કોઇ મોટા નેતા એક કરતા વધારે બેઠક પરથી ચૂંટણી લડે તો એ પાછળ ડર નહીં પરંતુ એ વિસ્તારોમાં પાર્ટીના કાર્યકરોમાં જોશ પૂરવાનો હોય છે અને એટલા માટે જ ૨૦૧૪માં નરેન્દ્ર મોદી પણ વડોદરા અને વારાણસી એમ બે બેઠકો પરથી લોકસભાની ચૂંટણી લડયાં હતાં
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉમેદવારીને લઇને છેલ્લા થોડા દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. કોંગ્રેસે અધિકૃત જાહેરાત કરી છે કે રાહુલ ગાંધી બે બેઠકો પરથી લોકસભાની ચૂંટણી લડશે. જેમાંની એક બેઠક તો સ્વાભાવિક રીતે જ તેમની પરંપરાગત અમેઠી બેઠક છે. જ્યારે બીજી બેઠક કેરળ ખાતેની કોંગ્રેસનો ગઢ લેખાતી વાયનાડ બેઠક છે. કોંગ્રેસને અપેક્ષા છે કે રાહુલ ગાંધી બંને બેઠકો પર વિજયી નીવડશે.
કેરળની વાયનાડ બેઠક પર કોંગ્રેસનો ભારે દબદબો રહ્યો છે. કોંગ્રેસ નેતા એમ.આઇ. શનવાસ છેલ્લી બે લોકસભાની ચૂંટણી અહીંયાથી જીતી ચૂક્યાં છે. ખાસ બાબત એ કે વાયનાડમાં ભાજપ સ્પર્ધામાં જ નથી. વર્ષ ૨૦૦૮માં નવેસરથી સીમાંકન કર્યા બાદ વાયનાડ બેઠક અસ્તિત્ત્વમાં આવી છે.
આ બેઠક કન્નૂર, મલાપ્પુરમ અને વાયનાડ સંસદીય ક્ષેત્રોના મેળાપથી બની છે. આમ તો રાહુલ ગાંધીનો વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડવાનો નિર્ણય અપેક્ષિત જ હતો. કારણ કે છેલ્લા થોડા સમયથી કોંગ્રેસમાં જ એ માંગ ઊઠી રહી હતી કે રાહુલ ગાંધી વાયનાડથી પણ ચૂંટણી લડે.
વાયનાડ બેઠકનો પાછલી ચૂંટણીનો ઇતિહાસ જોઇએ તો કોંગ્રેસને અહીંયા ૪૧.૨૧ ટકા મત મળ્યા હતાં. તો સીપીઆઇને ૩૯ ટકા અને ભાજપને ૯ ટકા મત મળ્યાં હતાં. એ રીતે જોતાં વાયનાડ બેઠક અસ્તિત્ત્વમાં આવી ત્યારથી બંને વખત અહીંયા કોંગ્રેસે બાજી મારી છે.
મતોની ટકાવારીને જોતાં પણ અહીંયા કોંગ્રેસને ભાજપથી કોઇ ખતરો નથી. જોકે સીપીઆઇ કોંગ્રેસને ટક્કર આપી શકે છે. ડાબેરી પાર્ટીએ રાહુલ ગાંધીને વાયનાડથી હરાવવાનો હુંકાર પણ કરી દીધો છે. જોકે છેલ્લા થોડા સમયથી કેરળની ડાબેરી સરકારથી લોકોનો મોહભંગ થઇ રહ્યો હોવાનું પણ જણાય છે.
જોકે રાહુલ ગાંધીની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત થતાં જ લેફ્ટ અને રાઇટ એમ બંને જગ્યાએથી હુમલા શરૂ થઇ ગયા. સીપીએમના નેતા પ્રકાશ કરાતે કહ્યું કે રાહુલ ગાંધીને વાયનાડથી ચૂંટણી લડાવવાનો કોંગ્રેસનો નિર્ણય દર્શાવે છે કે તે કેરળમાં લેફ્ટ સામે લડવા માંગે છે. તો અમે પણ રાહુલ ગાંધીને હરાવવા માટે પ્રયાસ કરીશું.
કેરળના મુખ્યમંત્રી પી. વિજયને કહ્યું કે રાહુલ ગાંધીએ ભાજપ સાથે ટક્કર હોય એવી બેઠક પરથી ચૂંટણી લડવાની જરૂર હતી. તો ભાજપ અધ્યક્ષ અમિત શાહે કટાક્ષ કર્યો છે કે રાહુલ ગાંધીને અમેઠી બેઠક પરથી હારનો ડર હતો એટલા માટે તેમણે કેરળની દિશા પકડી છે. અમિત શાહે કહ્યું કે વાયનાડમાં રાહુલ ગાંધી ધૂ્રવીકરણની રાજનીતિ કરીને જીતવા માંગે છે.
