Get The App

દેશમાં પૂર નિયંત્રણની નીતિ છે, અમલનો અભાવ છે

- 1953થી 2017 દરમિયાન દેશમાં વરસાદ અને પૂરથી 1,07,487 લોકોના મૃત્યુ થયા છે

- નેશનલ ફ્લડ કમિશને દેશની નદીઓમાં પૂર ન આવે એટલા માટે 207 ભલામણો કરી હતી, જેમાંથી એક પણનો અમલ થયો નથી!

Updated: Aug 11th, 2019

GS TEAM

Google News
Google News
દેશમાં પૂર નિયંત્રણની નીતિ છે, અમલનો અભાવ છે 1 - image

'આવનારા વર્ષોમાં આપણે એટલા બધા ભાગ્યશાળી નહીં હોઈએ કે પૂરની સ્થિતિથી બચી શકીએ. એટલે આપણે પૂર સાથે જીવતા શીખવું પડશે.' આવુ આજે કોઈ કહે તો નવાઈ ન લાગે. પણ આ વિધાન ૨૭ જુલાઈ, ૧૯૫૬ના દિવસે એ વખના કેન્દ્રિય સિંચાઈ મંત્રી ગુલજારીલાલ નંદાએ લોકસભામાં કહ્યું હતું. ત્યારથી લઈને આજ સુધીના સાત દાયકામાં આપણા શાસકો આ વાતની ગંભીરતા સમજી શક્યા નથી. પૂર કુદરતી આફત છે અને તેના પર માનવી કાબુ ન મેળવી શકે. પરંતુ બધી જગ્યાએ એ વાત સાચી નથી પડતી. 


છેલ્લા દાયકામાં કેટલાય એવા પૂર આવ્યા છે, જેમાં આડકતરી રીતે માનવિય પ્રવૃત્તિ જ કારણભૂત છે. વરસાદ ભગવાન આપે, અને એ વરસાદનું પાણી ભરાવો થયા વગર સમુદ્ર સુધી પહોંચી શકે એવા ઢાળ-ઢોળાવ, ધરતીમાં તીરાડો પણ કુદરતે કરી છે. આપણે એ ઢાળ-ઢોળાવ આડે બંધ બાંધી દીધા છે અને પાણીને શોષી શકતી ધરતીને કચરાપટ્ટીથી જામ કરી દીધી છે. ઠેર ઠેર પૂર આવી રહ્યાં છે, તેનું મુખ્ય કારણ એ જ તો છે!

આઝાદી પછી વિવિધ સમિતિ-આયોગ રચાયા એમ એક નેશનલ ફ્લડ કમિશન (રાષ્ટ્રીય પૂર આયોગ)ની પણ રચના થઈ હતી. આ આયોગનું કામ દેશમાં આવનારા પૂરનું કેમ મેનેજમેન્ટ કરવું એ અંગેના સૂચનો આપવાનું હતું. ડિસેમ્બર ૧૯૫૪માં કાર્યરત થયેલા આયોગે ત્યારથી અને ભવિષ્યના ભારતની બન્ને સ્થિતિ ધ્યાનમાં રાખીને કુલ ૨૦૭ ભલામણ કરી હતી. આજના ન્યુ ઈન્ડિયામાં એ ૨૦૭માંથી એક પણ ભલામણનો અમલ થતો નથી. વાંક માત્ર આજની સરકારનો નથી, આજ સુધીની બધી સરકારો સરખી દોષિત છે. કેમ કે ૨૦૭માંથી ૨ ભલામણનો અમલ કરવાનો પણ પ્રયાસ થયો નથી. પરિણામ એ આવ્યું કે ૧૯૫૩થી ૨૦૧૭ સુધીમાં ૧,૦૭,૪૮૭ લોકોના મોત પૂર અને વરસાદથી થયા છે. આતંકવાદથી કે નક્સલવાદથી આટલા મોત નહીં થયા હોય કદાચ! 

૨૦૭ ભલામણ થઈ, એમાંથી બધી ભલામણ કદાચ માની શકાય એવી ન પણ હોય. એટલે એ ભલામણો પર ચર્ચા-વિચારણા થઈ અને ૯૫ ભલામણ એવી જણાઈ એ અમલમાં મુકી શકાય એમ હતી. જેમ કે જ્યાં કે જ્યાં વધુ વરસાદ પડે ત્યાંનો વૈજ્ઞાાનિક ધોરણે અભ્યાસ કરવામાં આવે. વરસાદ-પૂર-ચોમાસા સબંધિત તમામ આફતનો રેકોર્ડ રાખવામાં આવે. બાંધકામના પ્લાન પાસ કરતી વખતે વરસાદી પાણીનો નીકાલ થાય તેની તકેદારી રાખવામાં આવે. જળના માર્ગ પર સ્થળ ઉભું કરી બાંધકામ કરવામા ન આવે. ચોમાસાના પાણીનો પૂર ન આવે એ રીતે સંગ્રહ થાય.. વગેરે ભલામણો એવી હતી જેનો સરળતાથી અમલ થઈ શકે એમ હતો. 

