દેશની બેકિંગ સિસ્ટમની વિશ્વસનિયતા સામે ગંભીર સવાલ
- યસ બેંકના સ્થાપક રાણા કપૂરની લાંબી પૂછપરછ બાદ ઇડીએ ધરપકડ કરી
દેશની બેંકોના એટલા બધાં ગોટાળા સામે આવી ચૂક્યાં છે કે લોકોનો બેંકિંગ સિસ્ટમમાંથી ભરોસો જ ઉઠવા લાગ્યો છે અને બેકિંગ સેક્ટરના ગોટાળા દેશની અર્થવ્યવસ્થા સાથે થતી છેતરપિંડી જ છે અને આવા મામલાઓને અક્ષમ્ય અપરાધની કક્ષામાં મૂકવા જોઇએ
યસ બેંકમાં ઊભા થયેલા સંકટ બાદ ભારતીય બેંકિંગ વ્યવસ્થા સામે ગંભીર સવાલ ખડાં થયાં છે. નાણા મંત્રાલય અને રિઝર્વ બેંક ભલે ધરપત આપી રહ્યાં હોય કે યસ બેંકના ગ્રાહકોના પૈસા સલામત છે પરંતુ મહારાષ્ટ્રની પીએમસી બેંકના ગોટાળા બાદ હવે યસ બેંકનો ગોટાળો બહાર આવતા ભારતીય બેંકિંગ સિસ્ટમની શાખ જોખમમાં મૂકાઇ ગઇ છે. રિઝર્વ બેંકના નિર્દેશ બાદ યસ બેંકના ખાતેદારો મહિનામાં પચાસ હજારથી વધારેની રકમ નહીં ઉપાડી શકે. રિઝર્વ બેંકના નિર્દેશ બાદ યસ બેંકની શાખાઓ અને એટીએમ પર લાઇનો લાગી ગઇ.
બીજી બાજુ યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરની ૧૫ કલાક લાંબી પૂછપરછ બાદ એન્ફોર્સેમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ધરપકડ કરી છે. રાણા કપૂરની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. યસ બેંકના ગોટાળાની તપાસ કરવા ઇડી કોર્ટ પાસે રાણા કપૂરની કસ્ટડી માંગશે. રાણા કપૂર પર વિવાદોમાં ઘેરાયેલી કંપની ડીએચએફએલને ખોટી રીતે ત્રણ હજાર કરોડથી વધારેની લોન આપવાનો આરોપ છે. યસ બેંક દ્વારા આપવામાં આવેલી આ લોન કંપની ભરપાઇ નથી કરી રહી અને એની મોટી રકમ એનપીએ બની ગઇ છે.
થોડા મહિના પહેલા મહારાષ્ટ્રની પીએમસી બેંકમાં પણ ગોટાળો સામે આવી ચૂક્યો છે. એ સમયે પણ ખાતેદારોને થયેલી પરેશાની દેશભરમાં ચર્ચાનો વિષય બની હતી. પીએમસી સહકારી બેંક હતી અને એના સંકટ સમયે મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલી કેટલીક મોટી લોનો જવાબદાર હોવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ યસ બેંક સહકારી બેંક નથી અને એ સંકટમાં મૂકાવા પાછળના વાસ્તવિક કારણો તો તપાસના અંતે બહાર આવશે. જોકે યસ બેંકના મેનેજમેન્ટને લગતા વિવાદ છેલ્લા ઘણાં સમયથી ચાલી રહ્યાં હતાં. આ વિવાદો વચ્ચે યસ બેંકની આર્થિક સ્થિતિ અંગે પણ સવાલો ઊઠી રહ્યાં હતાં પરંતુ બેંક તરફથી એ વિશે કોઇ સ્પષ્ટતા કરવામાં ન આવી.