રાજકીય નિવેદનબાજીને કોરાણે મૂકીએ તો પણ સવાલ થાય કે શા માટે રાહુલ ગાંધી તેમની પરંપરાગત બેઠક અમેઠી ઉપરાંત કેરળના વાયનાડથી ચૂંટણી શા માટે લડી રહ્યાં છે? કોંગ્રેસના સૂત્રોનો દાવો છે કે આ બેઠકને લઇને કેરળ કોંગ્રેસના આંતરિક કલહને ટાળવા માટે રાહુલ ગાંધીએ આવો નિર્ણય લીધો છે.
હકીકતમાં ૨૦૧૮માં શનવાસના નિધન બાદ આ બેઠક માટે હુંસાતુંસી ચાલી રહી હતી. કેરળ કોંગ્રેસના બે કદાવર નેતા રમેશ ચેન્નીથ્લા અને ઓમાન ચાંડી વચ્ચે આ બેઠક ઉપર દાવેદારી નોંધાવી રહ્યાં હતાં. એવામાં કોંગ્રેસ નક્કી નહોતી કરી શકતી કે આ બેઠક પર કોને ઊભા રાખવા.
હવે રાહુલ ગાંધીને અહીંયાથી મેદાનમાં ઉતારીને કોંગ્રેસે આંતરિક કલહ ખતમ કરી દીધો છે. અમેઠીની વાત કરીએ તો ઉત્તરપ્રદેશમાં ગઠબંધનથી કોંગ્રેસને દૂર રાખનાર સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ અહીંયા કોઇ ઉમેદવાર ઉતાર્યો નથી. મતલબ કે સપા-બસપાએ આ બેઠક રાહુલ ગાંધી માટે છોડી છે. હવે એવા દાવા થઇ રહ્યાં છે કે રાહુલ ગાંધીએ આ બેઠક સપા-બસપા માટે છોડી દેવાની જરૂર હતી.
ઉત્તરપ્રદેશની રાજનીતિમાં હિન્દુત્ત્વનું ઘણું મહત્ત્વ છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ આ વાત સમજી ચૂક્યાં છે અને એટલા માટે જ તેમણે સોફ્ટ હિન્દુત્ત્વની રાહ પકડી છે. જોકે મુસ્લિમ બહુમતિવાળી વાયનાડ બેઠક પરથી રાહુલ ગાંધીનો ચૂંટણી લડવાનો નિર્ણય તેમની સોફ્ટ હિન્દુત્ત્વની નીતિ સામે પડકાર ઊભો કરી શકે છે એવું કેટલાંક જાણકારોનું કહેવું છે.
ઘણાં જાણકારો તો એવું પણ કહી રહ્યાં છે કે રાહુલ ગાંધી આ વખતની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે સીધો પડકાર ઊભો કરી રહ્યાં છે ત્યારે તેમણે આ રીતે સુરક્ષિત બેઠક શોધવાની જરૂર નહોતી. ભાજપને અને વડાપ્રધાન મોદીને ટક્કર આપવા માટે તેમણે કોઇ પડકારજનક બેઠક પસંદ કરવાની જરૂર હતી.
એવી દલીલ પણ થઇ રહી છે કે કોંગ્રેસનો આ નિર્ણય ભાજપવિરોધી દળોનું મનોબળ તોડી શકે છે. જોકે રાહુલ ગાંધીને કેરળમાંથી મેદાનમાં ઉતારવા પાછળ કોંગ્રેસની ગણતરી દક્ષિણનો ગઢ મજબૂત કરવાની છે.
બીજી બાજુ ભાજપ દાવો કરી રહ્યું છે કે અમેઠીમાં રાહુલ ગાંધીને સ્મૃતિ ઇરાનીથી હારનો ડર સતાવી રહ્યો છે એટલા માટે તેમણે વાયનાડ બેઠક પસંદ કરી છે. અમેઠીમાં સ્મૃતિ ઇરાની છેલ્લા પાંચ વર્ષથી ખાસા સક્રિય છે. ૨૦૧૪માં રાહુલ ગાંધી સામે હાર્યા બાદ સ્મૃતિ ઇરાની મેદાન છોડવાના બદલે અહીંયા જામીને રાહુલ ગાંધીની ખામીઓને લઇને તેમના પર સતત હુમલા કરતા રહ્યાં છે.
જોકે ભૂતકાળ જોઇએ તો ૨૦૧૪માં રાહુલ ગાંધીએ સ્મૃતિ ઇરાનીને એક લાખથી વધારે મતોથી હરાવ્યાં હતાં તો ૨૦૦૯માં રાહુલે બસપાના ઉમેદવારને પોણા ચાર લાખ મતોથી પરાજિત કર્યો હતો. ૧૯૯૮ અને ૧૯૭૭ને બાદ કરતા અમેઠીમાંથી કોંગ્રેસ સિવાય બીજી કોઇ પાર્ટી જીતી નથી. એવામાં રાહુલ ગાંધી અમેઠીમાંથી ડરના માર્યા ભાગી રહ્યાં છે એ વાત માત્ર ચૂંટણીલક્ષી નિવદનબાજીથી વિશેષ નથી જણાતી.
