્ટ્રપતિઓ પરમાણુ યુદ્ધ ટાળવાની વાતો કરતા આવ્યાં છે પરંતુ ટ્રમ્પના તેવર સાવ અલગ છે. ટ્રમ્પ તો દુનિયાએ કદી ન જોયું હોય એવું પરમાણુ યુદ્ધ છેડવાની ધમકી પણ આપી ચૂક્યાં છે.
હકીકતમાં પરમાણુ શસ્ત્રોની દુનિયામાં પોતાનો દબદબો જાળવી રાખવાની અમેરિકાની મહેચ્છા જગજાહેર છે. હથિયારોના બળે જ અમેરિકા આખી દુનિયા ઉપર દાદાગીરી કરે છે. પરંતુ છેલ્લા થોડા સમયથી રશિયા અને ચીન જેવા સામ્યવાદી દેશો તેના માટે પડકાર ઊભો કરી રહ્યાં છે. રશિયા અને ચીનને નિશાન ઉપર લેતા અમેરિકાએ એક રિપોર્ટમાં કહ્યું હતું કે ચીન પોતાના પરમાણુ હથિયારોના ભંડારમાં વધારો કરી રહ્યું છે તો રશિયા પણ પોતાના અણુશસ્ત્રોના ભંડારમાં ઘટાડો કરવા તૈયાર નથી.
એ વખત રશિયા અને ચીને ઉલટું અમેરિકાને સાણસામાં લેતા કહ્યું હતું કે પહેલા અમેરિકાએ પોતાના પરમાણુ શસ્ત્રોના ભંડારમાં ઘટાડો કરવાની જરૂર છે. એક અનુમાન પ્રમાણે માત્ર રશિયા અને અમેરિકા પાસે મળીને જ ૧૪ હજાર જેટલા પરમાણુ શસ્ત્રો છે જે દુનિયાનો અનેક વખત વિનાશ કરવા માટે પૂરતા છે.
થોડા મહિના પહેલા અમેરિકા અને રશિયા વચ્ચે શીતયુદ્ધના જમાનામાં કરવામાં આવેલી એક સંધિ પણ રદ્ થઇ ગઇ છે. વર્ષ ૧૯૮૭માં તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગન અને તત્કાલિન સોવિયેત સંઘના રાષ્ટ્રપતિ મિખાઇલ ગોર્બાચોવે પરમાણુ શસ્ત્રો નહીં બનાવવાને લઇને ઇન્ટરમીડિએટ રેન્જ ન્યૂક્લિયર ફોર્સિઝ ટ્રીટી (આઇએનએફ) નામની એક સંધિ કરી હતી કે જેથી કરીને દુનિયામાંથી પરમાણુ હથિયારોની હોડ ખતમ થઇ શકે. આ સંધિ અંતર્ગત બંને દેશો એ વાતે સહમત થયા હતાં કે બંને દેશો ૫૦૦થી ૫૫૦૦ કિલોમીટર રેન્જની પરમાણુ હથિયારોનું વહન કરી શકે તેવી ક્રૂઝ અને બેલાસ્ટિક મિસાઇલોનું ઉત્પાદન, તૈનાતી અને પરીક્ષણ નહીં કરે. પરંતુ અમેરિકાએ રશિયા પર નવી મિસાઇલ સિસ્ટમ વિકસાવવાનો આરોપ મૂકીને આ સંધિ રદ્ કરી દીધી.
આમ પણ અમેરિકાની જોહુકમીથી ત્રાસેલા રશિયાએ શસ્ત્રોનું ઉત્પાદન જંગી પાયે વધાર્યું છે. ગયા વર્ષે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને દુનિયાની ગમે તેવી રડાર સિસ્ટમ અને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને ચાતરી જાય તેવી હાયપરસોનિક મિસાઇલ વિકસિત કરી હોવાનો દાવો પણ કર્યો હતો. તેમણે રશિયાએ સબમરિનમાંથી લોન્ચ કરી શકાતા અંડરવોટર ડ્રોન વિકસાવ્યા હોવાનો દાવો પણ કર્યો હતો. પુતિને હુંકાર કર્યો હતો કે રશિયાના આ નવી પેઢીના હથિયારો સામે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ નકામી પુરવાર થશે.