હાલના વર્ષોમાં તંત્રની નિષ્ફળતા સામે ઝઝૂમી રહેલા બેંકિંગ સેક્ટરની ખસ્તા હાલત બની ચૂકી છે. અબજો રૂપિયાની લોનો લઇને માલ્યા, નીરવ મોદી અને મેહૂલ ચોક્સી જેવા લોકો દેશમાંથી નાસી ગયાં. વધીઘટી ખોટ બેંકોના મેનેજમેન્ટમાં રહેલી ખામીએ પૂરી કરી. યસ બેંકની શરૂઆત ૧૫ વર્ષ પહેલા થઇ હતી. જોતજોતામાં જ આ બેંક રોકાણકારોની પહેલી પસંદ બની ગઇ હતી અને તેના શેર આભને આંબવા લાગ્યાં હતાં. પરંતુ રિઝર્વ બેંક દ્વારા બેંકના ફસાયેલાં નાણાં એકલે કે એનપીએના ખુલાસા થયા બાદ યસ બેંકની મુશ્કેલી વધવા લાગી અને છેલ્લા બે વર્ષમાં તેના મેનેજમેન્ટમાં ચાલી રહેલા ગોટાળાની પોલ પણ ખૂલી ગઇ. રિઝર્વ બેંકની ચાંપતી નજર આ બેંક પર હતી અને છેવટે તેણે એક્શન લેવી પડી.
દરેકના મનમાં હવે એવો સવાલ થતો હશે કે બે પાંચ લાખની લોન આપવામાં પણ બેંકો કેટલી માથાકૂટ કરાવે છે તો અબજો રૂપિયાનો આટલો મોટો ગોટાળો કેવી રીતે થઇ ગયો? ખાનગી બેંકો તો જવાબદારીના મોરચે નબળી પડતી આવી છે પરંતુ સરકારી બેંકો પણ જવાબદારીના મામલે ભરોસાપાત્ર નથી. છેલ્લા થોડા વર્ષોમાં થયેલા બેંકોના ગોટાળા દર્શાવે છે કે સરકારી બેંક હોય કે ખાનગી બેંકો, કે પછી સહકારી બેંકો હોય. તમામ બેંકો કેટલી હદે માળખાગત ખામીઓની શિકાર છે. બેંકોમાં દેખરેખ અને સુરક્ષા પ્રણાલિનું પાલન પણ યોગ્ય રીતે થતું નથી. આ તમામ ખામીઓ વ્યાપક સ્તરે વ્યાપી રહી છે.
રિઝર્વ બેંક વારંવાર ચેતવણી આપી ચૂકી છે કે મોટી રકમની છેતરપિંડી ગંભીર ચિંતાનો વિષય છે. જડબેસલાક સિસ્ટમ અને પારદર્શિતા હોવાનો દાવો કરતી આપણી સરકારની આંખ નીચે મોટા મોટા કૌભાંડો થઇ જાય છે. સુરક્ષાની તમામ વ્યવસ્થા છતાં બેંકિંગ સિસ્ટમમાં રહેલા ચોર રસ્તાઓનો ઉપયોગ કરીને કહેવાતા શ્રીમંત ઉદ્યોગપતિઓ છેતરપિંડી કરીને સલામત નીકળી પણ જાય છે. શેરબજારમાં પણ ઓળખ છુપાવીને ટ્રેડિંગ કરવાની પ્રથા બંધ કરવાની માંગ ઘણા સમયથી ઊઠી રહી છે તેમ છતાં સરકાર એ દિશામાં કોઇ પગલાં લેતી નથી. પારદર્શકતાની વાતો માત્ર ચૂંટણી ભાષણોમાં જોવા મળે છે.
બેંકોની નોન પરફોર્મિંગ એસેટ્સ એટલે કે એનપીએ વધી રહી છે. જેનો મતલબ સાફ છે કે મોટા મોટા કોર્પોરેટ હાઉસ બેંકો પાસેથી લોન લઇ રહ્યાં છે પરંતુ પરત નથી કરી રહ્યાં.