ભલે વાયનાડ બેઠક પર કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું હોય પરંતુ પાછલી બે ચૂંટણીઓ જોવામાં આવે તો કોંગ્રેસને મળતી મતોની ટકાવારીમાં ખાસો ઘટાડો નોંધાયો છે. ૨૦૦૯માં શનવાસ અહીંયાથી દોઢ લાખથી વધારે મતોથી જીત્યાં હતા તો ૨૦૧૪માં આ આંકડો ૨૧ હજારે પહોંચી ગયો હતો. બીજી બાજુ વાયનાડ બેઠક પર ભાજપે સારી એવી પ્રગતિ સાધી છે.
૨૦૦૯માં ભાજપ અહીંયા ચોથા ક્રમે રહ્યો હતો પરંતુ ૨૦૧૪માં કોંગ્રેસ અને લેફ્ટ બાદ ત્રીજા સ્થાને આવી ગયો હતો. એટલું જ નહીં, ૨૦૦૯ની સરખામણીમાં ૨૦૧૪માં ભાજપના મતોની ટકાવારીમાં પાંચ ટકાનો વધારો પણ નોંધાયો હતો. એટલા માટે એવા કયાસ પણ છે કે ભાજપ વાયનાડ બેઠક પર રાહુલ ગાંધીને ટક્કર આપવા માટે કોઇ મજબૂત ઉમેદવારને ઊભો રાખી શકે છે.
વાયનાડમાંથી રાહુલ ગાંધીને ઉતારવા પાછળ કોંગ્રેસની રણનીતિ દક્ષિણમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત કરવાની છે. કોંગ્રેસ નેતા એ.કે. એન્ટની કહી પણ ચૂક્યાં છે કે રાહુલ ગાંધીને વાયનાડમાંથી ઊભા રાખવા પાછળની ગણતરી એ છે કે દક્ષિણ ભારતના ચાર રાજ્યો, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત થઇ શકે.
હકીકતમાં હિન્દી બેલ્ટના અને ખાસ તો ભાજપના વર્ચસ્વવાળા ત્રણ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપને હરાવ્યા બાદ કોંગ્રેસમાં આત્મવિશ્વાસનો સંચાર થયો છે અને તેને લાગે છે કે જો તે ઉત્તર ભારતની જેમ જ દક્ષિણ ભારતમાં પણ પોતાની પક્કડ મજબૂત બનાવે તો તેના માટે દિલ્હીની ગાદીનો માર્ગ આસાન થઇ જાય એમ છે.
પાર્ટીના અધ્યક્ષ દક્ષિણમાંથી ચૂંટણી લડી રહ્યાં હોય ત્યારે એનો રાજકીય સંદેશ પણ લોકોમાં જાય છે. કેરળની વાયનાડ બેઠક પર ૫૬ ટકા મુસ્લિમ વસતી છે, તો ખ્રિસ્તીઓની વસતી પણ ખાસી છે અને ૩૫ ટકાથી વધારે એસસી/એસટી છે. મતલબ કે કોંગ્રેસ જે લોકોને અધિકાર અપાવવાની વાત કરે છે એ તમામ જાતિઓ અહીંયા મોજૂદ છે.
કોઇ મોટા નેતા એક કરતા વધારે બેઠક પરથી ચૂંટણી લડે તો એ પાછળ ડર નહીં પરંતુ એ વિસ્તારોમાં પાર્ટીમાં જોશ પૂરવાનો હોય છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી પણ વડોદરા અને વારાણસી એમ બે બેઠકો પરથી લોકસભાની ચૂંટણી લડયાં હતાં. એમાં વડોદરા તો ગૃહરાજ્ય હોવાના કારણે મજૂબૂત ગઢ તો હતો જ પરંતુ વારાણસીમાંથી ચૂંટણી લડવા પાછળનો ઉદ્દેશ પૂર્વાંચલને સાધવાનો હતો.
તો ડાબેરીઓનો રાહુલ ગાંધી સામેનો રોષ પણ સમજી શકાય એવો છે. વાયનાડ બેઠક ભાજપે કેરળમાંની તેની સહયોગી પાર્ટી ભારતીય ધર્મ જન સેનાને ફાળવી છે. શનવાસના નિધન બાદ સીપીઆઇને આશા હતી કે તે આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને આસાનીથી હરાવી શકશે. પરંતુ હવે આ બેઠક પરથી રાહુલ ગાંધીએ ઝંપલાવતા લેફ્ટના વિજયની આશા ધૂંધળી બની ગઇ છે. એટલા માટે જ ભાજપના કટ્ટર વિરોધી એવા ડાબેરીઓ પણ રાહુલ ગાંધીના વાયનાડમાંથી ચૂંટણી લડવાના મુદ્દ ભાજપ સાથે સૂરમાં સૂર મિલાવી રહ્યાં છે.
હવે જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીએ દક્ષિણ તરફ નજર જમાવી છે ત્યારે દક્ષિણમાં તેમનો પગ જમાવવામાં સફળતા મળશે કે પછી ઉત્તર ભારતનો અમેઠી નામનો પરંપરાગત ગઢ ગુમાવવાનો વારો આવશે એ જાણવું રસપ્રદ રહેશે.