વાર્યા ન વરે એ હાર્યા વરે એ કહેવત મુજબ કેટલાક સ્થળોએ આ ભલામણોનો અમલ શરૂ થયો છે, કેમ કે એ વગર છૂટકો નથી. પરંતુ જો સ્વેચ્છાએ જ ભાલામણો લાગુ કરી દીધી હોત તો આજે જે સ્થિતિ છે, એમાં રાહત ચોક્કસ મળી શકી હોત. ચોમાસુ અનિયમિત અને આક્રમક થયું છે, એ વાત પણ એટલી જ સાચી છે. જેમ કે કર્ણાટકના મૈસુરુમાં ૮મી ઑગસ્ટે ૬૨.૨ મીલીમીટર વરસાદ પડયો. ચોમાસાના દિવસોમાં પડતાં સરેરાશ વરસાદ કરતાં એ વરસાદ ૩૨ ગણો વધારે હતો. એ રીતે ધારવાડમાં ૮મી તારીખે ૮૫.૯ મીલીમીટર વરસાદ પડયો, જે સામાન્ય કરતાં ૨૨ ગણો વધારે હતો. 

દરેક ઋતુ આત્યંતિક સ્વરૂપ ધારણ કરતી જાય છે. અતીશય ગરમી, અતીશય ઠંડી, અતીશય વરસાદ. તેનો સીધો સબંધ વધતા તાપમાન સાથે છે. જગતનું તાપમાન દોઢથી બે ડીગ્રી વધશે એટલે દેશના ૭૮ શહેરો પર ડૂબવાનું જોખમ ઉભું થશે. કેમ કે તાપમાન વધશે એટલે બરફ પિગળશે અને બરફ પિગળશે એટલે સમુદ્ર સપાટી વધશે. વધતી સમુદ્ર સપાટી આખી દુનિયાના કાંઠા વિસ્તારોને અસર કરશે. ભારતમાં હાલ કાંઠે આવેલા ૭૮ મોટા શહેરો છે, જે ૨૦૫૦ પછી રહેવા માટે જોખમી બનશે. પાણીની સપાટી વધતી જશે એમ શહેરી વિસ્તાર ડૂબતો જશે. આ ૭૮ શહેરોમાં મુંબઈ, કોલકાતા, ચેન્નઈ જેવા કાંઠાળા શહેર ઉપરાંત અમદાવાદ, સુરત જેવા કાંઠાથી થોડા દૂર આવેલા શહેરોનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ વધતુ તાપમાન ચોમાસાને વધારે આક્રમક બનાવશે. 

પરંતુ સૌથી મોટી વાત એ છે ભારતમાં શહેરીકરણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર આયોજન વખતે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાનું સરકારને સૂજતું નથી. તેના કારણે એક સમયે જે મુંબઈનું પાણી સડસડાટ સમુદ્રમાં વહી જતું હતું એ શહેરમાં હવે જળબંબાકારની સ્થિતિ જોવા મળે છે. કારણ એટલું જ કે જ્યાંથી જળ વહી શકતું હતું ત્યાં સુપર મોલ કે પછી સુપર એપાર્ટમેન્ટ બની ગયા છે, બની રહ્યાં છે. ભરાતા પાણીને કારણે ભારતે નીચાજોણુ થાય એવી સ્થિતિ પણ સર્જાઈ છે. ૨૦૧૬ના ચોમાસા વખતે અમેરિકી વિદેશ મંત્રી જોન કેરી ભારતમાં હતા.