વર્તમાન મોદી સરકારનો ક્રમ બની ગયો છે કે કોઇ પણ નિષ્ફળતા માટે અગાઉની યૂપીએ સરકારને જવાબદાર ઠેરવી દેવી. એનપીએ મામલે પણ કેન્દ્ર સરકારનું વલણ એવું જ છે પરંતુ આંકડા દર્શાવે છે કે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન એનપીએના આંકડામાં જંગી વધારો થયો છે. એનપીએની સમસ્યા વર્ષોજૂની છે પરંતુ હવે એ વધીને એટલી વિકરાળ બની ગઇ છે કે બેકિંગ સિસ્ટમ જ નિષ્ફળ જવાની શક્યતા છે.
પરંપરાગત રીતે જોતાં ભારતીય બેંકિંગ સિસ્ટમ જમા પુંજી પર આધારિત કહી છે. દેશમાં લાંબા સમય સુધી નાની બચતની યોજનાઓ દ્વારા પૈસા આવતા રહ્યાં અને બેંકો લોન આપતી રહી. જ્યાં સુધી બેંકોની જમા પુંજી સારી રહી ત્યાં સુધી થોડા ઘણી ફસાયેલી લોનોની સ્થિતિમાં વાંધો ન આવ્યો. પરંતુ બેંકો સમક્ષ સસ્તા વ્યાજદરે લોન આપવાનો પડકાર પણ હતો જેના કારણે નાની બચત યોજનાઓ પરનું વ્યાજ ઓછું કરવામાં આવ્યું. આનું પરિણામ એ આવ્યું કે સારા વ્યાજની આશાએ નાની બચતમાં રોકાણ કરતા રોકાણકારોએ પોતાનું મોઢું ફેરવી લીધું.
આંકડા દર્શાવે છે કે છેલ્લા એક દાયકામાં બેંકોમાં એફડી કરાવવાનું પ્રમાણ ઘટયું છે. પરંતુ બેંકો પર સસ્તી લોન આપીને અર્થવ્યવસ્થાને ઉગારવાનું દબાણ પણ છે. એવામાં જમા પુંજી ઘટી રહી હોવા છતાં બેંકો લોન આપી રહી છ જે જોખમભરી પરિસ્થિતિ છે. જોખમ એ વાતે કે જો કોઇ લોન ફસાઇ જાય તો તેની પાસે પોતાના ખાતેદારોને પરત કરવા માટે જ નાણાં નહીં હોય. પીએમસી બેંકમાં આવું જ થયું હતું. જોકે યસ બેંકની સરખામણીમાં પીએમસી બેંક ઘણી નાની ગણી શકાય. યસ બેંક જેવી સમસ્યા કોઇ રાષ્ટ્રીયકૃત બેંકમાં ઊભી થઇ હોત તો હાહાકાર સર્જાયો હોત.
યસ બેંક પર ૨૪ હજાર કરોડ ડોલરની દેવું છે. બેંક પાસે આશરે ૪૦ અબજ ડોલરની બેલેન્સશીટ છે. રિઝર્વ બેંકને ખ્યાલ આવી ગયો હતો કે યસ બેંક તેની ડૂબેલી લોન અને બેલેન્સશીટમાં ગોટાળો કરી રહી છે. એટલા માટે રિઝર્વ બેંકે બેંકના ચેરમેન રાણા કપૂરને તેમના પદ પરથી હટાવી દીઘાં અને સ્વનીત ગિલની બેંકના ચેરમેન તરીકે નિમણૂક કરી. દુનિયાભરની રેટિંગ એજન્સીઓના ધ્યાનમાં પણ યસ બેંકના ગોટાળા આવ્યાં અને તેનું નેગેટિવ માર્કિંગ કરી દેવામાં આવ્યું. યસ બેંકના મેનેજમેન્ટમાં પણ ઉથલપાથલ થતી રહી અને સંકટ ઘેરું બનતું ગયું.