બીજી બાજુ અમેરિકા સાથેની પરમાણુ સંધિ રદ્ થયા બાદ ઇરાન પણ નવેસરથી શસ્ત્રો બનાવવામાં મચી પડયું છે. આમ તો ઇરાન અગાઉથી જ પરમાણુ શસ્ત્રો વિકસાવી રહ્યું હોવાની શંકા હતી પરંતુ અમેરિકા અને યુરોપી દેશો સાથે કરાર બાદ ઇરાનના પરમાણુ કાર્યક્રમમાં ઓટ આવી હતી પરંતુ ટ્રમ્પને આશંકા હતી કે ઇરાન છૂપી રીતે પરમાણુ ક્ષમતા વધારી રહ્યું છે. પરિણામે ટ્રમ્પે સંધિ ફોક કરી દીધી અને છંછેડાયેલા ઇરાને ફરી પાછી પોતાની લશ્કરી તાકાત વધારવાની શરૂ કરી દીધી છે. અમેરિકા સાથેની શાંતિવાર્તા ખોરંભે ચડયા બાદ ઉત્તર કોરિયાએ ફરી વખત માથું ઉચક્યું છે અને એક પછી એક મિસાઇલ પરીક્ષણો કરવા મચી પડયું છે.
ઉત્તર કોરિયાના માથાફરેલા સરમુખત્યાર કિમ જોંગ ઉન પહેલા પણ અમેરિકા પર પરમાણુ હુમલો કરવાની ધમકી આપી ચૂક્યાં છે. જોકે ટ્રમ્પની પહેલ બાદ કિમનો મિજાજ થોડો વખત ઠંડો પડયો હતો ખરો પરંતુ અમેરિકા તરફથી પ્રતિબંધોમાં કોઇ છૂટ ન આપવામાં આવતા ઉત્તર કોરિયા ફરી પાછું રોષે ભરાયું છે. હાલ તો બંને દેશોના નેતાઓ વચ્ચે શાબ્દિક ટપાટપી ચાલી રહી છે અને આગામી સમયમાં ઉત્તર કોરિયાનો મિજાજ ફરી પાછો વકરે એવા અણસાર છે.
સીરિયામાં વર્ષોથી ઇસ્લામિક સ્ટેટ સામે ચાલી રહેલા સંઘર્ષનો તો અંત આવ્યો છે પરંતુ હજુ ગૃહયુદ્ધની પરિસ્થિતિ થાળે પડી નથી. ઉલટું, બીજા અનેક ખાડી દેશોમાં આંતરવિગ્રહ વધી રહ્યો છે. કાળુ સોનું લેખાતા પેટ્રોલિયમના ભંડારો હોવાના કારણે ખાડી દેશોમાં પશ્ચિમી દેશોને સ્વાભાવિક રીતે રસ છે અને પરિણામે આવા આંતરવિગ્રહોમાં અમેરિકા, યુરોપ અને રશિયા એક યા બીજી રીતે જોતરાતા રહે છે. હવે તો અમેરિકાની હોડમાં ઉતરેલું ચીન પણ એમાં દખલઅંદાજી કરતું રહે છે.
એક તરફ પશ્ચિમ એશિયામાં પરિસ્થિતિ બદતર બની રહી છે. ઇરાન અને સાઉદી અરેબિયા એકબીજા સામે ઘૂરકીયા કર્યા કરે છે. તો બીજી તરફ જગત જમાદાર અમેરિકા પોતાના લશ્કરી બજેટમાં જંગી વધારો કરે છે તો ચીન પણ અત્યાધુનિક શસ્ત્રો વિકસાવીને વધુ ને વધુ બળવાન બની રહ્યું છે.
કહેવાય છે કે વૉર ઇઝ ધ બિગેસ્ટ બિઝનેસ અને એ ધોરણે વાતો ભલે શાંતિની થાય પરંતુ ક્યાંક ને ક્યાંક વિગ્રહ ભડકેલો રહે, સંઘર્ષો થતા રહે એમાં જ હથિયારોના સોદાગર દેશોનું હિત સમાયેલું છે.