દિલ્હીમાં તેઓ આઈઆઈટીના વિદ્યાર્થીઓને સંબોધવા જઈ રહ્યા હતા. વરસાદને કારણે પાણી ભરાયું હતુ, ટ્રાફિક જામ થયો હતો. માટે કેરી નિર્ધારિત સમય કરતાં એક કલાક મોડા પડયાં. જોન કેરીએ પોતાનુ સંબોધન શરૂ કરતા પહેલુ જ વાક્યુ કહ્યું હતું કે હું મોડો પડવા બદલ માફી માંગુ છુ. પરંતુ તમે સૌ અહીં હાજર છો, તો મને સવાલ થાય છે કે શું તમે બધા હોડી લઈને આવ્યા છો? કે પછી વરસાદમાં તરીને આવ્યા છો? એમ કહીને કેરીએ ભારત સરકાર કે દિલ્હી સરકાર વરસાદના પાણીનો નીકાલ કરી નથી શકતી એ બાબત તરફ આંગળી ચીંધી બતાવી હતી. આડકતરી રીતે જોન કેરીએ એવુ પણ કહી દીધું કે જે દેશનું પાટનગર વરસાદમાં બંધ પડી જતું હોય એ દેશ કઈ રીતે સુપરપાવર બનશે? એ પછી પણ કોઈ સરકારે સુધરીને ફ્લડ મેનેજમેન્ટ પર પુરતું ધ્યાન આપ્યું નથી.

આજે સ્થિતિ એવી છે કે કોઈ સ્થળે પાંચ ઈંચથી વધારે વરસાદ પડે ત્યાં દરેક ઘરના આંગણે હોડી ચાલી શકે એટલું પાણી ભરાવા લાગે છે. જે વિસ્તારમાં છાંટા પડતા ન હતા, ત્યાં રસ્તા પર પાણી વહી રહ્યા છે. લોકસભામાં સરકારે રજૂ કરેલા આંકડા પ્રમાણે ૧૯૮૦માં દેશમાં ૨૧ જિલ્લાની કુલ ૪ કરોડ હેક્ટર જમીન એવી હતી જેને પૂરગ્રસ્ત કહેવામાં આવતી હતી. ટૂંકમાં ચોમાસા વખતે સરકારે પૂર્વતૈયારી માટે દેશના ૨૧ જિલ્લામાં જ ધ્યાન આપવાનું થતું હતુ. ૨૦૧૯ના આંકડા મુજબ પૂર-પ્રભાવિત જિલ્લાની સંખ્યા વધીને ૩૯ થઈ છે અને આ જિલ્લાઓની ૫ કરોડ હેક્ટર જમીન વરસાદ વખતે જળમગ્ન રહે છે. 

સરકારનું આયોજન એટલું બધુ ગરબડિયું છે કે ઉનાળામાં પાણી પહોંચાડી શકતા નથી, ચોમાસામાં એ જ વિસ્તારમાં પાણી ભરાય તો તેને ઉલેચી શકતા નથી. બીજી તરફ કાગળ પર યોજના જાહેર થયા કરે છે, તેના માટે મોટી રકમની ફાળવણી પણ થાય છે. ત્રીસેક વર્ષ પહેલા પૂર નિયંત્રણનું બજેટ ૧૭૦૦ કરોડ રૂપિયા જેવું હતુ, જે વધીને ૨૦૧૯માં ૧૩ હજાર કરોડથી વધી ગયું છે. નાણાની ફાળવણીથી પૂર રોકી શકાતું નથી. પરંતુ શહેરીકરણ, બાંધકામ, રોડ-રસ્તા-રેલવે વગેરેની યોજના મંજૂર કરતી વખતે, જમીન સાથે છેડછાડ કરતી વખતે જો વિચાર કરવામાં આવે કે સમય જતાં ત્યાં ભરાનારા પાણીનું શું થશે? તો પૂર નિયંત્રણ પાછળ અઢળક ખર્ચ ન કરવો પડે. 

આઝાદી પછી પૂર અને પૂરથી મૃત્યુ

અહીં આઝાદી પછી પૂરની કેટલી ઘટના બની એ તથા તેનાથી કેટલા મોત થયા એ વિગત આપી છે. એ જોતા જણાય છે કે દર ચોમાસે પૂર આવવાની સંખ્યા વધતી જાય છે. પૂર વધે એટલે મોત વધે એ પણ સ્વાભાવિક છે.

સમયગાળો

પૂરની ઘટના

પૂરથી મોત

૧૯૪૮-૫૭

૫૬૨

૧૯૫૮-૬૭

૨૧

૪૮૭૨

૧૯૬૮-૭૭

૧૪

૯૯૭૨

૧૯૭૮-૮૭

૩૫

૧૩૫૦૫

૧૯૮૮-૯૭

૪૪

૧૪૨૫૫

૧૯૯૮-૦૭

૮૮

૧૩૨૬૧

૨૦૦૮-૧૭

૭૨

૧૩૯૧૬