વળી, યસ બેંકે કંપની સંચાલનના નિયમોનું પાલન કરવાના બદલે તેનું પણ ઉલ્લંઘન કર્યું. બેંકની પોલ ખૂલવા લાગતા રોકાણકારો દૂર થવા લાગ્યાં. રિઝર્વ બેંકે યસ બેંક મેનેજમેન્ટને એક ભરોસાપાત્ર રિવાઇવલ પ્લાન તૈયાર કરવાની તક પણ આપી પરંતુ બેંક એમ ન કરી શકી.
બીજી બેંકોએ પણ મદદ કરવાનો ઇન્કાર કરી દીધો. રિઝર્વ બેંક આ ખાનગી બેંકને ડૂબતી બચાવવા માંગે છે એટલા માટે જ એસબીઆઇ તેમજ અન્ય નાણાકીય સંસ્થાઓને યસ બેંકને ઉગારવાની જવાબદારી સોંપવામાં આવી છે. છેલ્લા ઘણાં વર્ષોમાં પહેલી વખત આવું બની રહ્યું છે કે દેશની જનતાના પૈસા દ્વારા કોઇ ખાનગી ક્ષેત્રની બેંકને ઉગારવાના પ્રયાસ થયા હોય.
અગાઉ ૨૦૦૪માં ગ્લોબલ ટ્રસ્ટ બેંકનું ઓરિએન્ટલ બેંક ઓફ કૉમર્સમાં વિલિનીકરણ કરવામાં આવ્યું હતું.
૨૦૦૬માં યૂનાઇટેડ વેસ્ટર્ન બેંકે આઇડીબીઆઇ બેંકનું અધિગ્રહણ કર્યું હતું. છએક મહિના પહેલા સહકારી બેંક પીએમસીનો મહાગોટાળો સામે આવ્યાં બાદ પણ આવા જ પગલાં લેવામાં આવ્યાં હતાં. સવાલ એ છે કે સરકાર અને રિઝર્વ બેંકની જવાબદારી ખાનગી ક્ષેત્રની બેંકોની આર્થિક સ્થિતિ સુધારવાની છે કે નહીં? ગ્રાહકો અને રોકાણકારોના પૈસા ન ડૂબે એ માટે સરકાર અને રિઝર્વ બેંકે આકરાં પગલાં લેવા જ પડશે. જો સમયસર પગલાં ન લેવાયા તો બેંકો લૂંટાતી જ રહેશે. બેંક કૌભાંડોનું પરિણામ સામાન્ય જનતા શા માટે ભોગવે? બેંકના ખાતેદારો પોતાની પુંજી મેળવવા માટે વલખાં મારી રહ્યાં છે. જે લોકોનો વેપાર યસ બેંક દ્વારા થતો હશે એ લોકોની સ્થિતિ કેવી હશે એ તો કલ્પનાનો જ વિષય છે. અનેક કંપનીઓ કે ઉદ્યોગપતિઓ તેમના કર્મચારીઓના વેતનની ચૂકવણી પણ યસ બેંક મારફત કરતા હશે તો હોળી જેવા તહેવારે આવા લોકોનું શું થશે?
દેશની બેંકોના એટલા બધાં ગોટાળા સામે આવી ચૂક્યાં છે કે લોકોનો બેંકિંગ સિસ્ટમમાંથી ભરોસો જ ઉઠવા લાગ્યો છે. બેકિંગ સેક્ટરના ગોટાળા દેશની અર્થવ્યવસ્થા સાથે થતી છેતરપિંડી જ છે અને આવા મામલાઓને અક્ષમ્ય અપરાધની કક્ષામાં મૂકવા જોઇએ. પહેલેથી ખસ્તાહાલ બની ચૂકેલી દેશની અર્થવ્યવસ્થા પર બેંકોના ઉઠમણાં બેવડો પ્રહાર કરે છે.